ગુજરાત : ચોથા દિવસે પણ વરસાદી માહોલ, 24 કલાકમાં 154 તાલુકા ભીંજાયા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોથા દિવસે પણ વરસાદી માહોલ યથાવત્ છે. અલબત્ત, વરસાદનું જોર હળવું થયું છે. જોકે, એમ છતાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભારે વરસાદનો અનુભવ કરી રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આઠ જુલાઈ, બુધવારના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન છે.

જોકે, 'સ્કાયમૅટ વૅધર'ના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.

24 કલાકમાં 154 તાલુકામાં વરસાદ

ગત 24 કલાકમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ વરસ્યો. જેમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ વરસ્યો છે.

એ બાદ કલ્યાણપુરમાં 11.5 ઇંચ, દ્વારકામાં 9 ઇંચ, ભાણવડમાં 8 ઇંચ, માંડવીમાં 7.5 ઇંચ, જામજોધપુરમાં 7 ઇંચ, જ્યારે પોરબંદર જિલ્લાના કુતિયાણામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોની ઉપર સર્જાયેલા હળવા દબાણ અને દરિયાની ઉપર 7.6 કિલોમિટર ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

'સ્કાયમૅટ વૅધર'ના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદી માહોલ ચાલુ રહેશે.

મૉનસૂન ડિપ્રેશનની આશંકા

સ્કાયમૅટ વૅધરના અહેવાલ પ્રમાણે અરબ સાગર પર છથી આઠમી જુલાઈ વચ્ચે મૉનસૂન ડિપ્રેશન બની શકે છે.

અરબ સાગર સાથે જોડાયેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તેની વિશેષ અસર જોવા મળી રહી છે.

આ મૉનસૂન ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધતાં કેટલાક જિલ્લાઓમાં નવમી તારીખ સુધી મુશળધાર વરસાદ વરસશે.

જેને પગલે કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય એવી શક્યતા સેવાઈ રહી છે.

હાલમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર કોંકણ પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે.

આ સિસ્ટમ ધીમે-ધીમે ઉત્તર તરફ આગળ વધશે, જેના પગલે રાજ્યનું હવામાન પલટાયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો