You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિન્દુઓ જ્યાં કમજોર, ત્યાં ભારતની અખંડિતતા ખતરામાં- મોહન ભાગવત TOP NEWS
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે, "અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ ફરીથી લખ્યો હતો અને આપણે દેશનો સાચો ઇતિહાસ ફરીથી પાછો અપાવવાની જરૂર છે."
તેમણે એમ પણ કહ્યું કે, "મજબૂત સમાજ માટે આપણે હિન્દુત્વને મજબૂત કરવાની જરૂર છે."
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતેના એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, "આપણે 'હિન્દુ જ ભારત છે અને ભારત હિન્દુ છે', આ તથ્યને મજબૂત બનાવવાની જરૂર છે, કારણ કે અંગ્રેજોએ આપણા ઇતિહાસને ફરીથી લખીને આપણી મૂળ ઓળખ જ બદલી નાખી છે."
તેમણે વધુમાં કહ્યું કે, "જે લોકોને અંગ્રેજોએ અપરાધી કહ્યા અને આઝાદી પછી આપણે નોટિફાઇ કર્યા. એ તમામ લોકો સિદ્ધપુરુષો છે. તેઓ સમાજને ગૌરવ અપાવવાના અભિયાનનો ભાગ હતા."
આરએસએસ પ્રમુખ અનુસાર, 1947માં થયેલા વિભાજને હિન્દુઓને કમજોર કરી નાખ્યા.
મોહન ભાગવતના કહ્યા પ્રમાણે, અખંડ ભારત ત્યાં વિભાજિત થયું, જ્યાં હિન્દુઓ કમજોર છે. જો આપણે ભારતમાં એવી જગ્યાઓ જોઈએ જ્યાં લોકો પરેશાન છે અને દેશની અખંડતા ખતરામાં છે, તો ખ્યાલ આવશે કે તે તમામ જગ્યાઓ પર હિન્દુ અને હિન્દુત્વના વિચારો કમજોર છે. આપણે આપણા આત્માને જીવિત રાખવાની જરૂર છે. માટે જ મોહમ્મદ ઇકબાલે કહ્યું છે કે, 'કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં'.
ઓમિક્રૉન વૅરિયન્ટને પગલે 10 દેશોમાંથી આવતા મુસાફરો માટે ગુજરાતમાં આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત
તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટને 'ચિંતાજનક વૅરિયન્ટ'ની યાદીમાં મૂક્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વૅરિયન્ટના અનેક દેશોમાં કેસ જોવા મળતા વિવિધ રાષ્ટ્રો દ્વારા અલગઅલગ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. એવામાં ગુજરાત સરકારે શનિવારના રોજ 10 દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે ઍરપૉર્ટ પર જ આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં યુરોપ, યુકે, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલૅન્ડ અને ઝિમ્બાબ્વેથી આવતા મુસાફરોએ ઍરપૉર્ટ પર જ ફરજિયાત આરટીપીસીઆર ટૅસ્ટ કરાવવો પડશે.
ઓમિક્રૉન વૅરિયન્ટના શરૂઆતી કેસ દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, હૉંગકૉંગ, ઇઝરાયલ તેમજ બેલ્જિયમમાંથી મળી આવ્યા હતા.
ડબલ્યુએચઓ દ્વારા આ વૅરિયન્ટને 'ચિંતાજનક વૅરિયન્ટ'ની યાદીમાં રાખવા પાછળનું કારણ એ છે કે તેના ઘણા બધા મ્યૂટેશન્સ છે અને તે વૅક્સિનની અસર સામે વધારે પ્રતિરોધ કરી શકે છે.
આ ઉપરાંત દર્દીના શરીરમાં સંક્રમણના દરમાં વધારો કરવાથી લઈને ગંભીર લક્ષણો સુધી પણ દોરી જાય છે.
8 હજાર કરોડના પ્લેનમાં ફરતા પીએમ ખેડૂતોનું દેવું માફ નથી કરી શકતા: પ્રિયંકા ગાંધી
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે વડા પ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેઓ રેલીઓના સંબોધન માટે 8 હજાર કરોડના પ્લેનમાં ફરે છે, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરી શકતા નથી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, બુંદેલખંડમાં કૉંગ્રેસની 'પ્રતિજ્ઞારેલી'ને સંબોધતી વખતે પ્રિયંકા ગાંધીએ આ નિવેદન આપ્યું હતું અને જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવુ માફ કરવાની સાથે મહિલાઓને મફતમાં ગૅસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન પર પ્રહાર કરતા કૉંગ્રેસ મહાસચિવે કહ્યું હતું કે, "શું તમે જાણો છો પીએમના ઉદ્યોગપતિમિત્રો કેટલું કમાય છે? તેઓ રોજ 19 હજાર કરોડથી વધુ રૂપિયા કમાય છે. જ્યારે તમે દિવસના માત્ર 27 રૂપિયા કમાવ છો."
તેમણે વધુમાં કહ્યું હતું કે, "તમને ખબર છે તેઓ જે પ્લેનમાં ફરે છે તેની કિંમત શું છે? તેની કિંમત 8 હજાર કરોડ રૂપિયા છે. તેઓ અહીં એ જ પ્લેનમાં બેસીને સ્પીચ આપવા આવે છે, પરંતુ તમારી આવક વધારતા નથી, ખેડૂતોનું દેવું માફ કરતા નથી. જો તેમની પાસે પ્લેન ખરીદવાના પૈસા હોય તો સામાન્ય લોકો માટે પણ હોવા જ જોઈએ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો