You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ભૂત' સામે દેખાતું હોય અને પીછો કરો તો અલોપ થઈ જાય, નજરે જોનારા શું કહે છે?
- લેેખક, જૉન સ્કૉટ લેવિન્સ્કી
- પદ, બીબીસી ટ્રાવેલ
- પ્રકાશિત
ઉત્તરી મિશિગનમાં રાત થતાંની સાથે જ અમેરિકન હાઈવે-45 પરના એક અંતરિયાળ સ્થળે લોકોની ભીડ, વિશ્વનું કદાચ સૌથી વધુ સમયસાવધ ‘ભૂત’ જોવા એકઠી થાય છે.
સ્કોટિશ લોચમાંનો દરિયાઈ સર્પ હોય અથવા આંતરવિગ્રહના કિલ્લામાં રહેતી સફેદ વસ્ત્રધારી સ્ત્રી હોય, અલૌકિક બાબતોમાં રુચિ ધરાવતા લોકોમાં એક આદત સામાન્ય હોય છે. તેઓ કોઈ પણ નિર્ધારિત પરિસ્થિતિમાં ખુદને અભિવ્યક્ત કરવા તૈયાર હોતા નથી.
આ બાબત, અમેરિકાના મિશિગનના અપર પેનિનસુલામાંના એક સ્થળને સાચા આસ્થાવાનો અને અલૌકિક બાબતોમાં રસ ધરાવતા પ્રવાસીઓ બંને માટે એક અનોખું આકર્ષણ બનાવે છે.
એ પૈકીના કોઈ પણ પૂર્વ-નિર્ધારિત જગ્યાએ યોગ્ય સમયે હાજર રહે તો તેમને પોલડિંગ લાઇટ જોવા મળે છે.
ઉનાળાની મધ્યના ભેજવાળા ધુમ્મસભરી રાતથી માંડીને મિશિગનના લાંબા શિયાળામાં ઘૂંટણ સુધીનો બરફ છવાયો હોય તેવી રાતે પણ રોબિન્સ રોડ પર યુએસ હાઈવે-45 પરના એક ખુલ્લા મેદાનના નાના હિસ્સામાં સ્થાનિક લોકો અને ઉત્સુક પ્રવાસીઓની ભીડ એકત્ર થાય છે.
સૂર્યનો અસ્ત થાય અને સંધ્યા તથા રાત્રીનું મિલન થતું હોય ત્યારે (મોસમ અને વાતાવરણની પરિસ્થિતિ અનુસાર) વિવિધ રંગસભર પ્રકાશ પાંચ માઈલ દૂર આવેલી ટેકરી પર ઝબૂકતો દેખાય છે.
એ ખુલ્લી હવામાં લહેરાતો રહે છે. તેનું કદ ક્યારેય વધતું નથી અને તે ક્યારેય આગળ કે પાછળ જતો નથી. એ ઝબકારા દેખાય છે અને ઝડપભેર વિલીન થઈ જાય છે. તેનો પીછો કરો તો અદૃશ્ય થઈ જાય છે.
તેને સમજવાનું અશક્ય લાગતું હોવા છતાં એ લાઇટ્સ નિઃશંકપણે અને અવિશ્વસનીય રીતે જોવા મળે છે. રાતના પ્રારંભથી માંડીને મળસ્કા સુધી તે વિવિધ માત્રામાં જોવા મળતી રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલૌકિક પ્રકાશનું રહસ્ય
પ્રોફેશનલ ફોટોગ્રાફીનાં સાધનોથી સજ્જ મુલાકાતીઓ વિલીન થતા આભાસના અસ્પષ્ટ ફોટોગ્રાફ્સ ઝડપવામાં સફળ થયા છે, પરંતુ આવા ફોટા તેમના દૃષ્ટિકોણને સમજાવી શક્યા નથી.
આ અલૌકિક પ્રકાશ માટે સ્થાનિક લોકકથાઓ અલગ-અલગ સ્પષ્ટતા આપે છે. તેમાં સૌથી વધુ લોકપ્રિય વાર્તામાં એવો દાવો કરવામાં આવે છે કે એ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા રેલવે બ્રૅકમેનનું ભૂત છે અને તે ભાવિ અકસ્માત સામે ચેતવણી આપવા માટે રાતે ફાનસ પકડીને ઊભેલું દેખાય છે. અલબત્ત, આ વિસ્તારમાં કોઈ રેલવે લાઇન હોવાની નોંધ કે પુરાવા નથી.
પોલડિંગ લાઇટનાં અન્ય કારણો અપેક્ષિત શ્રેણીનાં છે. તે ભલે ખોવાયેલાં બાળકોને શોધતો અગોચર પ્રકાશ હોય કે પછી ઝાડની ટોચને શોધતા પરગ્રહવાસીઓ હોય, પરંતુ મુલાકાતીઓ એવી માન્યતાને વળગી રહે છે કે તેઓ તેમના રોજિંદા વિશ્વથી કશુંક અલગ જોઈ રહ્યા છે.
કથા ભલે ગમે તે હોય, પરંતુ આ લાઇટે નાનકડા પોલડિંગ શહેરને આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. સ્થાનિકો અને પ્રવાસીઓ વિશ્વનું કદાચ સૌથી વધુ સમયસાવધ ‘ભૂત’ જોવા આવતા રહે છે.
તેમને ખવડાવવા-પીવડાવવા કરાવવા રેસ્ટોરાં ધમધમતી રહે છે અને પોલડિંગ લાઇટની ટોપીઓ તથા ટી-શર્ટ્સ વેચતી દુકાનોનો ધંધો ચાલતો રહે છે.
લોકોના અનુભવો શું કહે છે?
નજીકની સપ્લાય શોપ સિલ્વેનિયા આઉટફિટર્સના કર્મચારી સારાહ બેકરે કહ્યું હતું, “મેં પોલડિંગ લાઇટ ઘણી વખત જોઈ છે. તે અલૌકિક હોય એવું મને લાગતું નથી, પણ જોવામાં સરસ લાગે છે. કેટલાક લોકોને લાગે છે કે તે કારની હેડલાઇટ્સ છે, જ્યારે બીજા કેટલાક માને છે કે તે કંઈક અલગ છે, જેને સમજાવી શકાતું નથી.”
આખરે 2010માં મિશિગન ટેક યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી.નો અભ્યાસ કરતા જેરેમી બોસના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓની એક ટુકડી અહીં આવી હતી. કૅમેરા તથા લાઇટ મીટર્સથી માંડીને હાઈ-પાવર ટેલિસ્કૉપ સુધીની દરેક વસ્તુથી સજ્જ એ ટુકડીનું એકમાત્ર મિશન પોલડિંગ લાઇટનું રહસ્ય પુરાવા સાથે સમજાવવાનું હતું.
તેમણે પ્રયોગમુલક પુરાવા શોધી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પોલડિંગ લાઇટ વાસ્તવમાં દૂર જોવા મળતી હેડલાઇટ્સ છે, જે વાતાવરણની અસર સાથે એક ઝબકતો આભાસ સર્જે છે.
જેરેમી બોસ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને હવે મિશિગન ટેક યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગમાં સહયોગી પ્રોફેસર બની ગયા છે. લાઇટ્સ શા માટે જોવા મળે છે તેનું કારણ તેમણે સ્પષ્ટ કર્યું હોવા છતાં દંતકથાઓનો અંત આવ્યો નથી.
જેરેમી બોસે કહ્યું હતું, “જેમણે લાઇટ્સ જોઈ છે એવા લોકોને હું પૂછું છું કે તેમણે શું જોયું હતું અને જે જોયું હતું એ બાબતે તેઓ શું વિચારે છે. તેઓ મને ખુલાસો કરવા કહે તો કરું છું. મોટા ભાગના લોકો કહે છે કે તેમને લબૂકઝબૂક થતી પીળી અથવા લાલ લાઇટ્સ દેખાય છે. તેમાં થોડી ગતિ હોવાનું કારણ ઓટો-કાઈનેટિક ઈફેક્ટ છે. હું ઉનાળામાં ગરમ માર્ગો અને મૃગજળના આભાસ માટે સમાન સ્પષ્ટતા આપું છું.”
લોકો ઇચ્છતા નથી કે રહસ્ય ઉકેલાય
માઈકલ સી રોગમેન મિશિગન ટેક યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર એમિરેટ્સ મૂળભૂત રીતે વિદ્યાર્થી અભિયાનના ફેકલ્ટી સલાહકાર હતા. તેમણે સૂચવ્યું હતું કે લાઇટ્સ વિશેની વૈજ્ઞાનિક સમજૂતીને લોકો સ્વીકારે તો તે પેરાનોર્મલ દાવાઓ જેટલી જ રસપ્રદ બની શકે.
રોગમેને કહ્યું હતું, “એક રેગ્યુલર મૃગજળ વાસ્તવમાં માત્ર પ્રકાશ છે, જે સપાટી નજીકની હવામાં તીવ્ર તાપમાનને કારણે તમારી આંખ તરફ આવે છે. જે લોકો લાઇટ્સને જુએ છે તેમને હું પૂછું છું કે તેમણે તાપમાનના વ્યુત્ક્રમ વિશે કશું સાંભળ્યું છે. તેમાં હવાનું તાપમાન પૃથ્વીની સપાટીની નજીકની ઊંચાઈના એક કાર્ય તરીકે પહેલાં ઘટે છે અને પછી વધે છે.”
રોગમેનના જણાવ્યા મુજબ, વ્યૂઈંગ પાથની આસપાસની ભૌગૌલિક સ્થિતિ અને સ્થાનિક હવામાન, સાંજે હાઈવે પર ટ્રાફિક હોય ત્યારે તાપમાનના વારંવારના વ્યુત્ક્રમને આધાર આપે છે. તેના પરિણામે ઊલટો દૃષ્ટિભ્રમ સર્જાય છે. પોલડિંગમાં ધ્રુવીય દૃશ્ય રેખાથી કારની હેડલાઇટ્સ અપવર્તિત થઈને હાઈવે સાથે પંક્તિબદ્ધ થઈ જાય છે અને ફરી જમીન તરફ ઝૂકી જાય છે. લોકો જ્યાં એકઠા થાય છે ત્યાં તેનો વિશિષ્ટ પ્રભાવ દેખાય છે.
જેરેમી બોસ આ દૃશ્ય ટેલિસ્કૉપ અથવા ટેલિફોટો લેન્સ દ્વારા જોવાની વિનંતી જિજ્ઞાસુઓને કરે છે અને ખાતરી આપે છે કે તેમને કારની હેડલાઇટ્સ અને બ્રૅક લાઇટ્સ જ જોવા મળશે.
રોગમેન માને છે કે લાઇટ વિશેની દંતકથા ટકી રહી છે તેનું કારણ એ છે કે સ્થાનિક લોકો ડરી ન જવા તેવી ભૂતકથા સર્જવામાં સફળ રહ્યા છે.
તેમણે કહ્યું હતું, “મને લાગે છે કે લાઇટ હાનિકારક નથી અને તે સંપૂર્ણપણે સૌમ્ય હોવાથી લોકો સ્થાનિક દંતકથાની મજા માણે છે. આપણે સ્વીકારવું પડશે કે ભૂતના અસ્તિત્વને આપણે નકારી શક્યા નથી.”
મિશિગન સ્થિત સિનિયર કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ સીન્ડી પર્કિન્સને મિશિગન ટેક યુનિવર્સિટીની સ્પષ્ટતા સ્વીકાર્ય છે, પરંતુ સાંજે પ્રસંગોપાત મનોરંજન માટે તેઓ તેમની દીકરી સાથે એ સ્થળે જાય છે. તેમના જણાવ્યા મુજબ, વૈજ્ઞાનિક સમજૂતીને ચકાસવા ઇચ્છતા ઘણા પ્રવાસીઓ સાઇટ પર આવે છે, કારણ કે તેઓ અલૌકિક બાબતોમાં વિશ્વાસ કરે છે.
પર્કિન્સે ભારપૂર્વક કહ્યું હતું, “પોલડિંગ લાઇટમાં વિશ્વાસ રાખતા લોકો તેનું રહસ્ય ઉકેલાય તેવું ઇચ્છતા નથી. તેઓ દલીલ કરે છે કે સંશોધકોએ જે જોયું તે સાચી પોલડિંગ લાઇટ ન હતી.”
જેરેમી બોસ પોલડિંગ લાઇટને સર્વચેતનવાદ અથવા કુદરતી ઘટનાને ઓળખ કે ચેતના આપતી અલૌકિક શક્તિમાંની માન્યતા સાથે જોડે છે.
તેમણે કહ્યું હતું, “તે સૌથી પ્રાચીન માન્યતા છે અને પોલડિંગ લાઇટ માનવીય વલણનું તદ્દન આધુનિક ઉદાહરણ છે.”
સારાહ બેકર વધુ એક વાર પોલડિંગ લાઇટ શો જોવાની યોજના બનાવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું, “હું એક વખત ત્યાં ગઈ ત્યારે મને 20 ડૉલર મળ્યા હતા. તેથી બીજું કંઈ નહીં તો એ મારા માટે નસીબવંતુ સ્થળ જરૂર છે એવું હું માનું છું.”