You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવરાત્રી : કોરોનાકાળમાં કેવાકેવા નિયમો પાળવા પડશે?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
શનિવારથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે, ત્યારે કોરોનાના સમયમાં પોલીસની પરવાનગી સાથે કે પરવાનગી વગર આ તહેવારની ઉજવણી કેવી રીતે કરવી તેની જાહેરાત તો રાજ્ય સરકારે કરી લીધી છે, પરંતુ તે જાહેરાત બાદ સરકારે પોતે જાહેર કરેલા અમુક નિયમોથી યૂટર્ન પણ લેવો પડ્યો હતો.
એક તરફ જ્યારે પહેલા ક્યારેય ન ઊજવી હોય તેવી સોશિયલ ડિસ્ટન્સિંગવાળી નવરાત્રી ઉજવવા માટે ગુજરાત તૈયાર થઈ રહ્યું છે, ત્યારે બીજી બાજુ સરકારે ચોક્કસ નિયમો સાથે આ તહેવાર ઉજવવાની તાકીદ કરી છે.
9 ઑક્ટોબરના રોજ બહાર પડેલા આ જાહેરનામાં શું છે અને તેમાં શું-શું ફેરફાર આવ્યા છે તેના વિશે જાણીએ.
જોકે જાહેરનામા અને તેના પાલન વિશે બીબીસી ગુજરાતીએ જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તમામ નિયમોનું પાલન આ જાહેરનામા પ્રમાણે જ કરવાનું રહેશે. જોકે જાહેરમાં ખુલ્લો પ્રસાદ નહીં, પરંતુ સીલબંદ પૅકેટમાં પ્રસાદ આપવાનો રહેશે.
શું ગરબાનું આયોજન કરી શકશો?
ના. આખા રાજ્યમાં કોઈ પણ સોસાયટી, શેરી, હૉલ કે કોઈ પણ જાહેર સ્થળે ગરબાનું આયોજન નહીં કરી શકાય. કોઈ પણ આયોજનના વિરુદ્ધમાં સરકાર પગલાં લઈ શકે છે.
શું આરતી કરી શકાશે?
હા. સોયાયટી, શેરી કે ઘરની આસપાસના વિસ્તારમાં આરાધના, આરતી વગેરે કરી શકાશે અને તે માટે કોઈ પણ પ્રકારની પોલીસ પરવાનગીની જરૂર નથી.
આ આરતી ઘરની આસપાસ કે પોતાના જ પ્રિમાઇસિસમાં વગેરેમાં યોજી શકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું જાહેર સ્થળે આરતી કે મૂર્તિ કે ફોટો મૂકી શકાશે?
કોઈ પણ જાહેર સ્થળે પોલીસની પરવાનગી લીધા બાદ મૂર્તિ, ફોટો કે ગરબો મૂકી શકાશે.
જોકે તે સ્થળે કોઈ પણ સમયે 200થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે.
આ સ્થળે પરવાનગી સાથે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને માસ્ક પહેરવાના નિયમો વગેરેનું ચુસ્ત પાલન કર્યા બાદ આરતી વગેરે કરી શકાશે.
શું પ્રસાદ આપી શકાશે?
આરતી બાદ કોઈ પણ સ્થળે જો સીલ પેક્ડ પૅકેટ હોય તો જ પ્રસાદ વહેંચી શકાશે.
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, પ્રસાદ વહેંચનાર વ્યક્તિએ તમામ પ્રોટોકૉલનું પાલન કરવાનું રહેશે. એટલે કે તેમણે માસ્ક સારી રીતે પહેરેલો હોવો જોઈએ, તેમણે હાથનાં મોજાં પહેરેલાં હોવા જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
જાહેર સ્થળે 200 વ્યક્તિઓ સાથે ધાર્મિક મેળાવડો કેવી રીતે થઈ શકશે?
જો જાહેર સ્થળે આરતી કે મૂર્તિની સ્થાપના વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો તેમાં ફરજિયાત પણે 6 ફૂટના અંતર સાથે ફિઝિકલ ડિસ્ટન્સિંગનો અમલ કરવાનો રહેશે.
દરેક વ્યક્તિએ ફરજિયાતપણે દરેક સમયે માસ્ક સારી રીતે પહેરેલો હોવો જરૂરી છે. થર્મલ સ્ક્રિનિંગ, સમયાંતરે સૅનેટાઈઝેશન વગેરે કરવાનું રહેશે. હેન્ડ વૉશ, અને સૅનેટાઈઝરનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે.
ધાર્મિક સમારંભ દરમિયાન પાન-મસાલા વગેરેના સેવન પર અને થૂંકવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.
શું સિનિયર સિટીઝન અને બાળકો આરતી વગેરેમાં આવી શકશે?
65 વર્ષની ઉપરની વ્યક્તિઓ અને 10 વર્ષની નીચેનાં બાળકો આરતી વગેરેમાં ભાગ લઈ શકશે નહીં.
શું આરતી વગેરે સમયે ચા-નાસ્તો રાખી શકાશે?
આરતી કે ધાર્મિક મેળાવડાના સ્થળે કોઈ પણ પ્રકારનો ચા-નાસ્તો નહીં રાખી શકાય, પરંતુ તે સ્થળથી જરાક અંતરે ચા-નાસ્તો રાખી શકાશે. જોકે ત્યાં પણ ફિઝિકલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.
શું જાહેર સ્થળે મૂર્તિ કે ફોટાને ચરણસ્પર્શ કરી શકાશે?
ના, ખુલ્લી જગ્યામાં પૂજા કે આરતી કરી શકાશે, પરંતુ કોઈ પણ વ્યક્તિને ફોટા કે મૂર્તિના ચરણસ્પર્શ કરી શકશે નહીં.
જાહેરમાં આરતી કે આરાધના કરવા માટે કેટલો સમય મળશે?
આ માટે કુલ એક કલાકના કાર્યક્રમ માટે જ પોલીસ પરવાનગી આપી શકશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો