You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'તૂટેલી ઇમારતોના કાટમાળમાંથી લોકોનો મદદ માટે પોકાર', વેનેઝુએલાના ભયાનક ભૂકંપની 12 ભયાવહ તસવીરો
વેનેઝુએલાની રાજધાની કરાકાસમાં કેટલીક સેકન્ડોના અંતરાલમાં બે મોટા ભૂકંપ આવ્યા હતા. પહેલો ભૂકંપ 7.2ની તીવ્રતાનો હતો, જ્યારે કે બીજો ભૂકંપ 7.5ની તીવ્રતાનો હતો.
આ ભૂકંપને કારણે ઇમારતો તૂટી પડી છે અને લોકો પોતાનાં ઘરોને ખાલી કરીને રસ્તા પર આવી ગયા છે. ગૃહ મંત્રી ડિયોસદાદો કાબેલોએ લોકોને પોતાનાં ઘરો ખાલી કરવાની અપીલ કરી છે.
ભૂકંપના આંચકા પછી વેનેઝુએલાની રાજધાનીની શેરીઓમાં રહેવાસીઓ તેમનાં ઘરો ધ્રુજી ગયાં અને વીજળી ગુલ થઈ ગઈ.
વેનેઝુએલાની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. જુઓ આ ભયાનક ભૂકંપની 12 તસવીરો.
રાહત-બચાવ ટીમોએ કાટમાળમાંથી ફસાયેલા લોકોને શોધવાનું કામ શરૂ કરી દીધું છે.
ભૂકંપને કારણે મોટી જાનહાનિ અને નુકસાનની આશંકા છે. અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, મૃતકોની સંખ્યા દસ હજારથી વધુ હોવાની આશંકા છે.
જોકે, વેલેઝુએલાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રૉડ્રીગેઝે જણાવ્યું છે કે તેમના દેશમાં બે શક્તિશાળી ભૂકંપથી વ્યાપક નુકસાન થયું છે અને ઓછામાં ઓછા 32 લોકોનાં મોત અને 700 થી વધુ ઘાયલ થયા હોવાની અધિકારીક માહિતી આપવામાં આવી છે.
ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે વેનેઝુએલામાં રાષ્ટ્રીય રજા હતી. તેથી ઘણા લોકો પોતાનાં ઘરોમાં જ હતા. ભૂકંપ સ્થાનિક સમયાનુસાર સાંજે 6.04 વાગ્યે આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂકંપનું કેન્દ્ર કરાકાસના પશ્ચિમમાં સ્થિત મોંટાલબાન ક્ષેત્રમાં હતું.વેનેઝુએલાનાં ઘણાં રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
વેનેઝુએલાના ગૃહ મંત્રીએ સરકારી ટેલિવિઝન પર વાતચીતમાં જણાવ્યું કે દેશનાં ઘણાં રાજ્યો ભૂકંપને કારણે અસર પામ્યાં છે.
તેમણે વીટીવી સાથે ફોન પર વાતચીતમાં કહ્યું, "તમામ સંકેતો એ દેખાડે છે કે તેની તીવ્રતા સાથી ઘણી વધારે હતી."
બીબીસીના નૉર્થ અમેરિકા સંવાદદાતા વિલ ગ્રાન્ટના જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયા પર શૅર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક ઇમારતોમાં તીરાડો પડી ગઈ છે. ઘણી ઇમારતો ગંભીર પ્રકારે અસરગ્રસ્ત થઈ છે અને કેટલીક પડી ગઈ છે.
આફ્ટરશૉક્સના ડરથી હજારો નાગરિકો પોતાનાં ઘરોમાં પરત ફર્યા નથી. ભૂકંપના આંચકા કોલંબિયાની રાજધાની બોગોટા સુધી અનુભવાયા હતા.
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું આકલન ચાલી રહ્યું છે. તેને કારણે નુકસાનની વાસ્તવિક પરિસ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ શકી.
વીજળી સેવાઓ પ્રભાવિત હોવાથી, રાહત-બચાવ ટીમો ઉપલબ્ધ પ્રકાશનો ઉપયોગ કરીને કામગીરી કરવાનો પ્રયાસ કરી રહી છે.
મૃતકો અને ઘાયલોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી, પરંતુ કરાકસ અને આસપાસના વિસ્તારોમાં ધરાશાયી થયેલી ઇમારતોની છબીઓ દર્શાવે છે કે નુકસાનની સંખ્યા ઘણી વધારે હોય શકે છે.
કરાકસમાં 30 લાખથી વધુ લોકો અને તેના મૅટ્રોપોલિટન વિસ્તારમાં 50 લાખથી વધુ લોકો રહે છે.
ચાકાઓ મ્યુનિસિપાલિટી (રાજધાની કરાકસનો એક વિસ્તાર)ના મેયર ગુસ્તાવો ડુકે અહેવાલ આપ્યો કે એક 8 માળની ઇમારત અને એક 12 માળની ઇમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ, જ્યારે અન્ય ઘણી ઇમારતોને નોંધપાત્ર માળખાકીય નુકસાન થયું.
ભૂકંપ પછીના બે કલાકમાં, અધિકારીઓએ ત્યાં 18 લોકોને જીવતા બચાવવામાં સફળતા મેળવી હતી.
બુધવારના ભૂકંપે 1967માં કરાકસને હચમચાવી નાખનારા ભૂકંપની યાદ અપાવી દીધી, જેમાં 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ બે હજાર લોકો ઘાયલ થયા હતા.
તે ભૂકંપની તીવ્રતા 6.6 હતી અને લોસ પાલોસ ગ્રાન્ડેસ અને અલ્ટામીરામાં ઘણી ઇમારતો નાશ પામી હતી, જે અનુક્રમે બે ઉચ્ચ અને મધ્યમ વર્ગનાં શહેરો હતાં.
એ ભૂકંપનો આઘાત દાયકાઓ સુધી રહ્યો અને પરિણામે, દેશમાં બાંધકામના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
વેનેઝુએલામાં આવેલા ભૂકંપ પછી તરત જ યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ આપેલી ચેતવણીઓ હવે રદ કરી દેવામાં આવી છે.
બીબીસી મુન્ડોના પત્રકાર નિકોલ કૉલ્સ્ટર કહે છે કે "આ મારા જીવનમાં અત્યાર સુધીનો આ સૌથી મજબૂત ભૂકંપ છે."
"તે ધ્રુજવા લાગ્યું, મેં બારીઓ હલતી જોઈ, અને મેં વિચાર્યું કે હું આગળના દરવાજા અને પથ્થરની દિવાલ વચ્ચે જઈશ, જે મારા મતે ખૂબ મજબૂત છે, જેથી હું મારી જાતને બચાવવાનો પ્રયાસ કરી શકું," પત્રકારે તેનો અનુભવ યાદ કરતા કહ્યું.
"37 વર્ષમાં પહેલી વાર મેં આટલી તીવ્રતાનો ભૂકંપ અનુભવ્યો છે. તે એટલો જોરદાર હતો કે મને લાગ્યું કે ઇમારત મારા પર પડી જશે," તેઓ બીબીસી મુંડોને કહે છે.
તેમના કહેવા પ્રમાણે ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળ વચ્ચે તેમણે લોકોને મદદ માટે પોકારતા સાંભળ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન