ઈરાનના યુદ્ધજહાજની સુરક્ષા કરવી શું ભારતની જવાબદારી હતી?

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ચોથી માર્ચ, બુધવારે અમેરિકાએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું કે તેમની એક સબમરીને હિંદ મહાસાગરમાં ઈરાનના એક યુદ્ધજહાજ પર હુમલો કરીને તેને ડૂબાડી દીધું છે.

બીબીસી સિંહાલાને અપાયેલી સત્તાવાર માહિતી મુજબ આ હુમલો બુધવારે સવારે પાંચ વાગ્યે દક્ષિણ શ્રીલંકાના ગૉલ શહેર નજીક થયો હતો.

શ્રીલંકાની સરકારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 32 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા છે અને તેમની સારવાર ચાલુ છે. દરમિયાન 84 મૃતદેહ મળી આવ્યા છે અને બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.

ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચી મુજબ આ જહાજનું નામ 'દેના' હતું જેના પર લગભગ 130 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. તેમણે એમ પણ કહ્યું કે આ જહાજ ભારતીય નેવીના આમંત્રણથી આવ્યું હતું અને તેને કોઈ પણ ચેતવણી આપ્યા વગર ડૂબાડી દેવાયું હતું.

ભારતીય નેવીએ 17 ફેબ્રુઆરીએ આ યુદ્ધજહાજનું સ્વાગત પણ કર્યું હતું.

આ સમાચાર પછી એવા સવાલ ઉઠ્યા કે ઈરાનથી આટલે દૂર આવો હુમલો શા માટે કરવામાં આવ્યો?

શું આ હુમલો કાયદેસર છે?

શું તેનો અર્થ એવો થયો કે યુદ્ધ હવે ભારતની સરહદ નજીક આવી રહ્યું છે?

ભારત આ અંગે શું કરી શકે તેમ હતું?

શું ઈરાનના આ યુદ્ધ જહાજની જવાબદારી ભારતની હતી?

હુમલા વિશે આપણે શું જાણીએ છીએ?

અમેરિકાએ કહ્યું કે ઈરાની યુદ્ધજહાજને ડૂબાડવામાં તેમણે પોતાના માર્ક 48 ટૉર્પિડોનો ઉપયોગ કર્યો હતો.

ટૉર્પિડો પાણીની અંદર એક મિસાઇલની જેમ કામ કરે છે અને શત્રુની સબમરીન અથવા જહાજ પર હુમલો કરવા માટે તેનો ઉપયોગ થાય છે.

ટૉર્પિડોને સબમરીન, યુદ્ધજહાજ અથવા વિમાનમાંથી પણ ફાયર કરી શકાય છે.

અમેરિકન નેવી પ્રમાણે તેમની તમામ સબમરીનો માર્ક 48 ટૉર્પિડોથી સજ્જ છે. યુએસ નેવી છેલ્લા ત્રણ દાયકાથી આ ટૉર્પિડોનો ઉપયોગ કરી રહી છે અને તેનું વજન લગભગ 1700 કિલો હોય છે.

ઈરાનથી આટલે દૂર હુમલો કેમ કરાયો?

આ સવાલનો જવાબ બીજી માર્ચે પેન્ટાગોનમાં એક બ્રીફિંગ દરમિયાન અમેરિકાના ઍરફોર્સ જનરલ દાન કેને આપ્યો હતો. તેમણે કહ્યું કે, "સમગ્ર ક્ષેત્ર અને દુનિયાભરમાં અમારા અભિયાન જારી રહેશે."

આ શબ્દો અમેરિકાના ઈરાદાને સ્પષ્ટ કરે છે.

શું આ હુમલો કાયદેસર હતો?

બીબીસી સિંહાલાના રિપોર્ટ પ્રમાણએ શ્રીલંકાની સરકારે દેશની સંસદને જણાવ્યું કે જે યુદ્ધજહાજને અહીં ડૂબાડી દેવાયું તે જગ્યા દક્ષિણ શ્રીલંકાના ગૉલ હાર્બરથી 19 નૉટિકલ માઇલ્સ અથવા 35 કિમીના અંતરે હતી.

રાહુલ નારીચનિયા સિનિયર ઍડ્વોકેટ અને સમુદ્રી તથા આંતરરાષ્ટ્રીય વેપાર કાયદાના નિષ્ણાત પણ છે.

તેમણે બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું કે "કોઈ પણ દેશના સમુદ્રકિનારાથી 12 નૉટિકલ માઇલ સુધીનો વિસ્તાર તેનું 'પ્રાદેશિક જળ' (ટેરિટોરિયલ વૉટર) કહેવાય છે. એટલે કે ત્યાં સુધી કોઈ પણ ઘટના બને તો તે જમીન પર બનેલી ઘટનાની જેમ જ ગણાય છે અને તેવા જ કાયદા લાગુ પડે છે. તેનાથી આગળ 200 નૉટિકલ માઇલ્સ સુધીનો વિસ્તાર 'ઍક્સક્લુસિવ ઇકૉનોમિક એરિયા' ગણાય છે, જ્યાં દેશને કેટલાક વ્યવસાયિક અધિકાર મળેલા હોય છે. તેમાં ઑઇલ, ગૅસ, માછીમારીના અધિકાર વગેરે હોય છે, પરંતુ તે પ્રાદેશિક જળની સમકક્ષ ગણાતું નથી."

"હવે, જો આ ઘટના શ્રીલંકાના તે ક્ષેત્રમાં થઈ હોય તો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવવાનો પૂરો અધિકાર છે. જેમ કે, આ જહાજના ડૂબવાથી ઑઇલ ફેલાવાની બીક હોય, અથવા બીજાં જહાજો માટે રસ્તામાં અવરોધ પેદા થતો હોય, અથવા શ્રીલંકાનાં વ્યવસાયિક હિતોને અસર થતી હોય, તો શ્રીલંકા તેનો વિરોધ કરી શકે છે."

ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી રિયર ઍડમિરલ સુધીર પિલ્લઈ કહે છે કે "આ અલગ અને વિવાદિત સવાલ છે કે શું અમેરિકા અને ઇઝરાયલે આ સંઘર્ષ શરૂ કર્યો તે કાનૂની અથવા રાજકીય રીતે યોગ્ય હતો કે નહીં. હવે યુદ્ધ વાસ્તવમાં ચાલુ છે અને સમુદ્રમાં યુદ્ધના કાયદા લાગુ કરવામાં આવે તો સંબંધિત યુદ્ધજહાજ એ અમેરિકાના દુશ્મન દેશનું હતું અને સમુદ્રમાં ચાલતા સક્રિય સંઘર્ષ દરમિયાન તેને કાયદેસર મિલિટરી ટાર્ગેટ ગણવામાં આવશે."

યુદ્ધ ભારતની નજીક આવી રહ્યું છે?

આ સવાલનો જવાબ એ વાત પર નિર્ભર કરશે કે ભારતમાં આ યુદ્ધને તમે ક્યાંથી જુઓ છો.

અમેરિકા સંરક્ષણ મંત્રાલયના એક નકશા મુજબ ચોથી માર્ચે અમેરિકાના ઍરફોર્સ જનરલ દાન કેને પોતાના બ્રીફિંગમાં કહ્યું કે યુએસએસ અબ્રાહમ લિંકન અરબી સમુદ્રમાં તહેનાત છે. આ યુદ્ધજહાજ વિશ્વના સૌથી મોટા ઍરક્રાફ્ટ કેરિયર યુદ્ધજહાજ પૈકી એક છે.

તેથી તમે ગુજરાતમાં રહેતા હોવ તો આ યુદ્ધ તમારાથી બહુ દૂર નથી.

જોકે, અહીં એ સમજવુ જરૂરી છે કે ભારતે આ અંગે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે યુએસ નેવીને પોતાનાં બંદરોનો ઉપયોગ કરવાની મંજૂરી નથી આપી.

અમેરિકાએ એમ પણ કહ્યું કે તે ફેબ્રુઆરીની શરૂઆતથી જ ઈરાનની આસપાસના વિસ્તારોમાં પોતાની સૈન્યશક્તિ વધારવામાં લાગેલું હતું.

ઍરફોર્સ જનરલ કેને કહ્યું હતું કે "આ તહેનાતીમાં તમામ બ્રાન્ચના હજારો સૈનિકો, સેંકડો આધુનિક ફાઇટર વિમાનો, ઇંધણ ભરવાના ટૅન્કર, લિન્કન અને ફૉર્ડ વિમાનવાહક જહાજ અને તેમની હવાઇ ટુકડીઓ સામેલ હતી. તેના માટે સતત ઇંધણ, દારુગોળો અને સામાન મોકલવામાં આવ્યો હતો. અને તેને કમાન્ડ, કન્ટ્રોલ, દેખરેખ અને જાસૂસી નેટવર્કનું સમર્થન મળ્યું હતું."

ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રમાં પણ અમેરિકન યુદ્ધજહાજો ગોઠવાયેલાં જોવાં મળ્યાં.

અમે જે નિષ્ણાતો સાથે વાત કરી તેમનું કહેવું હતું કે આ હુમલા અને જવાબી કાર્યવાહીનો સિલસિલો પહેલા દિવસ એટલે કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો જ્યારે ઈરાને ઇઝરાયલ અને અમેરિકા ઉપરાંત અખાતના અનેક દેશોને નિશાન બનાવ્યા હતા. શ્રીલંકા પાસે બનેલી ઘટનાને પણ તે સંદર્ભમાં જોવી જોઈએ.

અહીં એ સમજવું જરૂરી છે કે આ હુમલા વિશે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ ચેતવણી આપી છે કે અમેરિકાએ પોતાના પગલાં બદલ પસ્તાવું પડશે. એટલે કે હવે આગળ શું થાય છે તે જોવાનું રહેશે.

ભારત શું કરી શકતું હતું?

ભારતીય નેવીએ પાંચમી માર્ચે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે ઈરાનના યુદ્ધજહાજ પર હુમલા પછી શ્રીલંકા સાથે તેમણે પણ મદદ માટે ઘણાં પગલાં લીધાં હતાં.

ઍડમિરલ સુધીર પિલ્લઈ માને છે કે આવી સ્થિતિમાં ભારત તે જહાજને હુમલામાંથી બચાવવા માટે કાનૂની રીતે ભાગ્યે જ કંઈ કરી શકે તેમ હતું કારણ કે આવું કરે તો ભારત પોતે યુદ્ધમાં સામેલ ગણવામાં આવે.

"જો તે જહાજ ભારતના પ્રાદેશિક જળમાં હોત અથવા ભારતના કોઈ બંદર પર હોત, તો તેને ભારતની ન્યુટ્રલ સ્થિતિના કારણે સુરક્ષા મળી હોત અને લડાઈ લડતા કોઈ પક્ષને ત્યાં હુમલો કરવાની મંજૂરી મળી ન હોત."

"પરંતુ આ જહાજ આપણા જળક્ષેત્ર કે બંદર પર ન હતું. તો નૌકાદળના યુદ્ધના નિયમો પ્રમાણે યુદ્ધમાં સામેલ દેશ તેને કાયદેસર ટાર્ગેટ માની શકે છે. ભારત તે યુદ્ધજહાજને સુરક્ષા આપવા માટે પોતાનાં યુદ્ધજહાજો સાથે તેને એસ્કૉર્ટ કરત, તો ભારતે આ યુદ્ધમાં કોઈનો પક્ષ લીધો તેમ ગણવામાં આવ્યું હોત."

અમે જે નિષ્ણાતો સાથે વાત કરી તેમનું કહેવું હતું કે ભારતમાં થયેલી સૈન્ય કવાયત પછી યુદ્ધજહાજની સુરક્ષા એ તેમના દેશની પોતાની જવાબદારી ગણાય.

ડિપ્લોમેટિક સ્તરે ભારત વાતચીતના સમર્થનમાં છે અને સંઘર્ષ ખતમ થાય તેવું ઈચ્છે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન