You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોમાસું : અડધા ગુજરાતમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં વરસાદ નહીં, આવું કેમ જાણો કારણ
ગુજરાતમાં ચોમાસું મોડું પ્રવેશ્યું છે, પણ જુલાઈ માસની શરૂઆતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
જૂનાગઢના માંગરોળમાં ચાર જુલાઈએ પડેલા ભારે વરસાદ બાદ તો લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
આટલો વરસાદ હોવા છતાં ગુજરાતના કેટલાક એવા જિલ્લાઓ પણ છે જ્યાં હજુ સુધી સામાન્ય કરતાં અડધો વરસાદ પણ નોંધાયો નથી.
મુખ્યત્વે આ જિલ્લાઓ પશ્ચિમ ગુજરાતના છે, જેમાં કચ્છ અને દેવભૂમિ દ્વારકા જેવા ઘણા જિલ્લા સામેલ છે.
જ્યાં કચ્છમાં પણ સામાન્ય 73.8 મીમીની સામે માત્ર 11.5 મીમી વરસાદ થયો છે. જે 84 ટકાની ઘટ છે.
દેવભૂમિ દ્વારકામાં સામાન્ય 157.1 મીમીની સામે માત્ર 6.4 મીમી વરસાદ નોંધાયો છે, જે 96 ટકાની મોટી ઘટ દર્શાવે છે.
આ ઉપરાંત મોરબી અને આણંદમાં 50 ટકા કરતાં વધારેની ઘટ છે.
ત્યારે એનું શું કારણ છે કે હજુ સુધી પશ્ચિમ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શક્યું નથી અને ક્યારે આ જિલ્લાઓમાં વરસાદ આવશે, શું કહે છે હવામાન વૈજ્ઞાનિકો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જિલ્લાઓમાં હજુ સામાન્ય કરતાં અડધો કે તેનાથી ઓછો વરસાદ
હવામાન વિભાગ (આઇએમડી)ના અમદાવાદ કેન્દ્ર દ્વારા 1 જૂન 2026થી 7 જુલાઈ 2026 સુધીના સમયગાળા માટે ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
અહેવાલ અનુસાર, આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સરેરાશ 139.9 મીમી વરસાદ નોંધાયો છે.
જે સામાન્ય 164.8 મીમી વરસાદની સરખામણીએ 15 ટકા ઓછો છે.
સૌથી વધુ વરસાદ તરફ નજર કરીએ તો દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15 ટકા વધારે છે.
આ ઉપરાંત જૂનાગઢમાં 454.6 મીમી જરૂરિયાત કરતાં 70 ટકા વધુ, અમરેલીમાં નિર્ધારિત કરતાં 68 ટકા અને ડાંગ જિલ્લામાં 660.5 મીમી 42 ટકા વરસાદ સાથે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
વલસાડ અને નવસારી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ અનુક્રમે 605.3 મીમી અને 589 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
બીજી તરફ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની ભારે અછત પણ જોવા મળી રહી છે.
ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં સામાન્ય 157.1 મીમીની સામે માત્ર 6.4 મીમી વરસાદ નોંધાયો છે, જે 96 ટકાની મોટી ઘટ દર્શાવે છે.
આ જ રીતે કચ્છમાં પણ સામાન્ય 73.8 મીમીની સામે માત્ર 11.5 મીમી વરસાદ થયો છે. જે 84 ટકાની ઘટ દર્શાવે છે.
આ ઉપરાંત મોરબી અને આણંદમાં 58 ટકાની ઘટ, જામનગર 57 ટકા, પોરબંદર 53 ટકા અને સાબરકાંઠા 50 ટકાની ઘટ છે.
આ જિલ્લાઓમાં સામાન્ય કરતાં અડધો કે તેનાથી ઓછો વરસાદ નોંધાવાને કારણે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.
ત્યારે પશ્ચિમ ગુજરાતમાં આ સ્થિતિ કેમ છે તેને લઈને હવામાન વૈજ્ઞાનિકો શું માને છે?
પશ્ચિમ ગુજરાતમાં ઓછા વરસાદ પાછળ કયાં કારણો જવાબદાર?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન વિભાગના પ્રોફેસર ધીમંત વઘાસિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, શિયર ઝોન 20 અને 21 ડિગ્રી ઉત્તર સુધી રહેલો હોવાને કારણે પશ્ચિમ ગુજરાતમાં વરસાદનો અભાવ જોવા મળી રહ્યો છે.
તેમનું માનવું છે કે, આગામી 10 દિવસ સુધી ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ ઓછી રહેશે.
પરંતુ સામે આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન શાસ્ત્રી પ્રો. મનોજ લુણાગરિયા બીબીસી ગુજરાતીને જણાવે છે કે, ચોમાસામાં કેટલીક વખતે વિસ્તાર પ્રમાણે પણ કેટલીક બાબતો જુદી રહેતી હોય છે.
"ભેજવાળા પવનો પ્રભાવી થાય અને જે વિસ્તારમાં પ્રસરે, તે વિસ્તારમાં જો ગરમી વધુ હોય તો ત્યાં વાદળોનું નિર્માણ થાય અને વરસાદ વધુ પડતો હોય છે."
"એટલે સામાન્ય રીતે ગરમ વિસ્તાર હોય અને ભેજ વાળા પવનો પહોંચે તો ત્યાં વધારે વરસાદ પડશે."
"ચોમાસાની પ્રગતિ જોઈએ તો હાલ ચોમાસાએ ગુજરાત વટાવ્યું છે અને ગુજરાતમાં ચોમાસું પ્રસરે ત્યારે ચોમાસાની ગતિ દક્ષિણ ગુજરાતથી લઈને પશ્ચિમ કચ્છ તરફની હોય છે."
"ઉપરાંત ચોમાસાની ઉત્તરીય સીમા હશે ત્યાં ચોમાસું એટલું શક્તિશાળી ન હોય તેથી ત્યાં ઓછો વરસાદ જોવા મળી શકે છે પરંતુ ચોમાસાએ આવરી લીધેલો વિસ્તાર હોય ત્યાં વરસાદ વધતો હોય છે. ત્યાં વાદળો બને છે આમ ભૌગોલિક કારણો અસર કરતાં હોય છે."
"ચોમાસું રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યું છે, અને તેથી હવે ધીમે ધીમે પશ્ચિમ ગુજરાતમાં પણ વરસાદ આવશે"
"આમ સિસ્ટમ સર્જાય એટલે સાર્વત્રિક વરસાદ આવી જાય એવું નથી હોતું."
"વરસાદની અછત પાછળ લો પ્રેશર અને હાઇ પ્રેશર પણ એક જવાબદાર કારણ માનવામાં આવે છે."
"શિયર ઝોન પણ ત્યાં અસર કરતું હશે પણ તે ટૂંકા ગાળા માટે ત્યાં અસર કરતું દેખાય છે."
"શિયર ઝોન શિફ્ટ થઈ જશે લો પ્રેશરની લાઇન પણ શિફ્ટ થઈ જશે."
જો કે શિયર ઝોન એટલું મોટું કારણ નથી કે પશ્ચિમ ગુજરાતમાં વરસાદ ઓછો પડી રહ્યો છે પણ ગણતરીમાં લઈ શકાય તેવું કારણ તો છે."
ત્યારે આ શિયર ઝોન હોય છે શું તેની પર નજર કરીએ.
શિયર ઝોન છે શું? અને તે કેવી રીતે કામ કરે છે?
કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ રાઉન્ડમાં વરસાદ પડ્યો નથી. તેનું કારણ ગુજરાત પાસે સર્જાયેલો શિયર ઝોન છે.
સરળ ભાષામાં કહીએ તો, વાતાવરણમાં જુદી-જુદી ઊંચાઈએ પવનની દિશા અથવા તેની ગતિમાં અચાનક ફેરફાર થાય તે વિસ્તારને શિયર ઝોન કહેવામાં આવે છે.
હવામાન વિભાગ મુજબ આ શિયર ઝોન આશરે 21° ઉત્તર અક્ષાંશ પર હતો.
આ કાલ્પનિક રેખા આશરે સૌરાષ્ટ્રના દક્ષિણના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત પરથી પસાર થાય છે. જેથી કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારો આનાથી દૂર છે.
હવે આ ઝોન કામ કેવી રીતે કરે છે એ સમજીએ. શિયર ઝોનને આકાશમાં થતા એક "ટ્રાફિક જામ" તરીકે સમજી શકાય.
જ્યારે અલગ-અલગ ઝડપ કે દિશાના પવનો એકબીજા સાથે ભટકાય છે, ત્યારે હવા ઉપર તરફ ધકેલાય છે, જેમ ટ્રાફિકમાં ગાડીઓ ભેગી થઈ જાય. ઉપર જઈને આ હવા ઠંડી પડે છે, ભેજ એકઠો થાય છે, વાદળો બંધાય છે અને ભારે વરસાદ પડે છે.
આ સિસ્ટમ જમીનથી 3.1 કિમીથી લઈને 7.6 કિમીની ઊંચાઈ પર સક્રિય હતી.
બીજી તરફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઑફશોર ટ્રફ સક્રિય હતો. આ ટ્રફ અરબી સમુદ્રમાંથી સતત ભેજ ખેંચી રહ્યો હતો. આ ભેજ શિયર ઝોનને મળતો હતો.
શિયર ઝોન એક ખૂબ જ ધીમે આગળ વધતી સિસ્ટમ હોય છે. એટલે જ્યાં બને ત્યાં એ જલદી ખસતી નથી.
શિયર ઝોન વરસાદ કેવી રીતે કરાવે છે?
શિયર ઝોન પોતે વરસાદ લાવતું નથી, પરંતુ તે વાદળો બનવા માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરે છે. ગરમ અને ભેજવાળી હવા ઉપર ચઢે છે.
ઉપર જતાં હવા ઠંડી પડે છે. પાણીની વરાળ ઘનિભૂત થઈને વાદળો બને છે. જો પૂરતો ભેજ ઉપલબ્ધ હોય તો ભારે વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
આ વખતે અરબી સમુદ્રમાંથી તેને પુષ્કળ ભેજ મળી રહ્યો હતો. જેથી ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના વિસ્તારોમાં પડ્યો. એનાથી આગળ તેની અસર ના થઈ એટલે ત્યાં વરસાદ ન પડ્યો.
દક્ષિણ ગુજરાતમાં બે દિવસ પછી શું વરસાદ ઘટશે?
પ્રોફેસર ધીમંત વઘાસિયા કહે છે, તે સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતાઓ હજુ બે દિવસ સુધી રહેશે. ત્યારબાદ ફરીથી વરસાદની શક્યતાઓ ઘટશે."
"ફરીથી અરબી સમુદ્રમાં ગતિવિધિઓ છે તે મંદ જોવા મળશે."
"બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ નબળી પડશે."
તે સાથે જ ધીમંતભાઈ કહે છે, મોટાભાગના દિવસોમાં નૈઋત્યના પવનો પૂર્વીય ભારતના વિસ્તારો તરફ રહેતાં પૂર્વીય ભારતમાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળશે. અને બાકીના વિસ્તારોમાં વરસાદ ઓછો જોવા મળશે.
પ્રૉ. મનોજનું માનવું છે કે "આગામી દિવસોમાં પશ્ચિમ ગુજરાતમાં વરસાદ આવી શકે અને હાલ જ્યાં વરસાદ છે ત્યાં વરસાદ નબળો પણ પડી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન