90 વર્ષીય દાદીએ કાનૂની લડાઈ લડીને પૌત્ર પાસેથી પોતાની જમીન કઈ રીતે પાછી મેળવી?

    • લેેખક, ગણેશ પોલ
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા, લાતુર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"મેં નક્કી કર્યું કે મારી જમીન મારા પૌત્રના નામે કરી દઉં, જેથી તે મારી વૃદ્ધાવસ્થામાં સારસંભાળ રાખી શકે. મને બે એકર જમીન આપવા કહેવાયું હતું, પરંતુ તેણે આઠ એકર જમીન પોતાના નામે કરાવી લીધી. મેં ના પાડી દીધી. તે મારી સારસંભાળ નહીં રાખે, તો પછી જમીન આપીને શું કરવું?"

90 વર્ષનાં હોસાબાઈ લહાડે પોતાના ખેતરમાં બેસીને આ વાત કરે છે. લાતુર જિલ્લાના રુઈ ગામના વતની હોસાબાઈ તાજેતરમાં એક કાનૂની લડાઈ જીતી ગયાં છે. તેમણે પોતાની લગભગ આઠ એકર જમીન પાછી મેળવી છે, જે તેમના પૌત્રને આપવામાં આવી હતી. પરંતુ આ માટે તેમણે આ ઉંમરે પણ ત્રણ વર્ષ સુધી કાયદાકીય લડાઈ લડવી પડી હતી.

હોસાબાઈ અને તેમના પતિને કોઈ સંતાન ન હતું. તેમના પતિનું વૃદ્ધાવસ્થાના કારણે અવસાન થયું હતું. વૃદ્ધાવસ્થામાં કોઈ પોતાની સારસંભાળ રાખી શકે તે માટે હોસાબાઈએ પોતાની 15 એકરમાંથી આઠ એકર જમીન પોતાના દિયરના પુત્રના નામે ટ્રાન્સફર કરી દીધી હતી.

પરંતુ પછી એક સમય આવ્યો જ્યારે તેમણે પોતાની જમીન પાછી મેળવવા કોર્ટમાં જવું પડ્યું. તેઓ કહે છે, "અમારે કોઈ સંતાન ન હતું, તેથી મેં મારા દિયરના પુત્રને દત્તક લીધો. એવું નક્કી થયું હતું કે તે જમીનના બદલામાં મારી સંભાળ રાખશે, પરંતુ એવું ન થયું. હું મારા ગામમાં રહી અને મારો પૌત્ર લાતુર ગયો. તે મને ઘરે કંઈ ખાવાનું પણ આપતો ન હતો. તેથી હું કોર્ટમાં ગઈ. મારો પૌત્ર મારી કાળજી નથી રાખતો તો પછી તેને જમીન આપવાનો શું ફાયદો?"

હોસાબાઈની ફરિયાદ પછી લાતુરની સબ-ડિવિઝનલ કચેરીમાં તેના પર સુનાવણી થઈ હતી. લાતુરનાં સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ રોહિણી નારહે-વિરોલેએ બીબીસી મરાઠીને જણાવ્યા પ્રમાણે, એક નેવુ વર્ષનાં દાદીએ ફરિયાદ કરી હતી કે તેમનો પૌત્ર તેમની સારસંભાળ રાખતો નથી. ત્યાર પછી તેમને તેમની જમીન પાછી મળી. તેમની પાસે 18 હેક્ટર જમીન છે, જેમાંથી લગભગ સાડા સાતથી આઠ એકર જમીન તેમના નામે છે. તેમણે જમીન પોતાના પૌત્રના નામે ટ્રાન્સફર કરાવી હતી, પરંતુ તે તેમની સારસંભાળ રાખતો ન હતો. બંને પક્ષને સાંભળ્યા પછી બક્ષિસ ખત (ડોનેશનનો કરાર) રદ કરવામાં આવ્યો અને જમીન ફરીથી દાદીના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી.

કોર્ટનાં પગથિયાં ચઢીને દાદી થાકી જતાં

ગ્રામીણ વિસ્તારોમાં જમીન વિવાદ એ કોઈ નવી વાત નથી. આ કેસમાં વૃદ્ધ દાદી કોર્ટનાં પગથિયાં ચઢતાં પણ થાકી જતાં હતાં. તેઓ કહે છે કે તેમને જમીન કરતાં પણ ટેકાની જરૂર વધારે હતી. શરૂઆતમાં તેમણે મધ્યસ્થી દ્વારા સમજાવટ મારફત વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને દર મહિને કમસે કમ કરિયાણાનો ખર્ચ મળી જવો જોઈએ, પરંતુ તેમાં કોઈ ફાયદો ન થયો. ત્યાર પછી તેમણે આ ઉંમરે પોતાના અધિકારોના રક્ષણ માટે કોર્ટમાં જવાનો નિર્ણય લીધો હતો, તેમ તેમના સ્વજનો કહે છે.

હોસાબાઈની ઉંમર 90ને વટાવી ગઈ છે અને તેમને ચાલવામાં મુશ્કેલી પડે છે. છતાં તેમણે કોર્ટમાં ઘણી સુનાવણીઓમાં હાજરી આપી હતી. તેમનું કહેવું છે કે આ કામમાં તેમના સ્વજનોએ તેમની ઘણી મદદ કરી હતી. તેમના પિતરાઈ શિવાજી લહાડે કહે છે, "હું દાદીને કારમાં લઈ જતો, કારણ કે તેઓ બહુ ચાલી શકતાં નથી. તેઓ બસમાં ચઢી શકતાં નથી અને મોટરસાઈકલ પર પણ બેસી શકતાં નથી. પરંતુ અમે તેમને સુનાવણીની દરેક તારીખે હાજર રાખ્યાં."

"તેમણે તેમનાથી થઈ શકે તે બધું જ કર્યું. કોર્ટ પહેલા અને બીજા માળ પર છે. તેઓ પગથિયાં ચઢીને થાકી જતાં હતાં, પરંતુ અમે તેમનો ઉત્સાહ વધાર્યો. અમે કહ્યું કે આપણે આ કરવું જ પડશે. તેઓ ચઢતાં હોય ત્યારે વચ્ચે બે-ત્રણ વખત આરામ કરતાં હતાં. અમે તેમને કહેતા કે આપણે હાર નથી માનવી. અંતે તેમણે કોર્ટમાં પણ યોગ્ય જુબાની આપી."

બીબીસી મરાઠીએ હોસાબાઈના પૌત્રનો સંપર્ક કરીને તેમનો પક્ષ જાણવા વારંવાર પ્રયાસ કર્યો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નથી. તેમનો પક્ષ જાણવા મળશે ત્યારે આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.

સિનિયર સિટિઝન માટે કાયદો શું કહે છે?

હોસાબાઈની કહાણી એ માત્ર એક પરિવારના જમીન વિવાદની વાત નથી, તે ભારતમાં અનેક વરિષ્ઠ નાગરિકોની હકીકત છે. સાથે-સાથે તે વૃદ્ધ લોકોની સારસંભાળના મુદ્દા પર પણ પ્રકાશ પાડે છે. ઘણા લોકો પોતાની સંપત્તિ સંતાનો અથવા સ્વજનોના નામે કરે છે અને પોતાની વૃદ્ધાવસ્થામાં તેમની સારસંભાળ રાખવામાં આવશે તેવી આશા સેવે છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં ઉપેક્ષા અને નાણાકીય પરાવલંબન જેવા પ્રશ્નો પેદા થાય છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 'મૅન્ટેનન્સ ઍન્ડ વેલફેર ઑફ પેરન્ટ્સ ઍન્ડ સિનિયર સિટિઝન્સ ઍક્ટ, 2007' (માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007) ઘડ્યો છે. આ કાયદા હેઠળ વરિષ્ઠ નાગરિકો તેમની કાળજી રાખવાની કાનૂની જવાબદારી ધરાવતા સંતાનો તથા સ્વજનો પાસેથી ભરણપોષણ માગી શકે છે.

રોહિણી નારહે-વિરોલેના જણાવ્યા મુજબ, આ કાયદા હેઠળ બે જોગવાઈઓ મહત્ત્વની છે:

પહેલી જોગવાઈ: વરિષ્ઠ નાગરિકો પોતાનાં સંતાનો પાસેથી દર મહિને ભરણપોષણ ભથ્થું માગી શકે છે.

બીજી જોગવાઈ: જો ભરણપોષણની શરત સાથે સંતાનો કે સ્વજનોના નામે જમીન, મકાન, પ્લોટ અથવા બીજી કોઈ પ્રોપર્ટી કરવામાં આવી હોય અને તેઓ કાળજી ન રાખે, તો ટ્રિબ્યુનલ આવી ભેટ (ગિફ્ટ ડીડ) કે દસ્તાવેજોને રદ કરી શકે છે.

હોસાબાઈના કેસમાં આ જ જોગવાઈનો ઉપયોગ થયો હતો. જોકે, આવા વધતા જતા કિસ્સાઓ વરિષ્ઠ નાગરિકો સામેના પડકારો દર્શાવે છે.

'હેલ્પઍજ ઈન્ડિયા' નામના એનજીઓના 2024ના અહેવાલ 'ઍજિંગ ઈન ઈન્ડિયા: ઍક્સપ્લોરિંગ પ્રિપેર્ડનેસ ઍન્ડ રિસ્પોન્સ ટુ કેર ચેલેન્જિસ' મુજબ, ભારતના મોટા ભાગના વરિષ્ઠ નાગરિકોએ પોતાની વૃદ્ધાવસ્થા માટે પૂરતી તૈયારી કરી હોતી નથી.

તેઓ ગૌરવપૂર્વક જીવવા માટે બીજા લોકો પર નિર્ભર હોય છે. આ અહેવાલમાં જણાવાયું છે કે બહુ ઓછા લોકો વરિષ્ઠ નાગરિકો માટેના ભરણપોષણ અધિનિયમ, 2007થી વાકેફ છે. આ કાયદો વૃદ્ધ લોકોના રક્ષણ માટે છે. તેના કારણે ઘણા વરિષ્ઠ નાગરિકો પોતાના અધિકારોથી અજાણ હોય છે. પરિણામે ઉપેક્ષા, નાણાકીય દુર્વ્યવહાર અથવા મિલકત સંબંધિત વિવાદોનો સામનો કરતી વખતે પણ તેઓ કાયદાકીય મદદ લેવાનું ટાળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન