અમેરિકામાં લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સહિત કેટલાંક જૂથો પર ઍક્શન, કહ્યું -'ગુંડાઓ માટે કોઈ જગ્યા નથી' - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકન પ્રૉસિક્યૂટર્સે બિશ્નોઈ ગૅંગ સહિત ભારત-બેઝ્ડ ત્રણ સંગઠિત અપરાધિક સમૂહો સાથે કથિતપણે સંકળાયેલા 24 શકમંદોની અમેરિકા, કૅનેડા અને યુરોપ ખાતે ધરપકડ કરાઈ હોવાની જાહેરાત કરી હતી.

આ શકમંદો સામે વર્ષ 2023માં કૅનેડામાં બ્રિટિશ કોલંબિયા ટેમ્પલની બહાર શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાની સિવાય અન્ય શ્રેણીબદ્ધ ગુના કર્યાના આરોપ છે.

સંઘીય પ્રૉસિક્યૂટર્સે લૉસ એન્જલસ ખાતે કહ્યું કે આ ધરપકડ ટાર્ગેટેડ હત્યા, ખંડણી અને સમગ્ર વિશ્વમાં ડ્રગ ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા ક્રાઇમ સિન્ડિકેટ્સ વિરુદ્ધ વર્ષો સુધી ચાલેલી સંઘીય તપાસનું પરિણામ છે.

મંગળવારે સામે આવેલા ત્રણ અભિયોગમાં કુલ 37 લોકો સામે આરોપ કરાયા છે.

ફર્સ્ટ આસિસ્ટન્ટ યુનાઇટેડ સ્ટેટ્સ ઍટર્ની બિલ એસાયલીએ એક નિવેદનમાં કહ્યું, "બીક, ડ્રગ્સ અને હિંસા ફેલાવનાર આ બહુરાષ્ટ્રીય ગુનાખોર ગૅંગ્સ ન્યાયની સંપૂર્ણ તાકત અને સંઘીય સરકારના સંપૂર્ણ ભારનો સામનો કરશે."

"આ લોકો માટે કોઈ સુરક્ષિત જગ્યા નથી."

45 વર્ષીય નિજ્જરની ત્રણ વર્ષ પહેલાં તેમના વિહિકલમાં બે બુકાનીવાળા બંદૂકધારીઓએ વૅન્કૂવરની પૂર્વ 30 કિમી દૂર આવેલા શહેર સરેના ગુરુ નાનક શીખ ગુરુદ્વારાની કાર પાર્કિંગમાં હત્યા કરી દીધી હતી.

તેઓ એક મહત્ત્વપૂર્ણ શીખ અલગતાવાદી નેતા હતા, જેઓ ખાલિસ્તાન ( ભારતના પંજાબ ખાતે સ્વતંત્ર શીખ સ્વદેશ) માટે જાહેરમાં અવાજ ઉઠાવતા.

હોર્મુઝની સામુદ્રધુની ખાતે ફરી તણાવ, ટૅન્કરો પર ઍટેક બાદ અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો

અમેરિકાએ હોર્મુઝની સામુદ્રધુનીમાં ત્રણ કૉમર્શિયલ જહાજો પર થયેલા હુમલાના જવાબમાં ઈરાન પર ઘણા 'જોરદાર' હવાઈ હુમલા કર્યા છે.

હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે, પરંતુ અત્યાર સુધી કોઈનું મૃત્યુ થયું હોવાની જાણકારી નથી મળી.

યુએસ સેન્ટકૉમે મંગળવારે કહ્યું કે અભિયાન આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં નિર્દોષ ચાલકદળવાળાં કૉમર્શિયલ જહાજોને ફરીથી નિશાન બનાવવા વિરુદ્ધ શરૂ કરાયું છે.

બીજી તરફ, ઈરાનના ઉપવિદેશમંત્રીએ આ હુમલાને ગત મહિને અમેરિકા-ઈરાન વચ્ચે થયેલા વચગાળાના સમાધાન વિરુદ્ધ ગણાવ્યો છે.

તેમણે કહ્યું કે ઈરાન આની વિરુદ્ધ 'નિર્ણાયક પગલું' લેશે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર હુમલા કેશમ દ્વીપ, બંદર અબ્બાસ અને સિરિક ખાતે થયા.

અમેરિકા પહેલાં જ કહી ચૂક્યું હતું કે જો ટૅંકરો પર હુમલા થયા તો ઈરાને પરિણામ ભોગવવાં પડશે.

મંગળવારે જાહેર કરાયેલા નિવેદનમાં યુએસ સેન્ટકૉમે કહ્યું કે આ હુમલા 'ઈરાનના હુમલાના જવાબ'માં કરાયા છે.

સેંટકૉમે કહ્યું, "ઈરાનની આક્રમક કાર્યવાહી અકારણ, ખતરનાક અને યુદ્ધવિરામનું સ્પષ્ટ ઉલ્લંઘન હતી."

આ હુમલા પહેલાં મંગળવારે અમેરિકન નાણા મંત્રાલયે એ અસ્થાયી છૂટ પાછી ખેંચી લીધી, જેના અંતર્ગત ઈરાન પર ઑઇલ સંબંધિત પ્રતિબંધોમાં થોડા સમય માટે ઢીલ અપાઈ હતી.

ઇંગ્લૅન્ડ વિરુદ્ધ મળેલી મોટી હાર અંગે કપ્તાન શ્રેયસ અય્યરે શું કહ્યું?

ટ્રેન્ટ બ્રિજ ખાતે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મૅચમાં ભારતને રનના દૃષ્ટિકોણથી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. મૅચ બાદ, ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટીમના પ્રદર્શનને "ખૂબ જ ખરાબ" ગણાવ્યું.

પાંચ મૅચની સિરીઝમાં ઇંગ્લૅન્ડે 2-0થી લીડ મેળવી લીધી છે, નોંધનીય છે કે બંને ટીમો વચ્ચેની એક મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

અય્યરે કહ્યું, "મને લાગે છે કે અમારું પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું. સાચું કહું તો, મારી પાસે તેના માટે આનાથી સારો શબ્દ નથી."

ફિલ સોલ્ટના 70 રન અને સેમ કરનની વિસ્ફોટક ઇનિંગ્સના બળે, ઇંગ્લૅન્ડે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા. જવાબમાં, જોફ્રા આર્ચર અને જોશ ટંગની ફાસ્ટ બૉલિંગ સામે ભારતીય બૅટ્સમૅન ટકી શક્યા નહોતા.

ભારત ફક્ત 76 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું, જે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમનો બીજો સૌથી ઓછો સ્કોર હતો. ટીમનો કોઈ પણ બૅટ્સમૅન 13થી વધુ રન બનાવી નહોતો શક્યો. વૈભવ સૂર્યવંશી અને ઇશાન કિશને સૌથી વધુ 13 રન બનાવ્યા.

મૅચ બાદ, અય્યરે કહ્યું, "આટલા મોટા માર્જિનથી હાર બિલકુલ અસ્વીકાર્ય છે. સૌપ્રથમ, અમારે આ હાર સ્વીકારવી પડશે અને પછી ડ્રૉઇંગ બોર્ડ પર પાછા જવું પડશે અને સમજવું પડશે કે અમે ક્યાં ભૂલ કરી."

પીચનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, "વિકેટ જોતાં, મને નથી લાગતું કે તે 200 રનની પીચ હતી, પરંતુ જે રીતે અમે બેટિંગ કરી, તેના કારણે પાવરપ્લેમાં જ અમે ચાર વિકેટ ગુમાવી દીધી. ત્યાં જ અમારી લય તૂટી ગઈ અને મને લાગે છે કે મૅચ પણ અમારા હાથમાંથી સરકી ગઈ."

સિરીઝમાં બે મૅચ બાકી હોઈ, શ્રેયસ અય્યરે તેના સાથી ખેલાડીઓને વ્યક્તિગત જવાબદારી લેવા અને મૅચવિનિંગ પ્રદર્શન કરવા વિનંતી કરી.

તેમણે કહ્યું, "અમે ચોક્કસપણે ખૂબ જ ખરાબ ક્રિકેટ રમ્યા છીએ, પરંતુ અમે તેમાંથી ઘણું શીખ્યા છીએ. દરેક ખેલાડીએ વિચારવું પડશે કે તે ટીમ પર કેવી રીતે અસર કરી શકે છે અને મૅચના મોમેન્ટમને ટીમના પક્ષમાં કેવી રીતે લાવી શકે."

અય્યરે કહ્યું, "દરેક ખેલાડીએ જવાબદારી લેવી પડશે અને વિચારવું પડશે કે તે ટીમ માટે મૅચ કેવી રીતે જીતી શકે."

ફીફા વર્લ્ડકપ: સ્વિટ્ઝર્લૅન્ડ કોલંબિયાને 4-3 હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું

ફીફા વર્લ્ડકપની એક પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં સ્વિટ્ઝર્લૅન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને 4-3થી હરાવીને અંતિમ આઠમાં જગ્યા બનાવી લીધી છે.

મૅચની નિર્ધારિત 90 મિનિટ અને વધારાના સમય સુધી બંને ટીમો ગોલ નહોતી કરી શકી, જે બાદ મૅચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ વડે કરાયો.

પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને બે મોટા ફટકા પડ્યા. ડેવિડસન સાંચેઝની પેનલ્ટી ક્રૉસબાર સાથે અથડાઈ. જ્યારે કુશો હર્નાંડેઝનો શોટ સ્વિટ્ઝર્લૅન્ડના ગોલકીપરે રોકી લીધો.

પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડના રૂબેન બરગાસે નિર્ણાયક પેનલ્ટી પર ગોલ કરીને પોતાની ટીમને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચાડી દીધી.

સ્વિટ્ઝર્લૅન્ડ વર્લ્ડકપના ઇતિહાસમાં 13મી વખત રમી રહ્યું છે. આ દરમિયાન તે ચોથી વખત ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે.

1954 બાદ આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે ટીમ વર્લ્ડકપના અંતિમ આઠમાં પહોંચી છે.

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પોલીસકર્મીઓ પર હુમલો, નવ જવાનનાં મોત

પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનમાં બંદૂકધારીઓના હુમલામાં ઓછામાં ઓછા નવ પોલીસકર્મીનાં મૃત્યુ થયાં છે, તેમજ ઘણા હજુ ગુમ છે.

એક સ્થાનિક સરકારી અધિકારીએ બીબીસી ઉર્દૂને આ જાણકારી આપી હતી.

બલૂચિસ્તાનના જિયારત જિલ્લામાં અબજો રૂપિયાના રોકાણ વડે બની રહેલા ડૅમના નિર્માણસ્થળની સુરક્ષામાં તહેનાત પોલીસ પર હુમલાખોરોએ અચાનક ગોળીબાર કરી દીધો હતો.

જિયારતના ડેપ્યુટી કમિશનર અબ્દુલ કુદ્દદૂસ અચકજઈએ જણાવ્યું કે માર્યા ગયેલા લોકોમાં બે વરિષ્ઠ પોલીસ અધિકારી પણ સામેલ છે. ગુમ પોલીસકર્મીઓની શોધખોળ માટે સર્ચ ઑપરેશન ચલાવાઈ રહ્યું છે.

હાલ કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી. જોકે, બલૂચિસ્તાન પ્રશાસનનું કહેવું કે વળતી કાર્યવાહી અંતર્ગત સુરક્ષા દળોએ જિયારતમાં ચલાવેલા ક્લિયરન્સ ઑપરેશનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના 15 ચરમપંથી માર્યા ગયા છે.

હુમલાના વિરોધમાં ઘટનાસ્થળ પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ પર પ્રદર્શન પણ કરાઈ રહ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન