You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : રીલ બનાવવા ભાડે લીધેલી એસયુવી કૅનાલમાં ખાબકતાં ત્રણનાં મૃત્યુ, પરિવારે કહ્યું - 'ડ્રાઇવિંગ આવડતું નહોતું'
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ચેતવણી - આ અહેવાલના અમુક અંશ, અમુક વાચકોને વિચલીત કરી શકે છે. પાઠકનો વિવેક અપેક્ષિત.
"તારા હાટુ તો અમે જીવીએ છીએ. તારા માટે તો અમે ફ્લેટ લીધો હતો. તું કેમ આમ કરે છે મારા લાલ" આ શબ્દો સાથે હૈયાફાટ રુદન કરતાં સગીરનાં માતાનો વલોપાત સાંભળીને ઘટનાસ્થળ પર હાજર સૌની આંખમાં આસું હતા.
ઘટનાસ્થળ ત્રણ યુવાનોનાં માતા હૈયાફાટ રડી રહ્યાં હતાં. ત્રણેય મિત્રોના પરિવારના લોકો સ્થળ પર ભારે રુદન કરી રહ્યા હતા.
ચાર મિત્રો અમદાવાદની ફતેહવાડી કૅનાલ ખાતે રીલ બનાવવા માટે ગયા હતા, જેમાંથી બે મિત્રો સગીર હતા.
આ ચારેય મિત્રોએ રીલ બનાવવા માટે સ્કૉર્પિયો કાર ભાડે લીધી હતી. એક સગીર યુવાન કથિત રીતે ગાડી ચલાવી રહ્યો હતો. ટર્ન લેવા જતી વખતે સ્પીડ અને બૅલેન્સ ન રહેતા ગાડી કૅનાલમાં જતી રહી હતી.
ગાડી કૅનાલમાં પડી ત્યારે બે સગીર મિત્રો સાથે ક્રિશ ગાડીમાં હતા, જ્યારે વિરાજ બહાર ઊભા હતા.
આ ઘટના ગત બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ઘટના બની હતી. એ સમયે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કૉન્સ્ટેબલ રસ્સો લઈને કૅનાલમાં કૂદ્યા હતા.
અમદાવાદ ફાયર અને પોલીસ કોલ મળતા તેમની ટીમો પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો આખી રાત કૅનાલમાં યુવકોની ભાળ મેળવવા પ્રયાસ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સવારે પહેલાં એક સગીરનો મૃતદેહ અમદાવાદની ફતેહવાડી કૅનાલમાં મેટ્રો યાર્ડ પાસેથી અને બાદમાં અન્ય સગીરનો પાર્થિવદેહ ફતેહવાડીથી વાસણા પાસેની કૅનાલમાંથી મળી આવ્યો હતો. જોકે, ગુરુવારે કારમાં સવાર યુવાન ક્રિશ દવેના કોઈ સમાચાર મળી શક્યા નહોતા.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર બાદમાં ક્રિશ દવેનો મૃતદેહ પણ શુક્રવારે ફતેવાડી નજીક કૅનાલમાંથી ફાયર બ્રિગેડના જવાનોને મળી આવ્યો હતો.
રાહત અને બચાવ કામગીરી માટે કૅનાલમાં પાણી બંધ કરાવવામાં આવ્યું હતું.
ગુરુવારે બપોરે ઘટનાસ્થળે ક્રિશનાં મમ્મી સહિતનો પરિવાર તેમનો પુત્ર હેમખેમ મળી આવે તે માટે પ્રાર્થના અને જાપ કરતો નજરે પડ્યો હતો.
ઘટનાક્રમને નજરે જોનારા વિરાજસિંહ રાઠોડે ટ્રાફિક વિભાગના એમ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પરિવાર અને મિત્રોએ શું કહ્યું?
મળતી માહિતી મુજબ, બે સગીર આંબાવાડી વિસ્તારમાં, જ્યારે ક્રિશ પાલડી વિસ્તારમાં રહેતા હતા.
ક્રિશના કાકા હિતેશભાઈ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "મિત્રોને મળવાનું કહીને ક્રિશ બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ ઘરેથી નીકળ્યો હતો. ક્રિશનો મિત્ર વિરાજ ઘટનાસ્થળે હાજર હતો, તેણે જ અમને જાણ કરી હતી."
"ક્રિશ ધો. 12 સુધી ભણેલો છે અને તે ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો. મંગળવારે સવારે તે એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો હતો, જ્યાંથી ઘરે આવ્યો હતો. ક્રિશ તેનાં માતા-પિતાનું એકનું એક સંતાન છે."
હિતેશભાઈએ દવેએ જણાવ્યું હતું, "રીલ બનાવતા દરેકને મારી હાથ જોડીને વિનંતી છે કે તમારી પાંચ મિનિટની રીલમાં તમારા પરિવારને 50 વર્ષની સજા મળી જાય છે. તમારી નાની ભૂલનું પરિણામ તમારાં માતા-પિતા અને પરિવારે ભોગવવું પડે છે."
કૅનાલમાં ડૂબી ગયેલા યુવાનોના અમુક મિત્રો ઘટનાસ્થળે હાજર હતા. બીબીસી ગુજરાતીએ અલગ-અલગ મિત્રો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે તેઓ બધા એક જ ગ્રૂપના હતા.
આ યુવાનો નવરાત્રીના ગરબા ક્લાસીસ દરમિયાન મળ્યા હતા અને સાથે જ ગરબા રમવા જતા. નવરાત્રી બાદ પણ તેમનો સંપર્ક જળવાય રહ્યો હતો અને તેઓ અલગ-અલગ સ્થળોએ મળતા હતા.
અન્ય એક મિત્રે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું, "ત્રણમાંથી કોઈને ગાડી ચલાવતા આવડતું ન હતું."
મિત્રોના કહેવા પ્રમાણે અગાઉ તેમણે એક મિત્રની કારમાં રીલ બનાવી હતી અને પછી તરત જ તેને ડિલીટ પણ કરી નાખી હતી. એ પછી તેઓ સાદી રીલ જ બનાવતા હતા.
અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસે શું કહ્યું ?
અમદાવાદ ઝોન 7 ના ડીસીપી શિવમ્ વર્માએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું, "મંગળવારે સાંજે 6.30 વાગે મૅસેજ મળ્યો હતો કે કાળા કલરની સ્કૉર્પિયો કાર કૅનાલમાં પડી ગઈ છે. મૅસેજ મળતા પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળ પર પહોંચી હતી."
"પોલીસે સૌપ્રથમ વાસણા કૅનાલના પાણીનો પ્રવાહ બંધ કરાવવાની કાર્યવાહી કરી હતી. અમારા હેડ કૉન્સ્ટેબલ મનોજકુમારને ઘટનાની જાણ થતાં તેઓ તરત જ રસ્સો લઈને પાણીમાં કૂદી પડ્યા હતા. જોકે, સ્કૉર્પિયો ગાડીમાં કોઈ મળ્યું ન હતું."
શિવમ્ વર્માએ અકસ્માતના કારણ અંગે વાત કરતાં જણાવ્યું હતું, "પ્રાથમિક તપાસમાં અમને લાગી રહ્યું છે કે ગાડી ચલાવનાર સગીરે ભૂલમાં બ્રૅકને બદલે ઍક્સેલેટર પર પગ દબાવી દીધો હશે. જેના કારણે ગાડીની અચાનક સ્પીડ વધી ગઈ અને તેઓ કંટ્રૉલ ન કરી શક્યા. આથી, અકસ્માત સર્જાયો હોય એમ લાગી રહ્યું છે."
મિત્રો કૅનાલ પાસે કેમ ગયા હતા?
ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું, "ફોટો અને રીલ બનાવવા માટે સાત થી આઠ લોકોએ ભેગા મળીને સ્કૉર્પિયો ગાડી ભાડે લીધી હતી. ગાડી ભાડે લેનારમાં કેટલાક સગીર અને કેટલાક 19 વર્ષના યુવાનો છે."
"હિમાલયા મૉલ પાસે આવેલી ટુર્સ અને ટ્રાવેલ્સ પાસેથી 3500 રૂપિયા ભાડું આપીને ગાડી લીધી હતી. કૅનાલની આસપાસની જગ્યા સારી લાગતી હોવાથી તેઓ ફોટો અને વીડિયો બનાવવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે."
"આ લોકો ઇન્સ્ટ્રાગ્રામ પર વીડિયો અને ફોટો પોસ્ટ કરીને ફૉલોઅર્સ વધારવા માંગતા હોવાની માહિતી મળી છે. આ સગીર અને યુવાનોએ અગાઉ પણ આ જગ્યા પર વીડિયો અને રીલ બનાવ્યા હોવાની માહિતી મળી છે. જે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ."
"પોલીસ વિભાગ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરામાં ઘટના કૅપ્ચર થઈ હતી. પ્રાથમિક જાણાકરી મળી છે કે તેમણે અગાઉ પણ ગાડી ચલાવી હતી. આ અંગે તપાસ કરવામાં આવશે. આ મિત્રો બે-ત્રણ અલગ-અલગ ગાડીમાં ઘટનાસ્થળ પર પહોંચ્યા હોવાની માહિતી છે."
ગાડીના માલિકે શું કહ્યું?
સ્કૉર્પિયો ગાડીના માલિક સૌરભ ગુપ્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું, "તેમનો મિત્ર મૌલિક દર્શન કરવા માટે જવાનું હોવાનું કહીને ગાડી લઈને ગયો હતો. મૌલિકે એક અન્ય યુવકને ગાડી આપી હતી. અમે કોઈને ભાડે ગાડી આપી નથી."
શિવમ વર્માએ વધુમાં જણાવ્યું હતું, "પોલીસ તપાસ કરી રહી છે કે જો ભાડે ગાડી આપનાર ટુર્સ અને ટ્રાવેલ્સના માલિકની પણ કોઈ બેદરાકરી જણાશે, તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે."
"કૉમર્શિયલ લાઇસન્સ હોય તો જ ગાડી ભાડે આપી શકાય છે. ગાડી ભાડે આપનાર પાસે કૉમર્શિયલ લાઇસન્સ હતું કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. બેજવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ અને સગીરને ગાડી આપવા અંગેની ફરિયાદ નોંધાવામાં આવી છે."
કૅનાલમાં કૂદી જનાર પોલીસમૅન પોલીસ કોણ હતા?
પોલીસ કૉન્સ્ટેબલ મનોજ મકવાણા ,વાસણ પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં ફરજ બજાવે છે. તેઓ પેટ્રોલિંગમાં હતા, તે સમયે તેમને અકસ્માત અંગે માહિતી મળતા તેઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા.
મનોજ મકવાણાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું, "હું પીસીઆર વાનમાં પેટ્રોલિંગ પર હતો તે વખતે બે લોકોએ કહ્યું હતું કે સ્કૉર્પિયો ગાડી પાણીમાં પડી છે, તો પાણીનું વહેણ બંધ કરાવવાનું છે. હું તરત જ ઘટનાસ્થળ પર પહોંચ્યો તેમજ અમારી ટીમને ફોન કરીને જાણ કરી દીધી હતી."
મનોજ મકવાણાએ વધુમાં જણાવ્યું કે "સ્થળ પર હાજર લોકો પાસેથી જાણવા મળ્યું કે બે લોકો તણાઈ ગયા છે અને એક વ્યક્તિ સ્કૉર્પિયો ગાડીમાં અંદર હોવાની શંકા છે. ગાડીની લાઇટ ચાલુ હોવાથી અમને લાગ્યું કે કોઈ હોઈ શકે છે. હું તરત જ રસ્સો બાંધીને લોકોની મદદથી અંદર પડ્યો હતો."
"મેં ગાડીનો કાચ તોડીને અંદર જોયું પરંતુ ગાડીમાં કોઈ હતું નહી. લોકોનો જીવ બચાવવો તે અમારી ફરજ છે. બાદમાં ફાયરની ટીમ આવી અને સ્કૉર્પિયો ગાડીને બહાર કાઢી હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન