You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ભારતીય ડૉક્ટરે લખ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર
- લેેખક, ગુરપ્રીત સૈની
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
વિવાર 22 માર્ચે ભારતમાં અનેક લોકોએ કોરોના વાઇરસ વિરુદ્ધના જંગમાં પહેલી હરોળમાં ઊભેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે તાળીઓ અને થાળીઓ વગાડી. જે પછી દેશના એક ડૉક્ટરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો.
હેલો મિસ્ટર વડા પ્રધાન,
રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એક હૉસ્પિટલમાં પીડિયાટ્રિક આઈસીયુમાં કામ કરતાં ડૉક્ટર તરીકે, હું તમારું ધ્યાન પાયાની હકીકત તરફ દોરવા માગું છું. એન 95 તો ભૂલી જાઓ, અમારી પાસે પૂરતી માત્રામાં સામાન્ય માસ્ક પણ નથી.
- કોરોના વાઈરસની વૈશ્વિક બીમરીનો અંત ક્યારે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
બે-ત્રણ દિવસ સુધી અમારે અમારા ગાઉનનો ઉપયોગ કરવો પડે છે, જે ગાઉન વગર કામ કરવા જેવું જ છે. તમામ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમૅન્ટનો સપ્લાય બહું ઓછો છે.
જો દેશની રાજધાનીની વચ્ચોવચ આવેલી હૉસ્પિલટલમાં આ સ્થિતિ છે તો આપણે દેશના અન્ય ભાગોમાં આવેલી હૉસ્પિટલો વિશે શું વિચારી શકીએ?
વાત એમ છે કે જો તમે આ મહામારી સામે લડવા માટે હૅલ્થ સિસ્ટમની મદદ કરવા માગતા હો તો 'બાલ્કનીમાં ઊભા રહીને તાળી વગાડવા'ને બદલે તમારે ઉપકરણો આપવાં જોઈએ.
મને 99 ટકા વિશ્વાસ છે કે આ ખુલ્લો પત્ર તમારા સુધી નહીં પહોંચે, આમ છતાં એ આશામાં આ પત્ર લખી રહ્યો છું કે અન્ય ડૉક્ટર અને સામાન્ય નાગરિક ઊભા થઈને તાળી પાડવાના બદલે એક પ્રભાવશાળી સમાધાન માટે એકઠા થાય.
જો તમે સ્વાસ્થ્યકર્મીઓને પોતાની અને દેશની સુરક્ષા માટે આવશ્યક એવી ચીજો ન આપી શકતા હો તો તાળીઓ પાડીને તેમની મજાક ઉડાવવાનું બંધ કરો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ખુલ્લો પત્ર દિલ્હીની લૅડી હાર્ડિંગ હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર દેબાબ્રાતા મોહાપાત્રાએ પોતાની ફેસબુક વૉલ પર લખ્યો છે.
અસહાય ડૉક્ટર,
સોમવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ નરેન્દ્ર મોદી સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા કે "WHOની સલાહ - વૅન્ટિલેટર, સર્જિકલ માસ્કનો પૂરતો જથ્થો રાખવાને બદલે ભારતે સરકારે 19 માર્ચ સુધી આ તમામ ચીજોની નિકાસની મંજૂરી કેમ આપી?"
WHOની ગાઇડલાઇન પ્રમાણે પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમૅન્ટમાં ગ્લવ્સ, મેડિકલ માસ્ક, ગાઉન અને એન95, રૅસ્પિરેટર્સ સામેલ હોય છે.
કોરોના વાઇરસને લઈને દરરોજ સરકારની તરફથી થતાં પ્રતિનિધિસંમેલનમાં અધિકારીઓને પીપીઈની પ્રાપ્યતા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
પ્રશ્નમાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર પૂછવામાં આવ્યું કે સરકારે WHOની વાત કેમ ન માની?
એના જવાબમાં સ્વાસ્થ્યમંત્રાલયના જૉઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું, "એ રિપોર્ટ ક્યાં છે, જેમાં WHO ભારત સરકારને આવી કોઈ સલાહ આપી છે?"
તેમનું કહેવું હતું કે ભારત સરકારને આવી કોઈ ઍડ્વાઇઝરી મળી નથી. તેમણે આ સમાચારને ફેક ન્યૂઝ ગણાવ્યા છે.
તેમણે કહ્યું, "સમયે-સમયે દેશમાં જે-જે ચીજોની જરૂર પડી છે, ત્યારે-ત્યારે ભારત સરકારે એ ચીજોને પ્રતિબંધિત કૅટેગરીમાં મૂકી છે."
સ્પષ્ટ છે કે સરકાર આ આરોપોને ખારિજ કરે છે. સોશિયલ મીડિયામાં સતત વીડિયો પોસ્ટ કરીને દાવા કરાઈ રહ્યા છે કે સ્વાસ્થ્યકર્મચારીઓને પીપીઈ કિટ મળી નથી રહી.
લખનૌના રામમનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતાં શશી સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હજારો લોકોએ શૅર કર્યો છે.
આ વીડિયોમાં તેઓ ફરિયાદ કરી રહ્યાં છે કે નર્સોને પાયાની ચીજો નથી મળી રહી.
તેઓ કહે છે, "તેમની પાસે એન95 માસ્ક નથી. એક સામાન્ય માસ્ક અને ગ્લવ્ઝની મદદથી જ દર્દીઓને તપાસવામાં આવે છે. તેમનો આરોપ છે કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં આ જ સ્થિતિ છે અને આ વિશે બોલવાથી રોકવામાં આવે છે."
આરએમએલના મેડિસિન ડિપાર્ટમેન્ટના હૅડ અને હૉસ્પિટલમાં કોરોના વૉર્ડના કન્વીનર ડૉ. વિક્રમે અછત સર્જાઈ હોવાની વાત સ્વીકારી છે.
તેમનું કહેવું છે, "હવે આવી કોઈ સમસ્યા નથી અને ડૉ. શશીની ફરિયાદ વાજબી હતી અને હવે એ સમસ્યા દૂર કરી દેવામાં આવી છે."
આ મામલે બીબીસીએ રાજકીય નર્સીસ સંઘ, ઉત્તર પ્રદેશના મહામંત્રી અશોક કુમારનો સંપર્ક કર્યો.
તેમણે પણ કહ્યું, "પ્રદેશની હૉસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની દિવસરાત સેવા કરવામાં આવી રહી છે. પણ દુર્ભાગ્યની વાત છે કે મોટાભાગનાં નર્સ પાસે ટ્રિપલ લૅયર માસ્ક, એન95 માસ્ક, ગ્લવ્ઝ અને સૅનિટાઇઝર ઉપલબ્ધ નથી."
અશોક કુમારે આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પત્ર પણ લખ્યો છે.
જોકે ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્યમંત્રી જય પ્રતાપે પત્રકાર સમીરાત્મજ મિશ્ર સાથેની વાતચીતમાં કહ્યું, "શરૂઆતમાં એવું હતું અને એવું લાગે છે કે દેશભરમાં ચીજોની અછત હતી. જોકે હવે અમે સ્થિતિને સુધારી છે."
"હવે અછત નથી. જ્યાં પણ જરૂર પડી રહી છે, ત્યાં અમે જરૂરી સામાન પહોંચાડી રહ્યા છીએ."
બીબીસીએ દેશની કેટલીક અન્ય મોટી હૉસ્પિટલોના સ્વાસ્થ્યકર્મચારીઓનો પણ સંપર્ક કર્યો અને જાણવાનો પ્રયાસ કર્યો કે ત્યાં કર્મચારીઓ કેવી પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે.
'સ્વાસ્થ્ય કર્મચારીઓને ચારગણો ખતરો'
જયપુર ફરવા આવેલા ઇટાલીના 14 મુસાફરો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
તેમનો ઇલાજ ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં કરવામાં આવ્યો, જેમાંથી 11 લોકો ઠીક થયા છે.
મેદાંતા હૉસ્પિટલના કોરોના વૉર્ડને લીડ કરતાં 42 વર્ષીય ડૉ. સુશીલા કટારિયાએ બીબીસી સાથેની વાતચીતમાં સારવાર કરતી વખતે પડી રહેલી મુશ્કેલીઓ વિશે જણાવ્યું:
"કોઈ પણ ખતરનાક બીમારીના વખતમાં સ્વાસ્થ્યકર્મચારીઓ પર સામાન્ય લોકોના મુકાબલે ચારગણો ખતરો હોય છે. બીજો ખતર સ્વાસ્થ્યકર્મચારીઓના પરિવારજનો પર હોય છે."
"જરૂરી છે કે તમે જ્યારે ઘરે જાઓ ત્યારે સાથે કોઈ વાઇરસ લઈને ન જાઓ. નહીં તો તમારા પરિવારજનો સંક્રમિત થાય એવો ભય રહે છે."
"એ જ કારણથી છેલ્લા 20 દિવસથી હું સેલ્ફ-આઇસોલેશનમાં છું અને મારા પરિવારથી દૂર છું."
તેઓ કહે છે, "આવનારા દિવસોમાં કેસોની સંખ્યા વધશે તો ડૉક્ટરો માટે પડકારો વધી જશે. માસ્ક ઘટી જશે. સામાન્ય લોકોએ એન95 માસ્ક ખરીદી લીધા છે."
"જ્યારે ડૉક્ટર કોઈ ગંભીર દર્દીનો ઇલાજ કરી રહ્યા હોય ત્યારે તેમને આ માસ્કની જરૂર પડે છે. તેમને ગાઉન, કૅપ, શૂ-કવરની જરૂર હોય છે."
"જો દર્દીઓનો ઇલાજ કરી રહેલા ડૉક્ટર જ બીમાર થઈ જશે તો દર્દીઓને કોણ જોશે?"
"એટલે જરૂરી છે કે ડૉક્ટરનું સ્વાસ્થ્ય ઠીક રહે. એ ત્યારે જ શક્ય બનશે જ્યારે ડૉક્ટર્સને પીપીઈની કિટ મળશે. હું મારી ટીમને સંક્રમિત જગ્યાએ સુરક્ષા વગર કામ કરવાનું ન કહી શકું."
અપૂરતી તૈયારી
દિલ્હીના ઍઇમ્સ હૉસ્પિટલના કોરોના વૉર્ડમાં કામ કરતાં એક મહિલા ડૉક્ટરે નામ ન આપવાની શરતે કહ્યું કે કોરોના સામે લડવાની તૈયારી અપૂરતી છે.
તેઓ કહે છે, "માસ્ક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. સ્ક્રીનિંગ કિટ્સ પૂરતી નથી. હમણાં અમારી તમામ રજાઓ રદ કરવામાં આવી છે અને તમામ વિભાગોમાંથી 25 ટકા રૅસિડેન્ટ ડૉક્ટરો માગવામાં આવ્યા છે, જેથી જરૂર પ્રમાણે તેમને ડ્યૂટી પર લગાવી શકાય."
"એટલે સ્પષ્ટ છે કે હમણાં સ્થિતિ સામાન્ય નથી. ડૉક્ટર્સને અન્ય શહેરોની હૉસ્પિટલોમાં પોસ્ટિંગ માટે મોકલવામાં આવશે. પણ ડૉક્ટર્સની સુરક્ષા માટે પૂરતાં સાધનો ઉપલબ્ધ નથી."
તેઓ કહે છે, "ઇમર્જન્સી વૉર્ડમાં કામ કરતાં ડૉક્ટર્સની સ્થિતિ બહું ખરાબ છે. કેટલાકમાં કોરોનાનાં લક્ષણો સામે આવી રહ્યાં છે. કેટલાક પોતે આઇસોલેશનમાં છે તો કેટલાક ક્વોરૅન્ટીન વૉર્ડમાં છે."
"હજી સુધી તેમનો કોરોનાનો ટેસ્ટ પણ થઈ નથી શક્યો. તમે આ વાતને સમજી શકો છો કે જે લોકો બીજાના માટે કામ કરી રહ્યા છે, એમનું પોતાનું પરીક્ષણ નથી થઈ શક્યું."
ઍઇમ્સના રૅસિડેન્ટ ડૉક્ટર ઍસોસિયેશને આ સમસ્યા દિલ્હી ઍઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા સમક્ષ પણ રજૂ કરી.
ઍસોસિયેશનના ઉપપ્રમુખ પી. ચંદનના પ્રમાણે આ મામલે સોમવારે એક બેઠક યોજાઈ હતી, જેમાં ડાયરેક્ટરે એક લાખ માસ્ક ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો હતો.
ઍઇમ્સની આ સ્થિતિને લઈને બીબીસી દ્વારા ઍઇમ્સનો મીડિયા વિભાગ સંભાળતાં બી. એન. આચાર્યનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. આમ છતાં તેમના તરફથી હજી રાહ જોવાઈ રહી છે.
આ મામલે બીબીસીએ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયના જૉઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ સહિતના અધિકારીઓને ફોન કરીને તેમની પાસેથી પીપીઈ સંસાધનોની અછત મામલે સરકારનો પક્ષ જાણવાના પ્રયાસો કર્યા.
જોકે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પણ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો