પુરુષોનું ગુપ્તાંગ કઈ રીતે ભવિષ્યમાં થનારી ગંભીર બીમારીઓના સંકેત આપે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૅવિડ રોબસન
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
સંશોધકોના જણાવ્યા મુજબ, પુરુષોમાં શિથિલતા (ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન)ની સમસ્યા એ હૃદયરોગના હુમલા, સ્ટ્રોક, ડાયાબિટીસ કે પછી ડિમેન્શિયાની આગોતરી ચેતવણી હોઈ શકે છે. સમય આવી ગયો છે કે, દર્દીઓ અને ડૉક્ટરો તેના પર ધ્યાન આપે.
ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનને ચૂપકિદીથી પ્રસરતો રોગચાળો ગણાવી શકાય. એક કરતાં વધુ સર્વેક્ષણો અનુસાર, આ તકલીફ 40 વર્ષથી વધુ વયના અડધા કરતાં વધુ પુખ્ત પુરુષોને પ્રભાવિત કરે છે. જોકે, ઘણા ઓછા પુરુષો તેમના જીવનસાથી કે પ્રિયજનો સાથે આ મુદ્દે ચર્ચા કરતા હોય છે. પરંતુ, જો આ વિષય પર વાતચીત કરવામાં આવે, તો તેને ભવિષ્યમાં આવનારી કોઈ બીમારીના પ્રારંભિક સંકેત તરીકે જોવાને બદલે મજાકના વિષય તરીકે જોવામાં આવે છે.
તેમ છતાં, નવું સંશોધન સૂચવે છે કે, પુરુષોનું ગુપ્તાંગ ઘણી વખત તેમના સર્વાંગી આરોગ્યનો માપદંડ હોય છે અને તેમાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન ડાયાબિટીસ, હૃદયરોગના હુમલા, સ્ટ્રોક તેમજ ડિમેન્શિયા સહિતની ઘણી ગંભીર સમસ્યાઓનો આગોતરો સંકેત આપે છે.
યુનિવર્સિટી ઑફ રોમ ટોર વેર્ગાટાના સેક્સોલોજિસ્ટ ઇમેન્યુઅલ જેનિનીના મત અનુસાર, આ સ્થિતિ "કેનરી ઇન ધ કોલમાઇન" (ખતરાની ચેતવણી આપનાર) છે. તેમણે તાજેતરમાં જ અત્યાર સુધીના પુરાવાઓની સમીક્ષા કરતા એક પુસ્તકનું સંપાદન કર્યું છે. ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન (ઇડી)ની યોગ્ય તપાસ કરવામાં આવે, તો ડૉક્ટરો પુરુષોના આરોગ્ય સામે કોઈ ગંભીર સંકટ સર્જાય તે પહેલાં કેટલીક જોખમી સ્થિતિઓનું નિદાન કરી શકે છે. પરંતુ, ઘણા પુરુષો તેમના જાતીય આરોગ્યને લઈને વાત કરવા તૈયાર નથી હોતા, જેના લીધે તેઓ આ મૂલ્યવાન તક ગુમાવી દે છે. મોટા ભાગના પુરુષોમાં પ્રવર્તતી આ સામાન્ય ફરિયાદ અને તેના જોખમને લગતાં કારણો વિશે અહીં વિગતો આપવામાં આવી છે.
40 વર્ષ બાદ પુરુષો શિથિલતાનો અનુભવ કેમ કરે છે?

ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC
ઘણી શારીરિક સ્થિતિઓની માફક ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનું ચોક્કસ પ્રમાણ તમે તેને કેવી રીતે સ્પષ્ટ કરો છો અને કેવી રીતે તેનું માપન કરો છો તેના પર નિર્ભર કરે છે. પરિણામસ્વરૂપે, વૈશ્વિક અભ્યાસો પ્રમાણે, વૈશ્વિક સ્તરે પુખ્ત પુરુષોમાં તેનું પ્રમાણ 3 ટકાથી લઈને 76.5 ટકા સુધીનું છે - જે ઘણી મોટી રેન્જ (વિસ્તાર) છે. પણ 1,200 પુરુષો પર કરવામાં આવેલા એક વ્યાપક સ્તરના અભ્યાસમાં વિસ્તૃત પ્રશ્નોત્તરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તેમાં માલૂમ પડ્યું હતું કે, 40 વર્ષની વયના 39 ટકા પુરુષો નિયમિતપણે અમુક સ્તરે શિથિલતાનો અનુભવ કરતા હોય છે અને 70 વર્ષની વયે આ પ્રમાણ વધીને 67 ટકા થઈ જાય છે.
ઘણી રીતે જોતાં, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એ એક પ્લમ્બિંગ સમસ્યા, અર્થાત્ શારીરિક સંરચનાને લગતી સમસ્યા છે. ગુપ્તાંગની લંબાઈ સાથે 'કોર્પોરા કેવરનોસા' તરીકે ઓળખાતી બે નરમ સંરચના આવેલી હોય છે, જે સામાન્યપણે શિથિલ હોય છે. જ્યારે પુરુષ ઉત્તેજિત થાય છે, ત્યારે મગજ શિશ્નની ધમનીઓની ફરતે આવેલા સ્નાયુઓને હળવાશનો સંકેત મોકલે છે, જેના કારણે તે બંને ભાગોમાં લોહી ઝડપથી વહેવા લાગે છે. તે જેમ-જેમ વિસ્તરે, તેમ-તેમ કોર્પોરા કેવરનોસા ખેંચાણ અનુભવે છે અને તે શિશ્નમાંથી લોહીને બહાર લઈ જતી નસોને દબાવી દે છે, જેના કારણે લોહી અંદર જ રોકાઈ (ફસાઈ) જાય છે.
હવા ભરેલા ફુગ્ગાની માફક આ અંગ વિસ્તરે છે અને કડક થઈ જાય છે. શિશ્નની પાઇપો મારફત લોહીના આ ભરાવાને ઓછો કરતી કોઈપણ બાબત પુરુષની તે ઉત્તેજનાને જાળવી રાખવાની ક્ષમતાને નબળી પાડી દે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સમસ્યા માનસિક પણ હોય છે. તણાવની સ્થિતિમાં એડ્રેનલિન અને કોર્ટિસોલ જેવા હોર્મોન્સ મુક્ત થતાં રક્તવાહિનીઓ સંકોચાઈ શકે છે અને કોર્પોરા કેવરનોસાને સખ્ત થતાં અટકાવે છે. તણાવનું ઊંચું સ્તર ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદન આડે પણ અવરોધ ઊભો કરી શકે છે, જેના પરિણામે કામેચ્છા ઘટી શકે છે અને ઉત્તેજના શિથિલ થઈ જાય છે. નોંધનીય છે કે, હાઇપોગોનાડિઝમ જેવી ગ્રંથિને લગતી સમસ્યા ધરાવતા લોકોમાં પણ ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન ઘટી જતું હોવાથી તે પણ અસર કરી શકે છે. કહેવાની જરૂર નથી કે, તણાવની સ્થિતિમાં માનસિક એકાગ્રતા જળવાતી નથી અને તેના કારણે જાતીય સંબંધ પર ધ્યાન આપવું મુશ્કેલ થઈ શકે છે.
ઉત્ક્રાંતિની દૃષ્ટિએ જોતાં આ પાછળ એક કારણ રહેલું છેઃ જો તણાવ ઉત્તેજના આડે અવરોધ ઊભો કરતો હોય, તો તેનો અર્થ એ કે, શરીર સંકટની ક્ષણોમાં સ્વબચાવ માટે પોતાનાં સંસાધનો બચાવી રહ્યું છે.
"જો પરિસ્થિતિ જોખમી હોય, તો પ્રજનન ન કરવું શરીર માટે અગત્યનું છે," એમ જેનિની જણાવે છે. જોકે, આધુનિક વિશ્વમાં જીવલેણ ન હોય તેવી સ્થિતિમાં પણ આપણે તણાવનો અનુભવ કરતા હોઈએ છીએ, આથી આ સુરક્ષાત્મક વ્યવસ્થા જરૂર કરતાં વધુ વખત સક્રિય થઈ શકે છે.
ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કેવી બિમારીઓના સંકેત આપે છે?

ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC/ Getty Images
ઘણા કિસ્સાઓમાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન આરોગ્યની વ્યાપક સમસ્યાઓ પણ દર્શાવી શકે છે. જેમ કે, તે ઍથરોસ્ક્લેરોસિસને કારણે ઉદ્ભવી શકે છે - આ એવી સ્થિતિ છે જેમાં રક્તવાહિનીઓ સખ્ત અને સાંકડી થઈ જાય છે, જેના કારણે હૃદયની બીમારી થવાનું જોખમ રહે છે.
લિંગની રક્તવાહિનીઓ શરીરની સૌથી નાની રક્તવાહિનીઓ પૈકીની હોવાથી તે સૌથી પહેલાં અસરગ્રસ્ત થતી હોય છે. આ સ્થિતિમાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન આ પ્રકારના હાર્ટ ફેઇલ્યોરના પૂર્વસંકેત તરીકે કામ કરી શકે છે.
1,54,794 લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવતાં તાજેતરના એક સંશોધન પત્રમાં જાણવા મળ્યું હતું કે, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની સમસ્યા ધરાવનારા પુરુષોને હૃદયની બીમારી થવાની શક્યતા 59 ટકા વધુ અને સ્ટ્રોક આવવાની શક્યતા 34 ટકા વધુ હોય છે.
બ્રિટનની માન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટી ખાતે પ્રજનન વિજ્ઞાનના નિષ્ણાત માઇકલ કેરોલ જણાવે છે, "લિંગ યોગ્ય રીતે ઉત્તેજિત થવું એ રક્તવાહિનીઓ તંદુરસ્ત હોવાની નિશાની છે." તેમનું આગામી પુસ્તક "યોર નટ્સઃ ધ સાયન્સ ઑફ હાઉ ધે વર્ક ઍન્ડ વ્હોટ ઇટ મિન્સ ફૉર યોર ફર્ટિલિટી" ટૂંક સમયમાં પ્રકાશિત થવાનું છે.
લિંગનું નબળું આરોગ્ય જ્ઞાનાત્મક ક્ષમતામાં ઘટાડાનો પૂર્વસંકેત હોવાના કેટલાક કામચલાઉ પુરાવા મળ્યા છે. તાઇવાનમાં થયેલા આ પ્રકારના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન ધરાવતા પુરુષોમાં સાત વર્ષના ફોલો-અપ દરમિયાન ડિમેન્શિયાનાં લક્ષણો વિકસવાનું પ્રમાણ 68 ટકા વધુ હતું. લિંગની માફક જ આપણું મગજ પણ ઇંધણ (ઊર્જા) પહોંચાડવા માટે અને ઝેરી કચરો સાફ કરવા માટે સારા રક્તપરિભ્રમણ પર નિર્ભર છે.
ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનો ડાયાબિટીસ સાથે શો સંબંધ?
ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન પર દેખરેખ રાખવી ખાસ કરીને ડાયાબિટીસનું જોખમ ધરાવનારા લોકો માટે મહત્ત્વનું છે, કારણ કે ડાયાબિટીસ વિવિધ પ્રણાલીઓ થકી રક્તપરિભ્રમણ અને નર્વસ સિસ્ટમ (ચેતાતંત્ર)ને નુકસાન પહોંચાડી શકે છે.
ઉદાહરણ તરીકે, બ્લડ શુગરમાં થતો વધારો - જે સ્થિતિનું યોગ્ય સંચાલન ન થતું હોય ત્યારે ઉદ્ભવે છે - તેના કારણે રક્તવાહિનીઓની દીવાલોના પ્રોટીન સાથે વધારાનું ગ્લુકોઝ ચોંટી જતું હોય છે. તેના લીધે રક્તવાહિનીઓ તેમની લવચીકતા ગુમાવી દે છે - આ પ્રક્રિયા ગ્લાઇકેશન તરીકે ઓળખાય છે. ઍથરોસ્ક્લેરોસિસની માફક શરીરના એવા ભાગોમાં કાર્યક્ષમ રક્ત પ્રવાહ ઘટી જાય છે, જ્યાં તેમને તેની સૌથી વધુ જરૂર હોય છે અને શિશ્નની નાજુક વાહિનીઓ ઘણી વખત સૌથી પહેલાં પ્રભાવિત થતી હોય છે.
સ્પેનના બાર્સેલોના ખાતે સેન્ટ પાઉ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક બોગદાન વ્લાચો જણાવે છે, "ડાયાબિટીસ અને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન (ઇડી) વચ્ચે મજબૂત સંબંધ છે. ડાયાબિટીસ ન ધરાવતા પુરુષોની તુલનામાં ટાઇપ-ટુ ડાયાબિટીસ ધરાવતા પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન થવાની શક્યતા ત્રણ ગણી વધારે હોય છે."
આ પુરાવાની તાજેતરની સમીક્ષામાં, વ્લાચોને એ પણ જાણવા મળ્યું કે, માત્ર ડાયાબિટીસ હોય તેવા પુરુષોની તુલનામાં ડાયાબિટીસ અને ઇડી બંને ધરાવતા લોકોમાં "પેરિફેરલ ન્યૂરોપથી" - એટલે કે હાથ અને પગની નસોને નુકસાન થવાનું જોખમ વધુ હોય છે. આ ઉપરાંત, તેમને રેટિનોપથી થવાનું જોખમ પણ ઊંચું હોય છે, જે અંધાપો નોતરી શકે છે અને ઘા રૂઝાવાનું મુશ્કેલ થઈ શકે છે. આ સ્થિતિને લીધે કેટલીક વખત અંગ કાપવું પડી શકે છે.
તેમ છતાં, ડાયાબિટીસના દર્દીઓમાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની તપાસ એટલી સામાન્ય પ્રથા નથી. "હેલ્થકેર પ્રોફેશનલ્સ દર્દીઓ સાથે આ મુદ્દા પર વાત કરતા નથી, એવા પુરાવા મળ્યા છે," એમ સ્પેન ખાતે યુનિવર્સિટી ઑફ બાર્સેલોનાના એન્ડોક્રિનોલોજિસ્ટ તથા અભ્યાસોની સમીક્ષાના સહ-લેખક સાન્ટિયાગો માર્ટિનેઝ જણાવે છે.

ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC/ Getty Images
શિથિલતાનો ઉપચાર કઈ રીતે કરી શકાય?
બ્રિટનના યુરોલોજી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વે પ્રમાણે, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન (શિથિલતા)થી પીડાનારા અડધા કરતાંય વધુ પુરુષો આ સ્થિતિને લઈને પ્રવર્તતા સંકોચ તથા ચિંતાને લીધે તબીબી સહાય મેળવતાં ખચકાય છે અને 20 ટકા પુરુષોએ તો એવું પણ કહ્યું હતું કે, તેઓ તેમની આ સમસ્યા ડૉક્ટરને જણાવવા કરતાં એક મહિના સુધી બીયર ન પીવાનું વધુ પસંદ કરશે.
પરંતુ, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનો અનુભવ કરનારા તમામ પુરુષોએ મદદ લેવી જ જોઈએ, એમ કેરોલ કહે છે. તમને તણાવના મોટા સ્રોતમાંથી રાહત મળી શકે છે અને સાથે જ તમારા સર્વાંગી આરોગ્ય વિશે કિંમતી ચર્ચા પણ શરૂ થઈ શકે છે - જે જીવન બચાવનારી નીવડી શકે છે. તેઓ કહે છે, "સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે તે મહત્ત્વપૂર્ણ છે."
એકંદરે, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એ કોઈ અસાધ્ય બીમારી નથી. વાયેગ્રા (સિલ્ડેનાફીલ) જેવી દવાઓ શિશ્નની રક્તવાહિનીઓને પહોળી કરે છે, પણ કેટલાક અનુભવજન્ય પુરાવા સૂચવે છે કે, પોતાના જાતીય જીવનમાં સુધારો કરવા માટે આ ગોળીઓ લેનારા દર્દીઓના હૃદયના આરોગ્યમાં પણ સુધારો થયો હતો અને તેમાં હાર્ટ ફેઇલ્યોરનું જોખમ ઘટવાનો પણ સમાવેશ થાય છે - જોકે, તબીબી પરીક્ષણોમાં આ બાબત હજુ સુધી સત્તાવાર રીતે પુરવાર થઈ નથી. (વાયેગ્રા મુખ્યત્વે હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવનારા દર્દીઓની હૃદયની સારવાર માટે વિકસાવવામાં આવી હતી પરંતુ, પછીથી તેની પ્રચલિત આડઅસરો તરફ સંશોધકોનું ધ્યાન ગયું હતું).
8,85,000 કરતાં વધુ દર્દીઓનું વિશ્લેષણ કરનારા એક અભ્યાસ અનુસાર, આ દવાઓ ડિમેન્શિયા વધવાની તકોને પણ ઓછી કરી શકે છે. તેમાં જાણવા મળ્યું હતું કે, તેના લીધે અલ્ઝાઇમરની બીમારી થવાનું જોખમ ઘણું ઘટી ગયું હતું.
જો તમે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની તમારી સમસ્યા ડૉક્ટર સમક્ષ રજૂ કરશો, તો તેઓ હાઇપરટેન્શન અને એથરોસ્ક્લેરોસિસ જેવી હૃદયની બીમારીઓ માટેનાં સામાન્ય જોખમી પરિબળો માટે તમારી તપાસ કરશે અને મેદસ્વીતા જેવી સમસ્યા પર સલાહ આપી શકે છે, જે હૃદયના નબળા સ્વાસ્થ્ય માટે જવાબદાર હોઈ શકે છે. અમુક કિસ્સાઓમાં આહારમાં ફેરફાર અને વ્યાયામ જેવાં સરળ પગલાં પણ મદદરૂપ નીવડી શકે છે. ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત કરવું જરૂરી છે.
માર્ટિનેઝ અને વ્લાચો ભારપૂર્વક જણાવે છે કે, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન પર આ ઉપચારની અસરો તેમજ તેનાથી અન્ય સમસ્યાઓનું જોખમ ઓછું થઈ શકે છે કે કેમ, તે પરના અભ્યાસો હજુ પ્રાથમિક તબક્કામાં છે.
વધુમાં, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનાં કારણોની સમજૂતી મેળવવા માટે ઘણો પરિશ્રમ કરવો પડી શકે છે, કારણ કે આ સમસ્યા સર્જાવા પાછળ અશ્લીલ ફિલ્મો (પોર્ન) જોવાની લત અને જાતીય ઇચ્છાઓ સાથે જોડાયેલી માનસિક આરોગ્યને લગતી તકલીફો પણ જવાબદાર હોઈ શકે છે. "જો કોઈ પુરુષને ડાયાબિટીસ કે હૃદયની બીમારી હોય, તો તે બીમારીને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન સાથે જોડીને તેની સારવાર કરવી શક્ય છે. પરંતુ, જો જીવનશૈલીને લગતાં - દારૂ પીવો અને ધૂમ્રપાન કરવા જેવાં પરિબળો અને પોર્નનો અતિશય ઉપયોગ જેવાં મનોવૈજ્ઞાનિક કે વર્તન સંબંધિત પાસાં પણ તેની સાથે ભળેલાં હોય, તો સમસ્યાનું નિવારણ લાવવું વધુ અઘરું હોઈ શકે છે. મોટા ભાગે આવા પુરુષો તેમની પ્રવૃત્તિઓ જાહેર કરવા માગતા નથી," એમ કેરોલ જણાવે છે.
શિશ્નને સખત રાખી શકે એ હાડકું પુરુષોએ કેમ ગુમાવી દીધું?
આપણી આરોગ્ય તકેદારી માટે તેના મહત્ત્વ ઉપરાંત જેનિની તેની સંભવિત ઉત્ક્રાંતિને લગતી અસરો પર પણ વિચારી રહ્યા છે કે, શિશ્ન પુરુષના સર્વાંગી સ્વાસ્થ્યનું બેરોમીટર શા માટે છે.
માનવ પ્રજાતિ શિશ્ન સખ્ત થાય તે માટે તેમના રક્ત પ્રવાહ પર આધાર રાખે છે અને આ બાબત તદ્દન અસામાન્ય છે. આપણા સૌથી નજીકના સંબંધી એવા ચિમ્પાન્ઝી સહિતના મોટાભાગના અન્ય સસ્તન વર્ગનાં પ્રાણીઓ 'બેક્યુલમ' નામનું સંકોચાઈ શકે તેવું હાડકું ધરાવે છે, જે ઉત્તેજિત થવા દરમિયાન બહાર આવે છે, જેથી ઉત્થાનને ટેકો મળે અને નળીઓ સક્રિય તથા સખ્ત રહે. પરિણામે સરેરાશ માનવ પુરુષથી અલગ, તેમનું જાતીય જીવન તેમના સર્વાંગી આરોગ્ય સાથે જોડાયેલું નથી.
તો પછી, ઉત્ક્રાંતિ દરમિયાન માનવ પુરુષોમાં એવું પરિવર્તન શા માટે આવ્યું કે તેમણે બેક્યુલમ ગુમાવવું પડ્યું અને શિથિલતા તથા નબળાઈની સંભાવના વધી ગઈ?
આ એવી હકીકત છે, જે ઘણા ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાનીઓને ગૂંચવતી આવી છે. જોકે, જેનિનીને એવી આશંકા છે કે, ઉત્ક્રાંતિ દરમિયાન પુરુષોએ તેમનું બેક્યુલમ ગુમાવી દીધું જેથી આપણાં મહિલા પૂર્વજોને એ નક્કી કરવામાં મદદ મળી શકે કે, કયો પુરુષ સૌથી તંદુરસ્ત છે અને આગામી પેઢી માટે કયાં જીન્સ શ્રેષ્ઠ રહેશે.
જેનિની કહે છે, "આપણે પ્રજનન માટેનું સૌથી મહત્ત્વનું હાડકું ગુમાવી દીધું, એ સાચે જ ઘણું વિચિત્ર છે, કારણ કે તેના વિના આપણો પ્રતિભાવ ઘણો જ અણધાર્યો બની રહે છે. પણ તેનો અર્થ એ કે, દીર્ઘકાલીન બીમારીઓની આગોતરી જાણકારી મેળવવા માટે તે એકદમ સુયોગ્ય સંકેત પૂરો પાડે છે."
* ડૅવિડ રોબસન એવોર્ડ વિજેતા વિજ્ઞાન લેખક છે. તેમનું તાજેતરનું પુસ્તકઃ ધ લો ઓફ કનેક્શનઃ 13 સોશિયલ સ્ટ્રેટેજિઝ ધેટ વિલ ટ્રાન્સફોર્મ યોર લાઇફ જૂન, 2024માં કેનનગેટ (બ્રિટન) અને પેગાસસ બુક્સ (અમેરિકા અને કેનેડા) દ્વારા પ્રકાશિત થયું હતું. ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ પર તેઓ @davidarobson તરીકે જાણીતા છે અને સબસ્ટૅક પર 60- સેકન્ડ સાઇકોલોજી ન્યૂઝલેટર લખે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















