કોરોના વાઇરસ : લૉકડાઉનમાં ખાવાનું ન મળતાં મહિલાએ પાંચ બાળકને નદીમાં ફેંક્યાં? - ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

રવિવારે એક સમાચાર અચાનક ટ્વિટર પર ખૂબ શૅર થવા લાગ્યા. સામાન્ય લોકોની સાથેસાથે ઘણા મોટા પત્રકાર, નેતા, સામાજિક કાર્યકરોએ પણ આ સમાચારને શૅર કર્યા.

સમાચાર ઉત્તર પ્રદેશના ભદોઈ જિલ્લાના છે. સમાચાર એજન્સી આઈએએનએસના હવાલાથી આઉટલૂટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે- 'રોજિંદી મજૂરી કરનારાં એક મહિલા લૉકડાઉનને કારણે બાળકોને ખાવાનું ન ખવડાવી શક્યાં તો તેઓએ પોતાનાં પાંચ બાળકોને નદીમાં ફેંકી દીધાં.'

આ રિપોર્ટને ઘણા મોટા પત્રકારો અને રાજકીય પાર્ટીઓએ ટ્વિટર પર શૅર કર્યા.

જોકે વરિષ્ઠ પત્રકાર રાણા અયુબ અને સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈપી સિંહે પોતાનું ટ્વીટ ડિલીટ કરી નાખ્યું.

100 શબ્દોના આ રિપોર્ટમાં તપાસ કરનારા પોલીસ અને પીડિતાના દાવાનો કોઈ ઉલ્લેખ નથી કે લૉકડાઉન અને ભૂખને કારણે બાળકોને નદીમાં ફેંકી દીધાં.

આ સમાચાર વાંચવામાં પણ હેડલાઇનથી મેળ નથી ખાતા અને જાણકારી અધૂરી લાગે છે. તેમ છતાં સોશિયલ મીડિયામાં ઘણા મોટા પત્રકારો અને નેતાએ શૅર કર્યા.

જાણીતા સામાજિક કાર્યકર અને કૉમ્યુનિસ્ટી પાર્ટી (માર્ક્સ-લેનિન)નાં નેતા કવિતા કૃષ્ણને આ ઘટનાની નિંદા કરતાં ટ્વિટર પર એક વીડિયો પણ શૅર કર્યો.

આ સમાચાર સાથે જોડાયેલી માહિતી માટે બીબીસીએ ભદોઈના એસ.પી. રામ બદન સિંહ સાથે વાત કરી.

તેઓએ જણાવ્યું, "શનિવારે રાતે દોઢ-બે વાગ્યા આસપાસ આ ઘટના ઘટી. રવિવારે સવારે નવ વાગ્યે અમને ખબર પડી કે મંજુદેવીએ પોતાનાં બાળકોને નદીમાં ફેંદી દીધાં. પરંતુ આ ભૂખ કે લૉકડાઉનની અસરનો મામલો નથી."

"મહિલાના પતિ દારૂ પીતા હતા અને બીજો ઘણો નશો કરતા હતા. આથી બંને વચ્ચે ઝઘડા થતા હતા. મહિલાએ આ ઝઘડાથી કંટાળીને પોતાનાં બાળકોને નદીમાં ફેંકી દીધાં અને પોતે પણ કૂદી ગઈ. જોકે તેને તરતા આવડતું હોવાથી તે બચી ગઈ."

હાલમાં મહિલાની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ ભદોઈ પોલીસે એક રસોડાની બે તસવીર શૅર કરીને દાવો કર્યો કે મંજુદેવીના ઘરમાં ભોજનની કોઈ કમી નહોતી.

જોકે મહિલાની પોલીસે ધરપકડ કરી હોવાથી તેમની સાથે વાત કરવું શક્ય નહોતું. આથી અમે તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો.

મહિલાના 28 વર્ષીય દિયર પુનિત યાદવે અમને જણાવ્યું, "ઘરમાં ખાવાપીવાની કોઈ સમસ્યા નથી. મહિલાના પતિ સોનીની દુકાને કામ કરે છે. મોટા ભાઈ સરકારી સ્કૂલમાં ભણાવે છે. અમારા ઘરે ખાવાનું ન મળવાથી કોઈ મરી જાય એવું ન બને."

"ખબર નહીં અડધી રાતે શું થયું હતું. ચાર બાળકોના મૃતદેહ મળ્યા છે અને એકની શોધખોળ ચાલુ છે."

આ બાળકોની ઉંમર ત્રણ વર્ષથી લઈને દસ વર્ષ સુધીની હતી.

જોકે જાણીતા વકીલ અને સામાજિક કાર્યકર પ્રશાંત ભૂષણે સોમવારે એક ટ્વીટ કરીને કહ્યું કે ભદોઈ પોલીસ અનુસાર આ ઘટના ખાવાનું ન મળવાને કારણે થઈ નથી. આ ઘટનાની આગળ તપાસ થવી જોઈએ.

તો કવિતા કૃષ્ણને પણ ભદોઈ પોલીસ પાસે આ ઘટનાની સ્વતંત્ર તપાસની માગ કરી છે.

બીબીસીએ આ ઘટનામાં સામેલ પીડિત પરિવાર અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરીને જાણ્યું કે દાવો ખોટો છે.

આ ઘટના સાચી છે, પરંતુ મહિલા ન તો રોજમદાર છે અને ન તો લૉકડાઉનને લીધે ખાવાનું ન મળવાથી તેમણે પોતાનાં બાળકોને નદીમાં ફેંકી દીધાં.

આ ઘટનાને ખોટા સંદર્ભ સાથે અનેક જાણીતા લોકો શૅર કરી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો