You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા- ન્યૂઝ અપડેટ
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.
દિલ્હીના કથિત શરાબનીતિ કૌભાંડ મામલામાં સીબીઆઈ દ્વારા થયેલી ધરપકડને પડકારતાં તેમણે જામીન માટે બે અરજી દાખલ કરવામાં આવી હતી.
5 સપ્ટેમ્બરે તેના પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.
કેજરીવાલની કથિત શરાબનીતિ ગોટાળાના મામલામાં ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
પરંતુ કસ્ટડીમાં જ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને ફરી ધરપકડ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ઇડી કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા પરંતુ તેઓ જેલમાંથી બહાર આવી શક્યા ન હતા, કારણ કે એ પહેલાં જ તેમની સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી.
તેની સામે અરવિંદ કેજરીવાલે 5 ઑગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ત્યાંથી તેમને રાહત મળી ન હતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.
દિલ્હી સરકારની 2021-22ની શરાબનીતિમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. જોકે, હવે આ પૉલિસી રદ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસમાં ઇડીએ અલગથી અરવિંદ કેજરીવાલ સામે મની લૉન્ડરિંગનો કેસ નોંધ્યો હતો અને આ વર્ષે 21 માર્ચે તેમની ધરપકડ કરી હતી.
તેમને લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે 21 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા.
રાજકોટમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકોએ સાથે ગણપતિની આરતી ઉતારી
તાજેતરમાં સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર થયેલી પથ્થરમારાની ઘટના બાદ રાજકોટથી શાંતિ અને સદ્ભાવનો સંદેશ આપતી તસવીરો આવી છે.
બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી માહિતી અનુસાર, રાજકોટમાં સૌથી જૂના ગણાતા ‘ત્રિકોણબાગ કા રાજા’ ગણપતિ પંડાલમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોએ સાથે મળીને આરતી ઉતારી હતી.
સદર જમાતના પ્રમુખ હબીબ કટારિયાએ કહ્યું હતું કે, “રાજકોટમાં થતા આ ગણપતિ ઉત્સવમાં અમે છેલ્લાં 26 વર્ષથી સામેલ થઈએ છીએ. અમે દરેક તહેવારો સાથે મળીને ઊજવીએ છીએ. સોમવારે ઇદેમિલાદ્દેઉન્નબીનું જુલૂસ નીકળશે તેમાં પણ હિન્દુભાઈઓ સામેલ થશે.”
સુરતની ઘટના અંગે તેમણે કહ્યું હતું કે ગમે તે ધર્મની વ્યક્તિ હોય આવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ.
ત્રિકોણબાગ કા રાજા ગણપતિ ઉત્સવના આયોજક જિમી અડવાણીએ કહ્યું હતું કે, “આજે અમારી આ સંસ્થાને 26 વર્ષ થયાં છે. ગુજરાતમાં કેટલાક લોકો કોમી એકતાને નાબૂદ કરવાની અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે તિરાડ પાડવાની કોશિશ કરી રહ્યા છે તેની સામે અમે આજે મુસ્લિમ સમુદાયના લોકોને નિમંત્રણ આપ્યું હતું. અને સૌએ સાથે મળીને દેશમાં શાંતિ માટે પ્રાર્થના કરી હતી.”
કમલા હૅરિસ સાથે બીજી ડિબેટ કરવાનો ટ્રમ્પે કર્યો ઇનકાર
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી પહેલા ડેમૉક્રેટિક પાર્ટીનાં હરીફ ઉમેદવાર કમલા હેરિસ સાથે બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજવાની શક્યતાને નકારી કાઢી છે.
બે દિવસ પહેલાં જ બંને વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ એ પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં થઈ હતી.
ટ્રમ્પે કહ્યું કે તેઓ સ્પષ્ટપણે આ ચર્ચા જીતી ગયા છે, તેથી કમલા ફરીથી ચર્ચા કરવા માગે છે.
જોકે, મંગળવારની ચર્ચા પછી તરત જ હાથ ધરવામાં આવેલા કેટલાક સર્વે દર્શાવે છે કે મતદારોને લાગ્યું છે કે કમલા હૅરિસે ટ્રમ્પ કરતાં આ ડિબેટમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
ટ્રમ્પે કહ્યું હતું કે ડિબેટના બદલે હૅરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
નૉર્થ કૅરોલિનામાં ચૂંટણીપ્રચાર માટેની રેલી પછી તરત જ હૅરિસે કહ્યું હતું કે મતદારો માટે તેમના ઉપર હજુ એક ડિબેટની જવાબદારી છે.
ઓપિનિયન પોલ દર્શાવે છે કે બંને ઉમેદવારો વચ્ચે બહુ ઓછો તફાવત છે અને રસાકસીની લડાઈ છે.
મંગળવારે એબીસી ન્યૂઝ પર 90 મિનિટની ચર્ચા બાદ બંને ઉમેદવારોએ આ ડિબેટમાં પોતપોતાની જીતનો દાવો કર્યો હતો. આ ડિબેટમાં કમલા હૅરિસે ટ્રમ્પને પોતાના સવાલોથી ઘેર્યા હતા અને ડીફેન્સિવ થવા મજબૂર કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન