You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇસ્લામનું ભારતમાં આગમન કેવી રીતે થયું - તલવારથી કે મરી-મસાલાથી?
- લેેખક, મિર્ઝા એબી બેગ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
ભારતમાં એક સામાન્ય ધારણા રજૂ કરવામાં આવે છે કે ભારતમાં ઇસ્લામનું આગમન તલવારના જોરે ઈ.સ. 712માં બનૂ ઉમય્યાના સમયે મુહમ્મદ બિન કાસિમના સિંધ પરના આક્રમણની સાથે થયું, પરંતુ ઘણા નિષ્ણાતો આ વિચારને સંપૂર્ણપણે નકારે છે.
તેમના મતે દક્ષિણ એશિયા કે ભારતમાં ઇસ્લામનું આગમન અને તેની લોકપ્રિયતા અચાનક બનેલી ઘટના નથી અને તે કોઈ એક ઘટનાનું પરિણામ નહોતી, બલકે તે એક લાંબી ઐતિહાસિક અને સામાજિક પ્રક્રિયા હતી જે ઘણી સદીઓ સુધી ફેલાયેલી છે.
ઇતિહાસકારો અને સમાજશાસ્ત્રીઓ આ પ્રક્રિયાને જુદા-જુદા દૃષ્ટિકોણથી જુએ છે અને તેની સ્પષ્ટતા માટે કેટલાક મહત્ત્વના સિદ્ધાંતો રજૂ કરે છે, જેમાં શાંતિપૂર્ણ સ્થળાંતર, વેપાર, સૂફીઓનું આગમન, રાજકારણ અને આર્થિક પરિબળો – એ બધાંનો સમાવેશ થાય છે.
આમાં સૌથી પહેલો સિદ્ધાંત 'શાંતિપૂર્ણ વેપાર અને સમુદ્રી માર્ગો'થી ભારતમાં ઇસ્લામના આગમનનો છે.
અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે મસાલા અને ખાસ કરીને કાળાં મરીના વેપારે ભારતમાં ઇસ્લામના આગમનમાં મુખ્ય ભૂમિકા ભજવી.
તેથી અમે આ માન્યતાની ખાતરી કરવા દક્ષિણ ભારતના રાજ્ય કેરલના શહેર કોચી અને પછી ત્યાંથી કોડુંગલ્લુર પહોંચ્યા, જ્યાં સ્થાનિક પરંપરા પ્રમાણે મુઝિરિસનું પૌરાણિક બંદર હતું, જે 15મી સદીમાં આવેલા વિનાશક પૂરના પરિણામે સંપૂર્ણ નષ્ટ થઈ ગયું.
ભારતના સમુદ્રતટ સાથે આરબોનો સંબંધ
પરંતુ ત્યાંની મુસાફરી કરીએ તે પહેલાં અમે દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને મધ્યકાલીન યુગના અગ્રણી ઇતિહાસકાર સૈયદ ઝહીર હુસૈન જાફરી સાથે મુલાકાત કરી.
તેમના મતાનુસાર, બંગાળના અખાત કરતાં અરબી સમુદ્ર વધુ શાંત હતો, જ્યાંથી જો એક તણખલું કે લાકડું પણ ફેંકવામાં આવે તો તે અરબ અને ઓમાનના દરિયાકિનારે પહોંચી જતું અને આ સમુદ્ર પર લાંબા સમય સુધી અરબી દ્વીપકલ્પનું શાસન હતું. તેઓ ચોમાસું શરૂ થતાં ભારત આવતા, રોકાણ કરતા અને ચોમાસું પૂરું થવાની સાથે જ અરબ પાછા જતા રહેતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના અનુસાર, આ જ માર્ગેથી આરબો શ્રીલંકા, જાવા–સુમાત્રા અને મલેશિયા, ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા.
પ્રખ્યાત ઇતિહાસકાર સૈયદ સુલેમાન નદવી પોતાના પુસ્તક 'અરબ વ હિન્દ કે તાલ્લુકાત'માં લખે છે: "યુરોપ અને ભારત વચ્ચેનો માર્ગ ખૂબ જ મહત્ત્વનો હતો. આ માર્ગ પહેલાં સંપૂર્ણ પણે આરબોના હાથમાં હતો. જ્યારે ગ્રીકોએ લગભગ ઈ.સ.પૂ. 300 વર્ષ પહેલાં ઇજિપ્ત પર વિજય મેળવ્યો ત્યારે આ સમુદ્રી ધોરીમાર્ગ પર તેમનો કબજો થઈ ગયો."
"ઈસુનાં 600 વર્ષ પછી જ્યારે ઇસ્લામ આવ્યો અને આરબોનો ઉત્કર્ષ થયો ત્યારે ઈ.સ.ની છઠ્ઠી સદીમાં તેઓ ઇજિપ્તથી લઈને સ્પેન સુધી ફેલાયા અને સાથે જ ભૂમધ્ય સમુદ્ર પર પણ કબજો કરી લીધો. તેનું પરિણામ એ આવ્યું કે દુનિયામાં વેપાર અને વાણિજ્યનો સૌથી મોટો રસ્તો આરબોના હાથમાં આવી ગયો અને સદીઓ સુધી તેના પર તેમનું નિયંત્રણ રહ્યું."
આમ, પ્રોફેસર જાફરી અનુસાર, આરબો પોતાના રોકાણ દરમિયાન અહીં શાદી પણ કરતા હતા અને આરબ અને ભારતના આ સંબંધના લીધે દક્ષિણના રાજ્યમાં એક એવો સમુદાય તૈયાર થયો જેને 'મપ્લા મુસ્લિમ' કહે છે.
ઐતિહાસિક પુરાવાનો અભાવ
આમ છતાં તેમનું કહેવું છે કે ત્યાં મુસ્લિમોના આગમનનું વર્ષ નક્કી કરવા માટે ઐતિહાસિક પુરાવા ખૂબ ઓછા છે, કારણ કે અરબ ખલાસીઓ પોતાની કોઈ ડાયરી નથી મૂકી ગયા અને તેમણે જે બાંધકામો કર્યાં તેના પર શિલાલેખ નથી લગાડ્યા.
અથવા તો, જો તેમણે લગાડ્યા પણ હતા, તો 16મી સદીમાં પોર્ટુગીઝોના આગમન અને મુસલમાનો તરફથી પ્રતિકારના પરિણામે તેમણે માત્ર મુસલમાનોનો સંહાર જ ન કર્યો, બલકે તેમના અવશેષોને પણ મોટા પાયે ધ્વસ્ત કરી નાખ્યા, જેના પુરાવા ગોવાના મ્યૂઝિયમમાં જોવા મળે છે જ્યાં કોઈ ટ્રૉફી તરીકે તેમને પોર્ટુગીઝોએ સજાવી રાખ્યા હતા.
ભારતના અગ્રણી રાજનેતા અને ઇતિહાસકાર શશિ થરૂર ઘણી વાર એ વાતનો નિર્દેશ કરે છે કે ઇસ્લામના ઉદયની ઘણી સદીઓ પહેલાં જ આરબ વેપારીઓ અને ખલાસીઓ મલબારના તટે આવાગમન કરતા હતા. જ્યારે નવો ધર્મ (ઇસ્લામ) અસ્તિત્વમાં આવ્યો, ત્યારે તે તલવારના જોરે નહીં, પરંતુ સ્થાનિક લોકો જેમને પહેલાંથી જ ઓળખતા હતા અને જેઓ વિશ્વાસુ મુસાફરો હતા તેમના માધ્યમથી એક 'સમાચાર' રૂપે આવ્યો.
અને પછી હિન્દુ રાજા ચેરામન પેરુમલે ઇસ્લામ સ્વીકાર્યાની વાત પણ લોકોક્તિનો ભાગ છે.
અમે કેરલના બંદર કોચીથી વહેલી સવારે કોચી હેરિટેજ પ્રોજેક્ટના સંસ્થાપક યુહાન બેની કરુવિલા અને અમારા કૅમરામૅન બિમલ થંકાચનની સાથે કોડુંગલ્લુરમાં પેરિયાર નદીના કિનારે પહોંચ્યા, જ્યાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં ઇન્ડિયા-આરબ કલ્ચર સેન્ટરના પૂર્વ ડિરેક્ટર અને કેરલના કોટ્ટયમની મહાત્મા ગાંધી યુનિવર્સિટીના પ્રોફેસર એમએચ ઇલિયાસ અમારી રાહ જોતા હતા.
ઇસ્લામના આગમનના જુદા-જુદા મતો
પ્રોફેસર ઇલિયાસ અનુસાર, દક્ષિણ હિન્દમાં ઇસ્લામના આગમન વિશે ચાર સિદ્ધાંત છે.
પહેલો મત એ છે કે ઇસ્લામના પયગંબર હઝરત મુહમ્મદના જીવનકાળ દરમિયાન જ તે પૌરાણિક મુઝિરિસ બંદરેથી ભારતમાં દાખલ થઈ ચૂક્યો હતો, જેનો પુરાવો ચેરામન પેરુમલની જામા મસ્જિદ છે, જેના વિશે કહેવાય છે કે તેને મલિક બિન દીનારે ઈ.સ. 629માં બંધાવી હતી.
મસ્જિદ પર રહેલા શિલાલેખમાં આ જ લખ્યું છે, પરંતુ ઘણા ઇતિહાસકારો ઇતિહાસ વિશે વિશ્વાસપૂર્વક કશું કહેવાના પક્ષમાં નથી, કારણ કે કેટલીક કિંવદંતીઓમાં મલિક બિન દીનારને સહાબા અને અમુકમાં તાબિઈનની શ્રેણીમાં રાખવામાં આવે છે. સહાબા તેમને કહેવામાં આવે છે જેમણે મુસલમાનની હેસિયતથી પયગંબરને જોયા, જ્યારે તાબિઈન તેમને કહેવાય છે જેમણે ઇસ્લામની અવસ્થામાં કોઈ સહાબી (એવા લોકો જેઓ પયગંબર મુહમ્મદના ઉપદેશથી મુસલમાન થયા અને મૃત્યુપર્યંત ઇસ્લામમાં માનતા રહ્યા)ને જોયા.
આ મસ્જિદ અસ્તિત્વમાં આવી તે અંગે ઘણી દંતકથા છે. કહેવાય છે કે કોડુંગલ્લુરના હિન્દુ રાજા ચેરામન પેરુમલે સપનામાં અથવા સીધા ચંદ્રના ટુકડા થવાનો ચમત્કાર જોયો અને તેનો ઉલ્લેખ ત્યાં આવેલા આરબ વેપારીઓ સમક્ષ કર્યો, જેમણે રાજાને કહ્યું કે અરબસ્તાનમાં એક પયગંબરની નિયુક્તિ થઈ છે અને આ તેમનો જ ચમત્કાર છે.
તેથી રાજા પોતાના વિશ્વાસુ સાથીઓ સાથે અરબસ્તાન જવા રવાના થયા. એક દંતકથા અનુસાર, તેઓ ઇસ્લામના પયગંબર હઝરત મુહમ્મદને મળ્યા અને ઇસ્લામ સ્વીકાર્યાની વાત કહેવાય છે, સાથે જ એવું પણ કહેવાય છે કે પાછા ફરતી વખતે ઓમાનના સુલાલાહ નામના સ્થળે તેમનું મૃત્યુ થયું, જ્યાં તેમની કબર હોવાનું કહેવાય છે.
બીજી માન્યતા
પ્રોફેસર ઇલિયાસના મતે બીજી માન્યતામાં એવો ઉલ્લેખ છે કે તેમની મુલાકાત ન થઈ શકી અને ઓમાનમાં તેમનું મૃત્યુ થઈ ગયું. જોકે, બંને દંતકથામાં એ વાતનો ઉલ્લેખ છે કે તેમની મુલાકાત મલિક બિન દીનાર સાથે થઈ અને તેમણે પોતાના દેશમાં પોતાના ઉત્તરાધિકારીને એક પત્ર મોકલ્યો, જેમાં મલિક બિન દીનાર અને તેમના સાથીઓના સન્માન અને તેમની સાથે સારા વ્યવહારનો ઉલ્લેખ હતો.
અને જ્યારે મલિક બિન દીનાર મુઝિરિસના બંદરે (આજે કોડુંગલ્લુર) પહોંચ્યા ત્યારે રાજાના ઉત્તરાધિકારીએ માત્ર તેમનું સ્વાગત જ ન કર્યું, બલકે તેમને મસ્જિદના નિર્માણ માટે મહેલની સાથે એક જમીન પણ આપી. આ મસ્જિદ આજે પણ ત્યાં છે અને ત્યાં પાંચ વખતની નમાઝ અદા કરવામાં આવે છે.
યુહાને જણાવ્યું કે "એ વિચિત્ર વાત છે કે જ્યાં મસ્જિદ આવેલી છે તેની આસપાસ મુસ્લિમ વસ્તી નથી, કેમ કે તે રાજાના મહેલની બાજુમાં છે, પરંતુ આસપાસની વસ્તીઓમાંથી આવીને લોકોએ આ મસ્જિદમાં રોનક ભરી છે."
પ્રોફેસર ઇલિયાસ કહે છે કે ઇસ્લામ, ખાસ કરીને સામાજિક સમાનતાના સંદેશના કારણે સમગ્ર કેરલમાં ફેલાયો. જે રીતે સામાજિક ન્યાયનો અહેસાસ કરાવ્યો, તે ઊંચ-નીચ પર આધારિત જ્ઞાતિવ્યવસ્થાની વિરુદ્ધ હતો, તે કોઈ પણ પ્રકારના ભેદભાવપૂર્ણ વ્યવહારની વિરુદ્ધ હતો અને તે એક જ્ઞાતિ કે જાતિની શ્રેષ્ઠતાની વિરુદ્ધ હતો અને આ એ વસ્તુ હતી જે આ વિસ્તારના લોકોને ખૂબ આકર્ષક લાગી.
"આરબો મૂળભૂત રીતે તો અહીં મસાલાના વેપાર, ખાસ કરીને કાળાં મરીના વેપાર માટે આવેલા. બદલામાં તેમણે ઇસ્લામ ઉપરાંત પણ આપણને ઘણું બધું આપ્યું. ઉદાહરણ તરીકે હિસાબ-કિતાબ, અથવા તો પછી તોલ-માપની રીતો આપી, જેનો આપણે આજે પણ ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત આરબોએ આપણને હોડી બનાવવાનું પણ શીખવ્યું, સારી હોડીઓ બનાવવાનું આપણે તેમની પાસેથી જ શીખ્યા."
ચેરામન જામા મસ્જિદ
અમે જોહર (બપોર)ના સમયે, અત્યંત ગરમ અને ભેજવાળા વાતાવરણમાં આ ઐતિહાસિક મસ્જિદને જોવા માટે ત્યાં પહોંચ્યા, જ્યાં અમારી મુલાકાત ત્યાંના ઇમામ સલીમ નદવી સાથે થઈ, જેમણે લખનઉના પ્રખ્યાત ઇસ્લામિક મદરેસા નદવતુલ ઉલેમામાંથી શિક્ષણ મેળવ્યું હતું.
તેમણે જણાવ્યું કે મસ્જિદની બાજુના પ્રાંગણમાં મલિક બિન દીનારના પુત્ર યુસુફ બિન દીનાર અને તેમનાં પત્નીની કબરો છે, જ્યારે મલિક બિન દીનાર અને તેમના સાથીઓએ આ વિસ્તારમાં તે જ જમાનામાં લગભગ દસ મસ્જિદો અને ખાનકાહો (ફકીરોના રોકાણ માટેનું સ્થળ) સ્થાપ્યાં અને તેઓ પોતે અહીંથી લગભગ 300 કિલોમીટર ઉત્તરમાં અરબી સમુદ્રના કિનારે જ કાસરગોડ નામના સ્થળે દફન છે.
પ્રોફેસર ઇલિયાસ અનુસાર, બધી દંતકથાઓ એક મુદ્દા પર સંમત છે કે ભારતમાં ઇસ્લામનો પરિચય રાજા ચેરામનના માધ્યમથી થયો.
તેમણે કહ્યું કે ઇસ્લામ સૌથી પહેલાં આરબ વેપારીઓ દ્વારા ઉપખંડના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચ્યો. સાતમી અને આઠમી સદીમાં આરબ વેપારીઓ અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરના વેપારી માર્ગો પર પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ વેપારના માલની સાથે પોતાની સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યો પણ લાવ્યા.
કેરલ અને ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં સ્થાનિક શાસકોએ, જેમ કે કેરલના ઝમોરિન, આ વેપારીઓને આવકાર્યા અને તેમને મસ્જિદો બનાવવાની અને આ ક્ષેત્રોમાં વસવાટની મંજૂરી આપી.
આ પારસ્પરિક વ્યવહારના પરિણામે સ્થાનિક વસ્તી અને આરબ વેપારીઓ વચ્ચે સંબંધો સ્થપાયા અને ધીરે-ધીરે 'મપ્લા' જેવા સ્થાનિક મુસ્લિમ સમુદાયો અસ્તિત્વમાં આવ્યા.
વિજયો દ્વારા ઇસ્લામનું આગમન
એક મત 'આરબ વિજયો અને રાજકીય વિસ્તરણ' સાથે સંબંધ ધરાવે છે. તેના અનુસાર, ઇસ્લામને ઉપખંડમાં પહેલી મોટી રાજકીય જીત ઈ.સ. 712માં એ સમયે મળી જ્યારે મુહમ્મદ બિન કાસિમના નેતૃત્વમાં આરબ સેનાએ સિંધ અને મુલતાન જીતી લીધાં.
આ ઝુંબેશ સમુદ્રી ચાંચિયાગીરીની ઘટનાઓના નિવારણની પૃષ્ઠભૂમિમાં શરૂ થઈ. પછીથી ગઝનવીઓ અને ઘોરીઓનાં આક્રમણોએ દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો. જોકે, કેટલાક જૂના ઇતિહાસકારોએ તેને 'તલવાર દ્વારા ઇસ્લામનું આગમન'નું નામ આપ્યું, પરંતુ આધુનિક સંશોધકો અનુસાર, આ વિજયોનો ખરો હેતુ રાજકીય સત્તાની સ્થાપના હતો, નહીં કે લોકોને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો. ધાર્મિક પરિવર્તનની પ્રક્રિયા મોટા ભાગે ક્રમિક અને સામાજિક પ્રકૃતિની હતી.
'સૂફીઓ અને ઓલિયાઓનો ધર્મ પ્રચાર'
પ્રોફેસર જાફરી કહે છે કે 'ધ ગ્રેવ્સ ઑફ તરીમ' નામના પુસ્તકના પ્રકાશનથી એ વાત જાણવા મળે છે કે યમન અને હદરમૌતના લોકો જ્યાં ગયા ત્યાં મસ્જિદો અને મકબરા જોવા મળ્યાં અને ત્યાં ખાનકાહો (મઠો)ની સ્થાપના થઈ અને આ રાજકીય ઇસ્લામના આગમન પહેલાં શાંતિપૂર્ણ કેન્દ્રો હતાં, જ્યાંથી ઇસ્લામનો પ્રચાર–પ્રસાર થતો હતો.
પુસ્તક અનુસાર, ભારતનાં તટીય ક્ષેત્રો, જેવાં કે કેરલનું મલબાર અને ગુજરાતનાં બંદરો, હદરમી વેપારીઓ અને સૂફીઓ માટે મહત્ત્વનાં ઠેકાણાં હતાં. અહીંથી તેઓ માત્ર વેપાર નહોતા કરતા, બલકે ઇસ્લામનો પ્રચાર કરતાં-કરતાં આગળ મલેશિયા અને ઇન્ડોનેશિયા સુધી પહોંચ્યા.
અગિયારમી સદી પછી ચિશ્તિયા, સુહરાવર્દિયા અને અન્ય પરંપરાઓ સાથે જોડાયેલા સૂફી સંતો જુદાં-જુદાં ક્ષેત્રોમાં જઈને વસ્યા. તેમણે પોતાના ઉપદેશોમાં પ્રેમ, સહિષ્ણુતા, માનવતા અને સામાજિક સમાનતા પર ભાર મૂક્યો, જે સામાન્ય લોકો માટે ખૂબ આકર્ષક હતું.
સૂફી ખાનકાહો અને દરગાહો આધ્યાત્મિક કેન્દ્રો તરીકે ઊભર્યાં જ્યાં દરેક ધર્મના લોકો આવતા હતા. અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ તેનું એક નોંધપાત્ર ઉદાહરણ છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમ—બંને, શ્રદ્ધાથી હાજરી આપે છે. આ રીતે સૂફી આંદોલને ઇસ્લામના પ્રસારમાં એક નરમ અને પ્રભાવશાળી ભૂમિકા ભજવી.
પ્રોફેસર જાફરી અનુસાર, ઇસ્લામના 'સામાજિક સ્વતંત્રતા અને સમાનતા'ના સિદ્ધાંતે લોકોને પોતાની તરફ આકર્ષ્યા. આ સિદ્ધાંત મુજબ ઉપખંડના ઘણા લોકો, ખાસ કરીને પછાત જ્ઞાતિઓ સાથે સંબંધ ધરાવતા વ્યક્તિઓ, જ્ઞાતિપ્રથાની કડક વ્યવસ્થામાંથી મુક્તિ મેળવવા માટે ઇસ્લામ તરફ ઢળ્યા.
ઇસ્લામના સમાનતા, ભાઈચારા અને ન્યાયના સિદ્ધાંતોએ તેમને વધુ સારો સામાજિક દરજ્જો મેળવવાની તક પૂરી પાડી. તેમ છતાં આધુનિક સંશોધકો આ સિદ્ધાંતમાં રહેલી કેટલીક મર્યાદાઓ તરફ પણ ધ્યાન દોરે છે, કારણ કે કેટલાંક ક્ષેત્રોમાં, જ્યાં ઇસ્લામ ઝડપથી ફેલાયો, જ્ઞાતિપ્રથા એટલી મજબૂત નહોતી જેટલી બીજા ભાગોમાં હતી.
કૃષિ સંરક્ષણ અને રાજ્ય એકીકરણ
'કૃષિ સંરક્ષણ અને રાજ્ય એકીકરણ' પ્રમાણમાં આધુનિક સિદ્ધાંત છે, જેને રિચાર્ડ ઇટન જેવા ઇતિહાસકારોએ રજૂ કર્યો. તેમના અનુસાર, બંગાળ અને પંજાબ જેવા વિસ્તારોમાં ઇસ્લામનો ફેલાવો મોટા ભાગે કૃષિ વિકાસ અને રાજ્ય નીતિઓ સાથે જોડાયેલો હતો.
મુસ્લિમ શાસકોએ ધાર્મિક સંસ્થાઓ, સૂફી ખાનકાહો અને મસ્જિદોને નિર્જન જમીનો આપી, જેમણે નવી કૃષિ વસાહતો સ્થાપી. આ ક્ષેત્રોમાં રહેતા ખેડૂતોએ ધીરે-ધીરે ઇસ્લામ અપનાવ્યો, કારણ કે તે તેમના આર્થિક વિકાસ અને રાજ્ય માળખાનો ભાગ બની ચૂક્યો હતો.
આ બધા પરથી એ સ્પષ્ટ થાય છે કે ઉપખંડમાં ઇસ્લામનો ફેલાવો કોઈ એક કારણનું પરિણામ નહોતું, પરંતુ જુદાં-જુદાં પરિબળોના સંયોજનથી શક્ય બન્યો. વેપાર, આધ્યાત્મિકતા, રાજકારણ, સામાજિક ન્યાય અને આર્થિક તકો આ બધાં તત્ત્વો મળીને એક એવી ઐતિહાસિક પ્રક્રિયાનું નિર્માણ કરે છે જેણે આ ક્ષેત્રની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને ઊંડી અસર કરી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન