કોરોના વાઇરસે ભારતમાં જ્ઞાતિની દીવાલ તોડી પાડી છે?

    • લેેખક, બદ્રી નારાયણ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

કોરોનાએ ભારતીય સમાજમાં જ્ઞાતિને થોડી પાછળ ધકેલીને 'સંક્રમણની ચિંતાથી ગ્રસિત દેહ'ને કેન્દ્રમાં લાવી દીધો છે.

'ગોવિંદ વલ્લભ પંત સામાજિક વિજ્ઞાનસંસ્થાન'-પ્રયાગરાજની શોધટીમ સાથે અમે લોકોએ કટોકટીની સ્થિતિમાં જ્ઞાતિભાવનો અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો.

કોરોનાના કાળમાં પોતાની નોકરી ગુમાવનાર અનેક પ્રવાસી મજૂરો લૉકડાઉન પછી દિલ્હી, મુંબઈ, સુરત જેવાં મોટાં શહેરોથી ચાલતાં, માલવાહક ટ્રકોમાં બેસીને અને છેલ્લે સરકાર દ્વારા ઉપલબ્ધ કરવવામાં આવેલી બસો-ટ્રેનોથી પોતાના ગામે પાછા ફર્યા છે.

ગામ પહોંચતાં સામૂહકિ ક્વોરૅન્ટીનમાં 14 દિવસ વિતાવ્યા અને હોમ ક્વોરૅન્ટીમાં રહ્યા પછી પોતપોતાની વસતીઓમાં રહેવા લાગ્યા છે, તેમના સાક્ષાત્કારથી નીકળેલા નિષ્કર્ષના આધારે આપણે કહી શકીએ કે હવે સામાજિક અંતર નક્કી કરવાનો આધાર ઊંચ-નીચમાં વિભાજિત જ્ઞાતીના અલગાવની જગ્યાએ દેહથી દેહની દૂરીના આધારે નક્કી થઈ રહ્યો છે.

છૂઆછૂત હવે જ્ઞાતિના આધારે નથી થઈ રહી?

જ્ઞાતિઆધારિત છૂઆછૂત ભારતીય સમાજમાં હાલ દ્વિતીય શ્રેણીનો ભેદભાવ બની ગયો છે.

આજે સંક્રમણના સમયે જ્ઞાતિથી દૂર એકબીજા વચ્ચેનું સામાજિક અંતર વ્યક્તિના એક દેહથી બીજાની દેહ વચ્ચેના અંતરના રૂપમાં આપણી સામે આવ્યું છે.

પ્રવાસી મજૂરો કે જેને ગામમાં 'પરદેશી' કહેવાય છે, આજે ગામમાં કોરોનાનું પ્રતીક બની ગયા છે.

તેમની જ્ઞાતિ ભલે કોઈ પણ હોય, લોકો તેમની પાસે આવતાં, અડતાં ઓછામાં ઓછા 14 દિવસ અને ત્યાર પછી પણ બચતા રહે છે.

પ્રવાસી મજૂરો પોતે પણ અંતર જાળવે છે. સવારે ખેતરે, વાળીએ જતાં એમને કોઈનો ભેટો ન થઈ જાય એની તકેદારી રાખે છે.

કેટલીક જગ્યાએ એવું જોવા મળ્યું કે પત્ની પોતાના પરદેશી પતિને હોમ ક્વોરૅન્ટીનમાં પણ થાળી હાથમાં આપવાને બદલે દૂર મૂકી દે છે.

પોતાના પિતાને પુત્ર સ્પર્શે એવું તે નથી ઇચ્છતી. આ વિચિત્ર અનુભવમાંથી ભારતીય સમાજ આજે પસાર થઈ રહ્યો છે.

બ્રાહ્મણ જ્ઞાતિના યુવકનો અનુભવ

ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડના એક ગામમાં મુંબઈથી આવેલા બ્રાહ્મણ યુવકને હોમ ક્વોરૅન્ટીનમાં રહેવું પડ્યું હતું.

તેમણે કહ્યું કે એ જો ક્યાંય બહાર નીકળે ગામમાં તેની જ જ્ઞાતિના લોકો તેને વઢતા હતા.

"બહાર કેમ નીકળે છે? તું કોરોના ફેલાવી રહ્યો છે."

અમારા શોધસહયોગી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે 'અમે સાંજે ખેતરની તરફ નીકળતા તો લોકો અમને જોઈને 'કોરોના-કોરોના' કહેવા લાગતા.'

હૅન્ડપમ્પથી પાણી ભરવાથી રોક્યાં

એક સંશોધકે પોતાની ફિલ્ડડાયરીમાં પત્નીનો અનુભવ લખ્યો કે કેવી રીતે તેમની જ જ્ઞાતિના લોકો તેમને હૅન્ડપમ્પથી પાણી ભરવા નહોતા દેતા, તેઓ કહેતા કે "તમારા પતિ ક્વોરૅન્ટીનમાં છે. હૅન્ડપમ્પ અડશો તો આખી વસતીમાં કોરોના ફેલાઈ જશે."

જો ગંભીરતાથી વિચારીએ તો આ છૂઆછૂત ભલે થોડા દિવસની કેમ ન હોય પણ તેના જખમ જ્ઞાતિઆધારિત છૂઆછૂત કરતાં ઓછા નથી.

આમાં લોકોને કોઈ પણ પ્રવાસી મજૂરોના દેહ કે સંક્રમણની આશંકાવાળા દેહથી મૃત્યુનો ભય હોય છે.

આ 'મૃત્યુનો ભય' શું 'જાતિઆધારિત શુદ્ધતા ગુમાવવા'ના ભયથી કમ મારક ઘૃણા જન્માવતો હશે એ વિચારવાની વાત છે.

આપાતકાલમાં બદલાતી રૂઢિ

વિપદાથી સર્જાયેલી કટોકટીમાં સામાજિક રૂઢિઓમાં થોડી ઢીલાશ આવે છે. અમુક રૂઢિઓ તૂટે છે તો અમુક નવું સ્વરૂપ લઈ લે છે.

કોરોનાના ભયે ભારતીય ગામોમાં જ્ઞાતીનાં સમીકરણો તોડ્યાં છે.

ભલે એ અસ્થાયી હોય પરંતુ આ એવા સામાજિક અનુભવને પેદા કરશે જે ભારતીય સમાજમાં જ્ઞાતિના ભાવને કદાચ થોડો ઘટાડી દે.

જ્ઞાતિભાવઆધારિત ઉચ્ચ-પછાત અને નીચલા જેવા પ્રકારો આ પ્રક્રિયામાં કાં તો તૂટી રહ્યા છે, કા તો નબળા પડી રહ્યા છે.

લૉકડાઉન દરમિયાન બિહારના સમસ્તીપુર જિલ્લાના એક ગામમાં એક સવર્ણ જ્ઞાતિનો યુવક કોલકતાથી પાછો આવ્યો.

પાછો આવ્યો અને સામૂહિક ક્વોરૅન્ટીન વગર પોતાના ઘરમાં રહેવા લાગ્યો. આવી રીતે વાસમાં રહેવાનો વિરોધ તેના જ ગામના દલિત સમુદાયના અમુક લોકોએ કર્યો.

વિરોધ કરી રહેલા દલિતોને ગામના અન્ય સવર્ણોએ પણ ટેકો આપ્યો. કારણ કે સંક્રમણ જ્ઞાતિ નથી જોતું અને સંક્રમણનો ભય લોકોમાં એકતા પેદા કરે છે.

ભોજનનું પૅકેટ આપવા વાળાની જ્ઞાતિ ન જોઈ

એટલું જ નહીં અમુક પ્રવાસીઓ પોતાના અનુભવની વાત કરતાં કહે છે કે જ્યારથી સંકટ શરૂ થયું ત્યારથી તેમને માત્ર જીવ બચાવીને ગામ પહોંચવાની જ ચિંતા થઈ રહી હતી.

અમારા એક પ્રશ્નના જવાબમાં મોટા ભાગના સવર્ણ, પછાત અને દલિત જ્ઞાતિના પરદેશ મજૂરોએ કહ્યું કે 'લૉકડાઉન દરમિયાન અમે મુશ્કેલીમાં ફસાયા તો જ્ઞાતિ નહીં પરંતુ માત્ર ગામ અને ગામમાં છૂટેલો પરિવાર યાદ આવ્યો હતો.'

'પગપાળા ચાલતી વખતે જેમણે અન્ન-પાણી આપ્યું, અમે ખાઈને પોતાનો જીવ બચાવ્યો. ભોજનનું પૅકેટ આપનારની જ્ઞાતિ, ધર્મ શું છે તેનો વિચાર પણ ન આવ્યો.'

શું જ્ઞાતિની રૂઢિ પાછી ફરશે?

પ્રશ્ન એ થાય છે કે શું સંક્રમણનો ભય ખતમ થયે જ્ઞાતિની રૂઢિમાં જોવા મળેલું સકારાત્મક ભંગાણ ખતમ થઈ જશે?

શક્ય છે કે આવું થાય કારણ કે આ સામાજિક અનુભવ સંકટકાળનો સામાજિક અનુભવ છે.

પરંતુ આવા કોઈ સામાજિક અનુભવથી આપણી સ્મૃતિમાં એક એવી મૂડી ભેગી કરી શકીએ, જે આપણી અંદર જરૂરિયાતના સમયમાં નકારાત્મક બોધવાળી જ્ઞાતિવિભાજનની ભાવનાને નબળી કરીને માનવતાની ભાવનાને પ્રભાવી બનાવે.

એ ખરું કે કેટલીક જગ્યાએ કોરોનાના કાળમાં પણ જ્ઞાતિના આધારે છૂઆછૂતની ઘટનાઓ જોવા મળી છે.

પરંતુ સાથે જાતિગત છૂઆછૂતની ભાવનાને નબળી કરતાં અને માનવતાની ભાવનાથી ભરેલા કેટલાક બનાવો પણ કોરોનાના કાળમાં જોવા મળ્યા છે.

આને પણ સંચિત અને સંકલિત કરીને આપણે ભારતીય સમાજ દ્વારા બનાવાયેલી ફ્રેમથી થોડા અલગ હઠીને જોઈ અને સમજી શકીએ છીએ.

(બદ્રી નારાયણ, જે.બી. પંત સોશિયલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના નિદેશક છે. આ ઇન્સ્ટિટ્યૂટ અલાહાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સંસ્થા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો