હવામાનની આગાહી સંદર્ભે થયેલો વિવાદ જેમાં અંબાલાલ પટેલને આગાહી બંધ કરી દેવા કહેવાયું

અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા

ઇમેજ સ્રોત, BBC/BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, અંબાલાલ પટેલ (ડાબે) અને જયંત પંડ્યા
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

તાજેતરમાં હવામાન જાણકાર અંબાલાલ પટેલ પર આરોપો લાગ્યા છે કે તેઓ ખોટી આગાહી કરીને ખેડૂતોને ભરમાવે છે.

રાજકોટસ્થિત અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ તેમને કહ્યું છે કે તેમણે આગાહી બંધ કરી દેવી જોઈએ.

જયંત પંડ્યાનું કહેવું છે કે હવામાનની આગાહી કરતી વખતે અંબાલાલ પટેલ કોઈ ટૅક્નૉલૉજી કે આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરતા નથી, અને તેમની આગાહીઓ ખોટી પડે છે.

તો બીજી તરફ અંબાલાલ પટેલનું કહેવું છે કે તેઓ આ કામમાં મહેનત કરે છે અને પછી જ આગાહી કરે છે. જો તેમની આગાહી ખોટી પડતી હોય તો લોકો તેમના પર વિશ્વાસ કેમ કરે?

સમગ્ર મામલો શું છે અને બંનેએ એકબીજા વિશે શું કહ્યું?

વિજ્ઞાનજાથાએ અંબાલાલ પર શું આરોપો લગાવ્યા?

જયંત પંડ્યા

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

રાજકોટની સંસ્થા વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ કહ્યું હતું કે, "અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે એવી વણમાગ્યી સલાહો આપતાં હોય છે. તેઓ વારંવાર ખોટા પડે છે અને તથ્યહીન વાતો કરે છે."

તેમણે કહ્યું હતું કે, "વારંવાર તેઓ આવું કરે છે અને સ્ફૂરણાને આધારે તેઓ આવી આગાહી કરે છે. અમારી પાસે ડેટા છે કે આ વ્યક્તિ મોટે ભાગે ખોટી જ પડે છે."

જયંત પંડ્યાએ કહ્યું હતું કે, "તાજેતરમાં જૂનાગઢમાં 47 આગાહીકારો એકઠા થયા હતા અને વરસાદની તારીખો આપી હતી. તેઓ ખોટા પડ્યા છે. આવા આગાહીકારો મનની સ્ફૂરણાને આધારે પ્રસિદ્ધિ માટે આવું કરતાં હોય છે. આવા વરતારા કરનાર લોકો પાસે કોઈ સાધનો, વિજ્ઞાનના ઉપકરણો હોતા નથી, કે ટૅક્નૉલૉજી હોતી નથી. તેમના વરતારા બંધ થઈ જાય તો એમાં કોઈને નુકસાન નહીં થાય."

અંબાલાલ પટેલે શું કહ્યું?

અંબાલાલ પટેલ
ઇમેજ કૅપ્શન, અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલ સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરી ત્યારે તેમણે આ મુદ્દે કહ્યું હતું કે તેઓ માત્ર સ્ફૂરણાને આધારે વરતારા કરતા નથી.

તેમણે કહ્યું હતું કે, "આધુનિક ટૅક્નૉલૉજીથી થતી આગાહી, દક્ષિણ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધમાં પ્રવર્તતી સ્થિતિ, આફ્રિકાથી લઈને ચીન સુધીનું હવામાન, ભૂમધ્ય સાગર વગેરેની સ્થિતિ પર હું નજર રાખું છું."

"આ સાથે જ પરંપરાગત જ્ઞાનનો પણ હું આશરો લઉં છું. તેની સાથે વૈજ્ઞાનિક ઢબે સ્થિતિનું અવલોકન કરીને હું આગાહી કરું છું. હું પણ મહેનત કરું છું અને પછી આગાહી કરું છું."

તેમણે અગાઉ બીબીસીને જણાવ્યું હતું એ પ્રમાણે, "વરસાદનો ગર્ભ ક્યારે બંધાય અને ક્યારે વરસાદ થાય તેનું વર્ણન વારાહીસંહિતામાં છે. વરસાદનો ગર્ભ 195 દિવસ સુધી રહેતો હોય છે. એ 195 દિવસની હું નોંધ કરતો જાઉં અને સાથેસાથે સમુદ્રના પ્રવાહોનો અભ્યાસ અને પ્રશાંત મહાસાગરની સ્થિતિ શું છે, આફ્રિકાથી હિન્દી પટ્ટામાં સ્થિતિ શું છે તેનું ધ્યાન રાખું છું."

અંબાલાલ પટેલે એમ પણ કહ્યું હતું કે જ્યારે ખેડૂતો તેમને કહેશે ત્યારે તેઓ આગાહી બંધ કરી દેશે.

'હવામાન વિભાગની માહિતી પર જ ભરોસો કરવો'

ગુજરાતમાં ચોમાસું મોડું પડ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં આ વખતે ચોમાસું મોડું પડ્યું છે

બીબીસી ગુજરાતીએ ભારતીય હવામાન વિભાગના ગુજરાત એકમના વડા અશોકકુમાર દાસ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "લોકોએ વૈજ્ઞાનિક ઢબે થતી ભારતના હવામાન વિભાગની આગાહી પર જ ભરોસો કરવો જોઈએ. હવામાન વિભાગની વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ. આ સિવાય અમારી Mausam ઍપ પરથી પણ અધિકૃત માહિતી મળે છે."

"ખેડૂતો માટે મેઘદૂત ઍપ છે જેની તેઓ મદદ લઈ શકે છે. તેમાં રીઅલ-ટાઇમ વેધર અપડેટ તથા પાંચ દિવસની આગાહી મળે છે. તેમાં હીટવેવ, કૉલ્ડવેવ અને વાવાઝોડાંની પણ સચોટ માહિતી મળે છે. તેનો ઉપયોગ કરવો જોઈએ. આ સેવા ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે."

તેઓ કહે છે કે, "અમે જાહેરમાં લૅક્ચર્સ, સેમિનારો કે ટીવી પ્રોગ્રામ્સમાં પણ લોકોને સમજાવીએ છીએ કે હવામાનના વરતારા માટે સોશિયલ મીડિયા પર નિર્ભર ન રહેવું. સોશિયલ મીડિયામાં હાઇપ ઊભી કરવામાં આવતી હોય છે. આપણે માહિતી તપાસવી અને પછી જ કોઈ નિર્ણય લેવો."

અંબાલાલ પટેલ કોણ છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અંબાલાલ પટેલ ગુજરાતના જાણીતા હવામાન જાણકાર છે જેમને ગુજરાતી ટીવી ન્યૂઝ ચૅનલો કે ડિજિટલ યુટ્યૂબ ચૅનલો હવામાનની આગાહી કરવા બોલાવતી હોય છે.

જોકે, તેઓ અધિકૃતપણે હવામાનવિભાગમાં કામ કરતાં નથી અથવા તો ભૂતકાળમાં પણ તેમણે કોઈ આવાં પદ પર રહીને કામ કરેલું નથી.

અંબાલાલ પટેલ ઍગ્રિકલ્ચર ગ્રૅજ્યુએટ છે. તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી ઍગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી છે.

તેઓ બીજ પ્રમાણન અધિકારી તરીકે કામ કરતા હતા. એક વાર તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "વિવિધ ગામડાંમાં બિયારણ સર્ટિફાઇડ કરવા જવાનું થતું. એ વખતે ખેડૂતને હું પૂછતો કે તમારા કપાસનો યોગ્ય વિકાસ કેમ નથી થયો? તો તેઓ કહેતા કે, વરસાદ બરાબર નથી થયો. એ વખતે મને થતું કે વરસાદ બાબતે સંશોધન કરવું જોઈએ. વરસાદના સંશોધનમાં મને રસ પડ્યો એનાં બીજ મારામાં ખેડૂતો સાથેની વાતચીતથી રોપાયાં."

અંબાલાલના કહેવા અનુસાર, પછી તેમણે એ વિશેનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. બીજ પ્રમાણન માટે તેઓ નવસારી, જૂનાગઢ જતા ત્યારે સાથે પ્રાચીન વર્ષાવિજ્ઞાન, ખેતી, જૈન સાહિત્ય તેમજ જ્યોતિષ વગેરેનાં પુસ્તકો જેવાં કે વારાહીસંહિતા, બૃહદસંહિતા, મેઘમહોદય વગેરે સાથે રાખતા અને વાંચતા.

તેઓ કહે છે, "1980થી મેં વરસાદની આગાહી કરવાનું શરૂ કર્યું હતું. જેમાં મુખ્ય માધ્યમ પંચાંગ રહેતું અને અગાઉ કહ્યાં તે પુસ્તકોનો પણ સહારો લેતો."

તેમના કહેવા અનુસાર, કેટલાંક ધાર્યાં અનુમાન સાચાં પડ્યાં એટલે તેમણે આધુનિક બાબતો જેવી કે સેટેલાઇટ ઇમેજ, ખગોળશાસ્ત્ર, સમુદ્રના પ્રવાહોનો અભ્યાસ વગેરેનો પણ આધાર લેવા માંડ્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ગુજરાતની ટીવી-યુટ્યૂબ ચૅનલો પર તેમને જ હવામાન આગાહીકાર તરીકે બોલાવવામાં આવે છે, જેના કારણે તેમને પ્રસિદ્ધિ મળેલી છે.

વિજ્ઞાનજાથાના જયંત પંડ્યા કોણ છે?

મૂળ ભારત જન વિજ્ઞાન જાથા સંસ્થાની રાજકોટ પાંખના વડા જયંત પંડ્યા વારંવાર ચર્ચામાં રહે છે.

"ભારત જન વિજ્ઞાન જાથા એ ઈશ્વર, દેવ, દેવી કે અલ્લાહ વિરોધની સંસ્થા નથી. અમે શાસ્ત્રો કે ધર્મવિરોધી નથી, પરંતુ જે લોકો ધાર્મિક કપડાં પહેરીને તેનો દુરુપયોગ કરે છે, લોકોની આસ્થા સાથે ચેડાં કરે છે, તેની સામે ચોક્કસથી વાંધો છે. વિજ્ઞાન જાથા પોતાના વિચારો સ્પષ્ટપણે માને છે અને લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરે છે."

પોતાના લગભગ દરેક સાર્વજનિક કાર્યક્રમ પહેલાં જયંત પંડ્યા આ વાત કહે છે.

ગુજરાતમાં બાગેશ્વર ધામના ચર્ચાસ્પદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગુજરાતના કાર્યક્રમોનાં આયોજન તથા તેમના કથિત ચમત્કારો ઉપર સવાલ ઉઠાવનારા તથા તેમને ખુલ્લો પડકાર ફેંકનારા બહુ થોડા લોકોમાંથી પંડ્યા એક છે.

જેઓ છેલ્લાં 30 વર્ષ કરતાં વધુ સમયથી અંધશ્રદ્ધા સામેની લાંબી અને થકવી દેનારી લડાઈ લડી રહ્યા છે.

તેઓ કહે છે કે 'અંધશ્રદ્ધાવિરોધી અભિયાન દરમિયાન તેમના ઉપર ચાર વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે તથા સેંકડો ધમકીઓ મળી ચૂકી છે' છતાં હજુ તેમનો સંઘર્ષ ચાલુ છે.

જ્યારે તેઓ ભુવા, મૌલવી કે ફકીરને ખુલ્લા પાડવાના કામમાં સંકળાયેલા નથી હોતા, ત્યારે તેઓ ટીમ સાથે મળીને ગામે-ગામ શાળા-કૉલેજોમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિઅભિયાન ચલાવે છે. ઘણી વાર આ પ્રવૃત્તિને કારણે તેઓ વિવાદમાં પણ સપડાય છે અને તેમનો વિરોધ પણ થતો હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન