You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દક્ષિણ ગુજરાતમાં અહીં વરસાદ પડ્યો, આગામી દિવસોને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી?
ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી યથાવત છે ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓના વિસ્તારોમાં બફારાથી ત્રસ્ત લોકોને છૂટાછવાયા વરસાદને કારણે આંશિક રાહત મળી છે.
હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત વિસ્તારમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ નોંધાયો હતો.
પણ તે સિવાયના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું જોવા મળ્યું હતું.
જો કે, ચોમાસાની રાહ જોઈ રહેલા ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો.
ચોમાસાની સ્થિતિ તરફ નજર કરીએ તો ચોમાસું હાલ મહારાષ્ટ્ર સુધી જ પહોંચ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ચોમાસાની ગતિ ધીમી પડી હોય તેવું પણ લાગી રહ્યું છે.
હાલ કયાં રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું છે? ઝડપથી આગળ વધતાં ચોમાસાની ગતિ ધીમી પડી છે? અને ગુજરાત પહોંચતા ચોમાસાને કેટલી વાર લાગશે?
આ બધા સવાલો વચ્ચે હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં ભારતમાં ચોમાસાની આગેકૂચ અંગેની માહિતી અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના અંગે આગાહી કરી છે.
ગુજરાતમાં આ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો પણ તાપમાન યથાવત્
હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં તેની કોઈ અસર દેખાઈ ન હતી અને હવામાન સૂકું જોવા મળ્યું હતું.
ઉપરાંત ગુજરાતના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો જોવા મળ્યો નથી.
હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ હતું અને બાકીના વિસ્તારોમાં તે સામાન્ય રહ્યું.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગુજરાતનું સૌથી મહત્તમ તાપમાન 42.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ચોમાસાની હાલની સ્થિતિ શું છે?
હવામાન વિભાગ અનુસાર, ભારતમાં ચોમાસાની ઉત્તરીય સીમા હાલ મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારો સહિત હરનાઈ, સોલાપુર, કલબુર્ગી, ચેન્નાઈ, સિલિગુડી પરથી પસાર થઈ રહી છે.
ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3-4 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશના વધુ કેટલાક ભાગોમાં, તામિલનાડુ અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગોમાં, પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તેમજ પશ્ચિમ બંગાળના વધુ કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધી શકે છે.
આ ઉપરાંત પૂર્વીય વિસ્તારો તરફ નજર કરીએ તો છત્તીસગઢ, બિહાર, ઝારખંડ તથા ઓડિશાના કેટલાક ભાગોમાં ચોમાસાની અસર દેખાય શકે અને આ વિસ્તારોમાં ચોમાસું આગળ વધી શકે તે માટે પરિસ્થિતિ સાનુકૂળ છે.
ઉલ્લેખનીય છે કે 11 જૂને ચોમાસું મુંબઈ પહોંચવું જોઈતું હતું જે હજુ સુધી પહોંચી શક્યું નથી. અને આવનારા ત્રણથી ચાર દિવસોમાં પણ મુંબઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા દેખાતી નથી. જોકે, હવામાન વિભાગે ચોમાસું મુંબઈ ક્યારે પહોંચશે તે બાબતે કોઈ આગાહી કરી નથી.
ત્યારે ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસવાનું અનુમાન હતું તે પણ પરિસ્થિતિઓ જોતાં આ તારીખથી હજુ મોડા આવવાની શક્યતાઓ છે. ત્યારે ગુજરાતમાં હાલની પરિસ્થિતએ 20 તારીખ પછી વરસાદ વધવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગે કહ્યું આ જિલ્લાઓમાં પડશે વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગે આવનારા દિવસોમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
જો કે આ દિવસોમાં ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.
11 જૂન આજની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
ત્યારે આ દિવસે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અને દીવમાં તેમજ દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે.
12 જૂનને લઈને હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ત્યારે આ સિવાયના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે 13 જૂનની પરિસ્થિતિને લઈને આગાહી કરી છે, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
ત્યારે 14 અને 15 જૂનની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે.
જેમાં, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પાડી શકે છે,
આ જ દિવસોમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ આવી શકે છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
જ્યારે ઉત્તર ગુજરાત વિસ્તાર અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં તેમજ દીવમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન