You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાઈ રૉબર્ટ ટ્રમ્પનું ન્યૂ યૉર્કમાં નિધન - TOP NEWS
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાણકારી આપી છે કે તેમના નાના ભાઈ રૉબર્ટ ટ્રમ્પનું ન્યૂ યૉર્કના એક હૉસ્પિટલમાં નિધન થઈ ગયું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારે પોતાના ભાઈને મળવા હૉસ્પિટલ ગયા હતા.
એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું, ''બહુ ભારે હૃદયથી હું તમને જણાવી રહ્યો છું કે મારા સૌથી સારા ભાઈએ રૉબર્ટ ટ્રમ્પે ગત રાત્રે આખરી શ્વાસ લીધો હતો. તેઓ માત્ર મારા ભાઈ નહીં પરંતુ મારા સૌથી સારા મિત્ર હતા. અમને તેમની કમી અનુભવાશે. પરંતુ અમે પાછા મળીશું. તેમની યાદ હંમેશા મારા દિલમાં રહેશે. રૉબર્ટ હું તમને પ્રેમ કરું છું. રેસ્ટ ઇન પીસ. ''72 વર્ષના રૉબર્ટ રાષ્ટ્રપતિ ટ્રમ્પથી બે વર્ષ નાના હતા અને રિયલ એસ્ટેટનો વેપાર કરતા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે ન્યૂ યૉર્કના કૉર્નેલ મેડિકલ સેન્ટરમાં ભર્તી પોતાના ભાઈને મળવા ગયા હતા. ત્યાર પછી તેઓ અઠવાડિયાના અન્તમાં બેડમિંસ્ટર, ન્યૂ જર્સી સ્થિત પોતાના ગોલ્ફ ક્લબ જતા રહ્યા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક સહયોગીએ જણાવ્યું કે તેઓ પોતાના ભાઈના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે.
ગુજરાતમાં વરસાદથી 12 રાજમાર્ગ બંધ, ક્યાં-ક્યાં તોળાઈ રહ્યું છે પૂરનું જોખમ?
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે NDRFની ટુકડીઓને તહેનાત કરવાની જરૂર પડી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાજ્યમાં ઠેર-ઠેર ભારે વરસાદ થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે.
રાજ્ય સરકારે શુક્રવારે કહ્યું હતું કે ગુજરાતમાં 12 રાજમાર્ગો ( સ્ટેટ હાઇવે) સહિત 225 સડકો ભારે વરસાદને કારણે બંધ કરી દેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સિવાય સુરતના લિંબાયત વિસ્તાર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદને કારણે બે લોકોનાં મત્યુ થયાં હતાં. પોરબંદરમાં દરિયાકાંઠે ત્રણ બોટ પલટી ગઈ હતી.
ઇન્ડિયન એક્સપ્રેસે શુક્રવારે લખેલા અહેવાલ પ્રમાણે રાજ્યમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં, એ ઉપરાંત આ બે મૃત્યુ નોંધાયાં છે.
ભારે વરસાદને પગલે રાજ્યના કેટલાક શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે.
માંગરોડ તાલુકામાં શુક્રવારે 7.40 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉમરપાડામાં 6.9 ઇંચ અને કામરેજ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો.
લિંબાયતમાંથી 1,750 લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા.
ત્યારે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા મુજબ સુરત અને વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
તાપી નદીમાં પાણીનું સ્તર વધતા ઉકઈ ડૅમમાંથી 70 હજાર ક્યૂસેક પાણી છોડવું પડ્યું હતું. આજવા ડૅમમાંથી પણ પાણી છોડવું પડ્યું હતું, જેના પગલે વિશ્વામિત્રી નદી શુક્રવારે રાત્રે જ ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ હતી.
કોરોનાને કારણે ગુજરાતના વિકાસની ગતિ ધીમી પડી?
15 ઑગસ્ટે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે અંગ્રેજોની વિરુદ્ધના 'ભારત છોડો' આંદોલનની જેમ રાજ્ય અને દેશમાં કોરોના વાઇરસની સામે આવું જાગરુકતા આંદોલન ચલાવવું પડશે.
હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર પ્રમાણે ગાંધીનગરમાં સ્વતંત્રતાદિવસ નિમિત્તે સ્વર્ણિમ પાર્કમાં એક કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કહ્યું કે મહામારીને કારણે રાજ્યમાં વિકાસની ગતિ ધીમી પડી ગઈ છે અને તેમની સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું, "આઝાદી મેળવવા માટે અને બ્રિટિશ શાસનને ભારતમાંથી બહાર કરવા માટે આખા દેશે ભારત છોડો આંદોલન હાથ ધર્યું હતું. પરિણામ સ્વરૂપે બ્રિટિશ લોકો દેશ છોડીને ચાલ્યા ગયા હતા અને આપણને આઝાદી મળી હતી."
રૂપાણીએ કહ્યું, "ધરતીકંપ, પૂર, વાવાઝોડાં છતાં ગુજરાત અને તેના લોકોએ પડકારને અવસરમાં બદલ્યા છે, તેની પાછળનું કારણ છે આપણી તાકાત. આપણો વિકાસ અત્યારે ધીમો પડ્યો છે પરંતુ આપણે પરિસ્થિતિ કાબૂમાં લઈ લઈશું."
13 વર્ષનાં સગીરાની દુષ્કર્મ બાદ હત્યા
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક 13 વર્ષીય સગીરા પર કથિત દુષ્કર્મ પછી તેની હત્યા કરી દેવામાં આવી છે.
એનડીટીવીના અહેવાલ મુજબ 15મી ઑગસ્ટે પોલીસે જણાવ્યું કે સગીરાનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો.
આ મામલામાં ગામના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. સગીરાના પિતાનું કહેવું છે કે તેનું ગળુ દાબી દેવામાં આવ્યું હતું.
લખનૌથી 130 કિલોમિટર દૂર નેપાળ-ભારત સરહદ પાસેના ગામમાં આ બનાવ શુક્રવારે બન્યો હતો.
સગીરાનો મૃતદેહ એક આરોપીના ખેતરમાંથી મળી આવ્યો હતો.
લખીમપુર જિલ્લાના પોલીસે કહ્યું, "સગીરાના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ દુષ્કર્મ, હત્યા અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. "
સગીરાના પિતાએ કહ્યું કે તેઓ શુક્રવારથી લાપતા હતાં અને પરિવાર તેમને શોધી રહ્યો હતો. તેઓ શેરડીના ખેતરમાં મળ્યાં, તેમની આંખો કાઢી લેવામાં આવી હતી, જીભ કાપી નાખવામાં આવી હતી અને દુપટ્ટાથી ગળું દબાવવામાં આવ્યું હતું.
બહુજન સમાજ પાર્ટીનાં નેતા માયાવતીએ આ ઘટનાની ટીકા કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો