'ગુજરાત સ્થાપનાદિવસ ઘરે રહીને ઊજવો' - વિજય રૂપાણી - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

આજે ગુજરાતનો સ્થાપનાદિવસ છે, ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ લોકોને ઘરે રહીને ગુજરાતનો સ્થાપનાદિવસ ઉજવવા કહ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, તેઓએ વિદ્યાર્થીઓને એક સ્પર્ધામાં ભાગ લેવા પણ કહ્યું હતું. જેમાં તેઓ નિબંધ, કવિતા કે ચિત્રના માધ્યમથી 'ગુજરાતના કોરોના વોરિયર્સ' પર પોતાના વિચારો વ્યક્ત કરે.

આ સ્પર્ધામાં વિજેતા થનારને ઇનામ પણ અપાશે તેવી વાત કરાઈ હતી.

વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે ઉજવણીના ભાગ રૂપે સરકાર એપીએલ પરિવારોને મફતમાં બીજી વાર અનાજનું વિતરણ કરશે.

તેમણે કહ્યું કે સામાન્ય રીતે આપણે આ દિવસની ધામધૂમથી ઉજવણી કરીએ છીએ, પણ આ વર્ષે પરિસ્થિતિ જુદી છે.

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે ચૂંટણીપંચને વિનંતી

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની રાજકીય મુશ્કેલીનો રસ્તો સાફ થતો જણાઈ રહ્યો છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રના રાજ્યપાલ બી.એસ. કોશિયારીએ ગુરુવારે ચૂંટણીપંચને કહ્યું કે તેઓ રાજ્યની નવ વિધાન પરિષદની સીટો પર ચૂંટણી કરાવે.

રાજ્યપાલે ચૂંટણીપંચને પત્ર લખીને અનુરોધ કર્યો કે તેઓ રાજ્યમાં પ્રવર્તમાન અનિશ્ચિતતાને સમાપ્ત કરવા માટે વિધાન પરિષદની નવી સીટ પર ચૂંટણી કરાવે, જે સીટો 24 એપ્રિલથી ખાલી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 ખાલી સીટ માટે ચૂંટણીપંચની શુક્રવારે બેઠક થશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા વીડિયા કૉન્ફરન્સિંગથી બેઠકમાં સામેલ થશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેમની સરકારને અસ્થિર કરવાની કોશિશ થઈ રહી છે.

આ વાતચીતના બીજા દિવસે રાજ્યપાલે ચૂંટણીપંચને ચૂંટણી માટે અનુરોધ કર્યો છે.

ભારતના દિગ્ગજ ફૂટબૉલર ચુન્ની ગોસ્વામીનું નિધન

ભારતના ફૂટબૉલના એક દિગ્દજ સ્તંભ રહેલા ચુન્ની ગોસ્વામીનું નિધન થયું છે.

82 વર્ષીય ચુન્ની ગોસ્વામીએ કોલકાતામાં લાંબી માંદગી પછી અંતિમ શ્વાસ લીધા.

એમના પરિવારે કહ્યું કે એમણે સાંજે પાંચ વાગે અંતિમ શ્વાસ લીધા.

ચુન્ની ગોસ્વામીની કપ્તાનીમાં ભારતે 1962માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મૅડલ જીત્યો હતો. તેઓ ક્રિકેટર પણ હતા અને બંગાળની રણજી ટીમમાં કૅપ્ટન પણ રહ્યા.

60ના દસકમાં ભારતમાં ફૂટબૉલ તેના ગોલ્ડન ટાઇમમાં હતો અને એ સમયે પી.કે. બેનરજી, ચુન્ની ગોસ્વામી અને તુલસીદાસ બલરામની ત્રિપુટીનો જલવો હતો. આ ખતરનાક ત્રિપુટીએ ભારતને અનેક સફળતાઓ અપાવી. 1951 પછી 1962માં ભારતે જકાર્તામાં ગોલ્ડ મૅડલ જીત્યો. ભારત 1956ના મૅલબર્ન ઑલિમ્પિકમાં સેમિફાઇનલમાં પહોંચ્યું હતું અને એવું કરનારો તે એશિયાનો પહેલો દેશ હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો