You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનની યુવતીને મળવા સરહદ પાર કરવા જતો યુવક કચ્છથી પકડાયો - Top News
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની એક મહિલા સાથે મિત્રતા થયા બાદ તેને મળવા માટે કચ્છ બૉર્ડર પરથી પાકિસ્તાનમાં પ્રવેશવાની કોશિશ કરી રહેલા મહારાષ્ટ્રના એક 20 વર્ષીય યુવકની બીએસએફએ ધરપકડ કરી છે.
'એનડીટીવી'ના અહેવાલ પ્રમાણે ઝિશાન મહમ્મદ સિદ્દીકી નામનો આ યુવક મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના ખ્વાજાનગરનો રહેવાસી છે અને તે ઍન્જિનિયરિગનો વિદ્યાર્થી છે.
કચ્છ-પૂર્વના એસપી પરિક્ષિત રાઠોડે જણાવ્યું કે બીએસએફએ સિદ્દીકીને ગુરુવારે રાત્રે પકડ્યો હતો અને બાદમાં સ્થાનિક પોલીસને સોંપી દેવાયો હતો.
તેમણે ઉમેર્યું કે કચ્છના રણમાં ધોળાવીરા પાસેથી મહારાષ્ટ્રની નોંધણી નંબરની બંધ હાલતમાં પડેલી મોટરસાઇકલ મળી આવ્યા બાદ પોલીસે ઍલર્ટ જાહેર કરી હતી.
જે પછી બીએસએફએ પાકિસ્તાનમાં પ્રવેશવા માટે સરહદ તરફ ચાલીને જઈ રહેલા યુવકને પકડી પાડ્યો હતો.
મહારાષ્ટ્રના પોલીસઅધિકારીના જણાવ્યા અનુસાર સિદ્દીકી 11 જુલાઈએ ઉસ્માનાબાદથી પાકિસ્તાનમાં રહેતી મહિલાને મળવા મોટરસાઇકલ પર નીકળ્યો હતો, કારણકે લૉકડાઉનને કારણે પબ્લિક ટ્રાન્સપૉર્ટનાં સાધનો ઉપલબ્ધ નહોતાં.
વિકાસ દુબેનું ઍન્કાઉન્ટર ફેક નહોતું: UP પોલીસની ઍફિડેવિટ
ઉત્તર પ્રદેશ પોલીસે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે 10 જુલાઈએ થયેલું ઍન્કાઉન્ટર કે જેમાં માથાભારે ગૅંગસ્ટર વિકાસ દુબે માર્યો ગયો હતો તે ઘટનાની સમગ્રતાને જોતા કોઈ પણ રીતે નકલી ઍન્કાઉન્ટર ન કહી શકાય.
'ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ' અખબારના અહેવાલ પ્રમાણે યૂપીના DGP હિતેશચંદ્ર અવસ્થીએ સુપ્રીમ કોર્ટમાં આ મામલે રજૂ કરેલી ઍફિડેવિટમાં કહ્યું છે કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(STF)ના કર્મી પાસે આત્મરક્ષા માટે જવાબી ફાયરિંગ કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. કારણ કે દુબે પિસ્તોલ છીનવી ભાગ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍફિડેવિટમાં અપાયેલા ઘટનાક્રમ 9 જુલાઈએ દુબેની ઉજ્જૈનમાં ધરપકડના સમાચાર આવ્યા ત્યારે STF ગ્વાલિયર પહોંચી ચૂકી હતી.
એ પછી STFની ટીમ ઉજ્જૈન પહોંચી, વિકાસ દુબેને ક્સ્ટડીમાં લીધો અને તેને UP રજિસ્ટ્રેશનના વાહનમાં 253 કિલોમિટર દૂર ગુના સુધી લઈ જવામાં આવ્યો.
ઍફિડેવિટ પ્રમાણે ભારે વરસાદને કારણે ઢાળ ઊતરતી વખતે વાહને કાબૂ ગુમાવ્યો, જે બાદ પિસ્તોલ છીનવીને ભાગેલા વિકાસ દુબેએ નવ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં કરાયેલા ફાયરિંગમાં તે માર્યો ગયો.
પોલીસે ઍફિડેવિટમાં એમ પણ કહ્યું કે તેને હાથકડી એટલા માટે નહોતી પહેરાવાઈ, કારણ કે તેને સીધો કાનપુર કોર્ટ લઈ જવાતો હતો અને 15 પોલીસકર્મી અને ત્રણ વાહનોનોન કાફલો હતો.
પ્રસૂતિ દરમિયાન થતાં માતાઓનાં મૃત્યુનો દર ઘટ્યો
ભારતમાં મૅટરનલ મૉર્ટાલિટી રેશિયો(MMR) એટલે કે પ્રસૂતિ દરમિયાન થતાં માતાઓનાં મૃત્યુનો દરમાં એક વર્ષમાં 9 પૉઇન્ટનો ઘટાડો થયો છે.
'લાઇવ મિન્ટ'ના અહેવાલ પ્રમાણે શુક્રવારે રજિસ્ટર જનરલ ઑફ ઇન્ડિયાએ MMR બાબતે બહાર પાડેલા સ્પેશિયલ બુલેટિનમાં આ માહિતી જાહેર કરી છે.
રેશિયો 2015-17માં 122 પૉઇન્ટ્સ હતો, જે ઘટીને 2016-18માં 113 થયો. જે 7.4 ટકાનો ઘટાડો દર્શાવે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને જણાવ્યું કે 2011-13થી ભારતમાં MMRમાં ઘટાડા મામલે સતત પ્રગતિ નોંધાઈ છે, જેથી ભારત 2030 સુધીમાં આ આંક ધટાડીને પ્રતિ એક લાખ જન્મ પર 70 સુધી નીચે લઈ જવાના લક્ષ્ય તરફ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.
બુલેટિન પ્રમાણે દેશમાં SDGનું લક્ષ્ય હાંસલ કરનારાં રાજ્યોની સંખ્યા ત્રણથી વધીને પાંચ થઈ છે.
તો દેશમાં 11 રાજ્યોએ NHPમાં MMRનું નિર્ધારિત લક્ષ્ય મેળવ્યું છે, જેમાં ગુજરાત(75) , પશ્ચિમ બંગાળ(98) અને ઝારખંડ(71)નો પણ સમાવેશ થાય છે.
ભારત વધારાના ક્રૂડજથ્થાનો અમેરિકામાં સંગ્રહ કરશે
આંતરરાષ્ટ્રીય અરાજકતાની સ્થિતિમાં પોતાની જરૂરિયાતના ક્રૂડપુરવઠાને ખોરવાતો અટકાવવા માટે હવે ભારત ક્રૂડના વધારાના જથ્થાને અમેરિકાના સંગ્રહસ્થાનોમાં સંગ્રહ કરવાની તૈયારીમાં છે.
'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે કેન્દ્રીય પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે નીતિગત રીતે ક્રૂડનો સંગ્રહ કરવાના લક્ષ્યથી ક્રૂડઑઇલને યુએસ સ્ટ્ર્રૅટેજિક રિઝર્વ્સમાં સંગ્રહિત કરવા માટે અમેરિકા સાથે ચર્ચાઓ અગ્રીમ સ્તરે પહોંચી ચૂકી છે.
શુક્રવારે બીજી યુએસ-ઇન્ડિયા સ્ટ્રૅટેજિક ઍનર્જી પાર્ટનરશીપ(SEP)ના ભાગરૂપે ભારતીય પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અમેરિકાના ઍનર્જીસેક્રેટરી ડૅન બ્રૉઉલેટ વચ્ચે થયેલી વર્ચ્યુઅલ મિટિંગના મુખ્ય નિષ્કર્ષોમાં એક આ પણ હતું.
સરકાર હસ્તકની ઇન્ડિયન સ્ટ્રૅટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ(ISPRL) દેશમાં 5.33 મિલિયન ટનની કુલ ક્ષમતા ધરાવતી ત્રણ સંગ્રહ સુવિધાઓનું સંચાલન કરે છે, જે અસામાન્ય પરિસ્થિતિઓમાં દેશની 9.5 દિવસની ક્રૂડની જરૂરિયાતને પૂરી પાડી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો