You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉન્નાવ રેપ કેસ : ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સામે ચાર્જશીટ દાખલ
ઉન્નાવ રેપ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સામે દિલ્હીની સેશન કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
કુલદીપ સેંગર સામે બળાત્કાર (376(1)) અને અપરાધિક કાવતરું (120 બી) સહિત આઈપીસીની અન્ય કલમો મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પૉક્સો ઍક્ટનના સેક્શન અને 4 મુજબનો પણ ચાર્જ તેમની સામે છે.
સુપ્રીમ કોર્ટે 1 ઑગસ્ટના રોજ ઉન્નાવ બળાત્કાર કેસ અને તેની સાથે સંકળાયેલા તમામ 5 કેસ ઉત્તર પ્રદેશથી દિલ્હીની સીબીઆઈ અદાલતને ટ્રાન્સફર કર્યાં હતા.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બૅન્ચે કહ્યું હતું કે કેસમાં નક્કી કરેલા એક જજ દરરોજ સુનાવણી કરશે અને 45 દિવસમાં કેસની ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરાશે.
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો આરોપ મૂકનાર પીડિતા 28 જુલાઈના રોજ રાયબરેલીમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં છે. આ ઘટનામાં એમનાં બે સંબધીઓનું મૃત્યુ થયું હતું.
પીડિતાના પરિવારજનો આ અકસ્માતને એક કાવતરું ગણાવે છે અને તેનો આરોપ કુલદીપ સેંગર પર લગાવે છે.
5 ઑગસ્ટે સુપ્રીમ કોર્ટે સારવાર માટે પીડિતાને દિલ્હી ખસેડવાનો આદેશ આપ્યો હતો.
પીડિતા હાલ ઑલઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ -ઍઇમ્સમાં સારવાર હેઠળ છે. છેલ્લા સમાચારો મુજબ તેઓ ગંભીર રીતે ઘાયલ છે અને તેમની હાલક નાજુક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીડિતાના પિતાનું અગાઉ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થઈ ચૂક્યું છે.
થ્રિલર ફિલ્મ જેવી કહાણી
28 જુલાઈએ થયેલા કથિત અકસ્માતની દુર્ઘટનામાં જે બે મહિલાઓનું મૃત્યુ થયું તે પૈકી એક પીડિતાના કેસમાં સાક્ષી પણ હતાં. એક અન્ય સાક્ષીનું મૃત્યુ થોડા દિવસ અગાઉ જ થયું છે.
બળાત્કાર પીડિતાના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને એમના કાકાને કેટલાક અન્ય કેસોમાં ધપકડ કરીને જેલમાં રાખવામાં આવ્યા છે.
પીડિતા અને અન્ય લોકો એમને મળવા જ જઈ રહ્યાં હતાં.
આ આખો કેસ થ્રિલર ફિલ્મની કહાણી જેવો છે.
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મૃત્યુ થયું હતું. સગીરાના પિતાનાં મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજા દિવસે જ પીડિતના પિતાનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું અને સમગ્ર મામલો બહાર આવ્યો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
ઉન્નાવ રેપ કેસમાં અત્યાર સુધીનો ઘટનાક્રમ
- 4 જૂન 2017 : પીડિતાએ ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો.
- 11 જૂન 2017 : પીડિતા લાપતા થયાં અને પોલીસમાં એની ફરિયાદ
- 22 જૂન 2017 : પીડિતાને અદાલતમાં રજૂ કરાયાં, નિવેદન લેવાયું
- 04 એપ્રિલ 2018 : પીડિતાનાં પિતાની આર્મ્સ ઍક્ટ હેઠળ ધરપકડ
- 09 એપ્રિલ 2018 : પીડિતાનાં પિતાનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ
- 11 એપ્રિલ 2018 : યૂપી સરકારે કેસ સીબીઆઈને સોંપ્યોં
- 13 એપ્રિલ 2018 : ધારાસભ્યની ધરપકડ, સીબીઆઈની પૂછપરછ
- 11 જુલાઈ 2019 : પીડિતા અને વકીલની કારને અકસ્માત, બેનાં મૃત્યુ, સ્થિતિ ગંભીર
- 31 જુલાઈ 2019 : સીબીઆઈને તપાસનો આદેશ
- 1 ઑગસ્ટ 2019 : સુપ્રીમનો આદેશ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર
- 2 ઑગસ્ટ 2019 : જેલમાં બંધ પીડિતાના કાકાને સુરક્ષા કારણસર તિહાર ખસેડવાનો સુપ્રીમનો આદેશ
- 5 ઑગસ્ટ 2019 : પીડિતાને નવી દિલ્હી ઍઇમ્સમાં ખસેડાયાં
- 09 ઑગસ્ટ 2019 : કુલદીપ સેંગર સામે ચાર્જશીટ ફાઇલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો