ગુજરાતમાં કોરોનાને લઈને સ્થિતિ "ભયાવહ"- ગુજરાત હાઈકોર્ટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કોરોના વાઇરસના કેસ દેશ સહિત ગુજરાતમાં પણ વધી રહ્યા છે.

ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાની કેસ સંખ્યા વધી રહી છે.

શરૂઆતમાં અમદાવાદમાં સ્થિતિ ગંભીર હતી અને હવે સુરતમાં કોરોનાની કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે.

આવા સમયે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાહવ છે, મશીનરીને ગતિ આપવાની જરૂર છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, જાહેર સોમવારે કરેલા હુકમમાં મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે નોંધ્યું છે કે રાજ્ય દ્વારા સુરતની કોવિડ-19 પરિસ્થિતિના અહેવાલમાં "પ્રોત્સાહક" વલણ દર્શાવવામાં આવ્યું હતું.

જોકે ગુજરાતમાં તારીખ પ્રમાણેની પરિસ્થિતિઓ અનુસાર જે ચિત્ર ઉભરે છે તે "એકદમ ભયાનક છે."ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલના સમયમાં કોરોના વાઇરસથી સૌથી પ્રભાવિત સુરત છે.

અહીં રોજના સરેરાશ 200થી વધુ કેસ નોંધાય છે.

સુરતના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક બસો દોડશો, ટ્રાયલ શરૂ

સુરત શહેરમાં બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) પર ઇલક્ટ્રિક બસ દોડશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, સુરત મ્યુનિપિસલ કૉર્પોરેશને સોમવારે ઇલેક્ટ્રિક બસની ટ્રાયલ શરૂ કરી હતી.

એસએમસી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે શહેરમાં કોસાડ અને પાલ (આરટીઓ) વચ્ચેના 18 કિલોમીટરના જેટલા લાંબા રસ્તે ટ્રાયલ રનની શરૂઆત કરાઈ હતી.

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને શહેરના મેયર ડૉ. જગદીશ પટેલે બસમાં સવારી કરી હતી.

સુરત મ્યુનિસિપલ કૉપોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર તેઓએ ટ્રાયલ રન શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં તબક્કા વાર ઇલેક્ટ્રિક બસોની ખરીદી શરૂ કરશે. બધું યોજના પ્રમાણે ચાલે તો આ વર્ષે ડિસેમ્બર પહેલાં કુલ 150 ઇલેક્ટ્રિક બસો બીઆરટીએસ ટ્રેક પર દોડાવવામાં આવશે.

તેમજ આ માટે એસએમસીને ફેબ્રુઆરીમાં સબસિડી તરીકે કેન્દ્ર સરકાર તરફથી પ્રથમ હપ્તારૂપે રૂપિયા 13.5 કરોડ મળી ગયા છે.

'કોરોનાને નાથવા માટે અમેરિકાએ દિલ્હીનું મૉડલ અપનાવ્યું'

દિલ્હી સરકારે દાવો કર્યો છે કે કોરોના વાઇરસને નાથવા માટે અમેરિકાએ દિલ્હી મૉડલ અપનાવ્યું છે.

એનડીટીવી ઇન્ડિયા અનુસાર, અમેરિકાએ કોવિડ-19ના રોગીઓની સારવાર માટે પ્લાઝમા થૅરપીના મૉડલને પણ અપનાવ્યું છે. આ જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે.

તેના પર દિલ્હીવાસીઓને અભિનંદન આપતાં કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું, "તેઓ કહે છે, અમેરિકા આજે જે કરે છે, ભારત એ કાલે કરશે. દિલ્હીએ તેને બદલી નાખ્યું છે. હવે દિલ્હીએ કાલે શું કર્યું, અમેરિકા આજે કરી રહ્યું છે. એના માટે દિલ્હીને અભિનંદન આપું છું."

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે આજે હું ચીનના વાઇરસ સામે અમારી લડાઈમાં વાસ્તવમાં એક ઘોષણા કરવા જઈ રહ્યો છું, જેનાથી અગણિત લોકોનો જીવ બચશે. અમે પ્લાઝમા થૅરપી અપનાવવા જઈ રહ્યા છીએ."

મહારાષ્ટ્રના રાયગઢમાં ઇમારત ધરાશાયી, એકનું મોત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં સોમવાર સાંજે એક પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે.

આ ઇમારતના કાટમાળમાં 80થી 90 લોકો દબાયા હોવાની આશંકા છે, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે.

મહાડ શહેર દક્ષિણ મુંબઈથી 180 કિલોમીટર દૂર આવેલું છે.

આઠ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં સાતની સારવાર ચાલી રહી છે અને એકનું મોત થયું છે.

રાયગઢ જિલ્લા પ્રશાસને જણાવ્યું કે ચાર ટીમો બચાવકાર્યમાં લાગી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા બળ (એનડીઆરએફ)એ જણાવ્યું કે તેઓએ મહાડમાં પોતાની ટીમો મોકલી છે.

ઉત્તર પ્રદેશ : પત્રકારની ગોળી મારી હત્યા

જનસત્તાના અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશના બલિયામાં સોમવારે એક પત્રકારની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે.

મૃતકની ઓળખ ટીવી પત્રકાર રતન સિંહના રૂપમાં થઈ છે.

પોલીસ અનુસાર, તેમને ગ્રામપ્રધાનના ઘરની બહાર ગોળી મારવામાં આવી હતી. કહેવાય છે કે તેમને કોઈ સાથે જૂનો વિવાદ હતો.

ઘટના જિલ્લાના ફેફણા થાણાની છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એસપી દેવેન્દ્રનાથનું કહેવું છે કે ઝડપથી આરોપીને પકડી લેવાશે.

કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવાયું કે 45 વર્ષીય રતન સિંહ ફેફણા ગામ તરફથી તેમના ઘર તરફ જતાં હતા ત્યારે તેમને ગોળી મારવામાં આવી.

બલિયા પોલીસે આ મામલે ટ્વીટ પર રીટ્વિટ કરીને કહ્યું કે "આ પ્રકરણમાં અવગત કરાવવા માગીએ છીએ કે તેમનો પાટીદારો સાથે જૂનો વિવાદ હતો. આ મામલે 3 આરોપીને પકડીને વધુ કાર્યવાહી કરાઈ રહી છે. આ ઘટનાનો પત્રકારત્વ સાથે કોઈ સંબંધ નથી."