You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લદ્દાખ સીમા પર ચીનના 17 હજાર સૈનિક, ભારતની પણ ટી-90 ટેન્ક તહેનાત - Top News
લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના વિવાદનો હજુ સુધી સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. ગત રવિવારે બંને પક્ષો વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત પણ થઈ હતી, પણ સીમા પરનો વિવાદ પૂરો થયો નથી.
દૈનિક હિન્દુસ્તાનના રિપોર્ટ અનુસાર, લદ્દાખ સીમા પર ચીને 17 હજાર સૈનિકો તહેનાત કર્યા છે, તો ભારત પણ મોરચા પર ટી-90 ટેન્ક તહેનાત કરી છે. આ સિવાય સૈનિકબળની પણ તહેનાતી કરાઈ છે.
અખબાર અનુસાર ચીને દૌલત બેગ ઓલ્ડી અને દેપસાંગમાં 17 હજાર સૈનિક તહેનાત કર્યા છે.
અખબારે સરકારી સૂત્રોના હવાલાથી લખ્યું કે ભારત તરફથી કારાકોરમ પાસે પેટ્રોલિંગ પૉઇન્ટ-1થી દેપસાંગ મેદાન સુધી તહેનાતી કરાઈ છે, જ્યાં એપ્રિલ-મે મહિનામાં ચીનના સૈનિકો હતા.
સૂત્રોનું કહેવું છે કે ચીનની તહેનાતીથી પીપી-10થી પીપી-13 સુધી પેટ્રોલિંગ થઈ શકતું નથી.
રામમંદિરમાં રામ-લક્ષ્મણની મૂર્તિને મૂછ હોવી જોઈએ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે પાંચ ઑગસ્ટે અયોધ્યામાં રામમંદિરની આધારશિલા રાખશે.
આખું અયોધ્યાતંત્ર અને ઉત્તર પ્રદેશ સરકાર આ કાર્યક્રમની તૈયારીમાં લાગેલાં છે. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને તૈયારીની સમીક્ષા કરી હતી.
આ દરમિયાન મહારાષ્ટ્રના શિવ પ્રતિષ્ઠાનના સંસ્થાપક સંભાજી ભિડેએ એવી માગણી કરી છે અયોધ્યામાં રામ-લક્ષ્મણની મૂર્તિને મૂછ હોવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મરાઠી દૈનિક લોકમતમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એમણે માગણી કરી કે, રામ-લક્ષ્મણ પુરૂષ દેવો છે અને ચિત્રકારોએ એમનું ચિત્ર દોરવામાં ઐતિહાસિક ભૂલ કરી છે તે હવે સુધારી લેવી જોઈએ અને એમની મૂર્તિને મૂછ હોવી જોઈએ.
સંભાજી ભિડેનું સંગઠન આરએસએસનું સમાંતર સંગઠન છે. મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસા મામલે શ્રી શિવ પ્રતિષ્ઠાન હિંદુસ્તાનના સંસ્થાપક સંભાજી ભિડે અને હિંદુ એકતા અઘાડી મિલિંદ એકબોટે સામે પૂનાના પિંપરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર 5 ઑગસ્ટે મંચ પર વડા પ્રધાન સહિત માત્ર પાંચ લોકો હશે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ મંચ પર હશે.
દોઢસોથી વધુ લોકોને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે, જેનાથી વધુ લોકોને પરવાનગી નથી. નિમંત્રણ પર ખાસ સિક્યૉરિટી કોડ હશે, એટલે કે જેના નામે નિમંત્રણપત્ર હશે એ જ અંદર જઈ શકશે.
મોબાઇલ, કૅમેરા, ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર પ્રતિબંધ છે. ભૂમિપૂજન માટે 135 સંતોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. ઘણી નદીઓ અને દરિયાનું જળ લાવવામાં આવ્યું છે.
મંદિરનિર્માણ માટે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર એક ટ્રસ્ટની રચના કરાઈ છે, જેણે પાંચ ઑગસ્ટે આધારશિલા રાખવાનો નિર્ણય લીધો છે.
સુપ્રીમ કોર્ટે શનિવાર 9 નવેમ્બર, 2019માં અયોધ્યા પર નિર્ણય સંભળાવતાં જમીનનો એ ભાગ હિંદુ પક્ષને આપવાનો નિર્ણય લીધો, જ્યાં બાબરી મસ્જિદ હતી.
કાશ્મીર : પાંચ ઑગસ્ટ પહેલાં શ્રીનગરમાં કરફ્યૂ
શ્રીનગરમાં બે દિવસ માટે કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યાની પહેલી વર્ષગાંઠ પર પ્રશાસનને ભારે વિરોધપ્રદર્શનની આશંકા છે.
શ્રીનગર પ્રશાસને સોમવારે ચાર અને પાંચ ઑગસ્ટ સુધી કરફ્યૂની ઘોષણા કરી છે.
શ્રીનગરના જિલ્લાધિકારી તરફથી જારી આદેશમાં કહેવાયું છે, "એવી ઘણી જાસૂસી જાણકારી મળી છે કે અલગાવવાદીઓ અને પાકિસ્તાન સમર્થિક સમૂહોની પાંચ ઑગસ્ટે કાળો દિવસ મનાવવાની યોજના છે. આથી ભારે વિરોધપ્રદર્શનની આશંકા નકારી ન શકાય. પાંચ ઑગસ્ટે હિંસક પ્રદર્શન થવાની પણ જાણકારી છે, જેમાં લોકોના જાનમાલને નુકસાન પહોંચાડાઈ શકે છે."
ગત વર્ષે પાંચ ઑગસ્ટે કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 દૂર કરી દીધી હતી.
તેમજ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધું હતું.
મોદી સરકારનો આ નિર્ણય ઘણો વિવાદમાં આવ્યો હતો અને કાશ્મીરની મુખ્યધારાની પાર્ટી સહિત દેશના ઘણા વિપક્ષોએ તેની ટીકા કરી હતી.
અફઘાનિસ્તાનની જેલ પર આઈએસનો હુમલો, 26નાં મોત
અફઘાનિસ્તાનના પૂર્વ ભાગના શહેર જલાલાબાદની સેન્ટ્રલ જેલ પર થયેલા હાઈ પ્રોફાઇલ હુમલામાં કમસે કમ 29 લોકોનાં મૃત્યુ થયાં છે.
કથિત ઇસ્લામિક સ્ટેટ ચરમપંથી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
આ હુમલો રવિવારે સાંજે થયો હતો. બંદૂકધારી ચરમપંથીઓએ જેલના પ્રવેશદ્વાર પાસે કારમાં બૉમ્બ રાખીને ધડાકા કર્યા હતા.
જિલ્લાના એક પ્રવક્તા અનુસાર આ લડાઈ અંદાજે 20 કલાક સુધી ચાલી, જેમાં આઠ હુમલાખોર માર્યા ગયા છે. હુમલા બાદ અંદાજે 300 કેદી ફરાર થઈ ગયા છે.
સુરક્ષાકર્મીઓમાંથી એક સોર્સે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે જેલમાં કુલ 1793 કેદી હતી, મોટા ભાગના તાલિબાન અને આઈએસ લડાકુ હતા. એ અંગે હજુ પણ કોઈ માહિતી નથી કે હુમલાનો હેતુ કેટલાક ખાસ કેદીઓને છોડાવવાનો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો