સાત મિનિટ સુધી 'મૃત' રહેલો ફૂટબૉલર, જેણે કોચ બનીને વર્લ્ડકપમાં બ્રાઝિલને બહાર ફેંકી દીધું

    • લેેખક, બીબીસી ન્યૂઝ મુન્ડો
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

"મારી મા મારા અંતિમસંસ્કારની તૈયારી કરી રહ્યાં હતાં."

આ શબ્દ એ વ્યક્તિના છે જે આજે પણ જીવિત છે અને તાજેતરમાં મોટો ઇતિહાસ રચી દીધો છે. તેમનું નામ છે સ્ટૉલ સોલબાકેન.

58 વર્ષના સોલબાકેન નૉર્વેની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમના મુખ્ય કોચ છે. તેમની ટીમે રવિવારે અમેરિકામાં રમાઈ રહેલા ફૂટબૉલ વર્લ્ડકપમાં સૌથી મોટો ઊલટફેર કરીને પાંચ વખતના વર્લ્ડ ચૅમ્પિયન બ્રાઝિલને બહાર ફેંકી દીધું હતું.

મૅચ ખતમ થયા બાદ સોલબાકેન તેમના પરિવારને મળવા ગયા, તેનું કારણ પણ ખાસ હતું. લગભગ 25 વર્ષ પહેલાં 13 માર્ચ, 2001ના રોજ તેમના હૃદયે સાત મિનિટ સુધી ધડકવાનું બંધ કરી દીધું હતું.

તેઓ 26 કલાક સુધી કોમામાં પણ રહ્યા હતા.

ઇટાલિયન અખબાર લા ગેઝેટા ડેલો સ્પૉર્ટ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "જ્યારે મારાં માતા મારી પાસે આવી રહ્યાં હતાં, ત્યારે તેમને મારી વાસ્તવિક સ્થિતિ ખબર નહોતી. આખા રસ્તે તેઓ મારા અંતિમ સંસ્કાર કેવી રીતે થશે તે વિશે વિચારી રહ્યાં હતાં."

પરંતુ સોલબાકેને મૃત્યુને માત આપી અને આગળ જઈને નૉર્વેની સૌથી પ્રતિભાશાળી ફૂટબૉલ પેઢીનું નેતૃત્વ કર્યું.

તેમની ટીમમાં માર્ટિન ઓડેગાર્ડ (આર્સેનલ), ઍલેક્ઝાન્ડર સોર્લોથ (ઍટ્લેટિકો મૅડ્રિડ) અને સૌથી મોટા સ્ટાર ઇર્લિંગ હાલૅન્ડ (માન્ચેસ્ટર સિટી) જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

હાલૅન્ડે બ્રાઝિલ સામે બે ગોલ કર્યા હતા. તેઓ આ વર્લ્ડકપમાં સાત ગોલ કરી ચૂક્યા છે, જે લિયોનેલ મેસ્સી અને કાયલિયન એમબાપેના ગોલની બરાબરી છે.

બ્રાઝિલ સામેની જીત પછી સોલબાકેન "આ નૉર્વેજિયન ફૂટબૉલ ઇતિહાસનો સૌથી મોટો દિવસ છે."

પરંતુ તેમની આ અસાધારણ કહાણી બ્રાઝિલ સાથે જોડાયેલા એક યાદગાર વિજયથી પણ શરૂ થાય છે.

મિડફીલ્ડર

1990ના દાયકામાં સ્ટૉલ સોલબાકેન નૉર્વેના અગ્રણી મિડફીલ્ડર હતા. તે સમયગાળા દરમિયાન નૉર્વે, તોરે આન્દ્રે ફ્લો અને ઓલે ગુન્નર સોલ્સ્ક્યર જેવા ખેલાડીઓ સાથે, સતત બે વર્લ્ડકપ (1994 અને 1998) માટે ક્વૉલિફાઇ થયું.

1998ના વર્લ્ડકપમાં સોલબાકેન એ ટીમનો ભાગ હતા જેમણે ગ્રૂપ સ્ટેજની અંતિમ મૅચમાં તત્કાલીન વિશ્વ ચૅમ્પિયન બ્રાઝિલને 2-1થી હરાવ્યું હતું.

આ જીતથી નૉર્વે પહેલી વાર વર્લ્ડકપ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું. જોકે, બાદમાં તે ઇટાલી સામે હારી ગયું.

તે સમય સુધી નૉર્વેના ફૂટબૉલ ઇતિહાસમાં સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવતી હતી.

વર્ષ 2000માં 33 વર્ષની ઉંમરે સોલબાકેન ડૅનિશ ક્લબ એફસી કૉપનહૅગનમાં જોડાયા હતા.

માતા અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યાં હતાં

13 માર્ચ, 2001ના રોજ પ્રશિક્ષણ સત્ર દરમિયાન તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેઓ મેદાન પર ઢળી પડ્યા.

ટીમ ડૉક્ટર ફ્રૅન્ક ઓડેગાર્ડે તરત જ પ્રાથમિક સારવાર શરૂ કરી અને ઍમ્બ્યુલન્સ બોલાવી.

તેમનું હૃદય સાત મિનિટ માટે ધબકતું બંધ થઈ ગયું અને તેમને તબીબી રીતે મૃત જાહેર કરવામાં આવ્યા.

હૉસ્પિટલ જતા રસ્તામાં ડૉક્ટરોએ તેમને ફરીથી જીવિત કર્યા, પરંતુ તેઓ 26 કલાક સુધી કોમામાં રહ્યા.

તેમણે પાછળથી એક પૉડકાસ્ટમાં કહ્યું, "મને વાદળી પ્રકાશ દેખાઈ રહ્યો હતો અને પછી એક ટનલ દેખાઈ. તે સમયે મને લાગ્યું કે હું ત્યાં થોડો વધુ સમય રહેવા માગું છું."

તે સમયે તેમનાં માતા નૉર્વેથી કૉપનહેગન આવી રહ્યાં હતાં. તેઓ વિચારી રહ્યાં હતાં કે જો તેનો દીકરો ન બચે તો તેના અંતિમ સંસ્કાર કેવી રીતે કરાશે, અને જો તે બચી જાય પણ મગજને નુકસાન થાય તો તેનું જીવન કેવું હશે.

પરીક્ષણોમાં જન્મજાત હૃદયની બીમારી હોવાનું બહાર આવ્યું, અને ડૉક્ટરોએ તેમને કહ્યું કે તેમણે વ્યાવસાયિક ફૂટબૉલ છોડી દેવો પડશે.

તેમના શરીરમાં પૅસમેકર લગાવવામાં આવ્યું અને તેમની રમત કારકિર્દી 33 વર્ષની ઉંમરે સમાપ્ત થઈ ગઈ.

ખેલાડીથી સફળ કોચ સુધી

આ પછી સોલબાકને કોચિંગ શરૂ કર્યું.

છેલ્લાં 26 વર્ષમાં તેમણે ડેનમાર્ક, ઇંગ્લૅન્ડ અને જર્મનીમાં કોચિંગ આપ્યું છે, જેમાં એફસી કૉપનહેગનમાં મોટી સફળતા મળી છે.

ડિસેમ્બર 2020માં તેમને નૉર્વેજિયન રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

તે જ સમયે, ઇર્લિંગ હાલૅન્ડ અને માર્ટિન ઓડેગાર્ડ જેવા યુવા સ્ટાર્સ ઊભરી રહ્યા હતા.

તેમની ટીમ 2022 વર્લ્ડકપ અને 2024 યુરોપિયન ચૅમ્પિયનશિપ માટે ક્વૉલિફાઇ કરવામાં નિષ્ફળ રહી હોવા છતાં નૉર્વેજિયન ફૂટબૉલ ઍસોસિયેશનને તેમના પર વિશ્વાસ ચાલુ રહ્યો.

2026ના વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાં નૉર્વેએ ઇટાલી સહિત ઘણી મજબૂત ટીમોનો સામનો કર્યો હતો.

ટીમે તમામ આઠ ગ્રૂપ મૅચ જીતી અને સીધા વર્લ્ડકપ માટે ક્વોલિફાઇ થઈ ગઈ.

નૉર્વેએ વર્લ્ડકપમાં પણ પોતાનો પ્રભાવશાળી દેખાવ ચાલુ રાખ્યો. ગ્રૂપ સ્ટેજમાં ફ્રાન્સ પછી બીજા સ્થાને રહીને તેણે નૉકઆઉટમાં આઇવરી કૉસ્ટ અને પછી બ્રાઝિલને હરાવીને પ્રથમ વખત વર્લ્ડકપ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

સોલબાકેને નૉર્વેજિયન ફૂટબૉલ ઍસોસિયેશન દ્વારા શૅર કરાયેલા એક વીડિયોમાં કહ્યું હતું કે, "આ ખેલાડીઓએ માત્ર નૉર્વેજિયન ફૂટબૉલનો ઇતિહાસ જ નહીં, પરંતુ સમગ્ર દેશનો ઇતિહાસ બદલી નાખ્યો છે."

તેમણે કહ્યું, "આજે અમે જે ખુશી અનુભવી રહ્યા છીએ તે સમગ્ર નૉર્વેમાં અનુભવાઈ રહી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર."

હવે નૉર્વે પહેલી વાર વર્લ્ડકપ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે અને આ સિદ્ધિ પાછળ તેના કોચની અસાધારણ સફર પણ એટલી જ પ્રેરણાદાયક છે.

સોલબાકેને એક વાર કહ્યું હતું કે, "જ્યારે હું એ દિવસે બચી ગયો હતો, એટલે હવે હું કોઈ પણ પડકારનો સામનો કરી શકું છું."

આજે આ વાત તેમના જીવન અને તેમની ફૂટબૉલ સફર બંને સાથે સંપૂર્ણ રીતે બંધ બેસે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન