You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા થઈ એ મામલો શું છે અને કોર્ટમાં શું સાબિત થયું?
રાજપીપળાની કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આઠ અન્ય લોકોને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. આ આઠ લોકોમાં તેમનાં પત્ની પણ સામેલ છે.
વનકર્મીઓ સાથે મારપીટ અને ધમકાવવાના મામલામાં તેમને સજા ફટકારવામાં આવી હતી.
આ સજાના એલાન પછી ચૈતર વસાવાનું ધારાસભ્યપદ પણ જઈ શકે છે, કારણ કે તેમને સાત વર્ષની સજા થઈ છે.
30 ઑક્ટોબર, 2023ના રોજ બનેલી આ ઘટનામાં ચૈતર વસાવા પર ગંભીર આરોપો હતા. ચૈતર વસાવા પર માર મારવો, ધમકી આપવી, હવામાં ગોળીબાર કરવો, ખંડણી ઉઘરાવવી જેવા આરોપો હતા.
સરકારી વકીલે કહ્યું છે કે, ચૈતર વસાવા સહિત તમામ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડાશે. જ્યારે ચૈતર વસાવાના વકીલે કહ્યું છે કે તેઓ હાઇકોર્ટમાં અપીલ કરશે.
2023માં એ દિવસે શું બન્યું હતું?
નર્મદા જિલ્લાના તત્કાલીન પોલીસ સુપ્રિટેન્ડેન્ટ પ્રશાંત સુબેએ નવેમ્બર 2023માં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની હદમાં 29 ઑકટોબરે વનવિભાગના કેટલાક કર્મચારીઓ તરફથી વનવિભાગની જમીનમાં ખેડૂતો દ્વારા દબાણ કરીને ખેતી કરવામાં આવતી હતી જેને દૂર કરવામાં આવી હતી."
"આ અંગે વાત કરવા માટે ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનનિભાગના કર્મચારીઓને તેમના ઘરે બોલાવ્યા હતા."
"વનવિભાગના કર્મચારીઓ એમના ઘરે ગયા હતા ત્યારે તેમની સાથે બોલાચાલી કરી તેમજ મારપીટ કરી હતી. ખેડૂતોને પૈસા આપવાનું કહ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પૈસા નહીં આપવામાં આવે તો મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. એક વેપન (હથિયાર)થી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે પણ કર્મચારીઓ પાસે પૈસા અંગે માગણી કરવામાં આવી હતી. જેથી વનવિભાગના કર્મચારીઓએ એક ખેડૂતને પૈસા આપી દીધા હતા ત્યાર બાદ વનવિભાગના અધિકારીઓ આ પૂરો મામલો આમારી સામે લાવ્યા હતા."
ત્યાર પછી રાજ્ય સરકાર તરફથી વનવિભાગના કર્મચારીઓએ આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી.
આ ફરિયાદમાં આરોપીઓ પર અભદ્ર ગાળો બોલવાનો તથા ફરિયાદીને ગાલ પર લાફા મારવાનો પણ આરોપ હતો.
ચૈતર વસાવા પર વનવિભાગના કર્મચારીઓને એક લાઇનમાં ઊભા રાખીને પોતાની પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યા હોવાનો પણ આરોપ હતો.
સમગ્ર કેસમાં 29 ઑક્ટોબર, 2023ના દિવસે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમનાં પત્ની શકુંતલાબહેન, ડુંગર ભાંગડાભાઈ વસાવાની બે દીકરીઓ, રમેશભાઈ વસાવા, રમેશભાઈનાં પત્ની અને બે અજાણ્યા શખ્સો, ધારાસભ્યના પીએ સામે આઈપીસીની કલમ 143, 147, 148, 149, 186, 189, 332, 353, 386, 294 (ખ), 506(2), 34 તથા હથિયાર ધારો 25 (એ)1 મુજબ ફરિયાદ નોંધાઈ હતી.
સરકારી વકીલે શું કહ્યું?
ટ્રાયલ દરમિયાન કુલ 17 સાક્ષીઓ ની તપાસ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કેસની કાર્યવાહી ચલાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત નાયરની નિમણૂક કરવામાં આવી હતી.
જ્યારે તમામ આરોપીઓ વતી સીનિયર ઍડવોકેટ એસ. કે. જોશી હાજર રહ્યા હતા અને સમગ્ર ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આજે કોર્ટના ચુકાદા અંગે વાત કરતાં સરકારી વકીલ વંદના ભટ્ટે કહ્યું હતું કે, "આ મામલો ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.વી. હીરપરા સામે ચાલી રહ્યો હતો. આજે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં સાત વર્ષની સજા તથા 25 હજારનો દંડ ફટકાર્યો છે. કુલ નવ આરોપી છે, જેમાંથી ચાર મહિલાઓ છે. ચૈતર વસાવાનાં પત્ની પણ સામેલ છે."
તેમણે કહ્યું હતું કે, "વનકર્મીઓએ ગેરકાયદે ફસલને હઠાવી હતી અને પછી ચૈતર વસાવાએ વનકર્મીઓને બોલાવ્યા હતા. તેમણે આ વનકર્મીઓને ડરાવ્યા, ધમકાવ્યા હતા અને માર પણ માર્યો હતો. ચૈતર વસાવાએ હવામાં ગોળીબાર પણ કર્યો હતો. બીજા દિવસે તેમણે 60 હજારની ખંડણી પણ માગી હતી. આ ખંડણી તેમણે જેમનો પાક હતો તેમને આપવા માગી હતી. તેની સાબિતી પણ મળી છે અને મજબૂત પુરાવા પણ મળ્યા છે. તેને ધ્યાનમાં રાખીને કોર્ટે સજા ફટકારી હતી. "
ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીએ શું કહ્યું?
ચૈતર વસાવાને જ્યારે કોર્ટમાંથી પોલીસ લઈ ગઈ એ સમયે મીડિયાએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ત્યારે માત્ર ચૈતર વસાવા એટલું જ બોલ્યા હતા કે, "સત્યની જીત થશે જ..."
આમ આદમી પાર્ટીએ પણ આ સંદર્ભે પ્રતિક્રિયા આપી છે.
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, "આદિવાસી સમાજના મોટા નેતા ચૈતર વસાવાએ સતત આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે અને તેઓ અનેક વાર પ્રજા માટે જેલમાં પણ ગયા છે. ઈડી પાર્ટી ચૈતર વસાવાને રોકી ન શકી એટલે તેમના ઉપર ખોટો કેસ કરાવ્યો."
તેમણે કહ્યું હતું કે, "જેટલા ચૈતર વસાવાને દબાવવામાં આવશે એટલા જ તેઓ આગળ વધશે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં નરેન્દ્ર મોદીની સભામાં લોકો લાવવા પડે છે, જ્યારે ચૈતર વસાવાની સભામાં સ્વયંભૂ લોકો ઊમટી પડે છે."
આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, "ભાજપે અત્યાર સુધી ચૈતરભાઈને ડરાવવા અને ધમકાવવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ ચૈતરભાઈ સતત મજબૂતીથી ભાજપ સામે લોકોના પ્રશ્નો માટે લડતા રહ્યા. આજે ચૈતર વસાવાને ડરાવવા માટે અને તેમનો અવાજ દબાવવા માટે એક ઉપજાવી કાઢેલા કેસમાં તેમને સાત વર્ષની સજા કરવામાં આવી છે. તેમના ધારાસભ્યપદ પર પણ ભાજપે તરાપ મારી છે."
તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજ તેના માટે ભાજપને ક્યારેય માફ નહીં કરે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન