લૉકડાઉન 2.0 : સુરતના પરપ્રાંતીય મજૂરોની વ્યથા,'બે રોટલી માટે બે-અઢી કલાક ઊભા રહેવું પડે છે'

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"રોજ બે-અઢી કલાક લાઇનમાં ઊભા રહીએ ત્યારે માંડ દાળ-ભાત અને બે રોટલી ભાગે આવે છે", સુરતમાં હીરાઉદ્યોગમાં કામ કરતાં કામદાર રામ હરિના આ શબ્દો છે.

તેઓ બપોરે ભોજન માટે લાઇનમાં ઊભા હતા અને એ વખતે તેમણે બીબીસી સાથે વાત કરી હતી.

લૉકડાઉનના બીજા તબક્કાની જાહેરાત થઈ એ પછી સુરતમાં સતત બે દિવસ સુધી સેંકડો કામદારો રસ્તા પર આવી ગયા હતા.

મંગળવારે સાંજે વરાછામાં જ્યારે બુધવારે સાંજે પંડોળ વિસ્તારમાં મોટી સંખ્યામાં કામદારો રસ્તા પર આવી ગયા હતા અને તેમણે વતન પરત જવા દેવાની માગ કરી હતી.

કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી એ વખતથી જ આ કામદારો સુરતમાં ફસાયા છે.

તેમનું કહેવું છે કે તેમની પાસે ના તો નોકરી છે, ના તો પૈસા છે અને બે ટંકનું ભોજન મેળવવા માટે પણ તેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

રામ હરિની જેમ જ હજારો કામદારો રોજ ભોજન માટે લાઇનમાં લાગી જાય છે અને તેમના પેટનો ખાડો ન પૂરાય એટલા ભોજનથી મનને મનાવે છે.

રામ હરિ કહે છે, "મારો પરિવાર મારી સાથે અહીં સુરતમાં છે અને અમે બધા હાડમારી વેઠી રહ્યા છીએ. લૉકડાઉનની વચ્ચે અમને દિવસમાં એક વખત ખાવા મળે છે. રોજ બે વખત બે-બે અઢી-અઢી કલાક સુધી લાઇનમાં ઊભા કેવી રીતે રહી શકીએ?"

"અમે અહીં મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા કારણકે અહીં અમને પૂરતું ખાવાનું મળતું નથી, એટલે જ અમને ઓડિશામાં અમારા ગામે જવું છે."

'ઓડિશામાં પણ તો લૉકડાઉન છે. અહીં જે તકલીફ પડી રહી છે એ તો તમને ત્યાં પણ થશે ને?'

આ પ્રશ્નનો જવાબ આપતાં તેમણેકહ્યું, "ત્યાં પોતાના ઘરમાં કમસેકમ રોટલો તો મળી જશે ને. ઘરમાં ખાવા તો મળી જ રહેશે."

"બીજી વાત એ કે અમારો પોતાનો પ્રદેશ છે, તો અમે અમારી ભાષામાં વાત કરીશું અને અમને હિંમત પણ રહેશે. "

રામ હરિ આગળ વાત માંડે છે, "સુરતમાં અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. ખાવાનું શોધવા બહાર નીકળીએ તો લોકો અમને બોલે છે કે લૉકડાઉન છે તો બહાર કેમ નીકળો છો. અમારે ખાવું પડશે ને."

પ્રકાશ ગોંડા નામના અન્ય એક ઓડિશાના વતની સુરતના લસકાણા વિસ્તારમાં રહે છે અને કાપડઉદ્યોગમાં કામદાર તરીકે કામ કરે છે.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "લૉકડાઉન પછી કામ બંધ થઈ ગયું. જેટલા પણ પૈસા હતા તે હવે ખતમ થઈ ગયા છે. હવે પૈસા પણ નથી."

"જ્યારે લૉકડાઉનની જાહેરાત થઈ હતી ત્યારે પૈસા હતા તો થોડા દિવસ ચૂલો સળગ્યો. પણ હવે તો પૈસા ખતમ થઈ ગયા, 12-13 દિવસથી જે મળે એ શોધીને ખાઈ લઈએ છીએ."

"બહાર ખાવાનું લેવા માટે એક-દોઢ કલાક તડકામાં ઊભા રહેવું પડે છે. એ પછી પણ જે થોડું મળે એનાથી દહાડા કાઢવા પડે છે."

"અમને ખ્યાલ છે કે લૉકડાઉન જરૂરી છે. સરકારે બરાબર પગલાં લીધાં છે પણ અમારી સરકારને એટલી જ અરજ છે કે કાં તો અમને અહીં કામ આપો, કાં તો અમને અમારા વતન ઓડિશા જવા દો."

14 એપ્રિલે પણ સુરતના વરાછા રોડ પર બહોળી સંખ્યામાં કામદારો ઊતરી આવ્યા હતા. હીરાઉદ્યોગ, કાપડઉદ્યોગ અને કશીદાકારી એટલે કે ઍમ્બ્રૉઇડરીના કામદારો સાગમટે રસ્તે ઊતરી આવ્યા હતા.

તેમની એક જ માગ હતી કે તેમને વતન પરત મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવે.

કામદારો રસ્તા પર ઊતરી આવ્યા એ પછી પોલીસ પણ દોડી આવી હતી.

આ ઘટના વિશે બીબીસી સાથે વાત કરતાં સુરતના પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે "700-800 કામદારો રસ્તા પર હતા. તેમને ઘરે જવું છે. વતનમાં જવાની માગણી કરી રહ્યા હતા."

તેમની એવી પણ ફરિયાદ છે કે ભોજન મળતું નથી. ભોજન માટેની જે વ્યવસ્થા છે એના માટે કલાકો કતારમાં ઊભા રહેવું પડે છે.

આ વિશે આર. બી. બ્રહ્મભટ્ટે કહ્યું હતું, "એકંદરે ભોજનની વ્યવસ્થા સારી જ છે. હવે જે ઘરે ભોજન મળતું હોય તે તો ન મળે."

આર.બી.બ્રહ્મભટ્ટે કહ્યું હતું, "લોકોને લાંબા સમય સુધી લાઇનમાં ઊભાં રહેવું ન પડે એ માટે પણ વહીવટી તંત્ર વ્યવસ્થા કરી રહ્યું છે."

"આ સિવાયના પણ જે નાનામોટા પ્રશ્નો છે તે અમે ઉકેલી લઈશું."

અન્ય રાજ્યોમાં ગુજરાતીઓ હોય તો તેમને વતન પરત લાવવાની વાત થાય છે તો અહીં જે ઓડીશા કે ઉત્તર પ્રદેશ, બિહારના લોકો છે એમને વતન પરત પહોંચાડવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે?

આ સાવલના જવાબમાં બ્રહ્મભટ્ટે કહ્યું હતું "ના, એવા કોઈ નિયમો નથી કે કોઈને લાવવાના હોય. જે જ્યાં છે ત્યાં જ રહે એ પ્રકારનો નિયમ છે, સિવાય કે મેડિકલ ઇમર્જન્સી હોય. મેડિકલ ઇમર્જન્સી કે આઇસોલેટેડ કેસ હોય તો લઈ જવા માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડે."

800 જેટલા લોકો સુરતમાં જાહેરમાં એકઠા થયા હતા તો જાહેરનામાનો ભંગ થયો છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન નથી થયું તો કાયદાકીય પગલાંની શક્યતા ખરી?

આ સવાલના જવાબમાં આર.બી.બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે "અમે એ વિશે વિચારી રહ્યા છીએ."

10 એપ્રિલે પણ સુરતમાં પરપ્રાંતીય કામદારો સાંજે રોડ પર ઊતરી આવ્યા હતા. વતન પરત જવાની માગ સાથે હિંસક દેખાવ કર્યા હતા તેમજ વેતનની પણ માગ કરી હતી.

હિંસક દેખાવો બદલ એ વખતે પોલીસે 60 લોકોની અટકાયત કરી હતી. હવે ફરીથી કામદારો 14 અને 15 એપ્રિલે રસ્તા પર ઊતર્યા હતા અને વતન જવાની માગ ફરી ઉઠાવી હતી

શ્રમિકોના અધિકાર માટે કામ કરતી ગુજરાતની સંસ્થા મજૂર અધિકાર મંચના જનરલ સેક્રેટરી મીનાબહેન જાદવે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "વડા પ્રધાને 14 એપ્રિલે સવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું અને લૉકડાઉનની અવધી 3 મે સુધી લંબાવાઈ. એ જ દિવસે સાંજે સુરતમાં મોટા સંખ્યામાં કામદારો રસ્તા પર ઊતરી આવ્યા હતા."

"મને લાગે છે કે આ કામદારો એવી રાહ જોતા હતા કે આજે લૉકડાઉનમાં હળવી છૂટછાટ સરકાર આપશે અને તેઓ વતન જઈ શકે એ માટેની વ્યવસ્થા થશે."

"એવું ન થયું તેથી હતાશ થયેલા કામદારો રસ્તા પર ઊતરી આવ્યા હશે. સરકાર જો વિદેશમાં વસતા ભારતીયોને લાવવા માટે આયોજન કરી શકે તો આ શ્રમિકોના પરસેવાથી તો દેશ ધબકે છે. સરકાર તેમના તરફ દુર્લક્ષ સેવી રહી છે."

તેઓ કહે છે, "સરકારે કમસેકમ તેમના માટે રૅશન અને રહેવાલાયક રહેઠાણની વ્યવસ્થા તો કરવી જ જોઈએ. અમદાવાદ જેવા રાજ્યનાં મોટાં શહેરોમાંથી પણ અમને કેટલાય શ્રમિકો ભોજનની વ્યવસ્થા માટે કૉલ કરે છે. અમારાથી બનતા તમામ પ્રયત્નો અમે કરીએ છીએ."

"એટલું ચોક્કસપણે કહી શકાય કે લૉકડાઉન દરમિયાન મજૂરો કે શ્રમિકો માટે પૂરતાં ફૂડપૅકેટ્સની વ્યવસ્થા કરવામાં વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે. ગુજરાતમાં કેટલાંય ઠેકાણે પરપ્રાંતીય મજૂરો કફોડી સ્થિતિમાં છે."

"સરકારે અન્ન બ્રહ્મ યોજના હેઠળ અન્ન પહોંચાડવાની વાત કરી છે, પરંતુ એ જરૂરિયાતમંદ લોકો સુધી જે પ્રમાણમાં પહોંચવું જોઈએ એ પહોંચ્યું નથી. 10-15 દિવસ મજૂર કે કામદારના ઘરનો ચૂલો ચાલે તેટલું અનાજ તો સરકારે આપવું જ જોઈએ."

સુરતમાં 14 એપ્રિલે સાંજે શ્રમિકો એકઠા થયા હતા ત્યારે એક શ્રમિકે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું, "અહીં શું છે, બે રોટલી ખવરાવે છે અને ડંડા મારે છે. અમે ઇચ્છીએ છીએ કે અમને ગામ પરત મોકલી દેવામાં આવે. અમે મરી જઈશું તો પણ ચાલશે. અમારે ગામ જવું છે."

ઉસકે બાદ છે મહિના સાલ ભર કા લૉકડાઉન કર દેને કા. હમ લોગ અપને ઘર પે ખા સકતા હૈ, રહ શકતા હૈ. કીસી કે ઘર પર નહીં જાયેંગે."

"એ પછી આખા વર્ષ માટે લૉકડાઉન કરી દેજો. અમે પોતાના ઘરે ખાઈ શકીશું."

સુરતના ડીસીપી રાકેશ બારોટે 14 એપ્રિલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "કામદારો એકઠા થયા હતા અને તેમની રજૂઆત હતી કે તેમને પોતાના વતન પરત જવું છે અને તેમની પાસે ભોજનની કોઈ વ્યવસ્થા નથી. આ પછી અમે કામદારો માટે ભોજનની વ્યવસ્થા કરી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો