You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના હવામાનમાં ફરી થશે ફેરફાર, પવનની દિશા બદલશે આ વિસ્તારોમાં ઘટશે ઠંડી
ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે અને નલિયામાં આ વર્ષનું સૌથી ઓછું તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી દિવસોમાં હવે રાજ્યના હવામાનમાં ફરીથી ફેરફાર થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારત પર એક નવી સિસ્ટમ આવશે અને તેના કારણે ભારતનાં ત્રણેય પાડોશી રાજ્યોમાં વરસાદ પડશે. આ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ થશે અને હવામાન બદલાશે.
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે અને મોટા ભાગના વિસ્તારોમાં હાલ ઉત્તર ભારત અને પાકિસ્તાન પરથી ઠંડા પવનો આવી રહ્યા છે.
સામાન્ય રીતે રાજ્યમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વધારે ઠંડી પડતી હોય છે અને ફેબ્રુઆરી મહિનાના ઉતરાર્ધમાં ગરમીની શરૂઆત થતી હોય છે.
ભારત પર આવી રહેલી સિસ્ટમને કારણે રાજ્યમાં ફરીથી હવામાન બદલાશે અને તેની અસર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં થવાની શક્યતા છે.
ગુજરાતમાં 24 કલાકમાં બદલાશે હવામાન?
હવામાન વિભાગે 8 જાન્યુઆરીના રોજ આગાહી કરતાં કહ્યું છે કે રાજ્યમાં 24 કલાક સુધી હાલની જે સ્થિતિ છે તે પ્રમાણે જ ઠંડી પડતી રહેશે અને તે બાદ તેમાં ફેરફાર થવાની શક્યતા છે.
10 જાન્યુઆરીથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવશે અને તેના કારણે રાજસ્થાન પર એક સિસ્ટમ બનશે. જેથી આ સિસ્ટમને કારણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદ પડશે.
આ સિસ્ટમ આવતાં પહેલાં જ ગુજરાતમાં ઠંડીનું જોર ઘટી જશે અને તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થવાની શક્યતા છે. જેમાં ન્યુનતમ અને મહતમ તાપમાન બંનેમાં વધારો થાય તેવી સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે કે રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે તેમાં ઘટાડો થશે અને કેટલાક વિસ્તારોમા લોકોને ઠંડીમાંથી રાહત મળશે. રાજ્યમાં જે બાદ ત્રણથી ચાર દિવસ સુધી તાપમાન અને ઠંડીમાં એક સરખી જ સ્થિતિ રહેશે.
10થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે, જે બાદ ફરીથી તાપમાનમાં ફેરફાર થાય તેવી શક્યતા છે.
ગુજરાતના આ વિસ્તારોમાં વધશે પવનની ગતિ
ગુજરાતમાં હાલ ઉત્તર ભારત અને પાકિસ્તાન પરથી પવનો આવી રહ્યા છે, જેમાં 9 જાન્યુઆરીથી ફેરફાર થશે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પવનની દિશામાં ફરી જશે.
એકાદ દિવસમાં રાજ્યમાં પવનોની દિશા બદલીને દક્ષિણ-પશ્ચિમ થવાની શક્યતા છે અને અરબી સમુદ્ર પરથી પવનો આવવાની શરૂઆત થશે.
રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે જેના કારણે પવનની દિશા અને ગતિમાં પણ ફેરફાર જોવા મળશે. આ પવનોમાં ભેજ હોવાનો કારણે ઠંડીમાં ઘટાડો થશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ થોડો વધારો જોવા મળે તેવી શક્યતા છે.
ભારત પર આવી રહેલી આ સિસ્ટમની અસર 10થી 12 જાન્યુઆરી સુધી રહેવાની સંભાવના છે અને તે બાદ ફરીથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવનની દિશામાં ફેરફાર થશે.
ગુજરાતમાં પણ પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવી સિસ્ટમની અસર રાજસ્થાન અને ઉત્તર ભારતમાં 10 જાન્યુઆરીથી થવાની શરૂ થશે. એટલે કે રાજસ્થાનમાં 10 તારીખથી વરસાદ પડવાની શરૂઆત થશે.
જે બાદ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ હળવા અને છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી નથી.
ગુજરાતનાં ત્રણેય પાડોશી રાજ્યમાં વરસાદની આગાહી છે એટલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવાની સંભાવના છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ વાદળો જોવા મળે તેવી સંભાવના છે, આ વાદળોને કારણે વરસાદ થવાની શક્યતા ઓછો દેખાઈ રહી છે.
જાન્યુઆરી મહિનાથી ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંખ્યા વધી જાય છે એટલે કે એક બાદ એક સિસ્ટમો આવવાની શરૂઆત થાય છે. સામાન્ય રીતે તેની અસર ઉત્તર ભારતમાં થાય છે.
જોકે, ઘણી વખત સિસ્ટમ મજબૂત હોય તો તેના કારણે ગુજરાતમાં માવઠાં પણ થાય છે. દર વર્ષે સરેરાશ ગુજરાતમાં બેથી ત્રણ વખત કમોસમી વરસાદ જોવા મળતો હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન