ભારત-ચીન સીમાવિવાદ : નરેન્દ્ર મોદીએ લેહમાં ચીનનું નામ ન લીધું પણ ચીને આપ્યો આ જવાબ - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓચિંતી લેહ મુલાકાત પર પ્રતિક્રિયા આપતા ચીને ભારતને ચેતવણી આપી છે અને કહ્યું છે કે "ચીનના સંદર્ભમાં નીતિગત ખોટી ગણતરી"થી ભારતે દૂર રહેવું જોઈએ.

સાથે જ વડા પ્રધાનના 'વિસ્તારવાદ'ના નિવેદન સંદર્ભે પણ ચીને પ્રતિક્રિયા આપી છે.

ચીનના નવી દિલ્હી ખાતેના દૂતાવાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન "વધારે પડતું અને ઉપજાવી કાઢેલું" ગણાવ્યું છે.

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં LAC પર ભારે તણાવની સ્થિતિ વચ્ચે ગઇકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લેહની મુલાકાત લીધી. વડા પ્રધાને લેહમાં સૈનિકોને સંબોધી ગલવાન ઘાટીની અથડામણમાં ઘાયલ થયેલા સૈનિકોને પણ મળ્યા. સૈનિકોને સંબોધતા વડા પ્રધાને લદ્દાખમાં કહ્યું કે "વિસ્તારવાદનો કાળ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે."

વડા પ્રધાનના આ નિવેદન પર નવી દિલ્હી ખાતેના ચીનના દૂતાવાસે પ્રતિક્રિયા આપી.

દૂતાવાસના પ્રવક્તા જી રોંગે ટ્વીટ કરી લખ્યું , "ચીને તેના 14માંથી 12 પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ વાતચીત દ્વારા સરહદ રેખાંકિત કરી છે અને તેને મિત્રતાના સંબંધોમાં ફેરવી છે. ચીનને વિસ્તારવાદી તરીકે જોવું તથ્યવિહિન છે."

તો બીજી તરફ બિજિંગથી પણ પ્રતિક્રિયા આવી. બીજિંગમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું, "બંને બાજુઓ તરફથી કોઈ એવા પગલાં ન લેવાવા જોઈએ જે સીમા પર સ્થિતિને વધુ ગૂંચવે."

અમદાવાદની ઝાયડસ કેડિલા પણ કરશે કોરોના વૅક્સિનનું ટેસ્ટિંગ

ભારત બાયોટેક બાદ હવે અમદાવાદસ્થિત દવા ઉત્પાદક કંપની ઝાયડસ કેડિલાને પણ કોરોના વાઇરસની રસીના પહેલા અને બીજાતબક્કાના માનવપરીક્ષણની મંજૂરી મળી ગઈ છે.

આ સાથે અમદાવાદની દવા ઉત્પાદક કંપની ઝાયડસ કેડિલા દેશમાં કોરોના વાઇરસની સંભવિત રસીના માનવપરીક્ષણની મંજૂરી મેળવનાર બીજી કંપની બની છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે ઝાયડસ કેડિલા કંપનીએ કહ્યું કે તેમણે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા(DCGI) તરફથી તેમને કોરોના વાઇરસ રસીના માનવપરીક્ષણની મંજૂરી મળી છે.

કંપનીએ કહ્યું પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણને પૂર્ણ થતાં લગભગ ત્રણ મહિના જેવો સમય લાગશે. ઝાયડસ આ જ મહિને દેશમાં અલગ અલગ જગ્યાએ 1000 લોકો પર રસીનું પરીક્ષણ શરૂ કરશે.

અહેવાલ પ્રમાણે કંપનીએ પશુઓ પર રસીના ક્લિનિકલ ટ્રાયલનો ડેટા DCGIને મોકલ્યો હતો જેમાં રસી 'સુરક્ષા અને રોગપ્રતિકારકશક્તિ વિકસિત કરવાની ક્ષમતા' સંદર્ભે સફળ જણાઈ હતી.

NHAIનો ચોરેલો ડેટા હૅકર્સે ઑનલાઇન મૂક્યો

સાયબર સિક્યૉરિટી નિષ્ણાતોએ કહ્યું કે સાયબર ગુનાખોરોએ NHAIના નાણાકીય અહેવાલો, કૉન્ટ્રૅક્ટ દસ્તાવેજો અને નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા(NHAI)નાં કર્મચારીઓની માહિતી ઑનલાઇન પોસ્ટ કરી છે.

હિન્દુસ્તાન ટાઇમ્સ અખબારના અહેવાલ પ્રમાણે સાયબર નિષ્ણાતોએ કહ્યું કે આ ચોરેલા ડેટામાં એજન્સીના ઓછામાં ઓછા એક ભૂતપૂર્વ ચૅરમેનની અંગત ઓખળના દસ્તાવેજો પણ શામેલ છે.

હૅકર્સે આ ડેટા 2જી જુલાઇએ આ ડેટા ઑનલાઇન પોસ્ટ કર્યો. એના બે દિવસ પહેલા જ NHAIએ તેની કોઈ પણ સંવેદનશીલ માહિતી હૅકર્સે ચોરી હોવા વિશે ઇન્કાર કર્યો હતો.

સિંગાપોર સ્થિત સાયબર સિક્યૉરિટી કંપની સાયફર્મા અનુસાર આ ડેટામાં ટેક્સની માહિતી, ઑડિટ રિપોર્ટ્સ, પાસપોર્ટની નકલો, ઓળખપત્રો, આકારણી અહેવાલો સહિત અંગત ઓળખની માહિતી અને નાણાકીય અહેવાલો સામેલ છે.

આ ઑનલાઇન ડેટા લગભગ 1.8GBની બે ફાઇલમાં છે અને હૅકર્સનું કહેવું છે કે તે તેમની પાસેના કુલ ડેટામાંથી આ ફક્ત 5 ટકા જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો