કોરોના વાઇરસઃ શું ભારત નવું વૈશ્વિક હૉટસ્પૉટ બની જશે?

    • લેેખક, અપર્ણા અલ્લુરી અને શાદાબ નઝમી
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

કોરોના વાઇરસે ભારતમાં ધીમેધીમે પગપેસારો કર્યો હતો, પણ તેના ચેપનો સૌપ્રથમ કન્ફર્મ કેસ નોંધાયાના છ મહિના પછી ભારત, સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે અને તેણે રશિયાને પાછળ રાખી દીધું છે.

ભારત સૌથી વધુ વસતી ધરાવતો વિશ્વનો બીજા ક્રમનો દેશ છે અને અહીં મોટાભાગના લોકો ગીચ શહેરોમાં વસવાટ કરે છે. તેથી આ દેશ વૈશ્વિક હૉટસ્પૉટ બનશે તે કદાચ નક્કી જ હતું.

પણ ભારતમાંના કેસનો આંકડો શંકાસ્પદ છે, કારણ કે અહીં પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવતું નથી અને અત્યંત ઓછા મૃત્યુદરને લીધે વૈજ્ઞાનિકો પણ ગૂંચવાઈ ગયા છે.

હવે આગળ એ પાંચ ચીજોની વાત જે ભારતમાં કોરોના મહામારીના પ્રસાર વિશે જાણીએ છીએ.

1. ભારતમાં કેસોની સંખ્યા ઝડપથી વધી

ભારતમાં કેસોની સંખ્યામાં તાજેતરમાં રેકર્ડ વધારો જોવા મળ્યો છે અને રોજેરોજ હજારો નવા દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે. આકરા લૉકડાઉનમાંથી રાહત આપવામાં આવ્યાના જૂજ સપ્તાહ બાદ જૂનમાં જ સૌથી વધુ કન્ફર્મ કેસ નોંધાયા હતા.

સાતમી જુલાઈ સુધીમાં કુલ 7,19,664 કન્ફર્મ કેસ નોંધાયા હતા, પણ વાઇરૉલૉજિસ્ટ ડૉ. શાહિદ જમીલના જણાવ્યા મુજબ, દેશમાં ચેપનો વ્યાપ કેટલી હદે પ્રસર્યો છે તે અસ્પષ્ટ છે.

સરકારે મે મહિનામાં 26,000 નાગરિકોનું રૅન્ડમ ટેસ્ટિંગ કર્યું હતું, જે પૈકીના 0.73 ટકામાં વાઇરસનો ચેપ જોવા મળ્યો હતો.

રૅન્ડમ ટેસ્ટિંગની આ સંખ્યા બાબતે કેટલાક નિષ્ણાતો ભિન્ન મત ધરાવે છે, પણ ડૉ. જમીલ જેવા કેટલાક અન્ય જણાવે છે કે 'માત્ર આ જ એ આંકડા છે જે દેશભરની તસવીર રજૂ કરે છે અને તેમણે તેને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે.'

ડૉ. જમીલે કહ્યું હતું, "એ સંદર્ભમાં દેશની સમગ્ર વસતી બાબતે વિચારીએ તો મે મહિનાના મધ્ય સુધીમાં જ એક કરોડ સંક્રમિતો જોવા મળ્યા હોત."

ભારતમાં કન્ફર્મ કેસની સંખ્યા દર 20 દિવસે બમણી થઈ રહી છે એ ગણતરી મુજબ હાલની કુલ સંખ્યા ત્રણથી ચાર કરોડ વચ્ચેની હોવી જોઈએ.

કન્ફર્મ કેસો અને વાસ્તવમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વચ્ચે દરેક દેશમાં તફાવત હોય છે, પણ તેની માત્રા અલગ હોય છે. એ બન્ને આંકડા વચ્ચેના તફાવતને ખતમ કરવાનો એકમાત્ર ઉપાય હોય છે ટેસ્ટિંગ.

ડૉ. જમીલે કહ્યું હતું કે "વધારે પરીક્ષણ કરવામાં આવે તો વધારે કેસ બહાર આવી શકે."

ભારતમાં તાજેતરનાં સપ્તાહોમાં આવું જ થયું છે. સરકારે ટેસ્ટિંગનું પ્રમાણ વધાર્યાની સાથે જ કેસોની સંખ્યામાં પણ અચાનક વધારો થયો છે.

13મી માર્ચથી અત્યાર સુધીમાં ભારતમાં એક કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે, પણ એ પૈકીના 50 ટકા ટેસ્ટ પહેલી જૂન પછી કરવામાં આવ્યા હતા.

2. ભારતમાં પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ થતું નથી

ભારતમાં કેસનો સત્તાવાર આંકડો ઘણો ઊંચો છે, પણ માથાદીઠ સંદર્ભમાં તે પ્રમાણ અપેક્ષાએ ઓછું છે. સરકારે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતની માથાદીઠ સરખામણીએ વિશ્વમાં સરેરાશ ત્રણગણા વધારે કેસ છે.

જોકે ડૉ. જમીલના જણાવ્યા અનુસાર, ભારતમાં માથાદીઠ કેસનું પ્રમાણ ઓછું છે, કારણ અહીં બહુ ઓછું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

કેસોનું માથાદીઠ ઊંચું પ્રમાણ ધરાવતા દેશો સાથે ભારતની સરખામણી કરીએ તો સમજાશે કે એ દેશોમાં વધારે વ્યાપક ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે ભારતમાં કેસનું કુલ પ્રમાણ નગણ્ય કહી શકાય, કારણ કે અહીં ટેસ્ટિંગનું પ્રમાણ અત્યંત ઓછું છે.

તમે કેટલા પ્રમાણમાં ટેસ્ટિંગ કરો છો એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે તમે કોનું ટેસ્ટિંગ કરો છો.

ભારતમાં પરીક્ષણ અને નવા દર્દીઓનો શોધવાનું અભિયાન શરૂઆતમાં, અત્યંત જોખમી ચેપગ્રસ્તો અને તેમના સંપર્કમાં આવેલા લોકો પૂરતું જ મર્યાદિત હોવા ઉપરાંત ચેપને વધુ લોકો સુધી ફેલાતો અટકાવવાનું હતું.

કોવિડ-19ની ટેસ્ટિંગ વ્યૂહરચનાના અભ્યાસુ ગણીતશાસ્ત્રીઓ હિમાંશુ ત્યાગી અને આદિત્ય ગોપાલને જણાવ્યું હતું કે ચેપ ઝડપથી ફેલાવા લાગે એ પછી પરીક્ષણ અને ચેપગ્રસ્તોને શોધવાનું અપૂરતું થઈ જાય છે.

ટેસ્ટ અને ટ્રૅસ કામગીરીથી ચેપનો વ્યાપ અંકુશમાં રાખવામાં મદદ મળે છે, પણ સમુદાયમાંના વણઓળખાયેલા નવા કેસને તેનાથી શોધી શકાતા નથી, એમ હિમાંશુ ત્યાગી અને આદિત્ય ગોપાલને જણાવ્યું હતું.

ભારતમાં એ માટે લોકોનું મોટાપાયે ટેસ્ટિંગ કરવું પડે, પણ ભારતમાં કોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે એ આપણને કેવી રીતે ખબર પડે?

સમગ્ર દેશમાંના ટેસ્ટિંગના આંકડાની સરખામણી મુશ્કેલ છે, કારણ કે કેટલાંક રાજ્યો તેમણે કેટલા લોકોનું ટેસ્ટિંગ કર્યું તેની ગણતરી કરે છે, જ્યારે કેટલાંક રાજ્યો તેમણે કેટલા ટેસ્ટ કર્યા તેનો હિસાબ રાખે છે.

ભારતમાં પણ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તેનો હિસાબ રાખવામાં આવે છે અને એ આંકડો અતિશયોક્તિભર્યો છે, કારણ કે મોટાભાગના લોકોનું એક કરતાં વધુ વખત ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

તેથી વૈજ્ઞાનિકો, એક કન્ફર્મ કેસ શોધવા માટે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તેની ગણતરીને ધ્યાનમાં લે છે. કન્ફર્મ કેસ શોધવા માટેના ટેસ્ટનું પ્રમાણ જેટલું વધારે એટલો જ વધારે વ્યાપ.

આ સંદર્ભે ભારતની કામગીરી, કોરોના વાઇરસના પ્રસારને અંકુશમાં લઈ શકેલા દેશોની સરખામણીએ નબળી છે.

જેટલા મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ થાય પૉઝિટિવ કેસનું પ્રમાણ એટલું ઘટતું હોય છે. ન્યૂ ઝીલૅન્ડ અને તાઇવાનનો દર એક ટકાથી ઓછો હોવાનું કારણ આ જ છે.

ભારતનો પૉઝિટિવ દર એપ્રિલમાં 3.8 ટકા હતો, જે જુલાઈમાં વધીને 6.4 ટકા થઈ ગયો છે અને એ વધી રહ્યો છે. તેનું કારણ એ છે કે ટેસ્ટિંગ હજુ પણ જોખમી ચેપગ્રસ્તો અને તેમના સંપર્કમાં આવેલા લોકો સુધી જ મર્યાદિત છે.

3. ભારતનો રિકવરી રેટ આશાસ્પદ

આંકડા સૂચવે છે કે ચેપ લાગવાના અને તેનાથી મૃત્યુ પામવાના દરની સરખામણીએ ચેપગ્રસ્તો વધુ ઝડપથી સાજા થઈ રહ્યા છે.

કન્ફર્મ કેસોનું, દર્દીઓના સાજા થવાનું અને મૃત્યુનું પ્રમાણ કેટલા દિવસમાં બમણું થાય છે તેની વિગત, વાઇરસ કઈ રીતે આગળ વધશે તેનો તાગ મેળવવામાં વૈજ્ઞાનિકોને મદદરૂપ થાય છે. એ સમયગાળો જેટલો લંબાય તેટલું સારું.

ચેતવણીસમાન વાત એ છે કે ભારતના ડબલિંગ રેટ બાબતે વૈજ્ઞાનિકોને શંકા છે. ટેસ્ટિંગનું પ્રમાણ ઓછું હોય એટલે નવા કેસ ઓછા નોંધાય અને ધીમી ગતિએ નોંધાય.

તેને કારણે કન્ફર્મ કેસોની સરખામણીએ ચેપગ્રસ્તોના સાજા થવાનું પ્રમાણ પણ ઝડપથી વધે.

ડૉ. જમીલે કહ્યું હતું કે ખરેખર તો ચેપગ્રસ્તોના મૃત્યુના ડબલિંગ રેટને ધ્યાનમાં લેવો જોઈએ. મૃત્યુનો ડબલિંગ રેટ હાલ આશરે 26 દિવસનો છે. તે ઝડપી બનશે તો હૉસ્પિટલ્સ પરનું દબાણ વધશે, સંભવતઃ મૃત્યુ પણ વધશે.

કોરોનાનો માઠો પ્રભાવ ધરાવતા અન્ય દેશોની સરખામણીએ ભારતમાં દર્દીઓના સાજા થવાની સ્થિતિ વધારે સ્પષ્ટ છે.

તેનો અર્થ એ થયો કે ભારતમાંના કોવિડ-19ના દર્દીઓ અમેરિકા તથા બ્રાઝિલના દર્દીઓની સરખામણીએ વધુ ઝડપથી સાજા થઈ રહ્યા છે.

ભારતમાં કોરોનાના કન્ફર્મ દર્દીઓના સાજા થવાની ટકાવારી પણ ઊંચી છે. અમેરિકાના 27 ટકાની સરખામણીએ ભારતમાં એ પ્રમાણ લગભગ 60 ટકા જેટલું છે.

રિકવરીની વાત કરીએ તો તેના ડેટા ગૂંચવણભર્યા અને તેની પરિભાષા ભિન્ન છે.

ભારતમાં પૉઝિટિવ પુરવાર થયેલી વ્યક્તિ સપ્તાહો પછી નૅગેટિવ પુરવાર થાય તેને સાજી થયેલી વ્યક્તિ (રિકવર્ડ) ગણવામાં આવે છે.

કેટલાક દેશોમાં હૉસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર બાદ સંપૂર્ણ સાજા થયેલાઓની ગણતરી કરવામાં આવે છે. તે સંદર્ભે સમજી શકાય કે બ્રિટનમાં રિકવરીનું પ્રમાણ સરખામણીએ નીચું કેમ છે.

મહત્ત્વની વાત એ છે કે આ પૈકીના દરેક દેશમાં ભલે ગમે તેટલા દર્દીઓ રિકવર થતા હોય, પણ ભારતમાં રિકવરીનોનો હિસ્સો ઊંચો છે.

તેનું કારણ એ છે કે ભારતમાં થતાં મૃત્યુની સંખ્યા ઘણી ઓછી છે.

4. ભારતમાં મૃત્યુદર અત્યંત નીચો

કૉવિડ-19ને કારણે ભારતમાં અત્યાર સુધીમાં 20,160 લોકો મૃત્યુ પામ્યા છે. આ સંદર્ભમાં ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે, પણ પ્રતિ દસ લાખ વ્યક્તિએ ભારતમાં મૃત્યુનો દર અત્યંત નીચો છે.

અર્થશાસ્ત્રી અને બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના સિનિયર ફેલો શમિકા રવિએ કહ્યું હતું કે "પશ્ચિમ યુરોપની સરખામણીએ તો એ નગણ્ય ગણાય."

ડૉ. શમિકા રવિએ ઉમેર્યું હતું કે ભારતમાં મૃત્યુદરના વાસ્તવિક આંકડાના સંભવિત અભાવને કારણે યુરોપ તથા ભારતના મૃત્યુદર વચ્ચેનો તફાવત સ્પષ્ટ થતો નથી.

ડૉ. શમિકા રવિએ કહ્યું હતું કે "અમારે ત્યાં મૃત્યુદર વાસ્તવમાં ઊંચો હોત તો તેને કોઈ આંકડા છુપાવી શક્યા ન હોત."

ભારતની માફક આ ઉપખંડના પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા જેવા અન્ય દેશોમાં પણ મૃત્યુદર નીચો છે.

તેનાં ઘણાં કારણો આપવામાં આવી રહ્યાં છે. તેમાં આ પ્રદેશમાં સંક્રમણના ઊંચા પ્રમાણથી માંડીને આ દેશોની યુવા વસતીમાં પ્રસરેલા ઓછા વિષમ વાઇરસ સહિતનાં કારણોનો સમાવેશ થાય છે.

ડૉ. જમીલે કહ્યું હતું કે "દરેક દેશ તેના આંકડામાં ઘાલમેલ કરે નહીં. સંક્રમણના ઊંચા પ્રમાણને લીધે આ દેશોના લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોઈ શકે છે, પણ આ દેશોમાં મૃત્યુદર આટલો ઓછો કેમ છે એ અમે હજુ સુધી ખરેખર જાણી શક્યા નથી."

5. દરેક ભારતીય રાજ્યની કથા અલગ

અમેરિકા અને યુરોપિયન યુનિયનની માફક ભારતનાં તમામ રાજ્યોના કોરોના વાઇરસના આંકડામાં ભિન્નતા છે. દેશના કુલ પૈકીના 60 ટકા કેસો ત્રણ રાજ્યો - દિલ્હી, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં નોંધાયેલા છે.

કેટલાક વિસ્તારોમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો છે તો કેટલાકમાં વધારો નોંધાયો છે.

તાજેતરમાં દક્ષિણના કર્ણાટક અને તેલંગણામાં કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. એક અન્ય દક્ષિણી રાજ્ય આંધ્ર પ્રદેશમાં પણ સતત જોરદાર વધારો નોંધાઈ રહ્યો છે.

નિષ્ણાતોએ કહ્યું હતું કે ભારતમાં કોરોનાનો સામનો અત્યાર સુધી કેન્દ્રીકૃત ધોરણે કરવામાં આવ્યો છે અને એમાં ફેરફાર કરવાની જરૂર છે.

ડૉ. જમીલે જણાવ્યું હતું કે કોરોના વાઇરસ સામેની સફળ વ્યૂહરચનાના અમલ માટે ભારતને "જિલ્લાઓમાં વિભાજિત કરવું પડશે, કારણ કે બીજું રાષ્ટ્રીય લૉકડાઉન, પહેલાં કરતાં પણ ઓછું અસરકારક સાબિત થઈ શકે છે."

ડૉ. શમિકા રવિના જણાવ્યા મુજબ, રાજ્યસ્તરના આંકડાને બદલે સત્તાવાળાઓ માટે ઝીણવટભરી સ્થાનિક માહિતી વધારે જરૂરી બનશે. "દરેક બ્લૉકમાં કેટલા લોકોને ચેપ લાગ્યો છે તે જાણવું પડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો