જાહેર શૌચાલય, ચેન્જિંગ રૂમ કે હોટલમાં છુપાયેલા કૅમેરા તમે કેવી રીતે શોધી શકો?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

બેંગલુરુમાં એક આઈટી કંપનીમાં કામ કરતી 35 વર્ષીય મહિલાનો વૉશરૂમમાં વીડિયો રેકૉર્ડિંગ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

એવો આરોપ છે કે મહિલાનો સાથીદાર બાજુના ક્યુબિકલમાં ઊભો હતો અને તેના મોબાઇલ પર તેનો વીડિયો રેકૉર્ડ કરી રહ્યો હતો.

જ્યારે મહિલાએ દરવાજા પર પડછાયો જોયો, ત્યારે તે કોમોડ પર ચઢી ગઈ અને અંદર જોયું અને આરોપીને રંગે હાથે પકડી લીધો.

બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરેશીના જણાવ્યા અનુસાર, પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા. ઘટના પછી, કંપનીએ આરોપીને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.

બાથરૂમ, ચેન્જિંગ રૂમ અને હોટલના રૂમમાં છુપાયેલા કૅમેરા મળી આવતા આવી ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે.

2015માં, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આવી જ ફરિયાદ કરી હતી જેમાં એક સ્ટોરનો સીસીટીવી કૅમેરા ચેન્જિંગ રૂમ તરફ ગોઠવેલો હતો.

આવી ઘટનાઓના ડરથી કોઈ જાહેર શૌચાલય, ચેન્જિંગ રૂમ કે હોટલમાં જવાનું બંધ કરી શકતું નથી, પરંતુ સતર્ક રહીને આવા કૅમેરાનો શિકાર બનવાથી બચી શકાય છે.

છુપાવેલા કૅમેરાને કેવી રીતે શોધી કાઢવા?

સૌ પ્રથમ, કૅમેરા ક્યાં છુપાવી શકાય છે તે જાણો.

છુપાવેલા કૅમેરા ખૂબ નાના હોય છે, પરંતુ તે તમારી બધી પ્રવૃત્તિઓ રેકૉર્ડ કરી શકે છે. પછી ભલે તમે બાથરૂમમાં હોવ, સ્ટોરના ચેન્જિંગ રૂમમાં કપડાં બદલતા હોવ કે પછી હોટલના રૂમમાં તમારા જીવનસાથી સાથે હોવ.

આ કૅમેરા સરળતાથી ગમે ત્યાં છુપાવી શકાય છે, જેમ કે-

  • અરીસા પાછળ
  • દરવાજામાં
  • દીવાલના એક ખૂણામાં
  • છત પર
  • લૅમ્પમાં
  • ફોટોફ્રેમમાં
  • ટિશ્યુ પેપર બૉક્સમાં
  • ગુલદસ્તામાં
  • સ્મોક ડિટેક્ટરમાં

તો આપણે કૅમેરા ક્યાં છે તે કેવી રીતે શોધી શકીએ?

પહેલાં તપાસ કરો: સાયબર નિષ્ણાતો કહે છે કે સૌ પ્રથમ તમારે સાવધ રહેવું જોઈએ. જ્યારે પણ તમે જાહેર શૌચાલય, ચેન્જિંગ રૂમમાં અથવા હોટલના રૂમમાં જાઓ છો, ત્યારે આસપાસ કાળજીપૂર્વક જુઓ. નજીકમાં રાખેલી વસ્તુઓ તપાસો. છતના ખૂણાઓ પણ જુઓ.

શું કોઈ છિદ્ર છે?: જો તમને ક્યાંક કોઈ છિદ્ર દેખાય, તો તેની અંદર જુઓ કે તેમાં કંઈ સ્થાપિત છે કે નહીં. વાસ્તવમાં કૅમેરા અરીસાની પાછળ, ફોટો ફ્રેમમાં અથવા પાછળના દરવાજા જેવી જગ્યાએ લગાવવામાં આવે છે. થોડી સાવધાની રાખીને, તમે તેમને પકડી શકો છો.

કોઈ પણ વાયર દેખાય છે: એ પણ જુઓ કે તમને ક્યાંયથી કોઈ વધારાના વાયર જતા દેખાય છે કે નહીં. જો તમને કોઈ વાયર દેખાય, તો તે ક્યાં જાય છે તે શોધો. તે તમને કૅમેરા તરફ દોરી શકે છે. ઘણા કૅમેરામાં કોઈ વાયર હોતા નથી. તે બૅટરી પર ચાલે છે અને ચુંબકની જેમ ગમે ત્યાં ચોંટી જાય છે.

લાઇટ બંધ કરો અને તપાસો: જો તમે ચેન્જિંગ રૂમમાં કે હોટલના રૂમમાં છો, તો લાઇટ બંધ કરો અને આસપાસ જુઓ. જો તમને ક્યાંય પણ LED લાઇટ દેખાય છે, તો તે કૅમેરા હોઈ શકે છે. ખરેખર, કેટલાક નાઇટ વિઝન કૅમેરા એવા છે જે અંધારામાં થતી પ્રવૃત્તિઓને પણ રેકૉર્ડ કરે છે. આ કૅમેરામાં LED લાઇટ હોય છે. તે અંધારામાં કેદ થઈ શકે છે.

મિરર ટેસ્ટ: ચેન્જિંગ રૂમ, બાથરૂમ અને જે રૂમમાં તમે કપડાં બદલો છો, ટૉઇલેટનો ઉપયોગ કરો છો તેની સામેના રૂમમાં બધે જ મિરર હોય છે. હોટલના રૂમમાં પણ મોટા મિરર હોય છે. તેથી શક્ય છે કે કોઈ તમને મિરરની બીજી બાજુથી જોઈ રહ્યું હોય અથવા પાછળ કોઈ કૅમેરા હોય જે બધું રેકૉર્ડ કરી રહ્યો હોય. આવા કિસ્સામાં, અરીસાની તપાસ કરવી મહત્ત્વપૂર્ણ છે. આ માટે, તમારી આંગળીને મિરર પર રાખો અને જુઓ.

જો તમને તમારી આંગળી અને મિરર પર બનેલી છબી વચ્ચે થોડું અંતર દેખાય, તો મિરર ઠીક છે. પરંતુ જો તમને તમારી આંગળી અને છબી વચ્ચે અંતર ન દેખાય, તો તેનો અર્થ એ છે કે કંઈક ખોટું છે.

ફ્લૅશલાઇટ ચાલુ કરો અને તપાસો: લાઇટ બંધ કરો, મોબાઇલ ફ્લૅશ ચાલુ કરો અને આસપાસ જુઓ. જો તમને ક્યાંકથી પ્રતિબિંબ દેખાય, તો તે કૅમેરાના કાચમાંથી આવી રહ્યું હોઈ શકે છે. તે દિશામાં જાઓ અને ધ્યાનથી જુઓ કે કોઈ છુપાયેલો કૅમેરા છે કે નહીં.

એપ્સ અને ડિટેક્ટર: તમને ઘણી એવી એપ્સ મળશે જેના દ્વારા તમે છુપાવેલા કેમેરા શોધી શકો છો. પરંતુ સાયબર નિષ્ણાતોના મતે, ઘણી એપ્સ નકલી હોઈ શકે છે, જે તમારા ફોનમાં વાયરસ નાખી દેશે. આ ઉપરાંત, બજારમાં કેટલાક ડિટેક્ટર ડિવાઇસ પણ ઉપલબ્ધ છે, જેને તમે ખરીદી શકો છો અને તમારી સાથે રાખી શકો છો. પરંતુ આ મોંઘી કિંમતના હોય છે, જે દરેક વ્યક્તિ ખરીદી શકતી નથી અને ઘણીવાર પોલીસ પાસે હોય છે.

કૅમેરા દેખાય જાય તો શું કરવું?

જો તમને હિડન કૅમેરા દેખાઈ જાય તો ડરો નહીં પણ તુરંત જ પોલીસનો સંપર્ક કરો. કૅમેરાને ન સ્પર્શો, કારણ કે એના પર આરોપીના ફિંગરપ્રિન્ટ હશે. પોલીસ આવે ત્યાં સુધી રાહ જુઓ.

વીડિયો

સાયબર ઍક્સપર્ટ વિનીત કુમારે જણાવ્યું હતું કે, "એક તો લોકો ખુદ જોવા માટે આવા વીડિયો બનાવે છે. બીજું કે આવા વીડિયોનું બહુ મોટું માર્કેટ છે. આ વીડિયોને વેચવામાં આવે છે. આ વીડિયોને વેબસાઇટ પર પબ્શિલ કરવામાં આવે છે. આ વીડિયોને મોટા પ્રમાણમાં લોકો જુએ છે."

"ઘણીવાર યુવતીઓ બદનામીના ભયે ફરિયાદ કરવાનું ટાળે છે. પણ એમણે ડરવાનું છોડીને પોલીસનો સંપર્ક કરીને મદદ માગવી જોઈએ''

ભારત સરકારની વેબસાઇટ (cybercrime.gov.in) પર પણ આ મામલે ફરિયાદ કરી શકાય છે. આ ઉપરાંત મહિલા પંચની સાયબર સેલ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સાયબર સેલમાં પણ ફરિયાદ કરી શકાય છે.

હિડન કૅમેરાને શોધવા માટે ઘણા સાયબર નિષ્ણાતોએ ઘણી ટ્રિક્સ જણાવી પણ આ સાથે નિષ્ણાતો સાવચેત રહેવાની સલાહ પણ આપે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન