'હું ભારતનો પ્રવાસ કરીને આવી એ પછી મારા મગજમાં 38 જીવાત થઈ ગઈ'

    • લેેખક, નિકોલ બ્રાયન
    • પદ, બીબીસી વૅલ્સ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

લોરી કહે છે કે, આટલાં કષ્ટો વેઠ્યાં પછી જીવિત અને સ્વસ્થ હોવા બદલ તેઓ ખુશ છે.

લોરી ડેનમૅને શૌચાલય ગયા પછી જ્યારે એક મીટર લાંબો ટેપવર્મ જોયો, ત્યારે જ તેમને સમજાઈ ગયું કે, કંઈક ગરબડ છે.

કાર્મેર્થેનનાં 42 વર્ષીય લોરીના શબ્દોમાં, "તે અત્યંત ઘૃણાસ્પદ દેખાતો હતો, જાણે નાની-નાની ધારવાળી સેલોટેપ હોય."

તે ન્યૂરોસિસ્ટિસર્કોસિસનું પ્રથમ લક્ષણ હતું, જેના કારણે લોરીના મગજમાં 38 પરજીવી જીવાતો થઈ ગઈ. તેના કારણે તેઓ માથાનો તીવ્ર દુખાવો, આંચકી આવવી અને સાયકોસિસ (મનોવિકાર) જેવી તકલીફોનો શિકાર બન્યાં.

દર વર્ષે બ્રિટનમાં જેમને મગજના સંક્રમણનું નિદાન થતું હોય, તેવા ગણ્યા-ગાંઠ્યા લોકોમાં તેમનો સમાવેશ થાય છે. આ સંક્રમણ ડુક્કરના માંસમાં રહેલા ટેપવર્મ (પટ્ટીકૃમિ)ના લાર્વાને લીધે થાય છે.

વર્ષો સુધીની સારવાર પછી ફરી સ્વસ્થ થયા બાદ, લોરી હવે આ બીમારી વિશે જાગૃતિ ફેલાવીને તેમના કષ્ટદાયી અનુભવોને સકારાત્મક કામગીરીમાં બદલવા માગે છે.

મીડિયામાં કામ કરતાં લોરીએ 2007માં ત્રણ મહિના ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. ત્યાં જ તેમને આ સંક્રમણ લાગ્યું હોવાનું તેમના ડૉક્ટર અને ચેપી રોગો તથા માઇક્રોબાયોલોજીના કન્સલ્ટન્ટ ડૉક્ટર બ્રેન્ડન હિલીનું માનવું છે.

લોરીએ ભારત પ્રવાસ દરમિયાન ફૂડ પોઇઝનિંગ ન થાય, એ માટે માંસાહારી ભોજનથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું, પણ ડૉક્ટર હિલી માને છે કે, લોરીએ અજાણતાં જ ટેપવર્મનાં અત્યંત સૂક્ષ્મ ઈંડાંથી દૂષિત પોર્ક (ડુક્કરનું માંસ) ખાઈ લીધું હશે.

આ પ્રવાસના ત્રણ વર્ષ પછી, છેક 2010માં લોરીને રૅસ્ટોરાંના એક ટોઇલેટમાં ટેપવર્મ જોવા મળ્યો, જેને તેમણે ફ્લશ કરી દીધો.

તે પછી તેઓ જનરલ પ્રેક્ટિશનર પાસે ગયાં, પણ સ્ટૂલ ટેસ્ટ (મળ પરીક્ષણ)નો રિપોર્ટ સંતોષજનક આવ્યો અને તેઓ પણ સ્વસ્થ હોવાથી બધું બરાબર ચાલતું રહ્યું.

પણ એક જ વર્ષની અંદર લોરીને ભયંકર માથું દુખવા લાગ્યું.

એ પછી 2011માં તેમને પહેલી વખત આંચકી આવી.

"મને બોલવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી," એમ તેમણે કહ્યું હતું.

"એ પછી જ્યારે હું ભાનમાં આવી, ત્યારે હું ઍમ્બ્યુલન્સમાં હતી અને વિચારી રહી હતી, 'આવું કેવી રીતે થયું? શું કામ થયું?'"

હૉસ્પિટલમાં દાખલ થયા બાદ કૅટ સ્કૅન અને એમઆરઆઇ સ્કૅન કરાયા પછી લોરીને રિપોર્ટ લેવા માટે બોલાવવામાં આવ્યાં.

"ડૉક્ટરે મને બેસાડીને કહ્યું, 'બરાબર, ઓકે, અમે તમારા સ્કૅન તપાસ્યા છે અને તમારા મગજમાં 38 પેરાસાઇટ્સ (પરજીવી જીવાત) જોવા મળી છે," એમ લોરીએ જણાવ્યું હતું.

"આ સાંભળીને હું અને મારાં માતા સ્તબ્ધ થઈ ગયાં, જાણે કે, 'આ બધું શું થઈ રહ્યું છે?'"

શરૂઆતમાં તેમણે વિચાર્યું હતું કે, તે ટોક્સોપ્લાઝ્મોસિસ છે, તે એક એવું સંક્રમણ છે, જે સંક્રમિત બિલાડીના મળના સંપર્કમાં આવવાથી પ્રસરે છે.

પણ, તે પછી લોરીનાં માતાએ પૂછ્યું કે, શું લોરીને આવેલી આંચકીને એક વર્ષ પહેલાં જોવા મળેલા ટેપવર્મ સાથે કોઈ સંબંધ હોઈ શકે છે?

વધુ તપાસ પછી આખરે લોરીને ન્યૂરોસિસ્ટિસર્કોસિસ હોવાનું નિદાન થયું.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂએચઓ)ના જણાવ્યા પ્રમાણે, કાચું કે બરાબર ન રંધાયેલું ડુક્કરનું માંસ (પોર્ક) આરોગવાથી, ટેપવર્મનાં ઈંડાંથી દૂષિત પાણી પીવાથી કે પછી બરાબર સ્વચ્છતા ન જાળવવાથી માણસોમાં આ ચેપ ફેલાય છે.

બ્રિટનમાં આ બીમારી ભાગ્યે જ થાય છે અને રોગચાળો ધરાવનારા દેશોમાંથી સ્થળાંતર કરી આવેલા લોકોમાં જ લગભગ આના કેસો જોવા મળતા હોય છે.

"તે સમયે અઢળક સવાલો હતા, કારણ કે, આગળ જતાં તમારા સ્વાસ્થ્યને શું થવાનું છે, તે તમે નથી જાણતા હોતા," એમ લોરીએ કહ્યું હતું.

"હવે આગળ શું થશે, મારે કઈ-કઈ તકલીફોમાંથી પસાર થવું પડશે, મારે કઈ દવાઓ લેવી પડશે, શું હું ફરી પાછી કામ ઉપર જઈ શકીશ? - આ ડર મને સતાવતો હતો."

લોરી બે અઠવાડિયાં હૉસ્પિટલમાં રહ્યાં અને તેમને એન્ટિ-પેરાસાઇટિક દવાઓ તથા સ્ટેરોઇડ્ઝ આપવામાં આવ્યાં.

થોડા સમય સુધી સારવાર બરાબર ચાલતી હોય અને દવાની અસર થઈ હોય એવું લાગ્યું.

તે પછી અમુક વર્ષો સુધી સ્વાસ્થ્ય બરાબર રહ્યું અને લોરી તેમનાં બહેન સાથે ન્યુઝીલૅન્ડના પ્રવાસે ગયાં, બ્રિસ્ટલ શિફ્ટ થયાં, સર્કસના વર્ગો લીધા અને હાફ મૅરેથોન પણ સંપન્ન કરી.

પણ પછી એક દિવસ અચાનક તેઓ કાર્યસ્થળે બેભાન થઈ ગયાં.

સ્કૅનિંગ કરતાં લોરીના મગજમાં પેરાસાઇટ્સની ફરતે મોટો સોજો આવ્યો હોવાનું માલૂમ પડ્યું.

બેભાન થઈ ગયા પછી લોરી મૂંઝાઈ ગયાં અને તેમને શરીરમાં ઝણઝણાટીનો અનુભવ થવા લાગ્યો.

ત્યાર પછી લોરીએ કામ છોડી દીધું અને તેઓ કાર્મેર્થેનમાં તેમના પિતા સાથે રહેવા જતાં રહ્યાં.

તેમને સ્ટેરોઇડ્ઝ આપવામાં આવ્યાં, જેના લીધે તેમનો દેખાવ બદલાઈ ગયો. જેમ-જેમ જીવન ટૂંકાવા માંડ્યું, તેમ-તેમ નિરાશા તેમને ઘેરી વળી અને આખરે તેમનું માનસિક આરોગ્ય કથળી ગયું.

ન્યૂરોસાઇકિઆટ્રિક હૉસ્પિટલમાં છ સપ્તાહ વીતાવનારાં લોરીએ જણાવ્યું હતું, "આ પેરાનોઇયા (ભ્રમ) અને સાઇકોસિસ મારા પર કબજો જમાવવા માંડ્યા... મને ગંભીર બેચેની અને પેનિક ઍટેક આવતા હતા."

"હું ભાંગી પડી હતી," એમ તેઓ યાદ કરતાં કહે છે.

"મારી દુર્દશા જોઈને મારો પરિવાર વ્યગ્ર થઈ રહ્યો હતો. મિત્રો મારી ખબર પૂછવા આવી રહ્યાં હતાં અને આવી ભયાનક સ્થિતિમાં મને જોતા હતા."

"આવાં એક મુલાકાતી હતાં 20 વર્ષ જૂનાં મારાં મિત્ર નિકોલા બ્રાઉન."

એક મહિના સુધી લોરીને ન જોયાં પછી તેમને આવી હાલતમાં જોતાં નિકોલાને આંચકો લાગ્યો હતો.

નિકોલા તે મુલાકાત યાદ કરતાં કહે છે, "હું રૂમમાં ગઈ, ત્યારે લોરી એક નાની બાળકીની માફક વર્તી રહી હતી."

"જમીન પર ઘૂંટણિયે ચાલી રહી હતી, પડદા પાછળ સંતાઈ જતી હતી, જાણે પાંચ વર્ષની હોય એવી રીતે તેના પિતાના ખોળામાં બેસી જતી હતી."

તેમણે કહ્યું કે, જ્યારે તેઓ રવાના થઈ રહ્યાં હતાં, ત્યારે લોરીએ ગુસ્સે થઈને તેમને કદી પાછા ન આવવા કહ્યું હતું.

તે પછી લોરીએ તેમને ટેક્સ્ટ મેસેજ કર્યો હતો.

"તેમાં લખ્યું હતું, 'મારી ખબર કાઢવા આવવા બદલ ખૂબ આભાર. આજે રાત્રે તમે મને ન્યૂઝમાં જોશો. મારી પાછળ પોલીસ પડી છે.'"

તેમના જણાવ્યા પ્રમાણે, તે સમય ઘણો ડરામણો અને અનિશ્ચિત હતો.

"મને વિચાર આવતો હતો, 'શું લોરી હવે આવી જ રહેશે? શું અમે જૂની લોરીને કદી પાછી જોઈ શકીશું?'"

તે પછી સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા ઘણી લાંબી મજલ કાપવી પડી હતી.

હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી પણ લોરીની "સ્થિતિ સારી નહોતી" અને તેઓ ફરી તેમના પિતા સાથે જ રહેવા ગયાં.

"મને બિલકુલ સારું નહોતું, હું સ્હેજ પણ સામાન્ય નહોતી દેખાતી. હું બહાર નીકળવા નહોતી માગતી," એમ લોરીએ કહ્યું હતું.

એ પછી લોરીએ કાર્મેર્થેનમાં એક આર્ટ ફાઉન્ડેશન કોર્સ પૂરો કર્યો અને 2018 સુધીમાં તેઓ કાર્ડિફ પરત ફરવા માટે તથા ઇન્ટિરીયર ડિઝાઇન ડિગ્રી મેળવવા માટે સક્ષમ થઈ ગયાં હતાં.

છેવટે, 2022માં તેઓ કામ પર પરત ફર્યાં.

લોરીના કન્સલ્ટન્ટ ડૉક્ટર હિલીના જણાવ્યા પ્રમાણે, લોરી તેમની સમગ્ર કારકિર્દીમાં માત્ર એક જ વખત જોવા મળે, એવાં દર્દી હતાં.

"ઘણાં, ઘણાં વર્ષોમાં આ પ્રકારનાં લક્ષણો ધરાવતો મેં આ એકમાત્ર કેસ જોયો છે," એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, બ્રિટન અને અમેરિકાના ઘણા અગ્રણી નિષ્ણાતો દ્વારા લોરીના કેસને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

આગળ તેમણે જણાવ્યા મુજબ, "મને નથી લાગતું કે, મને મારી કારકિર્દીમાં આવો બીજો કેસ જોવા મળે - અને દેશભરમાં બીજા પણ ચેપી રોગના એવા ઘણા કન્સલ્ટન્ટ્સ હશે, જેમની સામે આવો કેસ કદીયે નહીં આવે, આ એટલો દુર્લભ કેસ છે."

લોરી હવે તંદુરસ્ત છે અને જીવનને પૂર્ણપણે જીવવા માટે મક્કમ છે.

વર્ષો સુધી આરોગ્યલક્ષી સમસ્યા સામે ઝઝૂમ્યા પછી પેરાસાઇટ્સ લોરીના મગજમાં કેલ્સિફાઇડ (જામીને કઠોર) થઈ ગયા છે.

લોરીના જણાવ્યા મુજબ, "તેમને મારા મગજમાંથી બહાર કાઢી નાખવા માટે મારા પર કોઈ સર્જરી કરાઈ નથી. દેખીતી રીતે જ, તે નિષ્ક્રિય થઈને મરી જાય છે અને મૂળભૂત રીતે કેલ્સિફાઇડ થઈ જાય છે. આથી, હાલના તબક્કે તે કેલ્સિફાઇડ થઈ ગયા છે."

ડૉક્ટર હિલીએ જણાવ્યું હતું કે, લોરીને "તમામ ઈંડાંનો નાશ કરવા માટેની સારવાર અપાઈ હતી અને હવે તે આ સમસ્યાથી બહાર આવી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે".

2017 પછી લોરીને આંચકી આવી નથી, પણ હવે તેમણે જીવનભર એપિલેપ્સી (વાઈ)ની દવા લેવી પડશે.

અત્યારે કાર્ડિફમાં રહેતાં લોરીએ જણાવ્યું હતું કે, આ કસોટીમાંથી કશુંક સકારાત્મક કાર્ય થાય, એ માટે તેઓ મક્કમ છે.

"હવે હું મારા જીવનમાં આગળ વધવા માગું છું અને આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવીને તે ક્ષેત્રમાં કોઈ સકારાત્મક કાર્ય કરવા માગું છું," એમ તેમણે જણાવ્યું હતું.

"આવનારા સમયમાં શું થવાનું છે, તે તમને ખબર નથી હોતી... મને આનંદ છે કે, હું હયાત છું અને ફરી પાછી તંદુરસ્ત થઈ ગઈ છું અને હું આ બાબતને ક્યારેય સહજતાથી નથી લેતી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન