કોરોના વાઇરસ ટેસ્ટિંગ : કલાકમાં જ કોરોનાનું રિઝલ્ટ આપનારો નવો ઍન્ટિજેન ટેસ્ટ શું છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગૃહમંત્રી અમિત શાહે રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતિ બાબતે બોલાવેલી સર્વપક્ષીય બેઠક પછી ટેસ્ટિંગ વધારવાની વાત કરી.

એ વાત પણ સામે આવી કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)એ એક નવી ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી છે, જે ફક્ત 30 મિનિટમાં જ પરિણામ આપે છે અને તેની કિંમત પણ 450 રૂપિયા જ છે.

સરળ શબ્દોમાં કહીએ તો ઍન્ટિજેન ટેસ્ટમાં શ્વસનતંત્રના ઉપરના ભાગમાંથી નમૂનો લેવામાં આવે છે અને વાઇરસની હાજરી છે કે નહીં તે તપાસવામાં આવે છે.

આના માટે નાકની અંદરથી નમૂનો લેવામાં આવે છે અને તેની તપાસ ત્યાં જ થઈ જાય છે. મતલબ કે નમૂનાને પરીક્ષણ માટે લૅબમાં મોકલવામાંની જરૂર હોતી નથી.

ઍન્ટિબૉડી ટેસ્ટમાં લોહીનો નમૂનો લેવામાં આવે છે અને તેમાં પ્રોટીન કે ઍન્જાઇમની તપાસ કરવામાં આવે છે જે શરીરમાં કોઈ અજ્ઞાત તત્ત્વો જેવા કે બૅકટિરિયા અને વાઇરસ વગેરેની પ્રતિક્રિયામાં સામે આવતા હોય છે.

આ પ્રકારની પ્રતિક્રિયામાં થોડો સમય લાગતો હોય છે. મતલબ કે શરીરમાં બીમારી ફેલાઈ ચૂકી હોય ત્યારે પ્રતિક્રિયા દેખાતી હોય છે.

વિશ્વમાં ક્યાં કોરોનાના કેટલા કેસ

કોનું ટેસ્ટિંગ થશે?

આઈસીએમઆર તરફથી આપવામાં આવેલા નિર્દેશ મુજબ રેપિડ ઍન્ટિજેન ટેસ્ટ માટે સૅમ્પલ પ્રશિક્ષિત સ્વાસ્થ્યકર્મી જ લેશે અને તે દરમિયાન પીપીઈ કિટ વગેરેનું ધ્યાન રાખવું પણ જરૂરી રહેશે. નમૂનાનું ટેસ્ટિંગ કલાકમાં જ કરી લેવામાં આવશે.

જેમનું રિઝલ્ટ કોવિડ-19 નૅગેટિવ આવશે એની ખાતરી માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવશે. પૉઝિટિવ આવનાર માટે ફરી ટેસ્ટની જરૂરિયાત નહીં રહે.

કોરિયાની એક કંપનીએ આ કિટ તૈયાર કરી છે જેને આઈસીએમઆર અને ઍઇમ્સે તપાસ કરી છે અને એ રીત તેને મંજૂરી આપવામાં આવી છે.

અત્યારે કોવિડ-19 માટે આરટી-પીસીઆર ટેસ્ટ થાય છે અને તે કરાવવા માટે 2000થી 4500 રૂપિયાનો ખર્ચ થાય છે. આનું પરિણામ આવતા બેથી પાંચ કલાક લાગી શકે છે. વળી, આમાં સૅમ્પલ લેવામાં અને લૅબ સુધી પહોંચાડવામાં પણ સમય લાગતો હોય છે.

કોવિડ-19 ટેસ્ટ કરનારી લૅબની સંખ્યા ઓછી હોવાને લીધે પણ પરિણામ આવવામાં વાર લાગે છે. ઘણી વાર તો દિવસો નીકળી જાય છે.

ઍન્ટિજેન ટેસ્ટિંગ કિટનો ઉપયોગ હૉટસ્પૉટ તેમજ ઉપચાર સાથે સંકળયેલાં ક્ષેત્રોમાં તથા પૉઝિટિવ દરદીઓનાં સંપર્કમાં આવનારા દરદીઓ માટે કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકોને ડાયાબિટિસ, હૃદયની સમસ્યાઓ, શ્વાસની તકલીફ વગેરે હોય તેમના માટે પણ આનો ઉપયોગ કરાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો