You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ભારતનું એ શહેર જેણે કોરોના પર કાબૂ મેળવી લીધો
સમગ્ર વિશ્વ સહિત ભારતમાં કોરોનાનો કેર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે.
પરંતુ ભારતમાં એવાં પણ કેટલાંક સ્થળો છે, જ્યાં શરૂઆતમાં મોટા પ્રમાણમાં કોરોના વાઇરસના કેસ સામે આવ્યા હતા, પરંતુ ત્યાંના સચેત વહીવટી તંત્રની અથાગ મહેનત અને પ્રયાસોને કારણે અત્યારે આવાં સ્થળોએ કોરોનાના પ્રકોપ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.
આવું જ એક સ્થળ છે ઉત્તર પ્રદેશનું આગ્રા.
નોંધનીય છે કે દેશમાં સૌપ્રથમ જે વિસ્તારોમાંથી કોરોનાના કેસો મળી આવ્યા હતા, તેમાંથી એક આગ્રા પણ હતું.
વિદેશથી પાછા ફરેલા આગ્રાના બે પુરુષોનો ટેસ્ટ કોરોના પૉઝિટિવ આવતાં શહેરમાં ચેપની શરૂઆત થઈ હતી.
ત્યારબાદ શહેરમાં વધુ 6 કોરોનાના દર્દી સામે આવતાં તંત્રે શહેરમાં કોરોનાના પ્રસારને અટકાવવા માટે રણનીતિ બનાવી. જે પાછળથી કોરોના વાઇરસ સામે લડવા માટેના ‘આગ્રા મૉડલ’ તરીકે જાણીતી બની.
તો કેવી રીતે પળેપળ વિદેશી પ્રવાસીઓથી ખીચોખીચ ભરાયેલા રહેતા આ શહેરમાં કોરોનાની મહામારી પર નિયંત્રણ મેળવવામાં તંત્રને સફળતા મળી.
આગ્રાએ શું પગલાં લીધાં?
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોનાને અટકાવવા માટે આગ્રામાં વહીવટી તંત્ર દ્વારા લેવાયેલાં પગલાંની નોંધ લીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગ્રામાં કેસોની સંખ્યા વધતાં સ્થાનિક તંત્ર દ્વારા ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રૉગ્રામ સાથે સંકળાયેલા લોકો સાથે મળીને સમગ્ર શહેરમાં કૉમ્બિંગ ઑપરેશન શરૂ કરી દીધું હતું.
કોરોનાના દર્દીઓની શોધ માટે આગ્રાના લોહામંડી વિસ્તારની 3 કિમી વિસ્તારને કૉર્ડન કરી દેવાયો હતો.
તેમજ કોરોના પૉઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ટ્રૅસ કરવા માટે 1248 ટીમો તહેનાત કરી દેવાઈ હતી, જેમણે 1,65,000 ઘરોમાં જાતતપાસ હાથ ધરી હતી.
આરોગ્ય મંત્રાલયના નિવેદન અનુસાર, ‘રાજ્ય અને પ્રદેશ વહીવટી તંત્રના જુદા-જુદા વિભાગો વચ્ચે સંકલનને કારણે પરિસ્થિતિ કાબૂમાં લઈ શકાઈ છે.’
‘તંત્ર દ્વારા કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્માર્ટ સિટી ઇન્ટિગ્રેટેડ વિથ કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટરનો વૉર રૂમ તરીકે ઉપયોગ કરાયો હતો.’
આ સિવાય શહેર વહીવટી તંત્ર દ્વારા વાઇરસના ઍપિસેન્ટરોની ઓળખ માટે ક્લસ્ટર કન્ટેઇન્મેન્ટ અને આઉટબ્રેક કન્ટેઇન્મેન્ટ પ્લાન અમલમાં મૂકવામાં આવ્યા હતા.
દર્દીઓની શોધ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ
ત્યારબાદ આવી રીતે ઓળખી કઢાયેલા વાઇરસના ઍપિસેન્ટરોમાં કોરોનાના દર્દીઓની શોધ અને ઓળખ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરાઈ હતી.
તેમજ તમામ હૉટ-સ્પૉટ પર વહીવટી તંત્રે સતત સરવેનું કામ ચાલુ રાખ્યું હતું.
કોરોનાના કારણે વધુ પડતા પ્રભાવિત થયેલા વિસ્તારોના 3 કિમિના પરિઘમાં આવતા તમામ વિસ્તારોને ઍપિસેન્ટર જાહેર કરી દેવાયા હતા જ્યારે તેની આસપાસના 5 કિમિના વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરી દેવાયા હતા.
આવા કન્ટેઇનમેન્ટ ઝોનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મદદ લઈ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.
કોરોના સામે લડવા માટે બનાવાયેલી 1248 ટીમોમાં બબ્બે સભ્યો હતા, જેમાં આંગણવાડી અને આશાવર્કરોની પણ મદદ લેવાઈ હતી.
આવી રીતે ઘરદીઠ કરાયેલી સ્ક્રિનિંગમાં 9.3 લાખ લોકોની ચકાસણી શક્ય બની શકી હતી.
કંઈક આવી રણનીતિ અનુસર્યા બાદ હવે આગ્રામાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હોય તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
કોરોના સામે બાથ ભીડવા માટે અપનાવાયેલા ‘આગ્રા મૉડલ’ થકી દેશના અન્ય વિસ્તારો, કે જ્યાં વાઇરસના ચેપની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જઈ રહી છે, ત્યાં પણ કોરોના વાઇરસ પર કાબૂ મેળવી શકાય છે તેવો આશાવાદ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ જે રીતે સ્થાનિક પ્રશાસને કોરોનાને કાબૂમાં લેવા જે કામગીરી કરી એની સરાહના કરી છે.
આગ્રા મૉડલમાં WHOએ સ્થાનિક પ્રશાસનને તકનીકી સહયોગ આપ્યો છે. એરિયાના મેપિંગથી લઈને હૉટસ્પૉટને ચિન્હિત કરવામાં સંસ્થાએ મદદ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો