વડોદરામાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કેમ થયો અને કોણે કર્યો?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

વડોદરાની જાણીતી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર વાઘોડિયા તાલુકામાં એક દરગાહ નજીક હુમલો કરવામાં આવ્યો છે, જેમાં એક વિદેશી વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા થઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

દરગાહમાં પગરખાં પહેરીને ગયા હોવાનો આરોપ મૂકીને વિદ્યાર્થીઓ પર ટોળાં દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અને ગામવાસીઓ વચ્ચે કોઈ 'ગેરસમજણ' થઈ હતી.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે ગામવાસીઓએ વિદ્યાર્થીઓને પગરખાં પહેરીને દરગાહ નજીક જવાની મનાઈ કરી હતી. પરંતુ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતી સમજતા ન હતા અને તેમને સ્થાનિક રિવાજોની ખબર ન હોવાથી પગરખાં પહેરી રાખ્યાં હતાં. તેના કારણે એક ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે, થાઇલૅન્ડના એક વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા થઈ છે તથા હાથ-પગ પર પણ વાગ્યું છે. અત્યાર સુધીમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત ત્રણ આરોપી સગીર વયના છે જેમને નોટિસ અપાઈ છે. આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લેવાયા છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

થાઇલૅન્ડ, યુકે સહિતના દેશોના વિદ્યાર્થી

પીટીઆઈના અહેવાલ પ્રમાણે રવિવારે રાતે આ ઘટનાની એફઆઈઆર વાઘોડિયા પોલીસસ્ટેશને નોંધાઈ હતી. તે મુજબ પારુલ યુનિવર્સિટીમાં થાઇલૅન્ડ, સુદાન, મોઝામ્બિક અને યુકેથી ભણવા આવેલા ચાર વિદ્યાર્થીઓ પર તેમની હૉસ્ટેલ નજીક લીમડા ગામે 10 લોકોએ હુમલો કર્યો હતો.

અહેવાલ પ્રમાણે વિદ્યાર્થીઓ દરગાહ નજીક ગયા ત્યારે એક સ્થાનિક માણસે તેમને જૂતાં પહેરીને ત્યાં જવાની મનાઈ કરી હતી. પરંતુ વિદ્યાર્થીઓ ગુજરાતી સમજી શક્યા ન હતા.

ટોળાનો હુમલો થયો ત્યારે ત્રણ વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયા હતા, પરંતુ થાઇલૅન્ડના સેકન્ડ યર બીસીએના 20 વર્ષીય વિદ્યાર્થી ટોળાના હાથે પકડાઈ ગયો હતો.

આ વિદ્યાર્થી પર લાકડાના ધોકા, ક્રિકેટ બેટ અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો તેવું એફઆઈઆરમાં જણાવાયું છે. હાલમાં તેને પારુલ સેવાશ્રમ હૉસ્પિટલમાં ઇમરજન્સી વૉર્ડમાં સારવાર અપાઈ રહી છે.

પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓને પકડ્યા છે, જેમના નામ મુખ્તિયાર શેખ, રાજેશ વસાવા, રવિ વસાવા, સ્વરાજ વસાવા અને પ્રવીણ વસાવા છે. આ ઉપરાંત સગીરો પણ આ ગુનામાં સામેલ છે.

બૂટ-ચપ્પલ પહેરીને આવવાના મામલે હુમલો

પારુલ યુનિવર્સિટીની હૉસ્ટેલના હેડ રેક્ટર આશુસિંહ રાજપૂતે ફરિયાદમાં લખાવ્યું છે કે 'તેઓ તેમના રૂમ પર હાજર હતા ત્યારે જાણ થઈ કે ઇન્ફિનિટી હૉસ્ટેલ પાછળ તળાવકિનારે હૉસ્ટેલના ચાર વિદ્યાર્થીઓ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો છે જેમાં એક વિદ્યાર્થીને માથામાં ઈજા થઈ છે.'

તેમણે લખાવ્યું છે કે 'વિદ્યાર્થીઓ ધુળેટી રમ્યા હતા અને પછી એટીએમમાંથી નાણાં ઉપાડીને તળાવકિનારે દરગાહ પાસે ગયા હતા. ત્યાં બૂટ ચંપલ પહેરીને ન આવવા સૂચના અપાઈ હતી, પરંતુ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતીમાં સૂચના સમજી શક્યા ન હતા. ત્યાર બાદ તેમના પર હુમલો થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા, જેમની પાસે લાકડાના ધોકા અને ક્રિકેટ બેટ જેવાં હથિયારો હતાં. તેમણે એક વિદ્યાર્થીને માર મારીને પછાડી દીધો હતો અને માથા, બંને હાથ-પગ અને બરડાના ભાગે ફટકા માર્યા હતા.'

ડીવાય એસપી આકાશ પટેલે મીડિયાને જણાવ્યું કે "વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાના મામલે ગુનો નોંધાયો છે. ધુળેટીના સાંજના સમયે ચાર વિદેશી વિદ્યાર્થી તળાવ પાસે ગયા હતા ત્યારે તેમણે બૂટ અને ચપ્પલ પહેર્યાં હતાં. નજીકમાં દરગાહ હતી અને પગરખાં પહેરવા મામલે સ્થાનિકો સાથે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન થાઇલૅન્ડના વિદ્યાર્થીને માથામાં ઈજા થઈ હતી. પુખ્ત વયના આરોપીઓની ધરપકડ થઈ છે અને જુવેનાઈલને નોટિસ અપાઈ છે."

પારુલ યુનિવર્સિટીએ આ અંગે ફરિયાદ લખાવી છે જેમાં જણાવાયું છે કે ચાર વિદેશી વિદ્યાર્થીઓ એટીએમમાંથી પૈસા ઉપાડ્યા પછી તેમની હૉસ્ટેલની નજીક આવેલા લીમડા ગામના તળાવ તરફ ફરવા ગયા હતા. ત્યાં લાકડી, ક્રિકેટ બેટ અને પથ્થરોથી લગભગ 10 ગામવાસીના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.

ગુજરાતીમાં અપાયેલી 'ચેતવણી' સમજી ન શક્યા

એફઆઈઆરમાં જણાવાયું છે કે તળાવ તરફ જતી વખતે તેઓ એક દરગાહ પર ગયા હતા. ત્યાં હાજર એક વ્યક્તિએ તેમને ગુજરાતીમાં ચેતવણી આપી કે તેઓ શૂઝ પહેરીને ત્યાં ન જઈ શકે. પરંતુ વિદ્યાર્થીઓ તેની ભાષા સમજ્યા નહીં અને ચાલતા રહ્યા. તેથી તે વ્યક્તિએ તેના પર બૂમો પાડી અને ધક્કા માર્યા. આ જોઈને બીજા દશ લોકો આવી ગયા અને વિદ્યાર્થીઓનો પીછો કરવા લાગ્યા.

ચારેય વિદેશી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી તરફ દોડતા હતા ત્યારે ટોળાએ થાઇલૅન્ડના 20 વર્ષીય વિદ્યાર્થીને પકડી લીધો હતો અને તેને ગંભીર માર માર્યો હતો.

આ ઘટનાની જાણ થતા યુનિવર્સિટીના સુરક્ષા ગાર્ડ દોડી આવ્યા અને વિદ્યાર્થીને હૉસ્પિટલે લઈ ગયા હતા.

વાઘોડિયા પોલીસસ્ટેશનના અધિકારીના કહેવા પ્રમાણે, આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો લગાડવામાં આવી છે. તેમાં રાયટિંગ, ગેરકાયદે એકઠા થવું, જાણી જોઈને ગંભીર ઈજા પહોંચાડવી, પર્સનલ સુરક્ષા જોખમાય તેવું કૃત્ય, ક્રિમિનલ ધમકી વગેરે ગુના સામેલ કરવામાં આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.