You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અતીક-અશરફ હત્યાકાંડ: લવલેશ, સની અને અરુણ મૌર્યની ગુનાહિત કુંડળી શું છે?
- લેેખક, અનંત ઝણાણે
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
પૂર્વ સાંસદ અને માફિયા ડૉન અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ અહમદની શનિવારે સાંજે થયેલી સનસનાટીપૂર્ણ હત્યા બાદ પ્રયાગરાજ સહિત યુપીના તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
બંને ભાઈઓના મૃતદેહને કડક સુરક્ષાવ્યવસ્થા વચ્ચે પ્રયાગરાજ (અલાહાબાદ)ના કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન યુપી પોલીસ અતીક અહમદના બંને સગીર પુત્રોને લઈને કબ્રસ્તાનમાં પહોંચી હતી. રેકૉર્ડ થયેલા વીડિયોમાં બંને પુત્રો કાળાં કપડાં પહેરેલા જોવા મળ્યા હતા.
કસારી-મસારી કબ્રસ્તાનમાં કબર ખોદવાની પ્રક્રિયા રવિવાર સવારથી ચાલી રહી હતી, પરંતુ અતીક અહમદ અને તેમના ભાઈની દફનવિધિની પ્રક્રિયા મોડી સાંજે પૂર્ણ થઈ હતી.
પ્રયાગરાજ સહિત અન્ય જિલ્લાઓમાં કેવો છે માહોલ
આ હત્યાકાંડ બાદ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા ફ્લૅગ માર્ચ કાઢવામાં આવી રહી છે.
જેમાં મઉ, ફરુખાબાદ, ગાઝિયાબાદ અને ગોરખપુર જેવા જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લૅગ માર્ચ કરવાનું સામેલ છે.
ટીવી ચેનલો પર પ્રસારિત થયેલા અહેવાલો અનુસાર, આ ઘટનાને અંજામ આપનારા હુમલાખોરોના ઘરોની શેરીઓ સીલ કરવામાં આવી રહી છે.
જેમાં હુમલાખોર સનીના ઘરની બહાર તહેનાત પોલીસનો વીડિયો પણ સામે આવી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રયાગરાજમાં જ્યાં આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે, ત્યાં લોકો તેમના ઘરની બહાર જવાનું ટાળતા જોવા મળી રહ્યા હતા. કેટલાક અહેવાલો અનુસાર, પ્રયાગરાજમાં આગામી બે દિવસ સુધી ઇન્ટરનેટ બંધ રહેશે.
આ સનસનાટીભરી હત્યાનો વીડિયો માત્ર પ્રયાગરાજમાં જ નહીં, પરંતુ હવે દેશ-વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે.
આ કેસમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, હુમલાખોર લવલેશ, સની અને અરુણ- ત્રણેય “અતીક અને અશરફની ગૅન્ગનો સફાયો કરીને પ્રદેશમાં પોતાનું નામ બનાવવા માગતા હતા.”
લવલેશ તિવારીનો ગુનાહિત ઇતિહાસ
બીબીસીએ જિલ્લા પોલીસ અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો અને જાણવા મળ્યું હતું કે, બાંદાના 22 વર્ષીય લવલેશ તિવારી વિરુદ્ધ ચાર કેસ છે.
ત્રણ કેસ મારપીટના છે અને એક યુવતીની છેડતીનો છે. લવલેશના પિતા યુગકુમાર તિવારીએ પણ સ્થાનિક મીડિયા સાથે વાત કરતી વખતે આ ગુનાહિત મામલાઓનો ઉલ્લેખ કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, લવલેશ ડ્રગ્સ ઍડિક્ટ છે અને પોતાના પરિવારથી અલગ થઈ ગયો છે.
અગાઉના તમામ કેસોમાં લવલેશ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને તે તમામ કેસમાં જામીન પર જેલની બહાર છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ચારમાંથી કોઈ પણ કેસમાં લવલેશ પાસેથી અગાઉ કોઈ હથિયાર મળી આવ્યાં નથી.
સની સિંહનો ગુનાહિત ઇતિહાસ
દ્વિતીય ગુનેગાર 23 વર્ષીય પુરાના ઉર્ફે સની સિંહ હમીરપુરનો રહેવાસી છે. સની સામે કુલ 14 કેસ છે.
જેમાં આર્મ્સ ઍક્ટ, લૂંટ, ગૅંગસ્ટર ઍક્ટ અને ગુંડા ઍક્ટ જેવી ગંભીર કલમો સામેલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તે જામીન પર હતો પરંતુ ત્યારબાદ ફરાર હતો.
સની 2022થી ગુમ હતો અને તે પશ્ચિમ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં સક્રિય સુંદર ભાટી ગૅંગમાં જોડાયો હોવાનું કહેવાય છે.
સુંદર ભાટી ગૅંગ વિરુદ્ધ નોઇડા અને ગાઝિયાબાદમાં ઘણા કેસ નોંધાયેલા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તે તમામ 14 કેસોમાં ચાર્જશીટમાં છે અને 2021માં જામીન પર છૂટ્યો હતો અને દેખરેખ હેઠળ હતો, પરંતુ પાછો આવ્યો ન હતો.
અતીક અહમદ હત્યાકાંડ: ઘટનાક્રમ
- શનિવારે રાત્રે પોલીસ નિયમિત હેલ્થ ચેકઅપ માટે અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ અહમદને હૉસ્પિટલ લઈ ગઈ હતી.
- હૉસ્પિટલની બહાર જ મીડિયા કર્મીઓએ તેમને રોકીને સવાલ-જવાબ કર્યા, તે જ સમયે હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.
- હુમલામાં અતીક અહમદ અને અશરફ અહમદનું મૃત્યુ થયું છે. એક કૉન્સ્ટેબલ અને એક પત્રકાર પણ ઇજાગ્રસ્ત થયા છે.
- ત્રણેય હુમલાખોરોએ પિસ્તોલ ફેંકીને સરેન્ડર કર્યું હતું, પોલીસે તેમની ધરપકડ કરી છે.
- ઘટના બાદ સમગ્ર પ્રદેશમાં ધારા 144 લાગૂ કરવામાં આવી છે અને હાઈઍલર્ટ જારી કરાયું છે.
- વિપક્ષી નેતાઓએ પ્રદેશમાં કાયદા વ્યવસ્થાના મુદ્દે યોગી સરકારને ઘેરી છે અને સમગ્ર ઘટનાક્રમ પર સવાલો કર્યા છે.
- રવિવારે ત્રણેય હુમલાખોરોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
- અતીક અહમદ અને અશરફ અહમદના મૃતદેહનું પૉસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને ત્યારબાદ દફનાવવામાં આવ્યા છે.
- યુપી સરકારે સમગ્ર મામલે ન્યાયિક તપાસ માટે એક સમિતિની રચના પણ કરી છે.
અરુણકુમાર મૌર્ય કોણ છે?
બીબીસીએ કાસગંજના 18 વર્ષીય ગુનેગાર અરુણકુમાર મૌર્ય વિશે પણ માહિતી મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ કાસગંજ પોલીસનું કહેવું છે કે, અરુણ મૌર્ય સામે કાસગંજમાં કોઈ પણ ગુનાહિત કેસ નોંધાયેલા નથી.
પોલીસે એ પણ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા છ મહિનાથી કાસગંજમાં રહેતા ન હતા. આ દરમિયાન તેઓ હરિયાણાના પાણીપતમાં રહેતા હતા.
પોલીસ કાસગંજના કાતરવાડીમાં રહેતા તેમના પરિવાર પાસે પણ પહોંચી ગઈ છે.
ગામના પ્રમુખના જણાવ્યા અનુસાર, અરુણ મૌર્ય ત્રણ ભાઈઓમાંથી સૌથી નાનો છે અને તેમના બે ભાઈ દિલ્હીમાં ભંગારનું કામ કરે છે.
ગામના મપ્રમુખ વિકાસકુમાર ચૌહાણે સ્થાનિક મીડિયાને કહ્યું હતું કે, અરુણનાં માતા-પિતાનું નિધન થઈ ગયું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, અરુણ મૌર્ય પાણીપતમાં પોતાના દાદા અને કાકા સાથે રહેતો હતો. એક અઠવાડિયા પહેલાં પણ તે પાણીપતમાં હતો.
અરુણ મૌર્યની 4 ફેબ્રુઆરી 2022ના રોજ પાણીપત પોલીસે ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી. બીબીસીએ આ મામલે પાણીપતમાં નોંધાયેલી એફઆઈઆરની કૉપી જોઈ છે.
આ એફઆઈઆર અનુસાર, પોલીસે બાતમીદારની માહિતી પર અરુણની દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી.