'દિવસમાં ચાર પુરુષો સાથે સેક્સ કરતી', પતિના કહેવા પર અજાણ્યા પુરુષો સાથે સેક્સસંબંધ બાંધનાર મહિલાને શું અનુભવ થયો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સેક્સ
    • લેેખક, કેટ્રિન નાય, જેમી બાર્ટલેટ, કવિતા પુરી અને રૂથ મેયર
    • પદ, બીબીસી ન્યૂઝ ઇન્વેસ્ટિગેશન્સ અને બીબીસી વેલ્સ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

ચેતવણી: આ લેખમાં જાતીય ગતિવિધિઓની વિગતો છે

જ્યારે રૂથ ઓ'ગ્રેડી પોતાના પતિના આગ્રહને કારણે અનિચ્છાએ એક સ્વિંગિંગ વેબસાઇટમાં જોડાયાં ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓ ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે કારમાં શારીરિક સંબંધ નહીં બાંધે.

પરંતુ થોડા જ મહિનાઓમાં તેઓ એ જ કરી રહ્યાં હતાં, અને તેના વીડિયો બનાવીને પોતાના પતિને મોકલી રહ્યાં હતાં.

તેમનું કહેવું છે કે 18 મહિનાના સમયગાળામાં તેમણે આ વેબસાઇટ દ્વારા 100થી વધુ વખત અજાણ્યા પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

રૂથ કહે છે કે તેઓ ઊંડા આઘાતમાં છે, અને આજે પણ જૂની વાતો યાદ આવતા પરેશાન થઈ જાય છે.

ત્રણ વર્ષ પહેલાં તેમણે પ્રથમ વખત અમારો સંપર્ક કર્યો હતો.

હવે લાંબા અને ગંભીર વિચારવિમર્શ પછી તેમણે પોતાનું પૂરું નામ જાહેર કરીને પોતાની કથા કહેવાનો નિર્ણય લીધો છે. તેઓ ઇચ્છે છે કે તેમની કથા અન્ય મહિલાઓ માટે ચેતવણીરૂપ સાબિત થાય.

તેમને તેમના ભૂતપૂર્વ પતિ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે. પરંતુ તેઓ યુકેની સૌથી મોટી સ્વિંગિંગ વેબસાઇટને પણ એટલી જ દોષી ગણે છે.

તેઓ કહે છે કે આ વેબસાઇટે તેમને સેંકડો એવા પુરુષો સુધી પહોંચાડી, જેઓ પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહી શકે છે.

બીબીસીએ આ આરોપો અંગે રૂથના પૂર્વ પતિનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે કોઈ જ જવાબ આપ્યો નહોતો.

સ્વિંગિંગમાં સામાન્ય રીતે દંપતીઓ એકબીજાને મળે છે અને પોતાના જીવનસાથીઓની અદલાબદલી કરે છે.

જોકે કેટલીક વખત દંપતીમાંથી માત્ર એક વ્યક્તિ જ આવા જાતીય સંબંધોમાં સામેલ થાય છે.

મહિલાને પાર્ટનરની અદલા-બદલી માટે કેવી રીતે મનાવાયાં?

સેક્સ, સ્વિંગિંગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રૂથ કહે છે કે તેઓ ક્યારેય સ્વિંગિંગ વેબસાઇટમાં જોડાવા રાજી નહોતાં.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રૂથની વાર્તાથી પ્રેરાઈને બીબીસીએ છેલ્લા આઠ મહિનાથી બ્રિટનની સ્વિંગિંગ સંસ્કૃતિની તપાસ કરી છે.

અમને કેટલાક લોકોએ કહ્યું કે તેઓ પોતાની સ્વેચ્છાથી તેમાં ભાગ લે છે, પરંતુ અમારી તપાસમાં જાણવા મળ્યું કે હંમેશાં એવું નથી હોતું.

રૂથ કહે છે કે ફેબ્સવિંગર્સ નામની એક વેબસાઇટે તેની સાથે થયેલા શોષણને પ્રોત્સાહન આપ્યું હતું.

આ વેબસાઇટના પેજ વ્યૂઝ બીજી કોઈપણ સ્વિંગિંગ વેબસાઇટ કરતાં ઘણા વધારે છે. અને તેમણે દાવો કર્યો છે કે દર મહિને છ લાખ તેમના સક્રિય સભ્યો છે.

તેમણે અમને જણાવ્યું કે સંમતિ સ્વિંગિંગનો પાયો છે.

બીજી તરફ, બ્રિટનની વિવિધ પોલીસ સંસ્થાઓએ અમને જણાવ્યું કે તાજેતરના સેંકડો ગુનાઓના અહેવાલોમાં આ વેબસાઇટનો ઉલ્લેખ થયો છે.

રૂથ એમ પણ કહે છે કે, તેમની વાર્તા ફ્રેન્ચ મહિલા ગિસેલ પેલિકોટ જેવી નથી, જેમણે પોતાના પર બળાત્કાર કરનાર આરોપી પુરુષો સામે જાહેર સુનાવણી થાય તેવો આગ્રહ રાખ્યો હતો.

તેમ છતાં, પેલિકોટના કેસ પછી જે પ્રતિક્રિયા જોવા મળી તેમાંથી તેમને પોતાની વાત ખુલ્લેઆમ કહેવાની હિંમત મળી.

તેમણે જણાવ્યું, "બધા લોકો ખૂબ જ આઘાતમાં હતા, પણ મને જરાય આશ્ચર્ય ન થયું."

2008માં ઉત્તર વેલ્સમાં તેમની મુલાકાત થઈ ત્યારથી જ ક્રિસ વારંવાર રૂથ સમક્ષ અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવાનો વિચાર મૂકતો હતો, પરંતુ રૂથના કહેવા મુજબ તેઓ હંમેશાં તેનો વિરોધ કરતાં હતાં.

પછી, 2021માં રૂથને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનો સામનો કરવો પડ્યો.

ત્યારે ક્રિસ તેમનો સત્તાવાર કેરટેકર બન્યો. રૂથનું કહેવું છે કે તેને એ વાત માટે દોષી હોવાનો અહેસાસ કરાવવામાં આવ્યો કે જિંદગી એ રીતે નથી જઈ રહી, જેવી તેમણે વિચારી હતી.

આ સમય દરમિયાન તેમના પતિએ ફરી એકવાર સ્વિંગિંગનો મુદ્દો ઉઠાવ્યો. અંતે, રૂથના જણાવ્યા મુજબ, તેમણે હાર માનીને સંમતિ આપી.

તેમણે કહ્યું, "મને ખબર છે કે પહેલી વાર સાંભળનારને આ વાત એકદમ વિચિત્ર લાગી શકે, પરંતુ યાદ રાખો કે આ બધું રાતોરાત નહોતું થયું."

"કલ્પના કરો કે તમે કોઈ વ્યક્તિ સાથે બાર વર્ષથી રહો છો અને તે ધીમે ધીમે તમને કોઈ વાત માટે મનાવતો રહે છે."

બંને મળીને ફેબસ્વિંગર્સ વેબસાઇટમાં જોડાયાં.

રૂથનું કહેવું છે કે તેમને લાગ્યું હતું કે કદાચ તેઓ અન્ય દંપતીઓને મળશે. પરંતુ થોડા જ સમયમાં આ વ્યવસ્થાએ સંપૂર્ણપણે અલગ સ્વરૂપ ધારણ કર્યું.

અન્ય પુરુષો સાથે સેક્સના વીડિયો રેકૉર્ડ કરવાનું કહેવાયું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સેક્સ
ઇમેજ કૅપ્શન, રૂથે જણાવ્યું, "કેટલાક પુરુષો તો મારી આંખોમાં જોઈને વાત પણ કરતા નહોતા, અને કેટલાક તો મારી સાથે એક શબ્દ પણ બોલતા નહોતા. જાણે કે... મારું અસ્તિત્વ જ ન હોય."

રૂથ તે વેબસાઇટ પર મળેલા પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધતાં હતાં, જ્યારે ક્રિસ ક્યારેક નજીકમાં ઊભો રહીને જોતો, ક્યારેક આસપાસમાં રહીને રાહ જોતો અને કેટલીક વખત તો ત્યાં હાજર પણ રહેતો નહોતો.

આ મુલાકાતો તેમના ઘરે, અથવા બહાર કારમાં, રસ્તાની બાજુનાં વિરામસ્થળો પર કે પાર્કિંગ લોટમાં થતી હતી.

તેમના કહેવા મુજબ, જો તેઓ એકલાં જાય તો તેમની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે જે કંઈ બન્યું હોય તેનો વીડિયો રેકૉર્ડ કરીને પોતાના પતિને મોકલે.

રૂથ કહે છે કે થોડાક જ મહિનાઓમાં, તેઓ અઠવાડિયામાં અનેક પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યાં હતાં, ક્યારેક તો એક દિવસમાં ચાર પુરુષો સાથે પણ.

તેમનું કહેવું છે કે તેમણે કેટલીક મુલાકાતોની વ્યવસ્થા જાતે પણ કરી હતી.

અને સ્વિંગિંગ માટે ઉત્સાહિત પણ દેખાતાં હતાં, પરંતુ હવે તેમનું કહેવું છે કે તેઓ ખરેખર ક્યારેય આવું કરવા માંગતાં નહોતાં.

તેમના કહ્યા મુજબ, તેમણે વારંવાર પોતાના પતિને જણાવ્યું હતું કે હવે તેઓ આ બધું બંધ કરવા માંગે છે.

અનેક પ્રસંગોએ તેમણે કહ્યું હતું કે આ શારીરિક સંબંધોના અનુભવો તેમને ડરાવી રહ્યા છે અને તેના લીધે તેઓ માનસિક આઘાત અનુભવે છે.

તેઓ કહે છે કે નવી મુલાકાતો ગોઠવાય તે પહેલાં ક્યારેક થોડા સમયનું અંતર રહેતું, પરંતુ પછી ફરીથી તેમના પતિ નવી મુલાકાતોની વ્યવસ્થા કરવા લાગતા, અને અંતે તેઓ ફરી એમાં સામેલ થઈ જતાં.

અનેક લોકો સાથે સેક્સ સંબંધથી રૂથને કેવી મુશ્કેલીઓ થઈ?

રૂથના જણાવ્યા મુજબ, આ મુલાકાતોએ તેમને ભયાનક નુકસાન પહોંચાડ્યું.

તેમને જાતીય ચેપ લાગ્યો, તેઓ ગર્ભવતી થયાં, અને જ્યારે તેઓ ગર્ભપાતમાંથી સ્વસ્થ થઈ રહ્યાં હતાં તે વખતે ક્રિસે કોઈકની સાથે મુખમૈથુનની વ્યવસ્થા કરી નાખી.

રૂથે જણાવ્યું, "એ વખતે મને સમજાઈ ગયું કે ક્રિસને મારા શરીરની કે હું કેટલી પીડામાંથી પસાર થઈ રહી છું તેની જરાય પરવા નથી."

"આ બધા પુરુષો મારા શરીરનો એ હદે દુરુપયોગ કરી રહ્યા હતા કે તે ચેપગ્રસ્ત થઈ રહ્યું હતું."

"હું બીમાર થઈ જતી હતી, અને હવે ગર્ભપાત પણ થઈ રહ્યો હતો. છતાં મારે હજી પણ પુરુષોને મળવું પડતું હતું."

રૂથ કહે છે કે ઘણી વખત વિરોધ કરવા કરતાં બહારથી ઉત્સાહિત દેખાવું અને લોકો તેની પાસેથી જે વર્તનની અપેક્ષા રાખે છે તે પ્રમાણે વર્તવું વધુ સરળ અને સલામત લાગતું હતું.

ઘણી વખત તો તેઓ માત્ર એટલા માટે આવું કરતાં કે જેથી આખી મુલાકાત શક્ય તેટલી ઝડપથી પૂરી થઈ જાય.

"કેટલાક પુરુષો તો મારી આંખોમાં જોઈને વાત પણ કરતા નહોતા, અને કેટલાક તો મારી સાથે એક શબ્દ પણ બોલતા નહોતા. જાણે કે... મારું અસ્તિત્વ જ ન હોય."

  • જાતીય શોષણ પછી અથવા નિરાશામાં સહાય કરતી કે ટેકો આપતી સંસ્થાઓની વિગતો bbc.co.uk/actionline પર ઉપલબ્ધ છે.

પાછળ ફરીને જોતાં, શું તેમને લાગે છે કે કોઈ પણ શારીરિક સંબંધ ખરેખર તેમની સંમતિથી બંધાયો હતો?

"ના," તેમણે જણાવ્યું, "હું ત્યાં રહેવા માંગતી જ નહોતી. હું તો શરૂઆતથી જ [એ વેબસાઇટ] પર જવા માંગતી નહોતી."

રૂથે પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલિસે કોએર્સિવ કન્ટ્રોલ (જબરદસ્તી નિયંત્રણ) અને અન્ય કાયદાઓ હેઠળ ક્રિસની તપાસ કરી હતી, પરંતુ તેની સામે કોઈ આરોપ નોંધાયા નહોતા.

પોલીસે દંપતી વચ્ચે થયેલા વૉટ્સઍપ સંદેશાઓના કેટલાંક ઉદાહરણો તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં રૂથ સ્વિંગિંગ પ્રત્યે ઉત્સાહિત દેખાઈ રહ્યાં હતાં.

રૂથની વાર્તા એક મોટો પ્રશ્ન ઉઠાવે છે: લોકો એવા શારીરિક સંબંધ માટે કેમ અને કઈ રીતે રાજી થઈ શકે, અને તે પણ સંપૂર્ણપણે ઉત્સાહ સાથે, જે તે ખરેખર બાંધવા જ ન માંગતા હોય?

એક નિષ્ણાતે અમને જણાવ્યું કે સંમતિનો પ્રશ્ન ઘણો જટિલ હોઈ શકે છે.

ઑકલૅન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર નિકોલા ગેવે, જેઓ 1980ના દાયકાથી અનિચ્છનીય સેક્સ પર સંશોધન કરી રહ્યા છે, તેમણે જણાવ્યું, "લોકો એવી જાતીય પ્રવૃત્તિ માટે સંમતિ આપતા હોય તેમ દેખાય, જે તેઓ વાસ્તવમાં ઇચ્છતા નથી, એ સંપૂર્ણપણે શક્ય છે."

ગેવેએ જણાવ્યું કે તેમણે અન્ય મહિલાઓ પાસેથી પણ રૂથ જેવી જ વાતો સાંભળી છે.

તેમણે કહ્યું, "લોકોને તેમની સાથે શું થઈ રહ્યું છે તે સમજવામાં ઘણી વાર સમય લાગી શકે છે."

'મારે ત્યાંથી ચાલ્યા જવું જોઈતું હતું'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સેક્સ
ઇમેજ કૅપ્શન, ફેબસ્વિંગર્સનું કહેવું છે કે સંમતિ વિના થતી પ્રવૃત્તિઓ અંગેની ફરિયાદોને તે અત્યંત ગંભીર અને પ્રાથમિક જોખમ ગણે છે

અમને ફેબસ્વિંગર્સનો ઉપયોગ કરતી એક વ્યક્તિ મળી, જેમણે અમારી સાથે વાત કરવાની સંમતિ આપી.

માર્ટિન, જે તેમનું સાચું નામ નથી, તેઓ ક્યારેય રૂથને મળ્યા નથી. તેઓ કહે છે કે તેઓ વર્ષોથી આ વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા છે અને તેના દ્વારા લગભગ 50 લોકો સાથે શારીરિક સંબંધ બાંધી ચૂક્યા છે.

તેઓ કહે છે કે, તેમાં મોટા ભાગે એવી પરિણીત મહિલાઓનો સમાવેશ થાય છે, જેમના પતિઓ આ બધું જોવા માગતા હતા.

તેમના જણાવ્યા અનુસાર, તેઓ હંમેશાં ખાતરી કરવાનો પ્રયત્ન કરતા હતા કે જે મહિલાઓને તેઓ મળે છે, તે ખુશ છે અને પોતાની સ્વતંત્ર સંમતિથી ભાગ લઈ રહી છે. પરંતુ તેઓ એ પણ સ્વીકારે છે કે કેટલીક વખત જ્યારે તેઓ કોઈ મુલાકાત માટે રૂમમાં પ્રવેશતા, ત્યારે તેમને કંઈક ગડબડ હોય તેવું પણ લાગતું હતું.

તેમનું માનવું છે કે જે પણ યુગલોને તેઓ મળ્યા તેમાંથી અડધાથી પણ વધુ મહિલાઓ ભાગ લેવા માંગતી નહોતી.

એક પ્રસંગ યાદ કરતાં માર્ટિન કહે છે કે જ્યારે એક મહિલાએ તેમને જણાવ્યું કે થોડા જ સમયમાં તેમનો પતિ અંદર આવીને વીડિયો બનાવવાનો છે, ત્યારે તેમણે તેની આંખોમાં સ્પષ્ટ ભય જોયો હતો.

"મારે ત્યાંથી ચાલ્યા જવું જોઈતું હતું," તેમણે રડતા રડતા કહ્યું, "મારે તરત જ એ વાતની જાણ કરવી જોઈતી હતી."

પાર્ટનરની અદલા-બદલીમાં મહિલાઓની સંમતિ લેવામાં આવે છે?

સેક્સ, સ્વિંગિંગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તપાસકર્તાઓનું કહેવું છે કે મહિલાઓ પર પાર્ટનરની અદલા-બદલી માટે દબાણ કરવામાં આવતા હોવાના કિસ્સા બને છે.

બીજા એક પ્રસંગમાં, તેમના કહ્યા મુજબ, એક મહિલા એવી લાગતી હતી જાણે તેને સતત સમજાવી-મનાવીને આમાં સામેલ કરવામાં આવી હોય. મહિલાનો પતિ અને બીજો એક પુરુષ તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા.

અમે તેમને સીધું પૂછ્યું કે શું એ ક્ષણે તેમને ક્યારેય એવું લાગ્યું હતું કે તમે કોઈની સાથે બળાત્કાર કરી રહ્યા છો?

"હા." તેમણે જણાવ્યું.

માર્ટિનનું કહેવું છે કે એમને લાગતું હતું કે તે સમય સુધી એ મહિલા સંપૂર્ણપણે સંમત હતી.

અમારી તપાસનાં તારણો અંગે પ્રતિસાદ આપતાં ફેબસ્વિંગર્સે જણાવ્યું હતું કે અગાઉ ઑનલાઇન થયેલી ચર્ચા કે સંમતિનો અર્થ એવો નથી કે વાસ્તવિક મુલાકાત સમયે વ્યક્તિની સ્પષ્ટ અને તત્કાલ સંમતિ લેવાની જરૂરિયાત સમાપ્ત થઈ જાય.

વેબસાઇટના જણાવ્યા મુજબ, એવા કોઈ અભિગમને ન તો તેઓ સમર્થન આપે છે, ન પ્રોત્સાહિત કરે છે કે ન સહન કરે છે.

બીબીસીએ બ્રિટનનાં તમામ 45 પોલીસ દળોને માહિતીના અધિકાર હેઠળ અરજીઓ મોકલી હતી.

તેમાં 2023ની શરૂઆતથી અત્યાર સુધીના એવા તમામ ગુનાના અહેવાલોની માહિતી માંગવામાં આવી હતી, જેમાં ફેબસ્વિંગર્સનો ઉલ્લેખ થયો હોય.

એપ્રિલ 2026ના અંત સુધીમાં 39 દળોએ જવાબ આપ્યો હતો, જોકે દેશના સૌથી મોટા દળ, મેટ્રોપોલિટન પોલીસે જવાબ આપ્યો ન હતો.

મળેલા જવાબોમાં કુલ 329 એવા અહેવાલો નોંધાયા હતા, જેમાં આ વેબસાઇટનો ઉલ્લેખ હતો.

આ અહેવાલોમાં બળાત્કાર, ગંભીર જાતીય ગુનાઓ, નિયંત્રણ અને દબાણપૂર્વકનું વર્તન, હેરાનગતિ, બ્લૅકમેઇલિંગ, પીછો કરવો, હુમલો તથા અતિઅશ્લીલ સામગ્રી રાખવા જેવા આરોપો સામેલ હતા.

જે પોલીસ દળોએ જવાબ આપ્યો હતો, તેઓએ 26 લોકોને એવા કેસોમાં આરોપ અથવા સમન્સ પાઠવ્યા હતા કે જેમાં ફેબસ્વિંગર્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાંથી 23 કેસ હજુ ચાલુ છે.

ફેબસ્વિંગર્સ સંબંધિત આ આંકડાઓનો અર્થ એવો નથી કે જે ગુનાઓના આરોપો મૂકવામાં આવ્યા હતા તેના માટે વેબસાઇટ જવાબદાર હતી. કેટલાક કેસોમાં તો કદાચ માત્ર ફરિયાદની પૃષ્ઠભૂમિમાં જ આ વેબસાઇટનો ઉલ્લેખ થયો હશે. તેમ છતાં, આ આંકડાઓ દર્શાવે છે કે ગંભીર ગુનાઓના આરોપો સાથે જોડાયેલા પોલીસ રેકોર્ડમાં આ પ્લેટફોર્મનું નામ વારંવાર સામે આવ્યું છે.

બીબીસીએ યુકેની અન્ય કોઈપણ સ્વિંગિંગ વેબસાઇટ વિશે માહિતી માગી નથી.

ફેબસ્વિંગર્સનું કહેવું છે કે સંમતિ વિના થતી પ્રવૃત્તિઓ અંગેની કોઈ પણ ફરિયાદ તેમના માટે ઉચ્ચ પ્રાથમિકતાવાળો મુદ્દો છે અને જ્યારે પણ આવી માહિતી તેમની જાણમાં આવે ત્યારે તેઓ જરૂરી પગલાં લે છે તથા પોલીસ માગે ત્યારે સંપૂર્ણ સહકાર પણ આપે છે.

રૂથ આ પ્રતિભાવથી આશ્ચર્યચકિત છે.

તેમનું કહેવું છે કે તેમણે ફેબસ્વિંગર્સને તે વેબસાઇટ પર મળેલા કેટલાક પુરુષો દ્વારા કરવામાં આવેલા પ્રતિબંધિત વર્તનની જાણ કરી હતી.

તેમાં તેમની સાથે કરવામાં આવેલી હિંસા અથવા બળાત્કારની ધમકીઓ જેવા ગંભીર બનાવો પણ સામેલ હતા, છતાં તેની ફરિયાદો પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

મહિલાઓ પર પાર્ટનરની અદલા-બદલીનું દબાણ કેવી રીતે કરવામાં આવે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સેક્સ
ઇમેજ કૅપ્શન, સૉલિસિટર રશેલ હૉર્મન-બ્રાઉનનું માનવું છે કે દુર્વ્યવહાર કરતા હોય તેવા જીવનસાથીઓ સ્વિંગિંગનો ગેરલાભ લઈ શકે છે

ઘરેલુ દુર્વ્યવહારમાં નિષ્ણાત સૉલિસિટર અને માનદ કેસી, રશેલ હૉર્મન-બ્રાઉન જણાવે છે કે રૂથનો અનુભવ તેમને જરાય આઘાત આપતો નથી.

તેમણે કહ્યું, "વર્ષો દરમિયાન મેં અસંખ્ય વખત મહિલાઓને એવી ફરિયાદો કરતાં સાંભળી છે કે તેમને સ્વિંગિંગમાં ભાગ લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું."

હૉર્મન-બ્રાઉનનું માનવું છે કે દુર્વયવહાર કરતા જીવનસાથી સ્વિંગિંગનો ગેરલાભ લઈ શકે છે.

કારણ કે એકવાર તેમાં સામેલ થઈ ગયા પછી મનમાં ઊંડી શરમની લાગણી જન્મી શકે છે. તેના લીધે મહિલાઓને તેના વિશે ખુલ્લેઆમ બોલવું મુશ્કેલ થઈ જાય છે.

સ્વિંગિંગમાં ઘણી વખત સ્પષ્ટ જાતીય તસવીરો અને વીડિયો પણ બનાવવામાં આવે છે.

આવી સામગ્રી વ્યક્તિને અત્યંત નાજુક સ્થિતિમાં મૂકી શકે છે. હૉર્મન-બ્રાઉન તેને સંબંધોમાં સંભવિત "હથિયાર" તરીકે વર્ણવે છે.

બચી ગયેલા લોકોને સહાય આપતી સંસ્થાઓ પણ કહે છે કે તેમણે સાંભળેલા અનુભવોમાં આવા જ પ્રકારની પેટર્ન જોવા મળે છે.

ઘરેલુ હિંસા સામે કામ કરતી ચેરિટી સંસ્થા Refugeમાં, રાષ્ટ્રીય ઘરેલુ હિંસા સાથે જોડાયેલી નૅશનલ હેલ્પલાઇનનું સંચાલન કરતાં શાર્લોટ ઇસ્ટોપ જણાવે છે કે તેમના પર ઘણી એવી મહિલાઓના ફોન આવે છે, જેઓ જણાવે છે કે તેમને સ્વિંગિંગમાં ભાગ લેવા માટે દબાણ કરાયું હતું.

તેમણે જણાવ્યું કે, મહિલાઓને તો એ પણ ખબર નથી હોતી કે તેમની સાથે જે થઈ રહ્યું છે તે દુર્વ્યવહાર છે કે નહીં. અને તેમને એ પણ નથી સમજાતું હોતું કે આ વાત કઈ રીતે સમજાવવી. "આશા છે કે રૂથના બોલવાની બીજા ઉપર પણ અસર થશે."

એક દિવસ રૂથ એક ડાયસ્ટોપિયન ટેલિવિઝન શ્રેણી Black Mirrorનો એક એપિસોડ જોઈ રહી હતી. તેમાં જાતીય અપમાન અને બેઇજ્જતી દર્શાવવામાં આવ્યાં હતાં. એ વખતે અચાનક તેના મનમાં કંઈક સ્પષ્ટ થયું. ક્રિસને તે એપિસોડ ખૂબ રમૂજી લાગ્યો હતો, અને "મને લાગ્યું, એ મારા વિશે પણ આવું જ વિચારે છે."

ફેબસ્વિંગર્સ પર દોઢ વર્ષથી વધુ સમય વિતાવ્યા પછી રૂથે પોતાના પતિને કહી દીધું કે હવે તે આ વેબસાઇટ છોડી રહી છે. પરંતુ તેમના કહ્યા મુજબ, ત્યાર પછી પણ ક્રિસ વારંવાર તેમને ફરીથી અન્ય પુરુષોને મળવા કે અન્ય પ્રકારની જાતીય વ્યવસ્થાઓ અજમાવવા માટે કહેતો રહ્યો.

બહારથી મળેલા સહયોગ અને માર્ગદર્શનની મદદથી રૂથે પોતાના પતિને છોડવાની યોજના બનાવી. તેમણે પોતાના દસ્તાવેજો, કપડાં અને થોડા પૈસા ઘરની બહાર ખસેડ્યા. રહેવા માટે એક સલામત સ્થળની પણ વ્યવસ્થા કરી.

આખરે 2023માં તેઓ ઘર છોડીને ચાલ્યાં ગયાં. અને ત્યારથી તેઓ ન તો તેને મળ્યાં છે, ન તો વાત કરી છે.

પરંતુ રૂથ કહે છે કે તેઓ હજુ પણ તેની ઊંડી અસરમાં છે, અને પુરુષોની આસપાસ ખૂબ ગભરામણ અનુભવે છે. નહાતી વખતે પણ તેમને ફેબસ્વિંગર્સ પરની મુલાકાતો માટે તૈયાર થતી વખતના અનુભવો યાદ આવી જાય છે.

તેઓ પોતાની વાત બધાને કેમ કહી રહ્યાં છે?

રૂથ કહે છે કે જો મારી વાતથી માત્ર એક મહિલા પણ પોતાની અંદર ઝાંખી કરે અને તેને ખ્યાલ આવે કે તે એવી વસ્તુઓ કરી રહી છે જે તે કરવા માંગતી નથી, તો એટલું પણ પૂરતું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન