ભારત-ચીન સીમાવિવાદ : ભારત સરકારે સૈન્યને ખુલ્લી છૂટ આપી? - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

લદ્દાખમાં એલએસી પર ચીનની સેના સાથે 15 જૂને થયેલી અથડામણમાં 20 ભારતીય જવાનોનાં મૃત્યુ બાદ અખબારી અહેવાલો મુજબ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે સરકારે સેનાને યોગ્ય જવાબ આપવા માટે છૂટ આપી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે સૂત્રોને ટાંકતાં કહ્યું છે કે રાજનાથ સિંહે રવિવારે ભારત-ચીન તણાવની પરિસ્થિતિની સમીક્ષા માટે થયેલી બેઠકમાં સેનાધિકારીઓને કહ્યું કે જો ચીન તરફથી વધારે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો સરકાર સેનાને જવાબ આપવાની સ્વતંત્રતા આપે છે.

એ સિવાય બેઠકમાં એલએસી પર હથિયાર વાપરવાના અત્યાર સુધીના પ્રોટોકૉલ પર પણ ચર્ચા થઈ તથા કહેવામાં આવ્યું કે "ભારત તણાવ નથી ઇચ્છતું પરંતુ ચીન તરફથી કોઈ કાર્યવાહી થશે તો ભારતીય સેનાને પણ જવાબ આપવાની છૂટ છે. "

બીજી તરફ રાજનાથ સિંહને સેનાની તૈયારીઓ વિશે જણાવવામાં આવ્યું.

અખબાર લખે છે કે પૂર્વ લદ્દાખના આ વિસ્તારમાં એ માળખાકીય કાર્યો ચાલુ રહેશે, જેનો ચીન વિરોધ કરે છે.

અમદાવાદની હૉસ્પિટલને બેદરકારી બદલ નોટિસ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ અમદાવાદની રાજસ્થાન હૉસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

આ અહેવાલ મુજબ કોરોના વાઇરસના સંક્રમણના એક દરદીના મૃત્યુને કારણે હૉસ્પિટલને આ નોટિસ ફટકારવામાં આવી છે.

આ દરદીને વૅન્ટિલેટરની જરૂર હતી પરંતુ હૉસ્પિટલે કથિત રૂપે દરદીને દાખલ કરવામાં વધારે સમય લગાવ્યો અને દરદીનું મૃત્યુ થઈ ગયું.

અમદાવાદમાં હૉસ્પિટલને અત્યાર સુધી આ પ્રકારની ત્રીજી નોટિસ આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની નોટિસ પ્રમાણે કોવિડ-19ના દરદીની સારવારમાં બેદરકારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

દરદીને વૅન્ટિલેટરની જરૂર હતી એટલે તેમને લાઇફકૅર હૉસ્પિટલમાંથી રાજસ્થાન હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

ડેપ્યુટી હેલ્થ ઑફિસરે વૅન્ટિલેટર ઉપલબ્ધ હોવાની પુષ્ટિ પહેલાં જ કરી હતી પરંતુ જ્યારે દરદીને રાજસ્થાન હૉસ્પિટલના કોરોના ગેટ પર લઈ જવામાં આવ્યા ત્યારે 20 મિનિટ સુધી ગેટ ખોલવામાં ન આવ્યો.

અખબારના જણાવ્યા અનુસાર આ બાબતે બોલાચાલી થયા બાદ ગેટ ખોલવામાં આવ્યો અને દરદીને દાખલ કરવામાં બીજી દસ-પંદર મિનિટ જતી રહી.

ભારતીય કંપની બનાવશે કોરોનાની દવા

ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ ભારતની પ્રમુખ ફાર્મા કંપની સિપલાએ કોરોના વાઇરસના સંક્રમણની સારવાર માટે સિપરેમી નામથી રૅમડેસિવિર દવાનું જેનેરિક વર્ઝન લૉન્ચ કર્યુ છે.

અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ‌ઍડમિનિસ્ટ્રેશને કોવિડ-19 સંક્રમણની સારવારમાં રૅમડેસિવિરને મંજૂરી આપી છે.

ગિલિયડ સાઇન્સ ઇન્ક.ને યુએસએફડીએ તરફથી કોવિડ19 દરદીની ઇમરજન્સી સારવાર માટે રૅમડેસિવિર વાપરવાની મંજૂરી મળી છે.

રૅમડેસિવિર એક માત્ર એવી દવા છે જેને યુએસએફડીએ તરફથી કોવિડ19 સંક્રમણના સંદિગ્ઘ દરદીઓ અથવા જેમનો લૅબ રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો હોય તેવા દરદીઓની સારવાર માટે ઇમર્જન્સી વપરાશની અધિકૃતિ અપાઈ છે.

મે મહિનામાં ગિલિયડ સાઇન્સ ઇન્ક. તરફથી સિપલાને સિપરેમી નામથી રૅમડેસિવિરની જેનેરિક દવા બનાવવાનું લાઇસન્સ અપાયું હતું.

સિપલાએ કહ્યું છે કે ભારતમાં તેને ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) તરફથી ઇમરજન્સી મેડિકલ જરૂરિયાતને જોતાં મંજૂરી આપવાની ઝડપી બનાવાયેલી પ્રક્રિયા હેઠળ પરવાનગી મળી ગઈ છે.

કંપનીના નિવેદનમાં કહેવાયું છે કે "દવા વાપરવાની ટ્રેનિંગ, દરદીઓની મંજૂરી લેવા માટે દસ્તાવેજ અને દવા વેચ્યા પછી પણ સર્વેલન્સની સુવિધા આપશે. તથા ભારતમાં કોરોનાના દરદીઓનું ચોથા તબક્કાનું ટ્રાયલ પણ હાથ ધરશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો