ભારત સહિત આ દેશો મોટા પ્રમાણમાં સોનું કેમ ખરીદી રહ્યા છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

વિશ્વભરના કેટલાક દેશોની સેન્ટ્રલ બૅન્ક મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહી છે, જેમાં ભારતીય રિઝર્વ બૅન્ક પણ સામેલ છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના હાલના રિપોર્ટમાં આપેલી જાણકારી પ્રમાણે, જુલાઈ મહિનામાં સેન્ટ્રલ બૅન્કોએ 37 ટન સોનાની ખરીદી કરી છે.

સોનાની ખરીદી કરનાર દેશોમાં પોલૅન્ડ, તુર્કી, ઉઝ્બેકિસ્તાન અને ચૅક રિપબ્લિક જેવા દેશો સામેલ છે.

જોકે, એક તરફ જ્યારે કેટલીક સેન્ટ્રલ બૅન્કો સોનાની ખરીદી કરી રહી છે ત્યારે કેટલીક સેન્ટ્રલ બૅન્કો સોનું વેચી પણ રહી છે.

આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝા-ઇઝરાયલ લડાઈ અને પર્યાવરણીય સંકટને કારણે વિશ્વભરમાં પડકારો વધી રહ્યા છે.

ક્યાં દેશોએ સોનું વેચ્યું?

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આપેલી માહિતી પ્રમાણે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલથી જૂન મહિના વચ્ચે સોનાની ખરીદીમાં ભારત બીજા સ્થાને રહ્યું.

પોલૅન્ડની સેન્ટ્રલ બૅન્કે સૌથી વધારે 18.68 ટન સોનાની ખરીદી કરી. જ્યારે ભારતીય રિઝર્વ બૅન્કે વર્ષનાં બીજા ક્વાર્ટરમાં 18.67 ટન સોનાની ખરીદી કરી. આ ક્વાર્ટર દરમિયાન તુર્કીએ 14.63 ટન, ઉઝ્બેકિસ્તાને 7.46 ટન અને ચૅક રિપબ્લિકે 5.91 ટન સોનાની ખરીદી કરી છે.

આ વર્ષનાં બીજા ક્વાર્ટરમાં વિશ્વભરમાં સેન્ટ્રલ બૅન્કોએ 183 ટન સોનાની ખરીદી કરી, જ્યારે 2023ના બીજા ક્વાર્ટમાં 173.6 ટન સોનાની ખરીદી કરાઈ હતી.

આ વર્ષના બીજા ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલથી જૂનના સમયમાં કઝાકિસ્તાને 11.83 ટન સોનું વેચ્યું. આ ઉપરાંત સિંગાપોર અને જર્મનીએ અનુક્રમે 7.7 ટન અને 780 કિલોગ્રામ સોનું વેચ્યું હતું.

વર્ષોથી સોનાને દેશના એસેટ રિઝર્વનો એક મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે, 2023માં સેન્ટ્રલ બૅન્કોએ એક હજાર 37 ટન સોનું પોતાના ભંડારમાં જમા કર્યું હતું. 2022માં સેન્ટ્રલ બૅન્કોએ એક હજાર 82 ટન સોનું જમા કર્યું. આ આંકડાઓ દર્શાવે છે કે સેન્ટ્રલ બૅન્ક ગોલ્ડને આજે પણ રિઝર્વ એસેટ તરીકે ઘણું મહત્ત્વ આપે છે.

સેન્ટ્રલ બૅન્ક માટે સોનું એક સ્થિર એસેટ તરીકે કામ કરે છે. નાણાકીય સંકટ દરમિયાન અથવા અર્થવ્યવસ્થાને સ્થિર કરવામાં મદદ કરવા માટે અને રિઝર્વમાં એક રીતે વિવિધતા રાખવા માટે સોનું જરૂરી છે. અમેરિકન ડૉલરને “રિઝર્વ કરન્સી”નો દરજ્જો મળેલો છે અને વિશ્વભરની ઘણી સેન્ટ્રલ બૅન્કોનું લક્ષ્ય અમેરિકન ડૉલર પર નિર્ભરતા ઘટાડવાનો છે અને સોનું આ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સોનાની ખરીદી પાછળનું કારણ શું છે?

એચડીએફસી સિક્યોરિટીઝના પ્રોડ્કટ હેડ (કોમૉડિટી અને કરેન્સી) અનુજ ગુપ્તાએ કહ્યું, "ડૉલરની કિંમતમાં જે પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેને કારણે સેન્ટ્રલ બૅન્ક પોતાના પોર્ટફોલિયોમાં સોનું જમા કરી રહી છે. બધાનું માનવું છે કે અમેરિકા આવનારા સમયમાં વ્યાજના દરમાં ઘટાડો કરશે. આ કારણે ડૉલરની કિંમત ઘટશે જેથી કરીને સેન્ટ્રલ બૅન્કો પોતાના પોર્ટફોલિયોને ગોલ્ડ તરફ લઈ જઈ રહી છે."

"અમેરિકાની અર્થવ્યવસ્થા જે રીતે દેવામાં ચાલી રહી છે ત્યારે એવી આશંકાઓ કરવામાં આવે છે કે ડૉલર આવનારા સમયમાં નબળો પડી શકે છે."

અનુજે કહ્યું, "ભારત પણ પોતાના પોર્ટફોલિયોની વિવિધતા વધારવા માટે સોનાની ખરીદી કરી રહ્યું છે. ભારતને પોતાનું ફૉરેન રિઝર્વ વધારવું છે. ભારત જો ડૉલરની તુલનામાં સોનાની પણ ખરીદી કરે છે તો વધારે ચલણી નોટ છાપી શકે છે. આ પણ એક કારણ હોઈ શકે છે."

આ ઉપરાંત વિશ્વનાં કેટલાક ભાગોમાં રાજકીય તણાવ પણ વધી રહ્યો છે. ભવિષ્યમાં પણ ઊથલપાથલ થશે તો ચલણી નોટોની કિંમત ઘટશે અને સોનાની કિંમત વધશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.