You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાબરી મસ્જિદ અને રામજન્મભૂમિના વિવાદમાં હવે આગળ શું થશે?
- લેેખક, રામદત્ત ત્રિપાઠી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
અયોધ્યામાં 1500 વર્ગ ગજ જમીન પર બે ધાર્મિક સમુદાયોની આસ્થા આશરે 150 વર્ષોથી કોર્ટ-કચેરીનાં ચક્કર લગાવી રહી છે.
વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટે એ માન્યુ હતું કે એ જમીન ભગવાન રામનું જન્મસ્થળ છે.
આ સાથે જ અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત બાબરી મસ્જિદના ત્રણ ઘુંમટ લાંબાગાળા સુધી કબજાના આધારે ત્રણ પક્ષોને વેચી દીધા હતા.
એક ભાગ નિર્મોહી અખાડાને સોંપવામાં આવ્યો હતો. નિર્મોહી અખાડો સનાતન હિંદુઓની પ્રતિનિધિ સંસ્થા છે અને આશરે દોઢસો વર્ષથી ત્યાં પૂજા-અર્ચનાના અધિકાર માટે લડી રહ્યો છે.
બીજો ભાગ હિંદુત્ત્વવાદી સંસ્થા અને શાસક ભારતીય જનતા પક્ષના સહયોગી વિશ્વ હિંદુ પરિષદને સોંપવામાં આવ્યો હતો.
જ્યારે ત્રીજો ભાગ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા સુન્ની વક્ફ બૉર્ડને સોંપવામાં આવ્યો હતો.
આ નિર્ણયથી એક પણ પક્ષ સંતુષ્ટ નહતો એટલે જ સુપ્રીમ કોર્ટમાં કુલ 14 અપીલ દાખલ કરવામાં આવી.
સુપ્રીમ કોર્ટમાં વર્ષો સુધી એ માટે સુનાવણી ન થઈ શકી કેમ કે અલાહાબાદ હાઈકોર્ટમાં જે દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા, તે અંગ્રેજી સિવાય ઉર્દૂ, ફારસી અને સંસ્કૃત ભાષામાં હતા. આ દસ્તાવેજોનાં લાખો પન્નાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલાં તેમનો અનુવાદ કરવામાં આવે.
ગત લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પક્ષ અને તેમના સહયોગી સંગઠનોએ પ્રયાસ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટ આ મામલે દરરોજ સુનાવણી કરીને પોતાનો નિર્ણય સંભળાવે.
પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલાનું સમાધાન લાવવા માટે 3 સભ્યોની સમિતિની રચના કરી નાખી હતી.
1500 વર્ગ ગજ જમીન
અંત: આ સમિતિ વાતચીતથી આ વિવાદનું સમાધાન લાવવામાં નિષ્ફળ રહી.
તેનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું કે હવે 6 ઑગસ્ટથી દરરોજ સુનાવણી થશે.
આ મામલે કાયદા-વિશેષજ્ઞોનું કહેવું છે કે બધા વકીલ પોતાની દલીલ રજૂ કરવા માટે ઘણો સમય લેશે પરંતુ ચોક્કસ કેટલો સમય લાગશે એ કહી શકાય એમ નથી.
આ વિવાદ બન્ને સમુદાયોની ભાવના સાથે જોડાયેલો છે અને લાંબા સમયથી વિશ્વ હિંદુ પરિષદ આ મામલે આંદોલન પણ કરી રહ્યું છે.
તેનાથી એવું જણાય છે કે કોર્ટ એ માની રહી હતી કે જો બન્ને પક્ષોની સહમતીથી કંઈ સમજૂતી સધાય તો તેને લાગૂ કરવી સરળ બની રહે.
વળી, સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય તો સંભળાવી દે પણ તેનું કાયદેસર પાલન કરવું પણ એટલું જ જરૂરી બની રહે.
પરંતુ સૌથી મોટો પડકાર છે જે-તે નિર્ણયને લાગુ કરાવવો.
કેમ કે જો નિર્ણય કોઈ એક સમુદાયના પક્ષમાં આવે તો તેને લાગુ કરવો ખૂબ મુશ્કેલ બની રહે.
આ સમગ્ર મામલે મૂળ વિવાદ 1500 વર્ગ ગજ એ જમીનનો છે, જેના પર મસ્જિદના ત્રણ ઘુંમટ હતા.
જ્યારે ઉત્તર પ્રદેશમાં કલ્યાણ સિંહની સરકાર બની તો તે સરકારે તેની આસપાસની 2.77 એકર જમીન સંપાદિત કરી લીધી.
એ જમીન પર કેટલીક ધર્મશાળાઓ અને મંદિર પણ હતાં.
જ્યારે બાબરી મસ્જિદ તૂટી તો એ સમયે કેન્દ્રની નરસિમ્હા રાવની સરકારે આસપાસની 67 એકર જમીનને સંપાદિત કરી લીધી હતી.
સંપાદિત જમીનનો વિવાદ
એ માટે કાયદો બનાવીને જમીનનું સંપાદન કરવામાં આવ્યું અને તેના સંરક્ષક તેમજ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ ફૈઝાબાદના કમિશનરને બનાવવામાં આવ્યા.
અહીં એ વાત પણ જાણવી રહી કે વિવાદના સંબંધમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા સિવાય રાજ્ય સરકારની કોઈ ખાસ ભૂમિકા નથી.
આ જમીનમાં આશરે 40 એકરનો એ વિસ્તાર પણ સામેલ છે કે જેને પૂર્વની કૉંગ્રેસ સરકારે જ 'રામકથા પાર્ક' માટે સંપાદિત કર્યો હતો.
જોકે, કલ્યાણ સિંહની સરકારે આ જમીનને વિશ્વ હિંદુ પરિષદને સોંપી દીધી હતી.
જ્યારે વિવાદનો કોર્ટમાં ઉકેલ આવે અને જે પક્ષ જીતે એને ધર્મશાળા વગેરેના નિર્માણ માટે જમીન આપવામાં આવે અને હારેલા પક્ષને પણ થોડી જમીન આપી શકાય એવા હેતુ માટે આ જમિન સંપાદિત કરાઈ હતી.
પરંતુ વિશ્વ હિંદુ પરિષદ તરફથી વારંવાર એ દબાણ કરવામાં આવે છે કે આ સંપાદિત જમીનમાંથી તેમને થોડો ભાગ સોંપી દેવામાં આવે, જેથી તેઓ સાંકેતિક રૂપે નિર્માણ શરૂ કરી શકે.
પરંતુ એ મામલે સુપ્રીમ કોર્ટે ફેંસલો આપેલો છે કે આ 67 એકર જમીનના ભાગલા પણ અંતિમ નિર્ણય આવ્યા બાદ જ કરવામાં આવશે અને વધારાની જે જમીન બચશે તેને જ પરત કરી શકાશે.
સુપ્રીમ કોર્ટ પાસે કેટલો સમય?
હાલ જે પરિસ્થિતિ છે, તેમાં જોવાનું એ રહેશે કે આટલા દસ્તાવેજો, સાક્ષીઓ, વકીલોની દલીલો સાંભળવા માટે સુપ્રીમ કોર્ટ કેટલો સમય નિર્ધારિત કરે છે.
જોકે, સુપ્રીમ કોર્ટે દરરોજ સુનાવણીની વાત કરી છે પરંતુ જે પાંચ જજોની બૅન્ચ છે તેમની પાસે બીજા પણ કેસ છે.
મુખ્ય ન્યાયાધીશની જે વિશેષ બૅન્ચ છે, તે બીજી કોઈ સુનાવણી કરશે નહીં અથવા રોજ કેટલા કલાકનો સમય કોર્ટ આપશે, તે વાત પર ઘણો આધાર રહે છે.
ઉદાહરણ તરીકે સુન્ની વક્ફ બૉર્ડના વકીલ રાજીવ ધવનનું કહેવું છે કે તેમને ઓછામાં ઓછા 20 કલાકનો સમય લાગશે.
મુસ્લિમો તરફથી બીજા ઘણા પક્ષકાર છે, તેમને પણ સમયની જરૂર છે.
હિંદુઓના જે વકીલ છે તેમનું કહેવું છે કે તેમને પણ ઓછામાં ઓછા 40 કલાકના સમયની જરૂર પડશે.
આ સમગ્ર વિવાદમાં મુસ્લિમ પક્ષનું કહેવું છે કે આ મસ્જિદ 450 વર્ષથી હતી અને આ જમીન તેમને પરત મળવી જોઈએ.
સાથે જ તેઓ એ પણ ઇચ્છે છે કે મસ્જિદનું પુનઃનિર્માણ કરવામાં આવે.
જ્યારે આ મસ્જિદ તોડી પાડવામાં આવી એ વખતે તત્કાલીન વડા પ્રધાન નરસિંહા રાવે કહ્યું હતું કે જે વસ્તુ તૂટી ગઈ છે, તે ફરી બનાવવામાં આવશે.
પૃષ્ઠભૂમિ
પહેલી વખત ડિસેમ્બર 1949માં અહીં મૂર્તિઓ રાખવામાં આવી હતી.
એ વાતનો કોઈ પુરાવો નથી કે આ મસ્જિદને બાબરે જ બનાવી હતી કે પછી મંદિર તોડીને તેને બનાવવામાં આવી હતી.
કોર્ટના આદેશ પર જ્યારે ત્યાં ખોદકામ થયું તો નીચે જે વસ્તુઓ મળી તેનાથી બસ એટલું જ જાણવા મળ્યું કે તે કોઈ હિંદુ ધાર્મિક સ્થળનાં ચિહ્નો હતાં.
પરંતુ તેના આધારે એ ત્યાં રામમંદિર હતું અથવા તો તે કેટલું જૂનું હતું, તે કહેવું અઘરું છે.
એટલે સુપ્રીમ કોર્ટ માટે પણ આ મામલે નિર્ણય લેવો અઘરો છે. કેમ કે તથ્ય હજુ પણ સ્પષ્ટ નથી અને મામલો ભાવનાઓનો બની ગયો છે.
અલાહાબાદ હાઈકોર્ટેને પણ આ કેસમાં નિર્ણય સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી અને વર્ષો લાગી ગયાં હતાં. અહીં આ કેસ વર્ષ 1949થી ચાલી રહ્યો હતો.
(બીબીસી ગુજરાતી માટે સંદીપ રાય સાથે વાતચીતના આધારે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો