સરલા ભટ્ટ : 36 વર્ષ પહેલાં આ કાશ્મીરી પંડિત નર્સ સાથે શું થયું હતું, આટલાં વર્ષે આ કેસ કેમ ચર્ચામાં આવ્યો?

    • લેેખક, જહાંગીર અલી
    • પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગરથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટની હત્યાનો મામલો 36 વર્ષ પછી ફરી ચર્ચામાં આવ્યો છે. કારણ કે જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલામાં ચાર્જશીટ દાખલ કરી છે.

પરંતુ પરિવારના સભ્યોનું કહેવું છે કે આ ચાર્જશીટનો હવે તેમનાં વૃદ્ધ માતાપિતા માટે 'કોઈ અર્થ નથી.'

સરલાનાં માસીના દીકરા પ્રેદિમન કૃષ્ણે જણાવ્યું હતું કે, "તેમને 36 વર્ષ સુધી ન્યાય મળ્યો નથી. આથી હવે આ પ્રક્રિયાનો તેમના માટે કોઈ અર્થ નથી."

તેમણે એમ પણ કહ્યું, "એક કહેવત છે કે ન્યાયમાં વિલંબ એટલે ન્યાય ન મળવો એવું જ થયું. ચાર્જશીટથી સરલાના હત્યારાઓને સજા થશે તેવી આશાનું કિરણ આવ્યું હશે, પરંતુ તેનાં માતાપિતાને ન્યાય મળ્યો નથી. જો તેમના આત્માને હવે શાંતિ મળે, જેમ કે આપણા (હિંદુ) ધર્મમાં માનવામાં આવે છે, તો એટલું પૂરતું હશે."

જમ્મુ-કાશ્મીર પોલીસે સોમવારે એક પ્રેસનોટ જાહેર કરીને જણાવ્યું હતું કે, આ કેસમાં ઍન્ટિ-ટેરરિઝમ કોર્ટમાં 737 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે સરલા ભટ્ટનું અપહરણ પ્રતિબંધિત જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના ચરમપંથીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

એક નિવેદનમાં પોલીસે જણાવ્યું હતું કે સરલા ભટ્ટને ત્રાસ આપવામાં આવ્યો હતો અને બાદમાં તેમની હત્યા કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ "કાશ્મીરી પંડિતો સામે લક્ષિત હિંસાના વ્યવસ્થિત અભિયાનનો એક ભાગ હતો, જેનો હેતુ આતંક ફેલાવવાનો અને તેમને કાશ્મીર ખીણમાંથી ભાગી જવા માટે મજબૂર કરવાનો હતો."

પોલીસનું માનવું છે કે ખુર્શીદ અહેમદ ચાલકુએ ભટ્ટ પર ગોળીબાર કર્યો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે ઘટના પછી ચાલાકુ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ભાગી ગયો હતો.

પોલીસે આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓના નામ જાહેર કર્યા છે. જેમાં અબ્દુલ હમીદ શેખ, મોહમ્મદ યુસુફ સુફી અને ગુલામ મોહમ્મદ ટપલુ સામેલ છે. હવે આ ત્રણેય આરોપીઓ હવે જીવિત નથી.

સરલા ભટ્ટનું વાનમાં અપહરણ થયું, પછી હત્યા થઈ

27 વર્ષીય સરલા દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાની શાળાના મુખ્ય શિક્ષક શંભુનાથ ભટ્ટનાં ચાર બાળકોમાં સૌથી મોટાં હતાં.

તેઓ શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SKIMS) ના નિયોનેટોલૉજી વિભાગમાં નર્સ તરીકે કામ કરતાં હતાં.

તેમના પિતરાઈ ભાઈએ બીબીસીને જણાવ્યું કે, "કાશ્મીરમાં આતંકવાદ જ્યારે તેની ચરમસીમાએ હતો ત્યારે અમારા સમુદાયને ધમકીઓ મળતી હતી. તેમ છતાં તેમણે હૉસ્પિટલમાં ફરજ બજાવવાનું ચાલુ રાખ્યું."

સરલાનું 18 એપ્રિલ, 1990ના રોજ SKIMSના હબ્બા ખાતૂન હૉસ્ટેલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. કથિત રીતે, જેકેએલએફના ચરમપંથીઓએ તેમનું વાનમાં અપહરણ કર્યું હતું.

બીજા દિવસે, લાલ બજારના મલ્લા બાગ-ઉમર કૉલોની રોડ પરથી તેમનો ગોળીઓથી વીંધાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસનાં નિવેદન મુજબ, જેકેએલએફએ હત્યાની જવાબદારી સ્વીકારી હતી, જેનો પુરાવો ભટ્ટના મૃતદેહ પાસેથી મળી આવેલી હાથેથી લખેલી ચિઠ્ઠીથી મળે છે.

આ ચિઠ્ઠીમાં તેમને 'સુરક્ષાદળોના બાતમીદાર' તરીકે વર્ણવવામાં આવ્યાં હતાં અને તેમના પર 8 એપ્રિલ, 1990 ના રોજ શ્રીનગરના નરવારા વિસ્તારમાં જે દરોડા પડાયા હતા તેના માટે માહિતી પૂરી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ દરોડા દરમિયાન, જેકેએલએફના વડા યાસીન મલિક (જે હાલમાં આતંકવાદના આરોપમાં તિહાર જેલમાં બંધ છે) ઘાયલ થવા છતાં ભાગી જવામાં સફળ રહ્યા, જ્યારે સંગઠનના કેટલાક ચરમપંથીઓને પકડી લેવામાં આવ્યા હતા.

સરલા ભટ્ટની હત્યા પછીના દિવસો

શ્રીનગરના રહેવાસી ભટ્ટે જણાવ્યું હતું કે તેમને સૌપ્રથમ તેમની પિતરાઈની હત્યા વિશે બીબીસીના પ્રસારણથી જ ખબર પડી હતી.

1990ના દાયકામાં, કાશ્મીર ખીણમાં બીબીસી હિંદી અને બીબીસી ઉર્દૂ રેડિયો સ્ટેશનો પર સાંભળવામાં આવતાં હતાં.

માહિતી મળ્યા પછી ભટ્ટ અનંતનાગ પહોંચ્યા ત્યારે સરલાના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હતા.

સાંજે, તેમને અને અન્ય સંબંધીઓને સરલાનાં અસ્થિ લેવા માટે સ્મશાનભૂમિ મોકલવામાં આવ્યાં. તેમણે કહ્યું કે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ઘાટ પર લગભગ 150-200 લોકો હાજર હતા.

તેમણે કહ્યું, "તેઓ અમને ગાળો આપવા લાગ્યા અને મજાક ઉડાવવા લાગ્યા, પૂછવા લાગ્યા કે અમે કાશ્મીરથી કેમ ભાગી ન ગયા. મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે અસ્થિને પગ નીચે કચડી નાખ્યાં. હું ઝડપથી મુઠ્ઠીભર અસ્થિ ઉપાડી અને ભાગી ગયો."

ભટ્ટે એવો પણ દાવો કર્યો છે કે અનંતનાગમાં આ પીડિત પરિવારના ઘર પર ગ્રૅનેડ પણ ફેંકવામાં આવ્યો હતો. આ ગ્રૅનેડ ઘરના મુખ્ય દરવાજા પાસે જ ફૂટ્યો હતો.

તેમણે કહ્યું, "પોલીસ અમારી મદદ કરવા ન આવી. કોઈ રીતે અમે હિંમત ભેગી કરી અને રસ્તા સુધી પહોંચ્યા. મહિલા ડિગ્રી કૉલેજ (અનંતનાગમાં) પાસે કેટલાક સૈન્ય જવાનો હતા. તેમણે કાકા, કાકી અને મારા એક પિતરાઈ બહેનને ખાનાબલ સુધી પહોંચવામાં મદદ કરી, જ્યાંથી તેઓ જમ્મુ ગયાં."

જીવનભરનું દુઃખ

સરલાનાં બીમાર માતાપિતાની ઉંમર હવે 90 થવાં આવી છે.

તેઓ જમ્મુના મુઠ્ઠી વિસ્તારમાં રહે છે. બંને બીમાર રહે છે. સરલાના અન્ય ત્રણ ભાઈ-બહેનો પરિણિત છે. બે ભાઈઓમાંથી એક રમેશકુમાર ભટ્ટ, તાજેતરમાં શિક્ષણ વિભાગમાંથી નિવૃત્ત થયા છે.

તેમની સાથેના સમયને યાદ કરતાં રમેશકુમાર ભટ્ટે કહ્યું હતું કે સરલાનાં લગ્ન નહોતાં થયાં. જોકે, સરલાની નાની બહેનનાં લગ્ન 1989માં થઈ ગયાં હતાં, એટલે કે તેમનાં મૃત્યુના એક વર્ષ પહેલાં.

તેઓ સમજાવે છે, "લગ્ન તેમના મનમાં જ નહોતાં. તેને ફક્ત તેનાં માતાપિતા અને ભાઈબહેનોની સંભાળ રાખવામાં જ રસ હતો. હવે પાછળ ફરીને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે તેનો નિર્ણય સાચો હતો. જો તેણે લગ્ન કર્યાં હોત. હજુ વધુ લોકો દુ:ખી થયા હોત."

ભટ્ટે એમ પણ કહ્યું, "તેનાં માતાપિતા હવે મૌન થઈ ગયાં છે અને જીવતી લાશ બની ગયાં છે. તેમણે પોતાની પ્રિય પુત્રીને ગુમાવવાનું દુ:ખ અતિશય ક્રૂરતાથી સહન કર્યું છે."

તપાસમાં વિલંબ કેમ થયો?

જમ્મુ-કાશ્મીર પોલીસની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ 18 માર્ચ, 2024ના રોજ કેસ પોતાના હાથમાં લીધો અને શ્રીનગરની કોર્ટમાં દલીલ કરી કે છેલ્લા ત્રણ દાયકામાં હિંસાથી તપાસ પર પ્રતિકૂળ અસર પડી છે.

એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે કાશ્મીરમાં 'આતંકવાદી સંગઠનો દ્વારા પેદા કરવામાં આવેલું ભય અને ધાકધમકીનું વાતાવરણ' એ સાક્ષીઓની સામે આવવાની ક્ષમતા પર નકારાત્મક અસર કરે છે.

એજન્સીએ તેની તપાસને 'આતંકવાદના પીડિતોને ન્યાય અપાવવા તરફનું એક ઐતિહાસિક સીમાચિહ્ન' ગણાવ્યું છે.

2008ના પોલીસ રિપોર્ટ મુજબ, 1989થી કાશ્મીર ખીણમાં ચરમપંથી હુમલાઓમાં 209 કાશ્મીરી પંડિતો માર્યા ગયા હતા. જેમાંથી 109 ફક્ત 1990માં માર્યા ગયા હતા.

જોકે, કાશ્મીરી પંડિત જૂથોનો દાવો છે કે આ સંખ્યા ઘણી વધારે છે. અનુમાનોમાં એવું પણ કહેવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન હજારો કાશ્મીરી પંડિતોને ખીણ છોડવાની ફરજ પાડવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન