કનૈયાલાલ : રાજસ્થાનમાં જેમની ‘ગળું કાપીને હત્યા કરાયેલી’ તેમનું એક વર્ષ બાદ પણ અસ્થિવિસર્જન કેમ નથી કરાયું?

- લેેખક, અભિનવ ગોયલ અને મોહર સિંહ મીણા
- પદ, બીબીસી સંવાદદાતા અને બીબીસીના સહયોગી પત્રકાર
- પ્રકાશિત
રાજસ્થાનના ઉદયપુરના હિરણ મગરી વિસ્તારમાંનું એક ઘર અન્ય ઘરોથી બિલકુલ અલગ છે.
આ ઘર પર 24 કલાક પોલીસનો પહેરો હોય છે. ઘરની બહાર સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે અને ઘરમાં આવતી-જતી દરેક વ્યક્તિ પર ચાંપતી નજર રાખવામાં આવે છે.
ઘરમાં દાખલ થતા પહેલાં એક પોલીસકર્મી રજિસ્ટ્રરમાં ઍન્ટ્રી કરે એ પછી જ કોઈ વ્યક્તિ ઘરમાં રહેતા પરિવારને મળી શકે છે.
આ મકાન કનૈયાલાલનું છે. તેમની ગત વર્ષે 28 જૂને ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.
કનૈયાલાલ વ્યવસાયે દરજી હતા. તેઓ દુકાનમાં જ નહીં, ઘરમાં પણ સિલાઈનું કામ કરતા હતા, પરંતુ હવે તેમના ઓરડામાંનું સિલાઈ મશીન કોઈ ચલાવતું નથી.
ઘરની મુખ્ય વ્યક્તિના મૃત્યુના 17 મહિના પછી પણ પરિવાર ખુદને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે અને આ બધાની વચ્ચે સૌથી મોટી ચિંતા કનૈયાલાલના નામે રાજસ્થાનમાં ખેલાઈ રહેલું રાજકારણ છે.
કનૈયાલાલની હત્યા બાદ રાજસ્થાનમાં તંગદિલી સર્જાઈ હતી. અનેક ઠેકાણે સરકારે કર્ફ્યુ લાદવો પડ્યો હતો અને ઉદયપુરમાં ઇન્ટરનેટ સેવા આખો મહિનો બંધ રહી હતી.
પરિસ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ હતી, પરંતુ ચૂંટણી આવતાંની સાથે જ રાજસ્થાનમાં કનૈયાલાલ હત્યાકાંડના મુદ્દે રાજકીય ખેંચતાણ અને આરોપ-પ્રત્યારોપ શરૂ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની અનેક ચૂંટણી સભામાં આ હત્યાકાંડનો ઉલ્લેખ કર્યો છે.
ચિત્તોડગઢની રેલીમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું, "જે કૉંગ્રેસ સરકાર લોકોના જાનમાલનું રક્ષણ કરી શકતી નથી તેને હટાવવી બહુ જરૂરી છે. તમે કહો, ઉદયપુરમાં જે થયું તેની કલ્પના તમે ક્યારેય કરી હતી?"
"જે રાજસ્થાન છેતરપિંડીથી હુમલો ન કરવાની પરંપરાનું ચુસ્તપણે પાલન કરતું રહ્યું છે એ રાજસ્થાનની ધરતી પર આટલું મોટું પાપ આચરવામાં આવ્યું છે. લોકો કપડાંની સિલાઈ કરાવવાને બહાને આવીને દરજીનું ગળું ચીરી નાખે છે અને તેનો વીડિયો બનાવીને ગર્વથી વાયરલ કરે છે."
માત્ર વડા પ્રધાન મોદીએ જ નહીં, પરંતુ દેશના ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાથી લઈને ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓએ તેમનાં ભાષણોમાં કનૈયાલાલ હત્યાકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો.
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત પણ પાછળ રહ્યા ન હતા. તેઓ આ હત્યાકાંડ માટે શરૂઆતથી જ ભાજપને દોષ આપતા રહ્યા છે.
ચૂંટણી ભાષણોમાં કનૈયાલાલના ઉલ્લેખથી દુ:ખી છે પરિવાર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કનૈયાલાલના નામે ચાલી રહેલા આ રાજકારણથી તેમનો પરિવાર બહુ દુ:ખી છે.
કનૈયાલાલનાં પત્ની જશોદા કહે છે, "મેં વડા પ્રધાન મોદીનું ભાષણ સાંભળ્યું. તેમાં તેમણે કનૈયાલાલનો ઉલ્લેખ કર્યો હતો. તેમનું નામ રાજકારણમાં લાવવામાં આવે તે અમને ગમતું નથી. કનૈયાલાલનો ઉલ્લેખ ચૂંટણી મંચ પરથી ન થાય તેવું અમે ઇચ્છીએ છીએ."
તેઓ ઉમેરે છે, "મારા પતિના નામનો ઉપયોગ મત માટે ન થાય તેવું હું ઇચ્છું છું. ક્યારેક કૉંગ્રેસ તો ક્યારેક ભાજપ, બધા બધી બાબતોમાં તેમનું નામ ઘસડી રહ્યા છે."
કનૈયાલાલ હત્યાકાંડનો ઉલ્લેખ છેલ્લા બે મહિનામાં વારંવાર થયો છે, પરંતુ એકેય નેતા તેમના પરિવારને મળવા ગયો નથી.
કનૈયાલાલના નાના પુત્ર તરુણ તેલી પિતાના મૃત્યુ બાદ મળેલી સરકારી નોકરી કરી રહ્યા છે. તેમને રાજ્ય સરકારે નોકરી આપી છે. હાલ તેમને આ નોકરીમાંથી રૂ. 14,600 મળે છે.
પિતાના નામે રમાતા રાજકારણથી તરુણ પણ દુ:ખી છે. તેઓ કહે છે, "નેતા પોતપોતાનું રાજકારણ રમે છે. મારા પિતાને તેમણે ચૂંટણીનો મુદ્દો બનાવ્યા છે."
"બન્ને પક્ષો મારા પિતાના નામનો લાભ લઈ રહ્યા છે. આવું ન કરવામાં આવે તેમ અમે ઇચ્છીએ છીએ. અમે ભાષણો સાંભળ્યાં છે. દરેક જગ્યાએ તેમનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી."
ન્યાય મળ્યા પછી પિતાના અસ્થિનું વિસર્જન

કનૈયાલાલના મોત પછી રાજ્યની કૉંગ્રેસ સરકારે તેમના પરિવારને આર્થિક મદદ માટે રૂ. 50 લાખ અને તેમના બન્ને દીકરીઓને સરકારી નોકરી આપી છે.
પરિવારનું કહેવું છે કે એ ઉપરાંત ભાજપના નેતા કપિલ મિશ્રાએ ક્રાઉડ ફંડિંગ મારફત તેમને એ સમયે રૂ. એક કરોડથી વધારેની મદદ કરી હતી.
અલબત, હત્યાના દોષિતોને હજુ સુધી સજા થઈ નથી. તેનાથી પરિવારજનો નારાજ છે.
જસોદા કહે છે, "તેમની તુલના પૈસાથી થઈ શકે નહીં. તહેવારો તો આવ્યા પરંતુ તેમના વિના તહેવારો ઊજવવાની ઇચ્છા થતી નથી. સરકારે ચાર મહિનામાં અપરાધીઓને ફાંસી આપવાની વાત કહી હતી, પરંતુ હજુ સુધી કશું થયું નથી."
હાલ આ કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) પાસે છે.
કનૈયાલાલના મોટા પુત્ર યશ તેલી કહે છે, "એનઆઈએ અમને કેસ બાબતે કશું જણાવતી નથી. ન્યૂઝ ચેનલો દ્વારા અન્ય લોકોને મળે છે એવી જ રીતે અમને આ કેસની માહિતી મળે છે. અમને આજ સુધી ચાર્જશીટની કૉપી પણ મળી નથી."

"ન્યાયમાં વિલંબ અન્યાય સમાન હોય છે. અમને 15 વર્ષ પછી ન્યાય મળે તો તેનો શું અર્થ? આ કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવાની વાત થઈ હતી, પરંતુ કશું થતું નથી."
યશના કહેવા મુજબ, "મૃતકના આત્માની શાંતિ માટે હિંદુઓ તેમના અસ્થિનું વિસર્જન કરતા હોય છે, પરંતુ મારા પિતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમના આત્માને શાંતિ મળવાની નથી."
પિતાના મૃત્યુ બાદ યશને પણ રાજસ્થાન સરકારે સરકારી નોકરી આપી છે. તેઓ ઉદયપુરમાં ટ્રેઝરી ઑફિસમાં ક્લાર્ક તરીકે કામ કરે છે.
તેઓ ઉઘાડા પગે નોકરી પર જાય છે અને એ દરમિયાન એક પોલીસ કર્મચારી કાયમ તેમની સાથે હોય છે.
કનૈયાલાલ હત્યાકાંડના આરોપી ગૌસ મોહમ્મદના પિતા રફીક મોહમ્મદે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "દીકરા સાથે જેલમાં મુલાકાત થાય છે. એકેય વકીલ અમારો કેસ લડવા તૈયાર નથી. અમે પ્રયાસ કરી રહ્યા છીએ."
"હાલ એનઆઈએ તરફથી અમને એક સરકારી વકીલ આપવામાં આવ્યા છે, જે ગૌસ અને રિયાઝનો કેસ લડી રહ્યા છે."
રફીક મોહમ્મદે ઉમેર્યું હતું, "ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા કરનારા લોકોનો કેસ પણ આ દેશમાં વકીલો લડી રહ્યા છે, પરંતુ અમારી મદદ કોઈ કરતું નથી. દેશમાં રોજ અનેક હત્યા થાય છે, પરંતુ વાત કનૈયાલાલની હત્યાની જ થાય છે. અખબારોમાં રોજ સમાચાર આવે છે. આ બધું રાજકારણને લીધે થઈ રહ્યું છે."
તેમના કહેવા મુજબ, "ગૌસ મોહમ્મદની એક દીકરી અને દીકરો છે. ગૌસને જેલમાં મોકલવામાં આવ્યા એ પછી એકેય ખાનગી સ્કૂલે અમારાં બાળકોને ઍડમિશન આપ્યું નથી. એક સ્કૂલે તો પૈસા લીધા પછી પણ પ્રવેશ આપ્યો નહીં. હવે બાળકો મદરસામાં અભ્યાસ કરી રહ્યાં છે."
"ગૌસ મારો એકમાત્ર દીકરો છે. પોતાનું સંતાન આવું કામ કરે તેવું એકેય માતા-પિતા ન ઇચ્છે. કનૈયાલાલના પરિવાર સાથે જે થયું તેનું અમને દુઃખ છે."
એ દુકાન, જ્યાં હત્યા થઈ હતી

કનૈયાલાલ તેમના ઘરથી લગભગ નવ કિલોમીટર દૂર ઉદયપુર શહેરની માલદાસ સ્ટ્રીટમાં સુપ્રીમ ટેલર્સ નામે દુકાન ચલાવતા હતા. એ દુકાન તેમણે ભાડા પર લીધી હતી.
યશ તેલી કહે છે, "નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી સંબંધી પોસ્ટ મારા પિતાએ શેર કરી હતી. એ પછી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને અમારે તેમને જામીન પર છોડાવવા પડ્યા હતા. પોલીસે અમને સતર્ક રહેવા કહ્યું હતું. તેને લીધે મારા પિતાએ દુકાન એક અઠવાડિયું બંધ રાખી હતી."
યશ તેલી ઉમેરે છે, "પિતાજીએ દુકાન ફરી ખોલી ત્યારે તેમને લાગ્યું હતું કે કોઈ તેમના પર નજર રાખી રહ્યું છે. તેમણે પોલીસને ફરિયાદ કરી હતી અને હિંદુ-મુસ્લિમ પક્ષોએ બેસીને સમાધાન કર્યું હતું. મુસ્લિમ પક્ષે મારા પિતાજીને જણાવ્યું હતું કે તમે દુકાન ખોલો, કોઈ મુશ્કેલી નહીં થાય, પરંતુ ત્રણ-ચાર દિવસ પછી જ તેમની દુકાનમાં હત્યા કરવામાં આવી હતી."
કનૈયાલાલની હત્યાનો વીડિયો ઑનલાઇન એટલી હદે વાયરલ થયો હતો કે રાજસ્થાનમાં તંગદિલીની સ્થિતિ સર્જાઈ હતી. હત્યાના આરોપસર પોલીસે મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદની ધરપકડ કરી હતી, જેઓ હાલ જેલમાં છે.
હાલ સુપ્રીમ ટેલર્સના શટર પર તાળું લટકે છે. તપાસ એજન્સી એનઆઈએએ દુકાનને સીલ કરી દીધી છે.
એ ગલીમાંના એક અન્ય દુકાનદાર કનૈયાલાલને યાદ કરતાં કહે છે, "કનૈયાલાલે ભાડા પર દુકાન લીધી હતી, જે એમના મોત બાદ બંધ છે. તેઓ સારા માણસ હતા. લોકો કોઈ કારણ વિના ચૂંટણીમાં તેમની હત્યાનો ઉલ્લેખ કરી રહ્યા છે. તેઓ ચૂંટણીમાં તેનો લાભ લેવા ઇચ્છે છે."
કનૈયાલાલ હત્યાકાંડને લીધે ધ્રુવીકરણ

ઇમેજ સ્રોત, PTI
ભાજપના વરિષ્ઠ નેતા અને પક્ષના રાજસ્થાનના એકમના ભૂતપૂર્વ અધ્યક્ષ અરુણ ચતુર્વેદીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "બર્બરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી તે સ્પષ્ટ છે. માથું ધડથી અલગ કરી નાખવામાં આવ્યું હતું. તેના ગુનેગારોને પકડવામાં રાજસ્થાનની કૉંગ્રેસ સરકારે ઢીલાશ કરી હતી."
"સામાન્ય લોકોને તેમને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. આ મામલે કૉંગ્રેસ સરકારે સતત વિલંબ કર્યો છે. ભાજપ નહીં, પરંતુ કૉંગ્રેસ આ હત્યાકાંડના મુદ્દે રાજકારણ રમી રહ્યો છે."
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજસ્થાનના ટોંક, ડુંગરપુર, ઝાલાવાડ, કરૌલી, જોધપુર, છબડા, ભીલવાડા, ચિત્તોડગઢ, મેવાત, માલપુર અને જયપુર જેવાં મોટાં શહેરોમાં કોમી તંગદિલીના સમાચાર આવતા રહ્યા છે.
રાજસ્થાનમાં મુસ્લિમોની સરેરાશ વસ્તી લગભગ 10 ટકા છે, જ્યારે ઉદયપુરમાં એ પ્રમાણ લગભગ 15 ટકા છે.
રાજસ્થાનના વરિષ્ઠ પત્રકાર નારાયણ બારેઠના જણાવ્યા મુજબ, રાજકીય પક્ષો ચૂંટણીના મંચ પર કનૈયાલાલ હત્યાકાંડનો ઉલ્લેખ કરીને તેમના મતદાતાઓને આકર્ષવાના પ્રયાસ કરી રહી છે.
તેઓ કહે છે, "કોઈ રાજકીય વ્યવસ્થા માટે વિકાસનો નક્કર કાર્યક્રમ ન હોય ત્યારે તેઓ ભાવનાઓ કે લાગણીઓનો આશરો લેતા હોય છે અને ભાષા, પ્રદેશ, ધર્મ, જ્ઞાતિ વગેરે જેવા તત્વોની મદદથી રાજકીય મૂડી બનાવવા ઇચ્છતા હોય છે. લોકોના મુદ્દાઓને છોડીને કનૈયાલાલ હત્યાકાંડનો ઉલ્લેખ આ જ કારણસર કરવામાં આવી રહ્યો છે."
બારેઠ માને છે કે રાજસ્થાનનો સમાજ સમાવેશી છે અને કનૈયાલાલ હત્યાકાંડની આ ચૂંટણીમાં કોઈ અસર થશે નહીં.
સવાલ એ છે કે ઉદયપુરના સ્થાનિક લોકો કનૈયાલાલ હત્યાકાંડ બાબતે શું વિચારે છે?
અમારી મુલાકાત સાંજના સમયે ઉદયપુરના ફતેહસાગર તળાવના કિનારે ફરવા આવેલા કેટલાક લોકો સાથે થઈ હતી.
તળાવના કિનારે બેઠેલા ચૈતન્યકુમારે કહ્યું હતું, "ભાજપવાળા જે રીતે કનૈયાલાલ હત્યાકાંડનો ઉલ્લેખ કરી રહ્યા છે તેનાથી તેમને ફાયદો થઈ શકે છે. આ પ્રકારના મુદ્દાનો લાભ લેવાના પ્રયાસ દરેક પક્ષ કરે છે ત્યારે ભાજપ પણ વોટ બૅન્ક માટે હત્યાકાંડ મુદ્દે રાજકારણ રમી રહ્યો છે. મને લાગે છે કે પક્ષને 20-30 ટકા લાભ થઈ શકે છે."
આવી જ વાત તેમની સાથે આવેલા સુભાષ મહેતાએ પણ કરી હતી. તેમણે કહ્યું હતું, "લગભગ 70 ટકા હિન્દુ કનૈયાલાલ હત્યાકાંડને નજરમાં રાખીને મતદાન કરશે, એવું હું માનું છું."
"ખુદ મોદીજીએ તેમની સભાઓમાં આ મુદ્દો ઉઠાવ્યો છે. આ ભડકામણો મુદ્દો છે. તેનાથી કૉંગ્રેસને નુકસાન થઈ શકે છે."
બીજી તરફ પોતાના દોસ્તો સાથે ફરવા આવેલા મોહમ્મદ રફીકે કહ્યું હતું, "કનૈયાલાલ હત્યાકાંડનો ઉલ્લેખ કરીને સમાજને વિભાજિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજકીય પક્ષો માત્ર પોતાના ફાયદા માટે આવું કરી રહ્યા છે. લોકો કનૈયાલાલ હત્યાકાંડને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, એવું મને લાગતું નથી."

























