You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છેલ્લી ઓવર, બે બૉલ, બે ભૂલ અને સિક્સર, પછી હાર્દિક પંડ્યા ગુસ્સે કેમ થયા?
કોલંબો ખાતે રમાયેલી ટી20 વર્લ્ડકપની 27મી મૅચમાં ભારત-પાકિસ્તાનના મુકાબલામાં પાકિસ્તાનની ટીમની હાર થઈ છે.
176 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાની ટીમે શરૂઆતમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ટીમની જીતની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું.
પાકિસ્તાની ટીમ 18 ઓવરમાં 114 રનના સ્કોરે જ ઑલઆઉટ થઈ ગઈ અને ભારતની 61 રનથી દબદબાભેર જીત થઈ.
ભારતે પોતાની શાનદાર બૉલિંગ અને આકર્ષક ફટકાબાજીથી પાકિસ્તાનને ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનને પરાજય આપ્યો, પરંતુ મૅચમાં છેલ્લે એવી રોમાંચક પળો સર્જાઈ હતી જેમાં કેટલાયના જીવ અદ્ધર થઈ ગયા હતા.
ખાસ કરીને છેલ્લે પાકિસ્તાનની હાર જ્યારે નક્કી થઈ ગઈ હતી ત્યારે પાકિસ્તાની બૅટ્સમૅનોએ ફટકારેલા અમુક શૉટ અને ભારતીય ફિલ્ડરોએ ડ્રૉપ કરેલા કૅચના કારણે હાર્દિક પંડ્યા એકદમ ગુસ્સામાં આવી ગયા હતા.
હાર્દિક પંડ્યાની રોમાંચક ઓવર
પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાએ 18મી ઓવર ફેંકી ત્યારે મેદાનમાં ભારે રોમાંચક દૃશ્યો સર્જાયાં હતાં અને ઉત્તેજના વધી ગઈ હતી.
પાકિસ્તાનની નવ વિકેટ પડી ગઈ હતી અને ભારત તેની જીતથી માત્ર એક વિકેટ દૂર હતું. તેથી ભારત શક્ય એટલી ઝડપથી છેલ્લી વિકેટ પાડીને જીત મેળવવા માટે તૈયાર હતું.
પહેલા બૉલ પર શાહીન આફ્રિદી સ્ટ્રાઇક પર હતા ત્યારે ઈશાન કિશને તેમનો કૅચ છોડ્યો. ભારત આ મૅચમાં જીતની આટલી નજીક પહોંચી ગયું હતું, ત્યારે ઇશાન કિશને ડ્રૉપ કરેલા કૅચના કારણે હાર્દિક પંડ્યાને ગુસ્સો આવ્યો હતો. એક રીતે જોવામાં આવે તો આ બહુ સરળ કૅચ હતો જે ઈશાને પકડી લેવો જોઈતો હતો, પરંતુ કૅચ સરકી ગયો અને શાહીન આફ્રિદી બચી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર પછી હાર્દિક પંડ્યાએ 18મી ઓવરનો બીજો બૉલ ફેંક્યો. આ કૅચને લૉંગ ઑન પર કુલદીપ યાદવે ડ્રૉપ કર્યો અને સિક્સ જતી રહી. આના કારણે હાર્દિક ગુસ્સામાં જોવા મળ્યા હતા, કારણ કે બે બૉલની અંદર ભારતીય બૉલરોએ બે કૅચ છોડ્યા હતા.
હાર્દિક પંડ્યા કુલદીપ, ઈશાનથી નારાજ
18મી ઓવરના બીજા બૉલ પર શાહીન આફ્રિદીએ પુલ શૉટ માર્યો હતો જે છેક બાઉન્ડરી સુધી ગયો હતો. કુલદીપ યાદવ તે વખતે લૉંગ ઑન પર સીમા રેખા પર ઊભા હતા. કુલદીપ આ કૅચ પકડી ન શક્યા અને બૉલ બાઉન્ડરીની બહાર ગયો અને પાકિસ્તાનને છ રન મળી ગયા.
કુલદીપ યાદવે જ્યારે કૅચ છોડ્યો ત્યારે હાર્દિકના ચહેરા પણ ભારે તણાવ અને નારાજગી હતાં. તેમણે કુલદીપ અને ઈશાન કિશન સામે હાથ વડે ઇશારો કર્યો અને ગુસ્સામાં જણાતા હતા. ત્યાર પછી તેમણે ઓવરના છેલ્લા બૉલ પર તારિકને ક્લિન બૉલ્ડ કર્યા અને આ સાથે જ મૅચનો અંત આવ્યો હતો. શાહીન આફ્રિદી બીજા છેડે 23 રન પર નોટ આઉટ રહી ગયા હતા.
આ અગાઉ શાહીન આફ્રીદી આક્રમક બેટિંગ કરતા હતા અને ભારત માટે તેમને આઉટ કરવા બહુ જરૂરી હતા, જેમ કે 17મી ઓવરના પહેલા અને ત્રીજા બૉલ પર શાહીન આફ્રીદીએ રિંકુસિંહની બૉલિંગમાં બે ચોગ્ગા ફટકારી દીધા હતા.
બેટિંગમાં કોણ છવાઈ ગયું?
શાહીન આફ્રિદીએ 19 બૉલમાં 23 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતા.
આ ઉપરાંત વિકેટકીપર ઉસ્માન ખાને સૌથી વધુ 44 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને એક સિક્સ સામેલ હતી. ઓપનર સઈમ અયૂબે માત્ર બે બૉલનો સામનો કર્યો જેમાં એક સિક્સર ફટકારી અને બીજા બૉલ પર આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાન તરફથી ઇનિંગમાં કુલ ત્રણ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે 12 ચોગ્ગા લાગ્યા હતા.
તેની સામે ભારતની તુલના કરવામાં આવે તો ભારત તરફથી ઓપનર ઈશાન કિશને સૌથી વધુ ત્રણ સિક્સ મારી હતી. આ ઉપરાંત તિલક વર્મા, શિવમ દુબે અને રિંકુસિંહે પણ એક-એક સિક્સ ફટકારી હતી. ભારતે કુલ છ છગ્ગા ફટકાર્યા હતા.
ભારતીય બૅટ્સમૅનોએ કુલ 19 ચોગ્ગા ફટકાર્યા હતા જેમાંથી એકલા ઈશાન કિશને 10 ચોગ્ગા માર્યા હતા. ઈશાન કિશનની 40 બૉલમાં 77 રનની ઝંઝાવતી ઇનિંગ એ આ મૅચનું મુખ્ય આકર્ષણ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન