માનવ સુથાર : પહેલી ટેસ્ટમાં જેમને 'રવીન્દ્ર જાડેજાનું રિપ્લૅસમેન્ટ' ગણવામાં આવે છે તે ખેલાડી કોણ છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી ટેસ્ટ મૅચના બીજા દિવસે માનવ સુથાર ખાસ ચર્ચામાં રહ્યા હતા.

23 વર્ષીય ડાબોડી સ્પિનર માનવ સુથારે તેમની ડેબ્યૂ મૅચમાં પહેલી જ ઓવરમાં વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે.

છેલ્લાં 25 વર્ષમાં આ પહેલી વાર થયું છે કે કોઈ ભારતીય ખેલાડીએ પોતાની પહેલી જ ટેસ્ટ મૅચની પહેલી ઓવરમાં વિકેટ લીધી હોય.

તેમણે ઓવરના ચોથા બૉલે જ ઓપનર અબ્દુલ મલિકને આઉટ કર્યા હતા.

આ સિવાય તેમણે કુલ 22 ઓવર ફેંકી હતી અને 33 રન આપીને છ વિકેટ ઝડપી હતી.

તેમણે પહેલી ઇનિંગમાં બેટિંગ વખતે પણ 28 રન નોંધાવ્યા હતા.

માનવ સુથારની પ્રશંસા

રાજસ્થાનના 23 વર્ષીય આ ખેલાડીએ પહેલી મૅચમાં તેમના પ્રદર્શનથી પ્રશંસા મેળવી છે.

તેઓ ડાબોડી સ્પિનર અને ઑલરાઉન્ડર હોવાથી સોશિયલ મીડિયા પર ચાહકો તેમને ઘણી વાર 'રાજસ્થાનના જાડેજા' તરીકે ઓળખાવતા હોય છે.

સાથી ખેલાડી વૉશિંગટન સુંદરે કહ્યું હતું કે, "માનવ સુથારને બૉલિંગ કરતાં જોવા એ ખરેખર એક ટ્રીટ જેવું છે. તેમણે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. તેમની સાથે જેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બૉલિંગ કરી છે, તેઓ જાણે છે કે તેઓ શું કરે છે અને તેમની સ્કિલ્સ કેવી છે. તેમને અભિનંદન."

"તેઓ રેડ બૉલ ફૉર્મેટમાં ઘણું રમ્યા છે અને સારું પ્રદર્શન કર્યું છે. તેઓ તેમના શરીરનો બૉલિંગ દરમિયાન ભરપૂર ઉપયોગ કરે છે. બૉલ ફેંકવામાં તમામ શક્તિનો ઉપયોગ કરી નાખે છે. અમે સાથે ઘણું ક્રિકેટ રમ્યું છે. હું જાણું છું કે કુલદીપ અને માનવ કેવી રીતે બૉલિંગ કરે છે. અમે એકબીજાની સ્કિલ્સનાં વખાણ કરીએ છીએ અને શીખીએ છીએ."

ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, "માનવ સુથારે તેમની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની સુંદર શરૂઆત કરી છે. માત્ર બૉલિંગ જ નહીં, પરંતુ તેમણે બેટિંગમાં પણ આત્મવિશ્વાસ દેખાડ્યો છે. તેઓ ક્રીઝ પર સ્વસ્થ દેખાતા હતા અને ફૂટવર્કનો સારો ઉપયોગ કરી રહ્યા હતા."

ગાવસ્કરે કહ્યું હતું કે, "તેમની બૉલિંગમાં ચોક્સાઈ દેખાઈ રહી હતી અને તેઓ સતત બૅટ્સમૅનો પર દબાણ ઊભું કરી રહ્યા હતા. પીચ પરથી થોડી મદદ મળી રહી હતી અને તેનો તેમણે સારી રીતે ઉપયોગ કર્યો, પરંતુ કોઈ સ્પિનર માટે અસલી પરીક્ષા ત્યારે જ આવે છે કે જ્યારે ફ્લેટ પીચ હોય."

જોકે, ગાવસ્કરે એમ પણ કહ્યું હતું કે જે રીતે તેમણે શરૂઆત કરી છે એ જોતાં તેઓ ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટના મજબૂત દાવેદાર છે.

અનેક લોકો માનવ સુથારને રવીન્દ્ર જાડેજા સાથે સરખાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક ક્રિકેટ ફેન અચ્યુત મિશ્રાએ લખ્યું હતું કે, માનવ સુથારે તેની ડેબ્યૂ ઇનિંગમાં છ વિકેટ ઝડપી. શું હવે રવીન્દ્ર જાડેજાની જગ્યા લઈ લેશે?

અન્ય એક ક્રિકેટ ચાહક સિલિ મિડ-ઑને લખ્યું હતું કે, "પહેલી મૅચ, પહેલી ઓવર અને વિકેટ. શું ડ્રીમ શરૂઆત છે... રવીન્દ્ર જાડેજાના તેઓ પરફેક્ટ રિપ્લેસમેન્ટ બની શકે છે."

માનવના કોચ ધીરજે પણ એક વખત કહ્યું હતું કે, "લોકો તેને 'રાજસ્થાનનો જાડેજા' કહે છે. તેની પાસે અદ્ભુત ક્ષમતા છે અને પોટેન્શિયલ પણ છે. તે રેડ બૉલ ક્રિકેટ પર ફોકસ કરવા માગે છે. "

'ટેસ્ટ ક્રિકેટમાં રમવું એ મારું સૌથી મોટું સ્વપ્ન હતું'

ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળતાં માનવ સુથારે ટેસ્ટ કૅપ સાથેની તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કરી હતી અને સંદેશ લખ્યો હતો.

તેમણે લખ્યું હતું કે, "મેં જ્યારે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, ત્યારે મારું સૌથી મોટું સ્વપ્ન ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનું હતું. આજે એ સ્વપ્ન સાકાર થયું છે."

"મારી ટેસ્ટ કૅપ મેળવીને મને જે લાગણી થઈ રહી છે તેને હું શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. આ ક્ષણ માત્ર મારી નથી, મારા પરિવારની પણ છે જેમણે મને પહેલા દિવસથી સહયોગ આપ્યો, મારા કોચ કે જેમણે મારા પર ભરોસો મૂક્યો. સૌ આ યાત્રામાં સાથે રહ્યા છે. મારા પરિવારાનું સ્વપ્ન પણ આજે પૂરું થયું છે."

23 વર્ષીય માનવ સુથાર રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાંથી આવે છે.

તેમણે લિસ્ટ-એ ક્રિકેટમાં જુલાઈ, 2023 તથા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફેબ્રુઆરી, 2022માં ડેબ્યૂ કર્યું હતું.

ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 29 મૅચમાં 129 વિકેટ લીધી છે. જેમાં તેમણે છ વખત પાંચ વિકેટ અને ત્રણ વખત 10 વિકેટ ઝડપી છે.

તેણે 25 લિસ્ટ-એ મેચમાં 34 વિકેટ લીધી છે અને 350 રન બનાવ્યા છે. આ સિવાય તેમણે 29 ટી-20 મૅચમાં 28 વિકેટ પણ લીધી છે.

આઇપીએલમાં તેઓ ગુજરાત ટાઇટન્સની ટીમ તરફથી રમે છે.

અફઘાનિસ્તાનના રહમતશાહ પણ ચર્ચામાં

ભારતે અફઘાનિસ્તાન સામે પહેલી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં આઠ વિકેટે 564 રન નોંધાવ્યા છે.

તેના જવાબમાં ત્રીજા દિવસે સવારે અફઘાનિસ્તાનની ટીમ 152 રનમાં ઑલઆઉટ થઈ હતી.

એક છેડો સાચવીને અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ રન રહમતશાહે બનાવ્યા હતા.

તેમણે 135 બૉલમાં 60 રન બનાવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન