નિસર્ગ : દુનિયાના એવા પાંચ ચક્રવાત જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાત પર વાવાઝોડાંનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થવાની પ્રબળ શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે, જે પૈકી એક ઓમાન અને યમન તરફ વળશે. જ્યારે એક વાવાઝોડું ભારતના પશ્ચિમી કાંઠે ત્રાટકવાની શક્યતા છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું એ પ્રમાણે આ વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાઓ પર ત્રાટકે એવી શક્યતા છે.

સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરુચ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરવામાં આવી છે અને આ ઉપરાંત એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

દુનિયાના પાંચ મોટા ચક્રવાત

સ્કાય મેટના અહેવાલ પ્રમાણે દુનિયામાં હાલ સુધીમાં પાંચ મોટા ચક્રવાત આવ્યા છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યાં છે.

આમાં, કોલકાતામાં 11 ઑક્ટોબર, 1737ના રોજ આવેલું વાવાઝોડું સૌથી ઘાતક માનવામાં આવે છે. આ વાવાઝોડામાં ત્રણથી સાડા ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.

બીજુ વાવાઝોડું બાર્બડોસ અને તેની આસપાસ માર્ટિનિક, સેન્ટ લૂસિયા અને પછી પૉર્ટો રિકો અને ડૉમિનિકનમાં વર્ષ 1780માં 9 ઑક્ટોબરની આસપાસ ત્રાટક્યું હતું.

બાર્બડોસમાં આ દરમિયાન 22 હજારથી 27 હજાર લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.

વિયતનામના હાઇફોંગ શહેરમાં નવેમ્બર 1970માં ચક્રવાત ત્રાટક્યો હતો. આના કારણે કિનારાના વિસ્તારોમાં રહેતાં 3 લાખ સ્થાનિક લોકો મૃત્યુ પામ્યાં હતાં.

આ વાવાઝોડાં પછી બિમારી અને ભૂખમરાના કારણે પણ મૃત્યુ પામેલા લોકોનાં સમાચાર સામે આવ્યા હતા.

બાંગ્લાદેશમાં આવેલાં ગ્રેડ ભોલા વાવાઝોડાં દરમિયાન પવનની ગતિ 220 કિમી પ્રતિ કલાકથી પણ વધારે હતી.

આ વાવાઝોડાંએ ઓછામાં ઓછા 3 લાખ લોકોનાં જીવ લીધા હતા. જોકે, વિવિધ અનુમાન પ્રમાણે મૃતકોની સંખ્યા લગભગ 5 લાખ જેટલી જણાવે છે.

આ બાંગ્લાદેશમાં ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં આવેલું વાવાઝોડું હતું અને સૌથી ઘાતક પ્રાકૃતિક આપત્તિમાંથી એક હતું.

2008માં એશિયામાં ત્રાટકનારુ સૌથી ઘાતક વાવાઝોડું નરગીસ હતું.

નરગીસ વાવાઝોડું ભારત, થાઇલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા, લાઓસ, બાંગ્લોદેશ અને અન્ય વિસ્તારમાં ટકરાયું હતું.

આમાં અધિકૃત રીતે 1,40,000 લોકો મૃત્યુ પામ્યાં તેમ કહેવાયુ પરંતુ વાસ્તવિક સંખ્યા તેનાથી ઘણી વધારે હતી.

(માહિતી સાભાર skymetweather.com)

મુખ્ય મંત્રીએ શું કહ્યું?

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "વાવાઝોડાની સંભાવનાને જોતાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા ભાવનગર અને અમરેલી માટે હાઈઍલર્ટની જાહેરાત કરાઈ છે."

"સંભવિત વાવાઝોડા સાથે વરસાદની પૂરતી સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરુચ, ભાવનગર, અમરેલીમાં પવન ફૂંકાય અને સાથે વરસાદ પડે એવી સંભાવના છે."

તેઓ તહે છે કે "જેના સંદર્ભે આજે આ જિલ્લાઓના કલેક્ટરોને સાથે રાખીને હાઈપાવર બેઠક થઈ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય જિલ્લાઓને પણ ઍલર્ટ કરવામાં આવ્યા છે."

"માછીમારોને પાછા બોલાવી લેવાયા છે અને અગરિયાઓ, જિંગા ફાર્મમાં કામ કરતા લોકોને ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે."

"કોરોના વાઇરસની મહામારી સામે આપણે લડી રહ્યા છે ત્યારે આ કુદરતી આપત્તિ આવી છે અને એથી વિશેષ કાળજી લેવામાં આવી રહી છે."

"બચાવકામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને કામે લગાડવામાં આવી છે."

સામાન્ય રીતે અરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં ફંટાઈ જતાં હોય છે. જોકે, આ વખતે અરબ સાગરમાં બે વાવાઝોડાં સક્રીય થઈ રહ્યાં છે, જેથી વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે એવી શક્યતાઓ પ્રબળ હોવાનું તજજ્ઞો માને છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો