કોરોના હાઇડ્રૉક્સિક્લોરોક્વિન : ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના તારણો ફગાવ્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે હાઇડ્રૉક્સિક્લોરોક્વિન અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના તારણ સાથે અહેમતી દર્શાવી છે.

આઈસીએમઆરનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર હાઇડ્રૉક્સિક્લોરોક્વિનની ટ્રાયલમાં જે ડોઝ વપરાઈ રહ્યો છે તે ભારતીય ટ્રાયલ કરતાં ચાર ગણો છે.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડ-19ના દરદીઓની સારવારમાં હાઇડ્રૉક્સિક્લોરોક્વિન આપવાનું બંધ કરવાની સલાહ આપી હતી જેને ભારતના આરોગ્ય મંત્રાલયે નકારી કાઢી છે.

ભારતમાં કોવિડ-19 સામેની લડતમાં મોખરે રહેલા આઈસીએમઆરે કહ્યું છે કે ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ દવાની જે ટ્રાયલ થઈ રહી છે તેમાં ઉપયોગમાં લેવામાં આવેલ દવાના ડોઝેજમાં ઘણો ફેર છે.

ડોઝમાં ફેર

હાલ ભારતમાં આરોગ્ય મંત્રાલયના પ્રોટોકૉલ પ્રમાણે કોવિડ-19ના દરદી જેને આઈસીયુમાં મૂકવાની જરૂર પડે છે તેમને પ્રથમ દિવસે સવારે અને રાત્રે આ દવાનો 400 મિલિગ્રામ ડોઝ આપવામાં આવે છે ત્યાર પછી ચાર દિવસ સુધી 200 મિલિગ્રામ ડોઝ સવારે અને રાત્રે આપવામાં આવે છે.

કુલ પાંચ દિવસ સુધી દરદીને 2400 મિલિગ્રામ દવા આપવામાં આવે છે.

આઈસીએમઆરના એક અધિકારીએ એએનઆઈને કહ્યું કે આંતરરાષ્ટ્રીય ટ્રાયલમાં છ કલાકના અંતરે 800 મિલિગ્રામના બે ડોઝ આપવામાં આવે છે અને પછી દસ દિવસ સુધી 400 મિલિગ્રામના બે ડોઝ આપવામાં આવે છે, જે કુલ 9600 મિલિગ્રામ દવા થઈ.

આઈસીએમઆરે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પત્ર લખીને કહ્યું છે કે ટ્રાયલને રોકવાનું કોઈ કારણ નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહ છતાં ટ્રાયલ ચાલુ

આંતરરાષ્ટ્રીય સ્તરે સૉલિડૅરિટી ટ્રાયલનો એ ભાગ જેમાં હાઇડ્રક્સિક્લોરોક્વિન પર ટ્રાયલ થયું હતું, માત્ર એ બંધ કરવામાં આવ્યો છે.

નીતિ આયોગના સભ્ય ડૉ વીકે પૉલે એએનઆઈને કહ્યું કે વૈજ્ઞાનિકો નજીકથી આ દવાના પ્રયોગને જોઈ રહ્યા છે અને તેની ખાસ આડ અસર નથી જોવા મળી.

ફ્રન્ટલાઇન વર્કર્સ અને ગંભીર દરદીઓને આપવામાં આ દવા સુરક્ષિત છે અને સમયાંતરે તેની સમીક્ષા કરવામાં આવશે.

ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સુરક્ષાના પ્રશ્નોને લઈને આ દવાની ટ્રાયલ બંધ કરવાની સલાહ છતાં યુકેમાં દવાની ટ્રાયલ ચાલુ રહેશે.

ભારત આ દવાનું મોટું ઉત્પાદક છે અને અનેક દેશોને આ દવા નિકાસ પણ કરે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ દવા લેવા માટે સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે. પહેલા ભારતે આ દવાના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ અમેરિકાએ આ દવા માગી ત્યાર પછી આંશિક રૂપે પ્રતિબંધ હઠાવી લેવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો