મોરબી પુલ દુર્ઘટનાને એક મહિનો પૂરો : એ પ્રશ્નો જેના જવાબ હજી મળ્યા નથી

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

મોરબીના ઝૂલતા પુલના કાટમાળ પર એક પોલીસ અધિકારી 24 કલાક નજર રાખી રહ્યા છે, જેથી એ કાટમાળમાંથી ચોરી ન થાય કે તેનો દુરુપયોગ ન થાય. પુલના કાટમાળમાં તૂટેલા કેબલના ટુકડા, ઍલ્યુમિનિયમ ફ્લોરિંગ અને બૉલ્સ પડેલા દેખાય છે. આ બધી વસ્તુઓ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસના પુરાવા છે.

મોરબીના નાયબ પોલીસવડા પી. કે. જાડેજાના વડપણ હેઠળ તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટના બાબતે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે, જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી છે.

આ દુર્ઘટનાને એક મહિનો થઈ ગયો છે, પરંતુ કેટલાક પ્રશ્નોના હજુ જવાબ મળ્યા નથી. પોલીસે આ કેસના મુખ્ય આરોપીનું નામ નક્કી કર્યું નથી. મુખ્ય આરોપીને કે મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિની પણ પૂછપરછ કરવામાં આવી નથી. આ કેસના તપાસ અધિકારી જાડેજાએ બીબીસીને કહ્યું હતું કે, “કોઈ સિનિયર અધિકારીની આ કેસમાં પૂછપરછ બાબતે હું કશું કહી શકું તેમ નથી.”

આ કેસમાં ફરિયાદ દાખલ થયા પછી નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આરોપીઓની જામીનઅરજી ફગાવી દેવાઈ છે. બીજી તરફ પીડિતોના પરિવારો આ દુર્ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડની રાહ જોઈ રહ્યા છે.

તૂટી પડેલા બ્રિજની સારસંભાળ તથા સમારકામની જવાબદારી 2008થી ઓરેવા ગ્રૂપ સંભાળે છે. અલબત, ગુજરાત હાઈકોર્ટના 2022ની 24 નવેમ્બરના આદેશ મુજબ કંપનીએ મોટાભાગનું કામ વાટાઘાટ દ્વારા કરાવ્યું હતું. મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપ વચ્ચે થયેલા કરાર મુજબ,  સુધરાઈની સામાન્ય સભામાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે બ્રિજનું સમારકામ તથા સારસંભાળની જવાબદારી ઓરેવા ગ્રૂપની રહેશે.

મોરબીના વરિષ્ઠ પત્રકાર પ્રવીણ વ્યાસે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “કરારના પાલનની વાત હોય કે ફિટનેસ સર્ટિફિકેટની, મોરબી નગરપાલિકા તેની જવાબદારીના વહનમાં નિષ્ફળ રહી છે. તેણે કશું ગંભીરતાપૂર્વક કર્યું નથી. તેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ હતી.”

પીડિતોનાં સગાં શું કહે છે?

પોતાનાં દાદા-દાદી સાથે જર્જરિત મકાનમાં રહેતાં 15 વર્ષનાં વંદના મકવાણાએ આ દુર્ઘટનામાં પોતાના પિતા અને નાના ભાંડુને ગુમાવ્યા છે.

દસમા ધોરણમાં અભ્યાસ કરતાં વંદનાનાં માતાનું સાત વર્ષ પહેલાં જ અવસાન થયું હતું. વંદનાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે પિતા વિના તેઓ પોતે નિસહાય થઈ ગયાં છે.

આ પરિવારમાં હવે જર્જરિત મકાન, વયોવૃદ્ધ દંપતી અને વંદના જ બચ્યાં છે.

વંદનાના દાદા વશરામભાઈ મકવાણાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “આ દુર્ઘટના માટે રાજ્ય સરકાર જવાબદાર છે અને હું રાજ્ય સરકારથી નારાજ છું. રાજ્ય સરકારની પરવાનગી વિના કોઈ બ્રિજનો વહીવટ કઈ રીતે કરી શકે? આ દુર્ઘટના માટે મોરબી નગરપાલિકાના કોઈ અધિકારીને જવાબદાર શા માટે ઠેરવવામાં આવ્યા નથી?”

વશરામભાઈ માને છે કે પોલીસ તપાસ તો મુખ્ય મુદ્દાની ગંભીરતા ઓછી કરવાનો પાંગળો પ્રયાસ છે.

પાંચ વર્ષના જિયાંશે આ દુર્ઘટનામાં તેનાં માતાપિતા ગુમાવ્યાં છે અને હાલ તે તેનાં મામી સાથે રહે છે. તેના મામા મહેશ માણાવદરિયાએ બીબીસીને જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર જિયાંશની મદદ માટે દર મહિને રૂ. 3,000 આપે છે, પરંતુ બાળકના ઉછેર માટે એટલાં નાણાં પૂરતાં નથી.”

તેમણે કહ્યું હતું કે, “અમે રકમ વધારવાની માગ કરી છે, જેથી તેનો અભ્યાસ નાણાકીય મુશ્કેલી વિના આગળ વધારી શકાય અને તેનું ભવિષ્ય બહેતર બનાવી શકાય.”

અન્ય પીડિતોનાં ઘણાં સગાં આક્ષેપ કરી રહ્યાં છે કે, “પોલીસ તપાસને આડે પાટે ચડાવી રહી છે અને સરકારી અધિકારીઓ તથા ઓરેવા કંપનીને બચાવાનો પ્રયાસ કરી રહી છે.”

બીબીસી સાથે વીડિયો ઇન્ટરવ્યૂમાં એક અન્ય વ્યક્તિએ જણાવ્યું હતું કે, “ખરા આરોપીઓને પોલીસ છાવરી રહી છે અને અને તપાસ તો માત્ર એક બહાનું છે. સરકારના નાક હેઠળ આવી દુર્ઘટના બને અને પછી વળતર આપવાની વાતો કરવામાં આવે તે અયોગ્ય છે.”

તેમણે કહ્યું હતું કે, “સરકાર મારી ભત્રીજી પાછી આપે તો હું તેમને રૂ. 12 લાખ આપવા તૈયાર છું. સરકાર એ માટે તૈયાર છે?”

કેટલાક સવાલો જેના જવાબ મળ્યા નથી

મોરબી દુર્ઘટનાને એક મહિનાનો સમય પૂરો થઈ ગયો છે. 141 લોકોનાં મૃત્યુ આ દુર્ઘટનામાં થયાં હતાં અને કેટલાક લોકોને ઈજા થઈ હતી.

આ મામલામાં પુલનું સમારકામ કરતી એજન્સીના કર્મચારીઓ પર કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ દુર્ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની ઉચ્ચ સ્તરની સમિતીની રચના કરી છે.

સસ્પેન્શન બ્રિજના સમારકામ અને રખરખાવનું કામ મોરબીના ઔદ્યોગિક જૂથ ઓરેવા ગ્રૂપને સોંપવામાં આવ્યું હતું. આ સમૂહ અજંતા બ્રાન્ડની ઘડિયાળનું નિર્માણ કર્યું હતું. ઓરેવા ગ્રૂપના પ્રમુખ જયસુખ પટેલ છે.

આ મામલામાં કેટલીક નવી માહિતી સામે આવી છે અને કેટલાક સવાલોના જવાબ હજુ મળ્યા નથી.

મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપ વચ્ચેના કરારની મુદ્દત 2008માં પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બ્રિજના સમારકામ તથા સારસંભાળનું કામ શા માટે ચાલુ રાખવામાં આવ્યું હતું?

બ્રિજની જાળવણીની જવાબદારી 2008થી ઓરેવા ગ્રૂપની હતી. કૉન્ટ્રેક્ટની મુદ્દત પૂરી થઈ ગઈ હતી અને તેને રિન્યૂ કરવામાં આવ્યો ન હતો. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે 2022ની 25 ઑક્ટોબરે પુલ ફરીથી શા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો?

જયસુખ પટેલ તથા તેમના પરિવારજનોએ 2022ની 25 ઑક્ટોબરે પુલનું ઉદ્ઘાટન કર્યું હતું.

કોઈ પણ પ્રકારના કરાર વિના ઓરેવા ગ્રૂપ 2017થી 2022 સુધી પુલનું સંચાલન કઈ રીતે કરતું રહ્યું?

આ દુર્ઘટના માટે મોરબી નગરપાલિકા કસૂરવાર હોવાનું હાઈકોર્ટની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવા છતાં નગરપાલિકાને સુપરસીડ શા માટે કરવામાં આવી નથી?

મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સામે શા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી?

પોલીસે ઓરેવા ગ્રૂપના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને શોધવાનો કે તેમની પૂછપરછનો પ્રયાસ કર્યો છે ખરો?

જયસુખ પટેલ અને તેમનો પરિવાર હાલ ક્યાં છે?

આ બ્રિજ 2022ની 25 ઑક્ટોબરે જાહેર જનતા માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો, તે પહેલાં તેને ફિટનેસ સર્ટિફિકેટ સત્તાવાળાએ આપ્યું હતું?

ઓરેવા ગ્રૂપ અને નગરપાલિકા વચ્ચેના કરારના અંત પછી નવા કરાર માટે કે નવું ટેન્ડર બહાર પાડવા સંબંધે મોરબી નગરપાલિકાએ શું પગલાં લીધાં હતાં?

ઓરેવા ગ્રૂપ અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારનો આધાર શું હતો?

કોર્ટમાં શું કાર્યવાહી થઈ?

લાઈવ લૉના એક અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ ગોપાલ શંકરનારાયણને અદાલતને જણાવ્યું હતું કે, “આ કિસ્સામાં નગરપાલિકા સીધી જવાબદાર છે, પરંતુ પોલીસે બ્રિજના મેઇન્ટેનન્સનું કામ કરતા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. કંપનીના ટોચના અધિકારીઓ હજુ પણ ગુમ છે.”

જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીનો નિકાલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, “હાઈકોર્ટે આ કેસમાં સ્વતંત્ર તપાસ, નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી, બ્રિજનું સંચાલન સંભાળતી કંપનીની જવાબદારી અને પીડિતોના પરિવારજનો તથા ઘાયલ થયેલા લોકોને વળતર અપાવવા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.”

દરમિયાન, ગુજરાત હાઈકોર્ટે પોતાની સુઓમોટો પિટિશનમાં રાજ્ય સરકારને ઘેરી હતી અને આ કેસમાં કાર્યવાહી બાબતે સવાલ ઉઠાવ્યા હતા. આ કેસમાં ખાસ તપાસ ટુકડીનો અહેવાલ સુપરત કરવાની નિશ્ચિત તારીખ જણાવવા હાઈકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું હતું.

પીડિતોને બમણું એટલે કે રૂપિયા છ લાખ વળતર આપવા પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું હતું. હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, “આ દુર્ઘટના પછી મોરબી નગરપાલિકાને સુપરસીડ શા માટે કરવામાં આવી નથી?”

ફોરેન્સિક રિપોર્ટ શું કહે છે?

ફૉરેન્સિક સાઇન્સ લૅબના રિપોર્ટને ટાંકતા સરકારી વકીલ એચએસ પંચાલે સેશન કોર્ટમાં પુલ તૂટવાનું કારણ જણાવ્યું.

તેમણે કહ્યું કે ફૉરેન્સિક એક્સપર્ટ અનુસાર પુલ નવા ફ્લોરિંગનો ભાર ન સહન કરી શક્યો અને તેના કેબલ તૂટી ગયા.

પંચાલે અદાલતની બહાર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, " જોકે ફૉરેન્સિક રિપોર્ટ બંધ કવરમાં સોંપ્યો હતો પર રિમાંડની અરજીમાં લખવામાં આવ્યું હતું કે બ્રિજના કેબલને બદલવામાં નહોતા આવ્યા. માત્ર ફ્લોરિંગ જ બદલવામાં આવ્યું હતું."

"ચાર લેયરવાળી એલ્યુમિનિયમની ચાદરોથી ફ્લોર બનાવવામાં આવ્યો હતો. તેનું વજન એટલું વધુ ગયું હતું કે પુલને સહારો આપનાર કેબલ તેનો ભારત સહન ન કરી શક્યા અને પુલ તૂટી પડ્યો."

અદાલતને જણાવવામાં આવ્યું કે જે કૉન્ટ્રેક્ટરોએ રિપેયરનું કામ કર્યું હતું તેઓ આના માટે યોગ્ય નહોતા. 

સરકારી વકીલે સેશન કોર્ટને જણાવ્યું કે 30 ઑક્ટોબરના પુલ પર જવા માટે લગભગ 3,165 ટિકિટ આપવામાં આવી હતી.

જોકે બધી ટિકિટો નહોતી વેચાઈ પર કંપનીએ પુલની ક્ષમતાને લઈને કોઈ અંદાજ નહોતો લગાવ્યો.

બ્રિજનો દરેક કૅબલ ધાતુના સાત તારથી બનેલો હતો અને આવા સાત કૅબલ ઝૂલતા પૂલનો આધાર હતા.

કટાઈ ગયેલા આ કૅબલ સમારકામ દરમિયાન બદલવામાં આવ્યા ન હતા. કેટલાક નટ-બોલ્ટ્સનો આકાર યોગ્ય ન હતો અને તે કટાઈ ગયા હતા.

બ્રિજની ક્ષમતા એક સમયે 100 લોકોનો ભાર વહન કરી શકવાની હતી, પરંતુ દુર્ઘટનાના દિવસે 3,000થી વધારે ટિકિટ વેચવામાં આવી હતી.

તપાસમાં અત્યાર સુધી શું શું મળ્યું?

આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેની જાહેરાત કરી હતી.

પોલીસ પણ તપાસ કરી રહી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર શરૂઆતની ફૉરેન્સિક તપાસમાં મળ્યું કે પુલના કેબલ્સ પર કાટ લાગી ગયો હતો, ઍન્કર પિન તૂટી ગઈ હતી અને નટ-બોલ્ટ ઢીલા હતા.

પુલના સમારકામ વખતે આ વાત પર ધ્યાન ન અપાયું અને માત્ર મેટલનું નવું ફ્લોરિંગ લગાવાયું અને પુલનું વજન વધી ગયું.

તપાસ સમિતિને જાણવાનો પ્રયત્ન કરશે કે સમારકામ દરમિયાન પુલના જૂના કેબલ વાપરવામાં આવ્યા કે નવા કેબલ વપરાયા. જો કેબલ જૂના હતા તો કેટલું વજન ઉઠાવવાની ક્ષમતા હતી.પુલના ડિઝાઇનની પણ તપાસ થશે.

એ પણ તપાસ થશે કે પુલનું નિરીક્ષણ કરાયું હતું કે નહીં. પુલના નિર્માણમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તાની તપાસ કરાશે. શું ત્રીજા પક્ષના સ્ટ્રક્ચરલ એન્જિનિયરોએ પુલની તપાસ કરી હતી કે નહીં.

મ્યુનિસિપલ ચીફ ઑફિસર સંદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સાત માર્ચના થયેલા કૉન્ટ્રેક્ટમાં ઓરેવા ગ્રૂપને 15 વર્ષ માટે આ બ્રિજના મેઇન્ટેનન્સ અને રિનોવેશનનું કામ આપવામાં આવ્યું હતું. તેના આધારે બ્રિજનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. નવીનીકરણ પૂરું થયું એટલે મંજૂરીની સાથે બધા દસ્તાવેજો જમા કરાવીને આ પુલ ખોલવાનો રહેશે."

તેમણે આગળ કહ્યું, " આ પુલ પર હમેશાં 20-25 જેટલા લોકોના એક જૂથને મોકલવાનું હતું. હવે તેમણે જીર્ણોદ્ધાર માટે કોઈ સામગ્રી વપરાઈ? તેની કેટલું વજન લેવાની ક્ષમતા હતી? આ તપાસનો વિષય છે. આની માટે એક તપાસ પંચ છે."

ત્યારે રાજ્યના માનવાધિકાર પંચે હાઈકોર્ટને જણાવ્યું કે પંચના અધ્યક્ષ અને એક સભ્ય આ દુર્ઘટનાના પ્રભાવની તપાસ કરી રહ્યા છે.

પંચ જોશે કે પરિવારોને વળતર મળી રહ્યું છે કે નહીં.

આ મામલામાં સરકારે મૃતકોના પરિજનોને બે લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે અત્યાર સુધી શું કર્યું?

પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે અને એ બધા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

રાજ્ય સરકાર દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી હતી અને લગભગ તમામ પીડિતોના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે રૂપિયા 4 લાખ અને કેન્દ્ર સરકારે બે લાખના વળતરની જાહેરાત કરી હતી. મોરબીના રાજવી પરિવારે એક લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી.

આ દુર્ઘટના માટે જવાબદાર સરકારી અધિકારીઓ સામે લેવાયેલાં પગલાં બાબતે ગુજરાત હાઈકોર્ટે કરેલા સવાલનો જવાબ રાજ્ય સરકારે હજુ આપ્યો નથી.

નગરપાલિકા અને તેના ચીફ ઑફિસર સામે પગલાં લેવા માટે રાજ્ય સરકાર ખાસ તપાસ ટુકડીના અહેવાલની રાહ જોઈ રહી છે