You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી, ચોમાસું વહેલું બેસે તેવાં એંધાણ
ગુજરાતમાં આજકાલ બફારા સાથે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જોકે, કેટલાક જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડવાને કારણે ત્યાંના લોકોને ગરમીથી આંશિક રાહત જરૂર મળી રહી છે.
તાજેતરમાં ભારતમાં ગત 4 જૂને ચોમાસાની શરૂઆત થયાનું નોંધાયું હતું, જે બાદથી ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે.
નોંધનીય છે કે ચોમાસું ગુજરાતનાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી તો પહોંચી ચૂક્યું છે, તો આવા કિસ્સામાં વાવણી અને વાતાવરણમાં ઠંકડ પ્રસરે એ માટે લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી અંગે ચોમાસાની આગેકૂચ અંગે વાત કરી છે.
આગામી દિવસોમાં ગુજરાતમાં ક્યાં પડી શકે વરસાદ?
8 જૂનના રોજ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
9 જૂનના રોજ પણ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
10 જૂનના રોજ પણ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
દક્ષિણપશ્ચિમ ચોમાસું આગામી બે-ત્રણ દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના વધુ ભાગો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમમધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં આગળ વધે તે માટેની સાનુકૂળ પરિસ્થિતિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના વધુ કેટલાક ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, તેલંગણા અને આંધ્ર પ્રદેશના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વધુ ભાગો, ઉત્તરપૂર્વ ભારતના કેટલાક વધુ ભાગો અને લઘુ હિમાલયના કેટલાક વધુ ભાગો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં એ પછીના ચાર-પાંચ દિવસ ચોમાસું આગળ વધવાની અનુકૂળ પરિસ્થિતિ છે.
ગુજરાતમાં ચોમાસું વહેલું પહોંચી જશે?
હાલ, અરબી સમુદ્રની અંદર ચોમાસું સક્રિય છે. ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. આવનારા દિવસોમાં ચોમાસું આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કર્ણાટકના વધુ ભાગો સુધી ચોમાસું પહોંચી જશે.
હાલ ચોમાસાએ ગોવાના તમામ વિસ્તારો કવર કરી લીધા છે, તેમજ પૂર્વોત્તરની બ્રાન્ચ પૂર્વોત્તરનાં રાજ્યો સુધી પહોંચી ચૂકી છે, એટલે કે બંગાળની ખાડીની બ્રાન્ચ પણ આગળ વધી રહી છે.
પરંતુ આંતરરાષ્ટ્રીય મૉડલોમાં ગુજરાતમાં 17-18 જૂન પહેલાં વધુ વરસાદ પડવાની શક્યતા નથી દર્શાવાઈ. 20-22 તારીખ પહેલાં આપણે ત્યાં વધુ વરસાદ થાય અને વાવણી થઈ જાય તેવી શક્યતા આ મૉડલો દર્શાવતાં નથી.
હવામાન વિભાગનાં મૉડલો એવી શક્યતા દર્શાવી રહ્યાં છે કે ગુજરાતની આસપાસ 12-13-14 તારીખની આસપાસ એક સિસ્ટમ બનશે, સિસ્ટમ આગળ વધશે અને 18-19 તારીખની આસપાસ ગુજરાતના બધા વિસ્તારોમાં વધારે વરસાદ થઈ જશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને આપણે ત્યાં ચોમાસું પહોંચી જશે.
હાલ, બે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ આવનારા દિવસોમાં ખરેખર શું થશે, ખરેખર ચોમાસું વહેલું આવશે કે નહીં, એ જોવાનું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન