બ્રિજભૂષણ શરણસિંહના પુત્રને ટિકિટ મળવા અંગે પહેલવાન સાક્ષી મલિકે શું કહ્યું? -ઇલેક્શન અપડેટ

પ્રકાશિત

ઓલિમ્પિક વિજેતા મહિલા પહેલવાન સાક્ષી મલિકે બ્રિજભૂષણ શરણસિંહના પુત્રને ટિકિટ આપવા અંગે પ્રતિક્રિયા આપી છે.

સાક્ષી મલિકે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે, “દેશની દીકરીઓ હારી ગઈ, બ્રિજભૂષણ જીતી ગયો.”

તેમણે કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડ તો દૂરની વાત છે પણ તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે આજે તેમના પુત્રને ટિકિટ આપીને દેશની કરોડો દીકરીઓના મનોબળને તોડ્યું છે.

સાક્ષી મલિકે તેમની પોસ્ટમાં હાલની સરકાર પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું છે કે, “ટિકિટ જશે તો પણ એક જ પરિવારમાં જશે, શું દેશની સરકાર એક માણસ સામે આટલી નબળી છે?”

મહિલા પહેલવાન સંગીતા ફોગાટે પણ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું છે કે, “મૌન છું. માત્ર આ સમાચારને જોઈ રહી છું.”

સાક્ષી મલિક છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી પોતાના સાથી પહેલવાનો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સાથે આરોપી બ્રિજભૂષણ શરણસિંહ સામે યૌનશોષણના મામલામાં સંઘર્ષ કરી રહ્યાં છે.

ભાજપે આ વખતે બ્રિજભૂષણ શરણસિંહની ટિકિટ તો કાપી છે પરંતુ ઉમેદવાર તેમના જ પુત્ર કરણસિંહને બનાવ્યા છે.

વિપક્ષી દળો પણ આ મુદ્દે ભાજપની ટીકા કરી રહ્યા છે.

ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરતી વખતે નરેન્દ્ર મોદી ક્ષત્રિય સમાજ વિશે શું બોલ્યા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીપ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ ચાર જગ્યાએ સભાઓ સંબોધવાના છે. જામનગરમાં સભા સંબોધતી વખતે વડા પ્રધાને ક્ષત્રિય સમાજ વિશે પણ વાત કરી હતી.

તેમણે ભૂચર મોરીના યુદ્ધની વાત ટાંકીને કહ્યું હતું કે, “એકવાર ક્ષત્રિય સમાજના લોકો મને નિમંત્રણ આપવા માટે આવ્યા હતા અને મને કહ્યું હતું કે અમને ખબર છે તમે અમારા ભૂચર મોરીના કાર્યક્રમમાં નહીં આવો. ગુજરાતમાં એવી માન્યતા હતી કે જે ભૂચર મોરીના કાર્યક્રમમાં જાય તેનું મુખ્ય મંત્રીપદ જતું રહે છે. એટલે કોઈ મુખ્ય મંત્રી ત્યાં જતા ન હતા.”

વડા પ્રધાને કહ્યું કે, “મેં તેમને કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે મારા મુખ્ય મંત્રીપદની કોઈ કિંમત નથી. હું તેમના કાર્યક્રમમાં ગયો હતો.”

વડા પ્રધાનનું આ નિવેદન એટલા માટે સૂચક ગણાય છે કારણ કે ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાનો સંકલ્પ લઈ ચૂક્યો છે.

આ સિવાય પણ વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસ પર તમામ રેલીઓમાં આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જામનગરની સભામાં કહ્યું હતું કે, “હું દ્વારકાના દરિયામાં પૂજા કરવા માટે ગયો ત્યારે કૉંગ્રેસે મારી મજાક ઉડાવી હતી.”

બ્રિજભૂષણ શરણસિંહની ટિકિટ કાપીને ભાજપે તેમના પુત્રને આપી, રાયબરેલીથી કોને ટિકિટ મળી?

ઉત્તર પ્રદેશની કૈસરગંજ લોકસભા બેઠક પરથી ભાજપે તેના હાલના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહને ટિકિટ આપી નથી.

સમાચાર એજન્સી એએનઆઈએ તેની પુષ્ટિ કરી છે.

અહીં ઉલ્લેખનીય છે ભાજપના સાંસદ એવા બ્રિજભૂષણ શરણસિંહ પર મહિલા પહેલવાનોએ જાતીય સતામણીના આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ સતત એ વાતની ચર્ચા હતી કે તેમને ટિકિટ મળશે કે નહીં. ભાજપે તેમને ટિકિટ તો નથી આપી પરંતુ તેમના પુત્ર કરણ ભૂષણસિંહને ટિકિટ આપી છે.

ભાજપે આ સાથે રાયબરેલીથી પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. રાયબરેલીથી ભાજપે દિનેશ પ્રતાપસિંહને તેના ઉમેદવાર બનાવ્યા છે.

બ્રિજભૂષણ શરણસિંહ 2009થી કૈસરગંજ લોકસભાથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે. 2019માં તેમને 2.61 લાખ મતોથી વિજય મળ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં ભાજપ 75 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે જેમાંથી આ બે બેઠકો પર જ ઉમેદવારોના નામની જાહેરાત બાકી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અનામતના મુદ્દે શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અનામતના મુદ્દે સામસામે નિવેદનો કર્યાં છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, "નરેન્દ્ર મોદીના 'અનામત હટાઓ અભિયાન'નો મંત્ર છે 'ન રહેગા બાંસ, ન બજેગા બાંસુરી' મતલબ કે ન સરકારી નોકરી રહેશે, ન આરક્ષણ."

"ભાજપ સરકારનાં ખાનગીકરણના પગલાંને કારણે સરકારી નોકરી ખતમ કરીને દલિત, આદિવાસી અને પછાત લોકો પાસેથી અનામત છીનવી રહી છે. પબ્લિક સેક્ટરમાં 2013 સુધી 14 લાખ કાયમી પદો હતાં. જોકે, 2023માં હવે માત્ર 8.4 લાખ કાયમી પદો રહ્યાં છે."

"બીએસએનએલ, એસએઆઈએલ, બીએચઈએલ જેવી ટૉપ પીએસયુને બરબાદ કરીને લગભગ છ લાખ પાક્કી નોકરીઓને ખતમ કરી દીધી. આ જ નોકરીઓમાં અનામતનો લાભ મળતો હતો."

રાહુલ ગાંધીએ કહ્યું, "સરકારી કામોના કૉન્ટ્રૅક્ટ આપીને રેલવે જેવી સંસ્થામાં પાછલા દરવાજેથી નોકરીઓ ખતમ કરવામાં આવી રહી છે, તેની કોઈ ગણતરી જ નથી. મોદી મૉડલ દેશના સંસધનોની લૂંટ છે, જેના થકી વંચિતોની અનામત છીનવવામાં આવી રહી છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભાને સંબોધતા કહ્યું, "હું કૉંગ્રેસ પાર્ટીને ચૅલેન્જ આપુ છું કે જો તેમની પાસે હિંમત હોય તો ઘોષણા કરો કે તમે ધર્મના આધારે કોઈને અનામત નહીં આપે. કૉંગ્રેસ આ ધોષણા નહીં કે, કારણ કે દાળમાં કંઈક કાળું છે."

મોદીએ ઉમેર્યું, "આ મોદીની ગૅરન્ટી છે. ભાજપ જ્યાં સુધી સત્તામાં છે ત્યા સુધી એસસી, એસટી, ઓબીસી અને સામાન્ય વર્ગને જે અનામત આપવામા આવ્યું છે તેની પૂરી રક્ષા કરવામા આવશે."

સૌરાષ્ટ્રમાં મોદીની રેલી પહેલાં 15 રાજવીઓએ તેમને સમર્થન જાહેર કર્યું

ગુજરાતમાં હવે લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી છે. જોકે, રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનના મુદ્દે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત્ છે, તો બીજી તરફ 15થી વધુ રાજવી પરિવારોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

સૌરાષ્ટ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ ચૂંટણી સભાને સંબોધશે. જોકે, મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસ પહેલાં જ સૌરાષ્ટ્રના રાજવી પરિવારોએ રાજકોટમાં પ્રેસ વાર્તા યોજીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સમર્થન જાહેર કર્યું હતું. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દીર્ઘદૃષ્ટા ગણાવ્યા હતા.

પ્રેસ વાર્તામાં રાજકોટના રાજવી માંધાતા સિંહે કહ્યું, "આપણે બધા સાથે મળીને 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે 400 પ્લસ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતીની સરકારનું સુકાન નરેન્દ્ર મોદીને સોંપીએ."

તેમણે કહ્યું,"ક્ષત્રિય સમાજ માટે મારો જે સ્નેહ, સંવેદના અને પીડા છે, પરંતુ આપણે રાષ્ટ્રહિત માટે આપણે નાના વિવાદોને નજરઅંદાજ કરવા જોઈએ. ક્ષત્રિય સમાજના પૂર્વજોએ બલિદાન આપ્યા છે તે રાષ્ટ્રને સર્વોપરિ ગણીને આપણે કોઈપણ વાદ-વિવાદમાં ન પડીએ અને વિચારભેદથી ઉપર ઊઠીને રાષ્ટ્ર પ્રથમની ભાવના રાખવી જોઈએ."

કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ પ્રજ્વલ રેવન્નાનો પાસપોર્ટ રદ કરવાની માગ સાથે વડા પ્રધાન મોદીને લખ્યો પત્ર

કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ કથિત જાતીય સતામણી મામલે જેડીએસ નેતા અને હાસનથી સંસદ સભ્ય પ્રજ્વલ રેવન્નાની ભારત વાપસી સુનિશ્ચિત કરવા માટે તેમનો પાસપોર્ટ રદ કરવાની માગ કરી છે.

પ્રજ્વલ રેવન્ના પર જાતીય સતામણી, સેંકડો સેક્સ વીડિયો રેકૉર્ડ કરવાના અને ધમકીઓ આપવાના આરોપ છે. કેટલાક વીડિયો વાયરલ થયા પછી પ્રજ્વલ રેવન્ના જર્મની જતા રહ્યા તેવી વાત સામે આવી છે.

આ પહેલાં ગૃહ મંત્રી અમિત શાહ અને અન્ય ભાજપ નેતાઓએ કર્ણાટકની સરકાર પર આ મામલે તપાસ મોડી શરૂ કરવા પર સવાલો કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કેટલીક મહિલાઓ સાથે કથિત જાતીય સતામણીના મામલા સામે આવ્યા ત્યારે રાજ્ય સરકારે તરત જ તપાસ માટે એસઆઈટીનું ગઠન કર્યું છે.

મુખ્ય મંત્રીએ પોતાના પત્રમાં જણાવ્યું કે પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ 28 એપ્રિલે એફઆઈઆર નોંધી હતી.

જોકે, પ્રજ્વલ રેવન્નાએ પોતાના વકીલો થકી એસઆઈટીને એક પત્ર લખ્યો હતો કે તેઓ હાલમાં બેંગ્લુરૂમાં નથી.

રેવન્નાએ એસઆઈટીની સામે હાજર થવા માટે વધારે સાત દિવસનો સમય માગ્યો હતો. એસઆઈટીએ 30 એપ્રિલના દિવસે નોટિસ જાહેર કરીને 24 કલાકની અંદર પ્રજ્વલ રેવન્નાને હાજર રહેવા માટે તાકીદ કરી હતી.

સિદ્ધારમૈયાએ વડા પ્રધાન, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને પ્રજ્વલ રેવન્નાનો પાસપોર્ટ રદ કરવા માટે તરત જ પગલા લેવાની માંગણી કરી છે.

કર્ણાટકના મુખ્ય મંત્રીએ વડા પ્રધાન સમક્ષ માંગણી કરી છે કે ભારત સરકારની રાજદ્વારી ચેનલો અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ લઈને ભાગેડુ સંસદસભ્ય પ્રજ્વલ રેવન્નાને પકડીને દેશમાં લઈ આવવામાં આવે. ત્યાર પછી તેમની (પ્રજ્વલ રેવન્ના) વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ શકે.

સિદ્ધારમૈયાએ પોતાના પત્રમાં લખ્યું, "હાસનથી સંસદસભ્ય અને એનડીએના લોકસભા ઉમેદવાર પર લાગેલા આરોપ ખૂબ જ ભયાનક અને શર્મજનક છે. આ આરોપોએ દેશની ચેતનાને ડગમગાવી નાખી છે."

"પોલીસ કેસ અને ધરપકડના ડરથી એનડીએના ઉમેદવાર અને સંસદસભ્ય પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને ભાગી ગયા છે. તેઓ 27 એપ્રિલે વિદેશ ભાગી ગયા હતા."

"અહેવાલો પરથી જાણકારી મળી છે કે તેઓ ડિપ્લોમેટિક પાસપોર્ટ પર પ્રવાસ કરી રહ્યા છે."

આ મામલે તપાસ માટે ગઠન કરવામાં આવેલી એસઆઈટીને મોકલાવેલી ચિઠ્ઠીમાં પ્રજ્વલ રેવન્નાએ કહ્યું, "મારા કલાઇન્ટ પ્રજ્વલ રેવન્ના બેંગ્લુરૂની બહાર પ્રવાસ પર છે અને તેમને નોટિસની જાણકારી આપવામાં આવી છે. મારા કલાઇન્ટને બેંગ્લુરૂ પાછા ફરવા માટે અને તમારી સમક્ષ હાજર થવા માટે સાત દિવસનો સમય માંગીએ છીએ."

પ્રજ્વલ રેવન્નાના પિતા એચડી રેવન્નાએ પત્રકારોને કહ્યું કે તે એસઆઈટી સમક્ષ હાજર થશે અને તપાસમાં સહયોગ આપશે. જોકે, એ વાત સાફ નથી કે પ્રજ્વલ રેવન્ના એસઆઈટી સમક્ષ ક્યારે હાજર થશે. રેવન્ના પરિવારની ઘરે રસોઈ બનાવતી એક મહિલાએ એચડી રેવન્ના ઉપર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે પ્રજ્વલ રેવન્નાએ પણ તેમની જાતીય સતામણી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગહલોતે કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા વિશે શું કહ્યું?

રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતે દાવો કર્યો છે કે વડા પ્રધાન મોદીની ટીકાને કારણે કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો વધારે લોકપ્રિય થઈ ગયો છે.

સમાચાર એજન્સીને એએનઆઈ સાથેની વાતચીતમાં તેમણે કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકાનો જવાબ આપ્યો હતો.

અશોક ગેહલોતે કહ્યું, "જનતાનો મિજાજ બદલાઈ ગયો છે. જનતા જ્યારે સત્યની સાથે હોય ત્યારે તે જ પોતાના મુદ્દાઓ લઈને આગળ વધે છે. કૉંગ્રેસના જે મુદ્દાઓ છે તે જ લોકોના મુદ્દાઓ પણ છે."

"મોંઘવારીનો મુદ્દો કૉંગ્રેસ અને લોકો બંનેનો છે. બેરોજગારીનો મુદ્દો જનતાનો પણ છે અને કૉંગ્રેસનો પણ. ગરીબો અને અમીરો વચ્ચે વધતા અંતરનો મુદ્દો પણ છે. રાહુલ ગાંધીએ જે વાત કરી છે કે આપણે હળીમળીને રહેવું જોઈએ તે પણ લોકોનો મુદ્દો છે."

તેમણે ઉમેર્યું, "ચૂંટણીઢંઢેરાની આલોચના જ્યારે વડા પ્રધાન મોદી દ્વારા થવા લાગી તેને કારણે કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો વધારે લોકપ્રિય થઈ ગયો. લાખો લોકો કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરાને ડાઉનલોડ કરી રહ્યા છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત પોતાની ચૂંટણી સભાઓમાં કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા પર નિશાન સાધી રહ્યા છે.

વડા પ્રધાને હાલમાં જ કહ્યું હતું, "કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં કહ્યું છે કે તેઓ માતા-બહેનોનાં સોનાનો હિસાબ કરશે, તેના વિશે જાણકારી લેશે અને પછી વહેંચણી કરશે. સોનું તેમને વહેંચશે જેને મનમોહનસિંહની સરકારે કહ્યું હતું કે સંસાધનો પર પહેલો હક્ક મુસ્લિમોનો છે."

કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી હતી અને કહ્યું કે મનમોહનસિંહના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.