ગુજરાતમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી, આ જિલ્લાઓ માટે રેડ ઍલર્ટ અપાયું

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં હજુ વરસાદ ચાલુ છે, જેના કારણે અમુક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ નદીના જળસ્તર જોખમી લેવલે પહોંચી ગયા છે.

આગામી ચાર દિવસ સુધી કેટલાક જિલ્લામાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે જેના કારણે રેડ ઍલર્ટ અને ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેમ કે, સુરતના ઉમરપાડામાં 8.11 ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે પંચમહાલના જાંબુઘોડામાં સાત ઇંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં 6.46 ઇંચ, જેતપુર પાવીમાં 5.71 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ, ભરૂચમાં 5.40 ઇંચ, અંકલેશ્વરમાં પાંચ ઇંચ, તાપીના સોનગઢમાં 4.96 ઇંચ, સંખેડામાં 4.8 ઇંચ, ગરુડેશ્વરમાં 4.72 ઇંચ, તિકલવાડામાં 4.69 ઇંચ, ડભોઈમાં 4.17 ઇંચ, ડેડિયાપાડા અને ખંભાતમાં 3.60 ઇંચ વરસાદ થયો છે.

આ ઉપરાંત કુકરમુંડા, ઝઘડિયા, કરજણ, નસવાડી, હાંસોટ, સિંગવાડ, ધોલેરા, વ્યારા, સાગબારામાં પણ ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે.

ડભોઈમાં ભારે વરસાદથી કેટલાંક ગામો સંપર્કવિહોણાં થયાં છે અને તંત્રને ઍલર્ટ કરવામાં આવ્યું છે.

ડભોઈમાં અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. અહીં કેટલીય દુકાનોમાં પાણી ઘૂસી જવાથી માલસામાનને નુકસાન થયું છે.

ડભોઈમાં અડધી રાત્રે દુકાનદારોએ આવીને માલ બહાર કાઢવો પડ્યો હતો. અહીં સિઝનમાં 33 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો છે.

વડોદરાના વાઘોડિયામાં પણ આવી જ હાલત છે અને સોસાયટીઓમાં પાણી ભરાયેલાં છે.

કયા જિલ્લામાં ચાર દિવસ ભારે વરસાદ પડશે?

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પાંચમી સપ્ટેમ્બર, શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ તમામ વિસ્તારો માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં કેટલાંક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ જિલ્લાઓને ઑરેન્જ ઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ પડી શકે જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

6 સપ્ટેમ્બર, શનિવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગરમાં છૂટાંછવાયાં સ્થળે ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ જિલ્લાઓને રેડ ઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. શનિવારે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, મોરબી અને બોટાદ જિલ્લામાં કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે અને આ તમામ જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યના બાકીના જિલ્લાઓમાં શનિવારે અમુક જગ્યા પર ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગાજવીજ સાથે પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

7 સપ્ટેમ્બર, રવિવારે કચ્છમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં છૂટાંછવાયાં સ્થળે અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વિસ્તારો માટે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

સોમવારે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નર્મદા, મહીસાગર, સુરત અને ભરૂચમાં સોમાસું સૌથી વધારે સક્રિય જોવા મળ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળે વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છમાં હવામાન મોટા ભાગે સૂકું છે.

ચોમાસાની કઈ સિસ્ટમ કામ કરે છે?

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં એક લૉ પ્રેશર એરિયાની રચના થઈ હતી, જે હવે છત્તીસગઢ અને પડોશના વિસ્તારમાં લૉ પ્રેશર એરિયામાં ફેરવાયું છે. પૂર્વ મધ્ય પ્રદેશ પર એક સાઇક્લૉનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ સ્થિત છે. સાઉથ વેસ્ટ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં એક અપર એર સાઇક્લૉનિક સર્ક્યુલેશનની રચના થઈ છે.

પશ્ચિમ બંગાળથી લઈને સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાત સુધી એક મોન્સૂન ટ્રફ પસાર થાય છે, જેના કારણે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ડૅમો છલકાયા

સતત વરસાદના કારણે જળાશયોમાં પાણીનો સ્તર વધતો જાય છે. ઉત્તર ગુજરાતમાં 15માંથી ત્રણ ડૅમ છલકાયા છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 17માંથી સાત ડૅમ છલકાઈ ગયા છે.

દક્ષિણ ગુજરાતમાં નવ ડૅમ છલકાયા છે. કચ્છમાં 20માંથી ચાર અને સૌરાષ્ટ્રમાં 141માંથી 59 ડૅમ છલકાઈ ગયા છે. સરદાર સરોવર ડેમ 90 ટકા કરતાં વધારે ભરાયો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 93 ટકા વરસાદ પડી ગયો છે. કચ્છમાં 85 ટકાથી વધારે વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં 85 ટકા વરસાદ થઈ ગયો છે.

સૌથી વધારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 97 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં સરેરાશ 94 ટકા વરસાદ પડી ગયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન